જો તમે બાગકામના શોખીન છો, તો તમારે જાણવું જ જોઈએ કે ફૂલો અને છોડની સુંદરતા દરેક ઋતુમાં અલગ-અલગ હોય છે. કેટલાક છોડ ઉનાળામાં અને કેટલાક ઠંડા હવામાનમાં (Winter flowers) સારી રીતે ઉગે છે. શિયાળાની ઋતુમાં ફૂલ-છોડનું સૌંદર્ય જોવા જેવું હોય છે. તેથી જ બાગકામ કરતા લોકો ઠંડી વધે તે પહેલા કેટલાક છોડ લગાવે છે.
આજે અમે તમને આવા જ કેટલાક રંગબેરંગી ફૂલોના છોડ વિશે જણાવીશું, જેને તમે તમારા બગીચામાં સરળતાથી લગાવી શકો છો.
પટનામાં ટેરેસ ગાર્ડનિંગ કરતા અનિલ પોલ આજે અમને કેટલાક એવા છોડ વિશે જણાવી રહ્યા છે જે શિયાળાની ઋતુમાં બાગકામની સુંદરતામાં વધારો કરે છે.
પેટુનિયા
પેટુનિયા એ બગીચાની સુંદરતા વધારવા માટેનું પરફેક્ટ ફૂલ છે. પેટુનિયા છોડ ફક્ત શિયાળાની ઋતુમાં (winter flowers)જ વાવવામાં આવે છે. તેમાં મોટા ફૂલો હોય છે અને સફેદ, પીળો, ગુલાબી અને ઘેરો જાંબલી સહિત ઘણા રંગોમાં આવે છે.
અનિલ જણાવે છે, “તેને રોપવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા શહેરની સારી નર્સરીમાંથી નાના છોડ ખરીદો. જો તમે નવેમ્બરમાં છોડ લો છો, તો તમે આ છોડને ફૂલો સાથે મેળવી શકો છો, જેથી તમને રંગ જાણવામાં કોઈ સમસ્યા ન થાય અને તમે તમારી પસંદગી અનુસાર છોડ લઈ શકો.”
તેમણે કહ્યું કે તેને વધારે કાળજી લેવાની જરૂર નથી. આ માટે તમારે 50 ટકા સામાન્ય માટી, 40 ટકા ગાયનું છાણ અથવા વર્મી કમ્પોસ્ટ, 10 ટકા રેતીની સાથે થોડો લીમડો અથવા સરસવની કેક મિક્સ કરીને પોટિંગ મિક્સ તૈયાર કરવું પડશે. આ પોટિંગ મિશ્રણને લગભગ છ ઇંચના વાસણમાં નાખો અને પછી નર્સરીમાંથી લાવેલા છોડને રોપો.
અનિલ કહે છે કે આ છોડને અઠવાડિયામાં ત્રણ દિવસ પાણી આપવું જોઈએ. તો, કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ સારી રીતે આવે. તેમાં નવેમ્બરથી માર્ચ સુધી સુંદર ફૂલો આવે છે.

ગલગોટા
તે ભારતમાં શિયાળાની ઋતુમાં વાવવામાં આવતો સૌથી લોકપ્રિય છોડ છે. આ એક ખૂબ જ સુંદર છોડ છે જે સામાન્ય રીતે તમામ ઘરોમાં જોવા મળે છે. શિયાળાની ઋતુમાં મેરીગોલ્ડના છોડની સુંદરતા વધી જાય છે. તેના ફૂલો લાલ, નારંગી અને પીળા રંગના હોય છે. દેશી મેરીગોલ્ડ ફૂલો કદમાં નાના હોય છે. બીજી બાજુ, જો તમે નર્સરીમાંથી હાઇબ્રિડ છોડ લો, તો તેના ફૂલોનું કદ મોટું હોય છે.
અનિલ જણાવે છે કે ગલગોટાના છોડ વાવવાની બે રીત છે. જો તમે ઇચ્છો, તો તમે તેને તમારા બગીચામાં બીજ દ્વારા અથવા નર્સરીમાંથી છોડ ખરીદીને વાવી શકો છો.
ગલગોટાના છોડ માટે પોટિંગ મિક્સ
આ માટે 50 ટકા સામાન્ય માટી, 40 ટકા ગાયનું છાણ અથવા વર્મી કમ્પોસ્ટ, 10 ટકા રેતી અને થોડો લીમડા અથવા સરસવની કેક નાખીને પોટિંગ મિક્સ તૈયાર કરો.
જો તમારે ગલગોટાના ફૂલના બીજ તૈયાર કરવા હોય, તો ફૂલને સૂકાવીને રાખો અને પછી તેને આગામી સિઝનમાં સેમી-શેડવાળા એરિયામાં પોટિંગ મિક્સમાં નાખી દો. તમે જોશો કે 8-10 દિવસમાં આ એક નાનો છોડ નીકળી જશે.

દહલિયા
દહલિયા એક સુંદર દેખાતું ફૂલ છે, જેને ઉગાડવુ પણ ખૂબ જ સરળ છે. તમે ઘરમાં તેને ત્રણ રીતે ઉગાડી શકો છો.
-બીજ
-કટિંગ
-ટ્યૂબર
ત્રણેય પદ્ધતિઓ સરળ છે અને પોટિંગ મિક્સનો ઉપયોગ પણ એ જ રીતે થાય છે. સૌ પ્રથમ, તમારી પસંદગીનો કુંડુ લો. આ માટે, છ ઇંચથી દસ ઇંચનું કુંડુ લેવું સારું રહેશે.
તેને બીજમાંથી રોપવા માટે, પોટીંગ મિશ્રણને વાસણમાં ફેલાવો અને તેના બીજને થોડા અંતરે ફેલાવો. પછી ઉપર કોકોપીટ અથવા સામાન્ય માટીનું સ્તર નાખો. તેના પર પાણી છાંટતા રહો. બીજ ત્રણથી ચાર દિવસમાં અંકુરિત થશે. લગભગ 10 દિવસમાં પાંદડા દેખાવાનું શરૂ થશે અને એક મહિનામાં સુંદર ફૂલો પણ ખીલવા લાગશે.
જો તમે તેના છોડને કટીંગથી રોપી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે કટીંગ નવી ડાળીમાંથી લેવામાં આવેલું ન હોય. તમે તેને ચારથી પાંચ ઈંચનું હેલ્ધી કટીંગ લઈને લગાવો. છોડને સામાન્ય સૂર્યપ્રકાશમાં રાખો અને એક અઠવાડિયા કે દસ દિવસમાં તેમાં નવા પાંદડા ઉગાવાનું શરૂ થશે.
ટ્યૂબર સાથે વાવેતર માટે સમાન પદ્ધતિને અનુસરો. તમે તેના બીજ અને ટ્યૂબર ઓનલાઈન અથવા નજીકની નર્સરીમાંથી ખરીદી શકો છો.

ગુલદાઉદી
આ શિયાળાની ઋતુમાં ખીલતુ ખૂબ જ સુંદર છે. ગુલદાઉદી (શિયાળાના ફૂલો) એક એવો છોડ છે જે એકલા તમારા આખા બગીચામાં સુંદરતા વધારી શકે છે.
તમે કલમ અથવા કિંગથી તેના છોડને લગાવી શકો છો. તેને કાપીને રોપ્યા પછી લગભગ 20 દિવસમાં, તેમાં નવા પાંદડા અને એક મહિના પછી ફૂલો આવવાનું શરૂ થાય છે.
આ માટે પોટિંગ મિક્સ ગલગોટાનાં છોડવાળું જ ઉપયોગમાં લો. વધારે ઠંડી પડે તે પહેલાં તેનું કટિંગ લગાવી દો.
અન્ય ફૂલોની જેમ, તેને પણ સારા સૂર્યપ્રકાશની જરૂર છે.
અનિલનું કહેવું છે કે જો તમને ગાર્ડનિંગનું વધારે જ્ઞાન ન હોય તો તમે નર્સરીમાંથી ગુલદાઉદીનો નાનો છોડ લાવી શકો છો. આ છોડ નર્સરીમાં 20 થી 25 રૂપિયામાં સરળતાથી મળી જાય છે.
ગુલાબ
ગુલાબને શિયાળાના ફૂલોનો રાજા કહેવામાં આવે છે. તેના સુંદર રંગો દરેકને આકર્ષે છે. ઠંડી વધવાની શરૂ થાય તે પહેલાં તેનું ઓક્ટોબરથી નવેમ્બર સુધી સરળતાથી વાવેતર કરી શકાય છે.
આ માટે સૌથી પહેલા તમારી પસંદગીનું ફૂલ પસંદ કરો અને પોટીંગ મિક્સ ઉમેરીને આઠથી દસ ઈંચનું કુંડુ તૈયાર કરો.
અનિલ કહે છે કે આ માટે 40 ટકા સામાન્ય માટી, 20 ટકા રેતી અને 30 ટકા છાણિયા ખાતરનો ઉપયોગ કરો. ગાયના છાણના ખાતરથી ગુલાબના છોડ ઝડપથી વધે છે.
તમે કટીંગ દ્વારા પણ ગુલાબ ઉગાડી શકો છો. ગુલાબના છોડની કલમ બનાવવા માટે, બે થી ત્રણ વર્ષ જૂના ગુલાબના છોડમાંથી એક ડાળી કાપો. જેની લંબાઈ લગભગ એક ફૂટ હોવી જોઈએ.
કલમ લગાવ્યાનાં 20 થી 25 દિવસ પછી તમે જોશો કે તેમાં પાંદડા આવવા લાગ્યા છે. બીજી બાજુ, જો નિયમિત પાણી અને સારો સૂર્યપ્રકાશ મળે, તો એક મહિનામાં ફૂલો પણ ખીલવા લાગે છે.

સંભાળ રાખવા સાથે જોડાયેલી વાતો
અનિલ કહે છે કે શિયાળાની ઋતુમાં જે ફૂલો ખીલે છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે સરસવની કેક તમામ છોડને આપવી જોઈએ. મસ્ટર્ડ કેક શિયાળામાં બેસ્ટ ખાતર સાબિત થાય છે. આ સિવાય જ્યારે ઝાકળ વધુ પડવા લાગે ત્યારે છોડને શેડમાં રાખવા જોઈએ. તે કહે છે, “તમે લીલા કપડાથી છાંયો બનાવી શકો છો જેથી છોડને સૂર્યપ્રકાશ મળે અને સવારે ઝાકળથી પણ રક્ષણ મળે.”
બીજી બાજુ, જો તમારા ઘરમાં પહેલાથી જ આવા છોડ છે, તો પછી ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં બધા છોડને કાપી નાખો. જો તમે બીજમાંથી છોડ રોપતા હોવ, તો તેને ખૂબ ઠંડા હવામાનમાં રોપશો નહીં.
બધા ફૂલોના છોડને સારા સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેથી સારા સૂર્યપ્રકાશ અને નિયમિત પાણીની કાળજી લો.
તો વિલંબ કંઈ વાતનો છે, આ ખૂબ જ સરળ ટીપ્સને અનુસરીને, તમારા બગીચાને રંગબેરંગી ફૂલોના છોડથી સજાવવાની તૈયારી શરૂ કરો.
હેપી ગાર્ડનિંગ!
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો