આજકાલ ઘર નિર્માણમાં ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. કુદરતને અનુકૂળ ઘર બનાવવાનું ચલણ હવે વધી રહ્યું છે. આમ તો, એ પણ સાચું છે કે આપણા દેશમાં હજુ પણ ‘સસ્ટેનેબલ‘ ઘરો વિશે બહુ જાગૃતિ નથી. તેથી, જો કોઈ વ્યક્તિ ઇકો-ફ્રેન્ડલી રીતે ઘર બનાવવા માંગે છે, તો પણ તેનો પરિવાર તેના માટે તૈયાર નથી. પરંતુ તેમ છતાં, ઘણા લોકો એવા છે કે જેઓ આધુનિક શૈલીના મકાનમાં પણ વધુ માટી વગેરેનો ઉપયોગ કરીને Environment Friendly બનાવવાનો પ્રયાસ કરે છે, જેમ કે કેરળના કોઝિકોડના રહેવાસી પ્રસનજીતે કર્યું છે.
પ્રસનજીત વ્યવસાયે ફોટોગ્રાફર છે અને લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા તેણે પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. પ્રસનજીત ઈચ્છતો હતો કે તે એક ‘મડ હાઉસ’ બનાવે. પરંતુ તેનો પરિવાર આ માટે તૈયાર નહોતો. તેથી તેણે પોતાનું ઘર સામાન્ય રીતે બનાવવું પડ્યું. તેમ છતાં, પ્રસનજીતે ઘરને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, “હું કોલેજના સમયથી પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સામેલ છું. છેલ્લા 18 વર્ષથી, મારા કેટલાક મિત્રો સાથે, હું નિયમિતપણે જાહેર સ્થળોએ અને રસ્તાના કિનારે વૃક્ષારોપણ કરું છું. અમે આ છોડની સંભાળ પણ રાખીએ છીએ. તેથી જ ઘર બનાવતી વખતે મારું બહુજ મન પ્રકૃતિને અનુરૂપ માટીનું ઘર બનાવવાનું હતું, પરંતુ આ માટે પરિવારના દરેકની સંમતિ જરૂરી હતી.”
પ્રસનજીતે 2000 ચોરસ ફૂટમાં પોતાનું ઘર બનાવ્યું છે. તેણે જણાવ્યું કે ઘરના બાંધકામ અને ફર્નિશિંગમાં લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેનું ઘર બહારથી કોઈ ‘જંગલ હાઉસ’થી ઓછું નથી લાગતું અને તેનું કારણ ઘરની અંદર અને ઉપર ફેલાયેલી હરિયાળી છે. તે કહે છે કે ઘરના નિર્માણમાં કેટલીક ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેના કારણે તેના ઘરની અંદરનું તાપમાન સંતુલિત રહે છે.

લેટરાઇટ ઇંટો અને કુદરતી પથ્થરોનો ઉપયોગ
પ્રસનજીતે જણાવ્યું કે તેમના ઘરમાં લિવિંગ રૂમ, કોમન રૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન સિવાય કુલ ચાર બેડરૂમ (જેમાં એટેચ બાથરૂમ છે) છે. તેઓએ ઘરના બાંધકામમાં લેટરાઈટ ઈંટો, કોટા અને જેસલમેરના પથ્થરો, સિમેન્ટ અને જીપ્સમ વગેરેનો ઉપયોગ કર્યો છે. ઘરની બધી દીવાલો લેટરાઈટ ઈંટની બનેલી છે. આ ઇંટો લેટરાઇટ માટી, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તે ઘણી હદ સુધી પર્યાવરણને અનુકૂળ છે.
લેટરાઇટ ઇંટો પાણી અને આગ માટે પણ પ્રતિરોધક છે. સાથે જ, તેમા થર્મલ ઇન્સ્યુલેશનનો ગુણ પણ હોય છે. ઘરની અંદરની હવામાં ભેજને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વધુમાં, તેઓએ ફ્લોરના બાંધકામ માટે કોટા અને જેસલમેર પથ્થરનો ઉપયોગ કર્યો છે. આ બંને કુદરતી પથ્થરો છે. તેમણે કહ્યું કે આ પત્થરો લગભગ તમામ પ્રકારની આબોહવામાં ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, તેઓ વર્ષો સુધી ટકી શકે તેટલા મજબૂત હોય છે. તેથી તેણે ફ્લોર માટે આ બે પથ્થરો પસંદ કર્યા.
પ્રસનજીતે કહ્યું, “આ પત્થરોની એક સારી બાબત એ છે કે તેને પોલિશ કરી શકાય છે અને ગમે ત્યારે નવા જેવા બનાવી શકાય છે. જોકે, છતના બાંધકામ માટે મેં સામાન્ય RCC ટેકનિકનો ઉપયોગ કર્યો છે.” તેણે કહ્યું કે બાથરૂમના ફર્નિશિંગ પર સૌથી વધુ ખર્ચ થયો છે. “અમે તમામ મોંઘા બાથરૂમ ફિટિંગ અને ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. બાથરૂમ એ ઘરની સૌથી વધુ ભેજવાળી જગ્યા હોય છે અને તેથી મેં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય”,તેમણે કહ્યું.

