કોરોના રોગચાળાને કારણે લોકોમાં માનસિક તણાવ ઘણો વધી ગયો છે, જેના કારણે સ્વાભાવિક રીતે અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. આ દરમિયાન, ઘણા લોકોએ પોતાને વ્યસ્ત રાખવા અને તણાવથી બચવા માટે ઘરે બાગકામનો માર્ગ પસંદ કર્યો છે.
આજે અમે તમને આવા જ કેટલાક છોડ વિશે જણાવીશું, જેને ઘરમાં લગાવવાથી તમે એક અલગ જ ખુશી અને તાજગીનો અનુભવ કરશો અને તમારા જીવનમાંથી તમામ તણાવ દૂર થઈ જશે.
આ અંગે ભોપાલમાં ટેરેસ ગાર્ડનિંગ કરતા શિરીષ શર્મા કહે છે, “સ્ટ્રેસ રિલિફ માટે હંમેશા એવા છોડ પસંદ કરો, જે વધુ ઓક્સિજન છોડે છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોવી સાથે જ સારી સુગંધ અને સુંદરતા ધરાવે છે. તેના સિવાય, એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે છોડ ઉગાડવામાં અને સંભાળ રાખવામાં સરળ હોય.”
નીચે, શિરીષ એવા કેટલાક છોડના નામ સૂચવી રહ્યા છે, જે ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
1. તુલસી
તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ખાંસી, શરદી, તાવ જેવા અનેક રોગોમાં અસરકારક છે.
શિરીષ જણાવે છે, “આ એક એવો છોડ છે જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.”
તે જણાવે છે કે જો તમે તેને શિયાળામાં રોપવા માંગતા હો, તો બીજને બદલે સીધો છોડ લગાવો. આનાથી છોડ ઝડપથી વધે છે અને તમારે વધારે કાળજી લેવાની જરૂર રહેતી નથી.
તે જણાવે છે કે શિયાળામાં વધુ પડતી ઝાકળને કારણે છોડને વધવામાં ઘણી મુશ્કેલી પડે છે અને તેના પાંદડા ખરવા લાગે છે. તેથી, તેને કપડાથી ઢાંકી દો અથવા તેને એવા કુંડા લગાવો, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી રાખી શકાય.
તે કહે છે કે તુલસીને દિવસ દરમિયાન સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળવા દો અને રાત્રે તેને ઝાકળથી બચાવવા માટે તેને એવી જગ્યાએ રાખો જ્યાં તાપમાન સામાન્ય રહેતું હોય.

આ પણ વાંચો: ઘરે વાવ્યા 60 પ્રકારનાં ફૂલો, 1000+ છોડ, જાણો કેવી રીતે કરે છે દરેક ખૂણાનો ઉપયોગ
2. એલોવેરા (કુવારપાઠુ)
એલોવેરા પણ હવાને શુદ્ધ કરવા માટે જાણીતું છે. ઉપરાંત, તેના ઔષધીય ગુણોને કારણે, તે ત્વચા અને વાળની સંભાળથી લઈને પથરી અને ડાયાબિટીસ જેવા ઘણા રોગોમાં અસરકારક છે.
શિરીષ કહે છે કે, કુંવારપાઠાના વાવેતર માટે 60 ટકા બગીચાની માટી, 20 ટકા રેતી અને 20 ટકા વર્મી કમ્પોસ્ટ અથવા છાણીયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
તેઓ જણાવે છે કે એલોવેરા લગાવવા માટે હંમેશા માટી કે ભીની માટી ટાળવી જોઈએ. અઠવાડિયામાં એકવાર તેને પાણી આપવું પૂરતું છે.

3. મોગરો
શિરીષ જણાવે છે કે મોગરાના ફૂલ તેની સુગંધ માટે જાણીતા છે. તેને ઘરની બારી પાસે રાખો, જ્યારે પવન ફૂંકાય છે ત્યારે તેની સુગંધ આખા ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવી દેશે.
તેઓ જણાવે છે કે મોગરાના વાવેતર માટે જાન્યુઆરીથી માર્ચ શ્રેષ્ઠ મોસમ છે. તમે તેને લતા તરીકે અને વૃક્ષ તરીકે બંને રોપણી કરી શકો છો. આ માટે કટીંગ શ્રેષ્ઠ છે. તમે નર્સરીમાંથી સીધા છોડ પણ ખરીદી શકો છો.
આમાં દર બે મહિને ખાતર આપવું જોઈએ અને જ્યારે માટી સૂકી થઈ જાય ત્યારે જ પિયત આપવું જોઈએ. કુંડામાં વધુ પડતું પાણી છોડને નુકસાન પહોંચાડશે.

આ પણ વાંચો: દાદીએ શરૂ કર્યું હતું ‘ગાર્ડનિંગ’, પૌત્રએ બનાવી દીધો લાખોનો ધંધો
4. ફુદીનો
શિરીષ કહે છે, “ફૂદીનાની સુગંધ ખૂબ જ તાજગી ભરેલી હોય છે. આ ઉપરાંત તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. આના ચાર-પાંચ પાનને આદુ અને લીંબુ સાથે ઉકાળીને સૂતા સમયે પીવો, તમારો સંપૂર્ણ થાક દૂર થઈ જશે.”
તે જણાવે છે કે શિયાળામાં ફુદીનો રોપવો સૌથી સરળ છે. તે હવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે. ઉપરના પાંદડાને કાપીને એક કુંડામાં રોપશો, થોડા દિવસોમાં તે તૈયાર થઈ જશે અને ખૂબ ફેલાવા લાગશે. જે પછી તમે તેને અલગ-અલગ કુંડામાં રોપી શકો છો.
તેઓ જણાવે છે કે એકવાર ફુદીનો લગાવ્યા પછી તે વર્ષો સુધી ચાલુ રહે છે. જો કે, તેને એવી જગ્યાએ રોપવો જોઈએ જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો ન હોય.
માટી તરીકે, 50 ટકા રેતી અને 50 ટકા વર્મી કમ્પોસ્ટ અથવા ગાયના છાણનો ઉપયોગ કરી શકાય છે.

5. જર્બેરાનો છોડ
શિરીષ જણાવે છે કે જર્બેરાની સુગંધ ખૂબ જ તેજ હોય છે. તે એક સુશોભન છોડ છે અને તેનો ઉપયોગ ફૂલોનાં બુકેમાં થાય છે. તેમનું કહેવું છે કે તેના ફૂલ 15-20 દિવસ સુધી ચાલે છે અને તેને ઘરમાં લગાવવાથી વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે.

6. કૃષ્ણ કમલ
શિરીષ જણાવે છે કે કૃષ્ણ કમળને રાખી ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુગંધ તમારા ઘરને બાગ-બાગ બનાવી દેશે. કૃષ્ણ કમળ જાંબલી, લાલ, સફેદ જેવા અનેક રંગોના હોય છે.
તેઓ કહે છે કે તે આખા વર્ષ દરમિયાન ખીલે છે. તેને લગાવવા માટે, 50-60% માટી, 20% રેતી અને ખાતરનો ઉપયોગ કરો. વાવણી માટે 12 ઇંચના કુંડાનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: અમદાવાદી ટીચર અને બિઝનેસ વુમન બની સફળ ગાર્ડનર, એક પણ શાક નથી લાવવું પડતું બજારથી
7. ચંપા
શિરીષ કહે છે કે ચંપાનું વૃક્ષ ઘણું મોટું થાય છે અને તે મૂળરૂપે જમીન ઉપર લાગતુ ફૂલ છે. આમ તો નર્સરીમાં તેના પોટેડ પ્લાન્ટ પણ ઉપલબ્ધ હોય છે. આ છોડ માત્ર 2-3 ફૂટ જ વધે છે અને આખા વર્ષ દરમિયાન ફૂલોથી ભરેલો રહે છે.
ચંપાનું ફૂલ ઘણું સુંધર હોવાની સાથે તેની સુગંધ પણ અદ્ભુત હોય છે. વાવેતર માટે, બગીચાની માટી, ખાતર અને રેતીનો સમાન પ્રમાણમાં ઉપયોગ કરો.
તેઓ કહે છે કે તે પાનખર ઋતુ સિવાય આખું વર્ષ ખીલે છે. તેને નિયમિતપણે કાપતા રહો, જેથી નવી ડાળીઓ નીકળે અને છોડને બને તેટલા વધુમાં વધુ ફૂલ આવે.

8. રાતરાણી
શિરીષ જણાવે છે કે ‘રાત રાણી’નું ફૂલ ચંપા જેવું જ હોય છે. તે ઘણી માત્રામાં ઓક્સિજન છોડે છે. તેને ઝાડની જેમ વાવવાની સાથે વેલા તરીકે પણ ઉગાડી શકાય છે. રાતરાણીનું ફૂલ સાંજથી સવાર સુધી ખીલે છે અને તેની સુગંધ તમને તાજગી આપશે. પારિજાતનું ફૂલ પણ આવું છે.

આ પણ વાંચો: 300 કરતાં વધારે છોડના ગાર્ડનિંગ સાથે 100 કરતાં વધારે પક્ષીઓએ સાચવે છે ગોંડલનો યુવાન
9. ZZ પામ
શિરીષ કહે છે કે તે કેક્ટસની પ્રજાતિનો છોડ છે. તેની વધુ કાળજી લેવાની જરૂર નથી અને સરળતાથી ઘરની અંદર પણ લગાવી શકાય છે.
તેમનું કહેવું છે કે, તેને લગાવવા માટે 40-60 ટકા રેતી, 10-20 ટકા ખાતર અને બાકીની માટીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે તેને 10 દિવસમાં એકવાર પાણી આપો છો, તો તે પૂરતું છે.
તેઓ જણાવે છે કે તેના પાંદડા મોટા-મોટા હોય છે અને તે ઘણો ઓક્સિજન છોડે છે.

10. પીસ લિલી પ્લાન્ટ
શિરીષ કહે છે કે પીસ લિલી એ ઘર અને ઓફિસમાં વાવવા માટેનો ખૂબ જ સામાન્ય ઇન્ડોર પ્લાન્ટ છે. તેના પાંદડા ચળકતા અને ઘેરા લીલા રંગના હોય છે અને તેના સફેદ રંગના ફૂલો કોઈને પણ મોહિત કરશે.
તેઓ કહે છે કે તે હવાને શુદ્ધ કરે છે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. જેઓ ગાર્ડનિંગમાં નવા છે તેઓ પણ સરળતાથી તેનું વાવેતર કરી શકે છે. તેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર હોય છે.
તો હવે રાહ કોની જુઓ છો, તમારે પણ તમારા ઘરમાં આ Stress Reliever Plants લગાવવા જોઈએ અને ઘરને સકારાત્મકતાથી ભરી દેવું જોઈએ.

હેપી ગાર્ડનિંગ!
સંપાદન: નિશા જનસારી
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
આ પણ વાંચો: Grow Pothos : ન તો માટી જોઈએ, ન તડકો, કોઈ પણ નખરા વગર આ છોડને ઉગાડવો છે સાવ સરળ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો