આજે અમે વાત કરી રહ્યા છીએ નવસારી જિલ્લાના નાનકડા ગામ હાંસાપુરની, જેઓ કચરામાંથી કાળુ સોનુ ઉત્પન્ન કરે છે અને તેનાથી તેમના ખેતરમાં ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે દર વર્ષે વધારાની આવક પણ મેળવે છે, અને તે પણ બહુ ઓછી મહેનતે.
આ બાબતે ધ બેટર ઈન્ડિયાએ વાત કરી ગામનાં જ એક બહેન હેમલત્તાબેન સાથે. આજથી 5 વર્ષ પહેલાં હેમલત્તાબેનનાં જેઠાણી જયાબેને આ આખી સફરની શરૂઆત કરી હતી અને ધીરે-ધીરે આમાં વધુને વધુ બહેનો જોડાતી ગઈ. કોરોનાની ગત લહેરમાં જયાબેનનું તો અવસાન થયું પરંતુ, અત્યારે તેમનું કામ હેમલત્તાબેન જ સંભાળી રહ્યાં છે.

આ બાબતે હેમલત્તાબેને ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમે લોકોએ ઑર્ગેનિક ખેતી કરવા માટે આ સેંદ્રિય ખાતર બનાવવાની શરૂઆત કરી હતી. આજથી 5-6 વર્ષ પહેલાં આત્મ પ્રોજેક્ટ અંતર્ગત અમિતાબેન અમારા ઘરે આવ્યા અને તેમણે અમને કઈ રીતે સેંદ્રિય ખાતર બનાવવું અને તેનાથી શું ફાયદો થઈ શકે છે એ અંગે જણાવ્યું. ત્યારબાદ તેમણે અમને અળસિયાંનું સેંદ્રિય ખાતર કેવી રીતે બનાવવું એ અંગેની ટ્રેનિંગ આપી. ત્યારબાદ અમને આ ખાતર બનાવવા માટે બે-બે બેડ પણ આપ્યા.”
આ જોઈ ગામની બીજી 12-15 મહિલાઓ પણ અમારી સાથે જોડાઈ અને તેમને પણ ફાર્મ ફર્સ્ટ મારફતે બે-બે બેડ આપવામાં આવ્યા, અત્યારે આ બધી જ બહેનો સેંદ્રિય ખાતર બનાવવા લાગી છે.
સેંદ્રિય ખાતર કેવી રીતે બનાવો છો તમે?
“અમે સૌપ્રથમ બેડમાં છાણનું લેયર બનાવીએ છીએ, ત્યારબાદ તેના પર લીલા લચરાનું લેયર બનાવીએ છીએ, જેમાં વેલા, લીલુ ઘાસ વગેરેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફરીથી છાણનું લેયર કરવામાં આવે છે અને તેના પર ફરીથી લીલા લચરાનું લેયર કરવામાં આવે છે. આ રીતે બેડ ભર્યા બાદ ઉપર અળસિયાં નાખવામાં આવે છે, જે ધીરે-ધીરે અંદર જતાં રહે છે. અને ત્યારબાદ ઉપર શણના કોથળા ઢાંકવામાં આવે છે. પહેલીવાર તો અળસિયાં મફતમાં આપ્યાં હતું, અને ખાતર બન્યા બાદ બાદ તેને ચાળી લેવાથી તે અળસિયાં ફરીથી કામ લાગે છે, પરંતુ જો બેડ વધારવા હોય તો, તેના માટે અમે અળસિયાં ખરીદીને લાવીએ છીએ.”

આ માટે ઊંચાણવાળી જગ્યા પસંદ કરવામાં આવે છે, જ્યાં પાણી ભરાતું ન હોય અને ઉપર શેડ બનાવવામાં આવે છે.. ત્યારબાદ અંદર સેંદ્રિય ખાતરનો બેડ બનાવ્યા બાદ અંતર માટી અને કાંકરાનું લેયર કર્યા બાદ છાણ અને લીલા કચરાનાં લેયર બનાવવામાં આવે છે. આ બેડને એકવાર બનાવ્યા બાદ રોજ ખાસ વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી. બસ નિયમિત આમાં જરૂર પૂરતું પાણી જ છાંટવાનું રહે છે.
અત્યારે હેમલત્તાબેનના ઘરે કુલ 13 બેડ છે. એક બેડમાં ખાતર બનતાં લગભગ 2 મહિનાનો સમય લાગે છે. આ ખાતર બની ગયા બાદ તેઓ તેમના ખેતરમાં તો ઉપયોગ કરે જ છે, સાથે-સાથે ગામના અને આસપાસના ગામના ખેડૂતો પણ તેમની પાસે ખાતર ખરીદવા માટે આવે છે. આ માટે તેઓ ખાતર બની જાય ત્યારબાદ 50 કિલોની બેગ જાતે જ તૈયાર કરે છે અને એક બેગ 250 રૂપિયાના ભાવે વેચે છે. તેમને એક બેડમાંથી 20-22 બેગ જેટલું ખાતર મળી રહે છે. એટલે એક બેડમાંથી દર બે મહિને તેમને લગભગ 3000 રૂપિયાની વધારાની આવક મળી રહે છે. તેઓ આ કામ આખા વર્ષ દરમિયાન કરતાં રહે છે.
આ બાબતે ગામનાં જ બીજાં એક મહિલા ઈલાબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “મારી પાસે 3 બેડ છે. હું છેલ્લા ત્રણ વર્ષથી સેંદ્રિય ખાતર બનાવું છું. તેનાથી મારા ખેતરના ઉત્પાદનમાં તો વધારો થયો જ છે સાથે-સાથે ગુણવત્તામાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત ત્રણ વર્ષમાં 50 હજાર કરતાં પણ વધુ રકમના ખાતરનું વેચાણ પણ કર્યું છે મેં.”
અત્યારે હાંસાપુર ગામની દરેક મહિલા વર્ષે 25-30 હજાર રૂપિયાનું ખાતર ઘરના ઉપયોગ બાદ વેચે છે. આ માટે તેઓ ઘરની પાછળની જગ્યામાં પણ કિચન ગાર્ડનિંગ કરે છે. જેથી તમને આખા વર્ષ દરમિયાન ઘર માટે ભાગ્યે જ શાકભાજી ખરીદવાની જરૂર પડે છે.

બીજી તરફ ચોમાસામાં વરસાદનું પાણી વહી ન જાય એ માટે તેમણે ખેત તલાવડી પણ બનાવી છે. આ પાણીનો ઉપયોગ તેઓ ખેતી માટે કરે છે. આ ઉપરાંત તેઓ આ તળાવમાંથી માછલી અને જીંગાનો ઉછેર કરી તેના દ્વારા પણ પૂરક આવક મેળવે છે.
એક સમયે જે મહિલાઓ માત્ર ઘરકામ અને રસોઈમાં જ વ્યસ્ત રહેતી હતી તેઓ આજે ઑર્ગેનિક ખેતી તો કરે જ છે, સાથે-સાથે આ રીતે વધારાની આવક પણ મેળવે છે. મહિલાઓની આ મહેનતના કારણે આજે ગામલોકો આત્મનિર્ભર બન્યા છે, તેમને બહુ ઓછી વસ્તુઓ બહારથી ખરીદવી પડે છે.
ભણેલી હોય કે અભણ, આજે આ મહિલાઓમાં એટલી જાગૃતિ આવી છે કે, કોઈપણ આવી ટ્રેનિંગ આવે તેઓ હોંશે-હોંશે જાય છે, અવનવું શીખે છે અને ખેતીની સાથે-સાથે પૂરક આવક મેળવવા માટે આવાં અવનવાં કાર્યો પણ કરે છે.
આ પણ વાંચો: છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.