ઘરની અંદર કરાવ્યુ છે માટી અને જીપ્સમનું પ્લાસ્ટર
પ્રસનજીતે વધુમાં જણાવ્યું કે તેણે ઘરની અંદર દિવાલો પર પ્લાસ્ટર માટે સિમેન્ટને બદલે જીપ્સમ અને માટીનો ઉપયોગ કર્યો છે. તેમના ઘરનો એક બેડરૂમ માટીથી પ્લાસ્ટર કરેલો છે. તેમણે કહ્યું, “મારી બહુજ ઈચ્છા હતી કે ઘરના બાંધકામમાં વધુમાં વધુ માટીનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ આ થઈ શક્યું નહીં. એટલા માટે મેં પરિવારના સભ્યોને સમજાવ્યા અને એક રૂમની દિવાલો માટીથી પ્લાસ્ટર કરાવી. અમારે બહારથી માટી લાવવાની જરૂર ન પડી, પરંતુ અમે અમારી પોતાની જમીનમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કર્યો છે.”
પ્રસનજીતનો દાવો છે કે AC ચલાવ્યા વિના પણ આ રૂમ ખૂબ જ ઠંડો રહે છે. ઉપરાંત, રૂમમાં થોડી માટીની મીઠી સુગંધ આવતી રહે છે. તો આ તેનો ફેવરિટ બેડરૂમ છે. ‘જીપ્સમ પ્લાસ્ટરિંગ’નો ઉપયોગ ઘરમાં બાકીની દરેક જગ્યાએ કરવામાં આવ્યો છે. “જીપ્સમનું પ્લાસ્ટરિંગ ઘરની અંદરની દિવાલો માટે સારું છે. આના માટે તમારે દિવાલો પર અલગથી પુટ્ટી કરવાની જરૂર નથી. જો કે, તેનો ઉપયોગ એવી જગ્યાએ કરી શકાતો નથી જ્યાં ભેજ રહેતો હોય. તેથી જ અમે બાથરૂમમાં ટાઇલ્સ લગાવી છે,” તેમણે કહ્યું.
સૌથી સારી વાત એ છે કે જીપ્સમ ઇકો-ફ્રેન્ડલી છે અને તેને તૈયાર કરવા માટે ઓછો સમય અને ઓછા પાણીની જરૂર પડે છે. ઉપરાંત, જીપ્સમ પ્લાસ્ટરમાં કોઈપણ પ્રકારની તિરાડો આવતી નથી. તેથી, પુટ્ટીનો ઉપયોગ કર્યા વિના, તેને સીધું પેઇન્ટ કરી શકાય છે. તેની થર્મલ કંડક્ટિવિટી(ગરમી વાહકતા) સિમેન્ટ કરતા ઓછી છે. જોકે, ઘરની બહારના ભાગ માટે તેમણે સિમેન્ટથી ઘરની બહારનું પ્લાસ્ટર કર્યું છે કારણકે જીપ્સમ પ્લાસ્ટર ઘરની બહારનાં ભાગ માટે યોગ્ય નથી.

દરેક ખૂણે ફેલાયેલી છે હરિયાળી
ઘરને કુદરતની નજીક રાખવા માટે, પ્રસનજીતે બીજું મહત્વનું પગલું ભર્યું અને તે છે વૃક્ષો વાવવાનું. તેણે કહ્યું કે તે ઘરમાં શિફ્ટ થતાની સાથે જ તેણે ઘરમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને વેલાઓ વાવવાનું શરૂ કર્યું. તેણે સામાન્ય ફૂલો કે શાકભાજીનું વાવેતર કર્યું ન હતું. તેના બદલે એવા છોડ અને વેલા લગાવો જે ઘરની પ્રાકૃતિક સુંદરતામાં વધારો કરે છે. તેના ઘરમાં અનેક પ્રકારના વાંસના ઝાડ છે. જેને તે સમયે સમયે કાપતા રહે છે. તેમણે પક્ષીઓ માટે માળો પણ બનાવ્યો છે અને તેમના ખોરાક અને પાણીની પણ વ્યવસ્થા કરી છે.
તેના સિવાય, તેમણે પોતાના ઘરની બાલકનીમાં ઘણા પ્રકારના વેલાઓ લગાવેલાં છે, જેમાં કેટ્સ પૉ અને માંડેવિલા જેવા વેલા સામેલ છે. આ વેલાઓ ઘટાદાર ફેલાય છે અને જે પણ જગ્યાએ હોય, તે જગ્યાએ સુંદરતાથી ભરી દે છે.
“જ્યારે અમે ઘરમાં આટલા બધાં ઝાડ-છોડ વાવ્યાં ત્યારે ઘણાં લોકો કહેતા કે ઘરમાં સાપ, દેડકા જેવાં પ્રાણીઓ આવશે. જ્યારે આ વૃક્ષો અને છોડ ફેલાશે ત્યારે મુશ્કેલી થશે. પણ સાચું કહું તો આજે અમારા ઘરની સુંદરતા આ વૃક્ષો અને વેલાઓથી છે. તેઓ ઘરને વેન્ટિલેટેડ રાખવા અને અમારી આંખોને ઠંડક આપવા માટે પણ મદદરૂપ થાય છે,” તેમણે કહ્યું.

ઘરને કુદરતની નજીક રાખવાની સાથે પ્રસનજીત અને તેનો પરિવાર તેમના જીવનને પણ સ્વસ્થ બનાવવામાં વ્યસ્ત છે. દરરોજ સવારે તે લગભગ 30 કિમી સાઇકલ ચલાવે છે અને આમાં તેનો પરિવાર પણ તેને સપોર્ટ કરે છે. તે કહે છે કે જે પણ તેના ઘર પાસેથી પસાર થાય છે તે બે ક્ષણ રોકાઈને તેના ઘર તરફ જરૂર જુએ છે.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
તસવીર સૌજન્ય: પ્રસનજીત
આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.