નવાબોના શહેર લખનઉની વાત આવે એટલે ‘હસી લો, તમે લખનઉ છો!’ એ ડાયલૉગ યાદ આવી જાય, પરંતુ આજે અમે તમને આ શહેરના એક એવા ઘરની સફર કરાવી રહ્યા છીએ, જેને બહારથી પણ જોઇને મન પ્રફુલ્લિત થઈ જાય.
લખનઉમાં રહેતી વિદ્યા ભારતીયના ઘરની બાલ્કની હરિયાળીનું બીજું નામ છે. અહીં તમને દરેક પ્રકારના ફૂલ મળશે. વિદ્યાએ કોઈ નિષ્ણાતની જેમ પોતાના ઘરની બાલ્કનીને કુંડાઓથી સજાવી રાખી છે. વિદ્યાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે તેણીએ કોઈ લેન્ડસ્કેપક ડિઝાઇનર કે કોઈ માળીની મદદથી નહીં, પરંતુ જાતે જ 17 વર્ષની મહેનતથી પોતાના ઘરની બાલ્કનીને સજાવી રાખી છે. દરેક ઋતુમાં કોઈને કોઈ નવા ફૂલછોડ ઉગાડતી વિદ્યાના ઘરની બાલ્કનીથી લઈને છત સુધી તમને દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે.
વિદ્યાએ જણાવ્યું કે, “મારા ઘરમાં ફક્ત મને જ ફૂલઝાડનો આટલો બધો શોખ છે. હું જૂના છોડમાં કલમ કરીને નવા છોડ બનાવું છું. હું દરેક ખૂણામાં હરિયાળી હોય તે માટે કામ કરતી રહું છું.”

વિદ્યા પોતાના ફૂલછોડને પરિવારના સભ્યની જેમ રાખે છે. વિદ્યાએ પોતાના ઘરની બાલ્કનીને ખૂબ જ સુંદર રીતે ફૂલછોડથી સજાવી રાખી છે. આ માટે વિદ્યા કોઈની મદદ નથી લેતી. વિદ્યાને પોતાના કામમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના ફૂલછોડ પાસે પહોંચી જાય છે. તેણીનું માનવું છે કે પ્રકૃતિની નજીક રહીને તેને આનંદ અને શાંતિ મળે છે.
વિદ્યાએ કહ્યું, “ચારેતરફ હરિયાળી હોવાનો એક ફાયદો એ પણ છે કે તમને શુદ્ધ હવા મળે છે. આ ઉપરાંત વાતાવરણ પણ હકારાત્મક બને છે. મારા ઘરમાં અલગ અલગ ફૂલ, વેલ અને છોડ છે. હવે તો મને યાદ પણ નથી કે કેટલા છોડ કે ઝાડ છે. મારા અંદાજ પ્રમાણે 200થી વધારે હશે. આ તમામની દેખરેખ હું એકલી જ રાખું છું, મેં મારા કોઈ પણ ઝાડને સુકાવા નથી દીધું.”
વિદ્યા છોડ માટે કુંડા, પ્લાન્ટર્સ અને ખાતર પણ જાતે જ બનાવે છે. તેણી કહે છે કે તેનો પ્રયાસ રહે છે કે તેણીના ઘરમાંથી ઓછામાં ઓછો કચરો બહાર જાય. ખાસ કરીને ભીનો કચરો અને ઝાડના પાંદડા. આ તમામનો ઉપયોગ કરીને વિદ્યા ખાતર બનાવે છે. વિદ્યા ઘરે બનેલા ખાતરનો જ ઉપયોગ ફૂલછોડ માટે કરે છે. તેણીનો હંમેશા એવો પ્રયાસ રહે છે કે ગાર્ડનિંગ માટે બહારનો કોઈ ખર્ચ ન કરવો પડે.

વિદ્યા ઘરમાં પડેલી જૂની પ્લાસ્ટિક બોટલમાંથી પ્લાન્ટર્સ બનાવે છે. તેણીએ પ્લાસ્ટિકની બોટલથી ઘરની દીવાલ પર એક વર્ટીકલ બગીચો પણ બનાવ્યો છે. પોતાના ઘરમાં આવતા લોટ કે પછી તેલના ખાલી ડબ્બા કે કેનનો પણ તેણી પ્લાન્ટર્સ તરીકે ઉપયોગ કરે છે.
તેણી કહે છે કે, “ક્યારેક તો બાલ્કની હરિયાળીથી સાવ ઢંકાય જાય છે. તેની દેખરેખ કરવાનું કામ અઘરું છું. પરંતુ જ્યારે લોકો કહે છે કે તમારી બાલ્કની ખૂબ જ સુંદર છે ત્યારે સારું લાગે છે. આના કારણે જ અમારા ઘરમાં જાણે ચાર ચાંદ લાગેલા રહે છે. કોઈ પણ મહેમાન ઘરે આવે, તે એકવાર બાલ્કનીમાં જરૂરથી જાય છે. આપણે પ્રકૃતિથી આટલા નજીક હોવા ઉપરાંત લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે, આનાથી વધારે શું જોઈએ?”
વિદ્યાના ઘરમાં બાલ્કની, ટેરેસ ગાર્ડનથી લઈને વર્ટીકલ ગાર્ડન પણ છે. તેણી ફક્ત શોખ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને પણ ફૂલછોડ ઉગાડી રહી છે. તેણીનું કહેવું છે કે એક માતાએ આપણને જન્મ આપ્યો. બીજી ધરતી માતા છે જેની માટીમાં આપણે રમીને મોટા થયા છીએ. તેના ઝાડના છાંયામાં આપણને હરિયાળીનો અહેસાસ થાય છે.

વિદ્યા કહે છે કે, “આપણે તમામ લોકોએ વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. તમામ લોકોએ સાથે મળીને વૃક્ષો વાવવા જોઈએ. જેનાથી આપણી ધરતી માતાને પણ ખુશી થાય કે તેના સંતાઓને તેમને ભેટ આપી છે. તેની ગોદને હરિયાળી રાખવાની જવાબદારી આપણી છે.”
વિદ્યાએ આ ઋતુથી ઘરમાં શાકભાજી ઉગાડવાનું પણ શરૂ કર્યું છે. આ તેણીની ગાર્ડનિંગની નવી સફર છે, જેમાં સફળતા માટે તેણી તમામ પાસેથી શુભેચ્છા માંગી રહી છે. અમને આશા છે કે વિદ્યા શાકભાજી ઉગાડવામાં પણ સફળ રહેશે.
જો તમને પણ બાગકામ (ગાર્ડનિંગ)નો શોખ છે, અને તમે તમારા ઘર, કિચન, બાલ્કની કે ટેરેસને ગાર્ડન બનાવી રાખ્યું છે તો તમારા ગાર્ડનિંગનો અનુભવ અમને જણાવો. અમને hindi@thebetterindia.com પર તમારી કહાની અને તસવીરો મોકલી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો:માટી વગર પાણીમાં જ ઘરે સરળતાથી ઉગાડો ફૂદીનો, જાણો કેવી રીતે?