Search Icon
Nav Arrow
Kitchen Garden
Kitchen Garden

આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનત

નવસારીનાં અનિતાબહેન આંગણમાં જૈવિક શાકભાજી વાવે પરિવાર માટે ઉપયોગમાં લેવાની સાથે બજારમાં વેચે પણ છે અને મહિને 12 હજારની કમાણી પણ કરે છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે કિચન ગાર્ડન બન્યું રસ્તો.

આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી મહિલાની કે જેઓ ગાર્ડનિંગ દ્વારા જૈવિક શાકભાજી ઉછેરીને તેના વેચાણ દ્વારા સમગ્ર ઘરની જરૂરિયાત સંતોષવાની સાથે સાથે પોતાની દીકરીને પણ ભણાવે છે.

નવસારી જિલ્લાના જલાલપોર ખાતે રહેતા અનિતાબહેન આમ તો વર્ષોથી શાકભાજી વેચવાનો ધંધો કરે છે પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેઓ પોતાના ઘરના આંગણામાં જ જૈવિક રીતે શાકભાજીને ઉછેરીને સમગ્ર મહિના દરમિયાન બહાર ખેડૂતો પાસેથી ખરીદીને લાવેલી રાસાયણિક રીતે પકવેલી શાકભાજીના વેચાણ કરતા પણ વધારે નફો રળે છે.

આ કોરોના જેવી મહામારીમાં જ્યાં લોકોને આજીવિકાના ફાંફા પડી રહ્યા છે ત્યારે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા અનિતા બહેનએ પોતાની મહેનત અને સુઝબુઝના જોરે ઘરની જવાબદારીને પુરી કરવા તેમજ દીકરીને ઉજ્જવળ ભવિષ્ય અપાવવા માટેના તેમના આ કાર્ય વિશે વિસ્તારમાં વાતચીત કરી હતી.

Organic Vegetable Business

વર્ષોથી છે શાકભાજી વેચવાનો ધંધો
અનિતાબહેન કહે છે કે તેઓ પરણ્યા તે પહેલા પણ પોતાના પિતાના ઘરે તેમની પોતાની ખુદની જમીન હોવાથી ત્યાં શાકભાજી ઉછેરી વેંચતા જ હતા. પરંતુ આ શાકભાજી તેઓ જૈવિક નહીં પણ રાસાયણિક રીતે પકવતા હતા. લગ્ન બાદ સાસરે આવ્યા પછી તેમની પાસે વ્યવસ્થિત શાકભાજી ઉછેરી શકે તે માટે જમીનનો અભાવ હતો તેથી તેમણે બહાર ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદીને વેચવાની શરૂઆત કરી.

જમીનના અભાવના કારણે આંગણામાં જ કરી ગાર્ડનિંગની શરૂઆત
બહાર ખેડૂતો પાસેથી ખરીદીને લવાતી શાકભાજીમાં જોઈએ તેટલું વળતર ન મળતું હોવાથી એક દિવસ અનિતાબહેને પોતાના ઘરના આંગણામાં જ જૈવિક રીતે વિવિધ શાકભાજી ઉગાડવાનું શરુ કર્યું. પરંતુ  તેમાં જગ્યાનો વિસ્તાર ઓછો હોવાથી મહિનામાં ફક્ત 8 દિવસ જ વેચી શકાય તેટલી શાકભાજી આ ગાર્ડનમાં ઉત્પાદિત થતી હતી અને હાલ પણ તેટલી  જ થાય છે તેથી બહારથી શાકભાજીની ખરીદી તો ચાલુ જ રહી અને આ જ શાકભાજીને મહિનામાં 22 દિવસ વેચાણ માટે ખરીદવી પડે છે જેથી તેમની આવક વ્યવસ્થિત જળવાઈ રહે.

Organic Vegetable Business

ફક્ત આઠ દિવસના જૈવિક શાકભાજીના વેચાણમાં થાય છે પુરા 6000 રૂપિયાનો નફો
નવાઈની વાત તો એ છે કે અનિતા બહેન દ્વારા બહારથી ખરીદેલ  શાકભાજીનું 22 દિવસ દરમિયાન વેચાણ થતું હોવા છતાં તેનો નફો 6600 રૂપિયાની આસપાસ જ રહે છે જયારે તેમના જ ઘરમાં જૈવિક રીતે તૈયાર કરેલ શાકભાજીનું ફક્ત 8 દિવસનું વેચાણ હોવા છતાં અનિતા બહેનને તેમાંથી 6000 નો નફો થાય છે. આ માટેનું કારણ જણાવતા અનિતા બહેન કહે છે કે લોકો હવે સારું અને સ્વાસ્થ્ય ન બગાડે તેવું ખાવા માટે જાગૃત થયા છે અને તે માટે તેઓ થોડા વધારે રૂપિયા ખર્ચ કરતા પણ ખચકાતા નથી. બહારની શાકભાજી કરતા તેઓ જે જૈવિક શાકભાજી વેચે છે તેનો દરેકનો ભાવ કિલો એ 15 થી 20 રૂપિયા જેટલો વધારે હોય છે. અને તે કારણે જ તેમને એટલો નફો થાય છે. સાથે સાથે તેઓ એ પણ કહે છે કે બહારથી ખરીદેલ શાકભાજી તો મારે ફરી ફરીને વેચવું પડે છે જયારે મારા ઘરની જૈવિક શાકભાજી તો ખરીદનાર પહેલાથી જ નોંધાવી દે છે.

છોડની ઉછેરની રીત
અનિતા બહેન કહે છે કે તેઓ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને તેના કારણે  જ તેમને કિચન ગાર્ડનિંગ માટે સારી એવી તાલીમ પણ લીધેલી છે. પ્રાંગણમાં તેઓ એકદમ સાદી અને સાત્વિક રીતે જ છોડવાનો ઉછેર કરે છે. તેઓ કહે છે કે,”સૌ પ્રથમ તો હું જમીનમાં છાણીયું ખાતર આપીને બીજ તથા ધરુંની વાવણી કરું છું. ત્યારબાદ તે થોડા મોટા થાય એટલે તેમની આસપાસ ગોળ કરી  એક રિંગ બનાવી દઉં છું ને દરેક છોડના મૂળ આગળ માટીને થોડી ઉપર ચડાવી દઉં છું જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘અર્થિંન્ગ અપ’  કહે છે. તે પછી તે છોડવાઓને કુદરતી રીતે જ મોટા થવા દઉં છું અને જો તે દરમિયાન કોઈ જીવાત કે રોગ આવે તો રાખ, ગૌમૂત્ર, ખાટી છાસ વગેરેનો જરૂરિયાત મુજબ છંટકાવ પણ કરું છું. શાકભાજી વ્યવસ્થિત રીતે પાકીને તૈયાર થઇ જાય ત્યારે તેની કાપણી કરી બીજા દિવસે વેચાણ માટે લઇ જાઉં છું.”

અનિતાબહેનને આમ તો દર ત્રીજા દિવસે તેમની શાકભાજી તૈયાર થઈને મળી રહે છે. જેમાં તુરીયા, ગલકા, ટામેટા, ભીંડા, મરચા વગેરેનો સમાવેશ થાય છે. શિયાળામાં તેઓ વિવિધ ભાજી જેમકે પાલક વગેરે, મૂળાનો પણ ઉછેર કરે છે. તેઓ આગળ એ પણ જણાવે છે કે જો તેમની પાસે વધારે જમીન હોત તો તેઓ આરામથી દર મહિને આ રીતે જૈવિક શાકભાજીના ઉછેર તથા વેચાણ દ્વારા 18000 થી 20000 રૂપિયા કમાઈ શકત. છતાં પણ આજે તેઓ મહિને 12 થી 13 હજાર કમાઈ રહ્યા છે.

 Kitchen Garden Business

પોતાની 12 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી આગળ કંઈક સારી એવી ફિલ્ડમાં જોડાઇને પોતાની તથા પોતાના પરિવારની જિંદગીને સમૃદ્ધ કરે તે આશાએ પોતે આ મહેનત કરી રહ્યા છે તેમ જણાવતા અનિતા બહેન ધ બેટર  ઇન્ડિયા સાથેની વાતચીત પૂર્ણ કરે છે.

ધ બેટર ઇન્ડિયા પરિવાર અનિતા બહેન જેવી દરેક મહિલાઓ કે જેઓ મુશ્કેલ સમયમાં હાર ન માનીને અવિરત સંઘર્ષ દ્વારા પોતાની જિંદગીને સુધારવા માટે કાર્યરત છે તેમને હૃદય પૂર્વક સલામ કરે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 4 વૃદ્ધો, 4 વર્ષ અને 500 છોડ! દરરોજ પ્રેમથી સીંચીને બનાવી દીધુ અમદાવાદને હર્યુ-ભર્યુ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon