આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા આયુર્વેદિક ડૉક્ટરની કે જેમની ગાર્ડનિંગની રીત એકદમ અલગ જ છે. ભાગ્યે જ કોઈએ સાંભળી કે અમલમાં મૂકી હોય તેવી આ રીત વિશે ડૉક્ટર પ્રકાશભાઈ ચૌહાણે ધ બેટર ઇન્ડિયા સાથે વિસ્તૃતમાં વાત કરી.
પ્રકાશભાઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનામાં ડૉક્ટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. અને સાથે સાથે પોતે પ્રાકૃતિક ગાર્ડનિંગ બાબતે જાગૃકતા ફેલાવી લોકોને રસાયણ મુક્ત શાકભાજી તથા ઔષધીય પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છીએ.
સ્વાસ્થ્ય સુધાર માટે કરી ગાર્ડનિંગની શરૂઆત
પ્રકાશભાઈ જણાવે છે કે પોતે એક આયુર્વેદિક ડૉક્ટર હોવાના નાતે અત્યારના સમયમાં મળતી રસાયણ યુક્ત શાકભાજીની સામે જૈવિક શાકભાજી તેમ જ વિવિધ જૈવિક રીતે ઉગાડેલી વસ્તુઓના સેવનનો આગ્રહ રાખે છે. તેઓએ આ કારણે જ પોતે તથા પોતાની આસપાસ રહેતા ખેડૂતો ઉપરાંત દવાખાનાની મુલાકાત લેતા દર્દીઓને પણ ખુબ જ સ્પષ્ટ પણે જૈવિક રીતે બાગકામ કરીને પોતાના પરિવાર માટે ઘરે જ શાકભાજી, ફળ ફળાદી તેમ જ ઔષધીય પાક ઉગાડવા માટે હિમાયત કરે છે. આમ તેમને પોતાના તથા પોતે જે મકાનમાં રહે છે તે મકાન મલિકના પરિવારની સાથે કુલ છ લોકોની દૈનિક જરૂરિયાતને સંતોષવા માટે 20*80 વર્ગ ફૂટમાં ગાર્ડન બનાવ્યું છે.

અત્યારે આ ગાર્ડન દ્વારા અઠવાડિયામાં 5 દિવસની શાકભાજી મળી રહે છે જેમાં તુરીયા, ગલકા, કારેલા, રીંગણ, ભીંડા, ટામેટા, મરચા,ગુવાર, કોબીજ વગેરે નો સમાવેશ થાય છે. વેલા વાળા શાકભાજી તે માંડવા પધ્ધતિથી ઉગાડે છે. અને આ ગાર્ડન માટે છોડવાઓ કુંડામાં ન રોપીને સીધા જમીનમાં જ રોપે છે તે પહેલા તેમના પોષણ માટે જમીનમાં વર્મીકમ્પોસ્ટ તથા છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે.
દેશી બીજ શરૂઆતમાં તેઓ કેશોદ જૂનાગઢ ખાતે આવેલ શ્રૃષ્ટિ સેવા કેન્દ્ર ખાતેથી લાવેલા અને હવે તો પોતાની ઉત્પાદિત શાકભાજીઓમાંથી બીજને સૂકવીને ઉપયોગમાં લે છે.
નવાઈની વાત જો કોઈ જાણવા મળી હોય તો તે છે કે પ્રકાશભાઈ જીવામૃત તેમજ ગૌમૂત્રનો ઉપયોગ તો કરતા જ નથી પરંતુ એક અલગ રીતે છોડવાઓની સાર સંભાળ લે છે. અને પિયત તેઓ ડોલ દ્વારા આપે છે.

વૈદિક રીત પ્રમાણે બીજની માવજત
બીજની માવજત બાબતે પ્રકાશભાઈ જણાવે છે કે તેમના મિત્રની એક સલાહ મુજબ શિયાળુ શાકભાજીની વાવણી પહેલા તેના બીજનું વજન કરી શરદ પૂર્ણિમાની રાત્રે એક સફેદ કપડામાં ઢાંકી સવારે ઝાકળ પડે તે પહેલા લઇ લો અને તે પછી ફરી વજન કરી જે બીજના વજનમાં થોડો વધારો થયો હોય તે બીજને બગીચામાં વાવો.
છોડવાઓની સારસંભાળની રીત
છોડવાઓમાં જો ફૂલ ના બેસે કે વ્યવસ્થિત ઉત્પાદન ન આપતા હોય તો તેઓ મૂળની આસપાસ થોડું ખોદી તેમાં હિંગ તેમજ બે ત્રણ ચમચી દિવેલ પુરે છે. આ સિવાય ક્યારેક દિવેલા ખોળનો પણ ઉપયોગ કરે છે.
તુરીયાના વેલા થોડા સુકાવા લાગ્યા ત્યારે કોરોનાકાળમાં લીમડાના ગળોમાંથી સંશમની વટી , ગળો ઘનવટીનો ઉપયોગ થયો હતો તો તે જ ગળોને છોડના મૂળની આસપાસ ખોદીને પૂરતી તરીકે આપવામાં આવ્યું જે આગળ જતા તુરિયાના છોડમાં સારું એવું પરિણામ લાવ્યું.
તેઓ આગળ કહે છે અત્યાર સુધી તેમના બગીચામાં એવો કંઈ મોટો રોગ કે જીવાતનો ઉપદ્રવ લાગુ પડ્યો નથી પરંતુ દર વખતે તેમની વાવણીના 20 થી 30 ટકા છોડમાં આવતી જીવાત કે રોગ માટે કોઈ માવજત આપવામાં આવતી નથી અને તેને તેમ જ રહેવા દેવામાં આવે છે. પરંતુ તે કોઈ બીજા સ્વસ્થ્ય ભાગને નુકસાન ના કરે એટલે તેને કાપી દૂર પણ કરવામાં આવે છે.

છોડવાઓ સાથે સાધે છે આત્મિક સંવાદ
પ્રકાશભાઈનું સ્પષ્ટ પણે માનવું છે કે, “જો તમે કોઈ છોડની સાથે દરરોજ સમય વિતાવતા હોવ અને તેની સાથે મૌન આત્મિક સંવાદ કરતા હોવ તો તે છોડની વૃદ્ધિ સારી થાય છે તેમજ ઉત્પાદન વધે છે.”
ખેતી અને છોડ સાથે એવી રીતે જ વર્તો કે જેવી રીતે તમે તમારા પરિવાર પ્રત્યે લાગણી રાખો છો. તેઓ રોજ દરેક છોડ સાથે અંગત સમય ગાળે છે અને તેમની સાથે એક મૌન આત્મિક સંવાદ કરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે જેમાં તેઓ અંગત રીતે ખુબ શ્રદ્ધા ધરાવે છે તેના ઉદાહરણ રૂપે તેમને જણાવ્યું કે,”જ્યાંથી વૈજન્તીમાલાનો રોપો હું લાવ્યો તેમના ત્યાં 3-4 ફૂટથી વધુ નથી વધતો અને મારે ત્યાં હાલ તે રોપો 7 થી 8 ફૂટનો છે. આવી રીતે એક બીજો ભોંય રીંગણીનો રોપો 9 થી 10 ફૂટના બદલે 13 – 14 ફૂટે પહોંચી ગઈ છે. જે ખેડૂત પોતાની ખેતીમાં પણ આ અભિપ્રાય અને અનુભવ લે તો ચોક્કસ મને લાગે છે કંઈક સારી એવી અસર મળે જ છે.”

તેઓ આગળ જણાવે છે કે,”વૃક્ષોમાં પણ જીવ છે માટે તમારે તેની પાસે બેસી તેની શક્તિ વિશે તેને એક આત્મિક અનુભૂતિ કરાવો. તમે કોઈ પણ શાકભાજી કે પાકને ઉપયોગમાં લો તો તેને આગળના દિવસે જાણ કરો. ઔષધિ ઉપયોગમાં લો તે પહેલા તેને જણાવો કે આ હેતુ માટે તને ચુંટી રહ્યા છીએ તો તું વ્યવસ્થિત ઉપયોગમાં આવે તેવી પ્રાર્થના.
તેઓ ખુબ શ્રદ્ધા પૂર્વક માને છે કે જો કોઈ જીવને જાગ્રત કરી લઈએ તો એ પોતાની લડત પોતાની રીતે લડી જ લે છે. અને પોતાના બગીચામાં તે આ રીતે જ છોડવાઓને ઉછેરી રહ્યા છીએ.
છેલ્લે તેઓ એટલું જ કહે છે કે, જો તમારા ગાર્ડનમાં અન્ય જીવોના ખાવે માટે કોઈ વ્યવસ્થા નથી તો પછી ચોક્કસપણે એ તમારા ખાવાલાયક પણ નથી.
જો તમે પ્રકાશભાઈ સાથે સંપર્ક સાધીને આ બાબતે વધારે કંઈ માહિતી મેળવવા માંગતા હોવ તો તેમનો 9909789055 પર સમ્પર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતના 88 વર્ષના દાદાએ ઘરને બનાવી દીધુ જંગલ, પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.