તુલસી એક એવો છોડ છે જે તમને દરેકના ઘરમાં જોવા મળશે. તુલસીનો છોડ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તુલસી ખાસી/ઉધરસ, શરદી, તાવ જેવી અનેક બીમારીમાં ઉપયોગી છે. તો આજે અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરના કુંડામાં કે પછી ગ્રૉ બેગમાં તેને ઊગાડી શકો છો.
ગુરુગ્રામ ખાતે રહેતી રુચિકાએ જણાવ્યું કે કોઈના ઘરે તુલસીનો છોડ ન હોય તો તેઓ કેવી રીતે તેને ઊગાડી શકે છે? રુચિકા કહે છે કે તુલસી બે પ્રકારની હોય છે, રામ તુલસી અને શ્યામ તુલસી. શ્યામ તુલસીના પાંદડા જાંબલી હોય છે અને તે ખૂબ જ ગુણકારી હોય છે. જોકે, સામાન્ય રામ તુલસી પણ લાભકારી છે. આથી તમને જે પણ મળી જાય તેને તમારા ઘરમાં અવશ્ય ઊગાડો.
તુલસી ઊગાડવા માટે શું શું જોઈએ:
બી અથવા તુલસી કટિંગ
રોપા તૈયાર કરવા માટે નાનો પેપર કપ અથવા કોઈ પણ નાનો ડબ્બો
માટી, રેતી, કોકોપીટ, ખાતર
કુંડુ/ ગ્રૉ બેગ

તુલસીનો છોડ ક્યારે લગાવવો જોઈએ:
આમ તો તુલસી બારેમાસ થાય છે પરંતુ તેને ઊગાડવાનો સાચો સમય વરસાદની ઋતુ છે. જૂન-જુલાઇ પછી વરસાદ શરૂ થાય છે, ત્યારે તુલસીના છોડ તૈયાર કરવા જોઈએ. તાપમાનની વાત કરીએ તો 20થી 30 ડીગ્રી વચ્ચે તાપમાન હોય ત્યારે તુલસીના છોડ લગાવી શકાય છે.
રોપા કેવી રીતે તૈયાર કરશો:
રુચિકા છોડ/સેપ્લિંગ તૈયાર કરવા માટે બે રીત જણાવે છે. એક કટિંગથી અને બીજી બીજમાંથી.
કટિંગથી તુલસી ઊગાડવી:
આ માટે તમે કોઈ પણ કટિંગ લઈ શકો છો પરંતુ તેમાં નોડ્સ હોય તે જરૂરી છે.
નોડ્સના નીચેના ભાગના તમામ પાંદડા તોડી નાખો.
જે બાદમાં તમે કોઈ પણ પ્લાસ્ટિક કપ અથવા ડબ્બામાં ભરીને તમે એ કટિંગને લગાવી દો.
તમારે દરરોજ આ પાણીને બદલવાનું છે, આશરે 15 દિવસમાં આ કટિંગમાં મૂળ દેખાવા લાગશે.
જે બાદમાં તમે તેને માટીમાં એટલે કે કુંડામાં વાવી શકો છો.
બીમાંથી રોપ તૈયાર કરવો:

રુચિકા કહે છે કે, “મને સૌથી સારી રીત બીમાંથી રોપા તૈયાર કરવાની લાગે છે. તમે જોયું હશે કે તુલસીનો છોડ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેમાં ઉપર બીજ દેખાવા લાગે છે. તમે આ બીજને તોડીને તેને હાથથી થોડા મસળશો તો અંદરથી બીજ નીકળી આવશે. આનાથી જ તમે તુલસીના છોડ તૈયાર કરી શકો છે.”
સૌથી પહેલા તમે નાના પ્લાસ્ટિકના કપ કે પછી નાના કુંડામાં કોકોપીટ અને ખાતર ભેળવીને મિશ્રણ તૈયાર કરી લો.
બાદમાં તેમાં તુલસીના બી નાખી દો. તેના પર થોડો કોકોપીટ પણ નાખો.
આ દરમિયાન ઉપર થોડું થોડું પાણી છાંટતા રહો.
રુચિકા કહે છે કે તમે ઇચ્છો તો પછી તેને કોઈ પ્લાસ્ટિકની થેલી કે પછી કપડાથી ઢાંકીને રાખી શકો છો. જેનાથી તમારે વારેવારે પાણી આપવાની જરૂર નહીં રહે. અંદાજે એક અઠવાડિયામાં બીજ ફૂટી નીકળશે.

બીજ અંકુરિત થયા બાદ તેને થોડા મોટા થવા દો.
છોડ જ્યારે 10થી 12 ઇંચનો થાય ત્યાર બાદ તમે તેને બીજા કુંડામાં વાવી શકો છો.
છોડ વાવવા માટે મધ્યમ સાઈઝનું કુંડું લો.
છોડ વાવવા માટે માટી, રેતી, કોકોપીટ અને ખાતર લઈ શકો છો.
એક કુંડામાં એક જ તુલસીનો છોડ લગાવો. છોડને અન્ય કુંડામાં ખસેડ્યા બાદ તેને એક દિવસ સુધી સૂર્ય પ્રકારમાં રહેવા દો.
તુલસીના છોડને લગભગ દિવસમાં ચારથી પાંચ કલાક સૂર્ય પ્રકાશની જરૂર રહે છે. આથી તેને એવી જ જગ્યા પર રાખો જ્યાં તડકો આવતો હોય. છોડ મોટો થાય એટલે તેનું પ્રૂનિંગ (Pruning) કરતા રહો જેનાથી છોડ ફેલાશે અને તેના પત્તા પણ મોટા થશે.
છોડની દેખરેખ માટે રુચિકા કહે છે કે તુલસીના છોડને વધારે કાળજીની જરૂર નથી પડતી. આ અન્ય છોડની જેમ જ ઉછરે છે. પરંતુ ખૂબ ઠંડી કે વધારે પડતી ગરમી હોય તો તમારે ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન તમે છોડને કોઈ કપડાંથી ઢાંકી શકો છો. છોડ પર જંતુનાશક સ્પ્રે કરવાની જરૂર પડે તો તેના માટે તમે લીમડાનું તેલ, ડિશવૉશ લિક્વિડ પાણીમાં મિક્સ કરીને છાંટી શકો છો.

યાદ રાખો કે સાંજના સમયે જ છોડ પર આ મિશ્રમનો છંટકાવ કરવો. સવારે તેને પાણી આપી દેવું. સાથે સાથે છોડને પણ ધોઈ લેવો.
બીજા છોડની જેમ થોડાં થોડાં સમયે તમે તુલસીની છોડની માટી ઉપર નીચે કરી શકો છો અને ખાતર આપી શકો છો.
રુચિકા કહે છે કે જો તમે શાકભાજી ઊગાડો છો તો વચ્ચે તુલસીનો છોડ ઊગાડી શકો છો. કારણ કે આ છોડ અન્ય છોડને પેસ્ટ અટેકથી બચાવવામાં મદદ કરશે. તો રાહ શેની જુઓ છો? ઝડપથી તમારી નજીકની નર્સરીમાં પહોંચી જાઓ અને તુલસીના છોડને પોતાના ઘરે લાવો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: માથાકૂટ વગર આમ ઘરે જ ઉગાડી શકો છો મીઠો લીમડો, સરળ છે રીત