Search Icon
Nav Arrow
Eco Friendly Cottages
Eco Friendly Cottages

વાંસ, માટી અને છાણમાંથી બનેલ ‘ફાર્મર હાઉસ’, જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતી

ખેતરમાં રહીને ગામડાનું જીવન માણી શકો છો અહીં, પાલઘર જીલ્લાનાં નાના ગામ એનશેતમાં ખેતરની વચ્ચે બનાવ્યુ છે ફાર્મસ્ટે. જ્યાં આજે પણ તમે મજા લઈ શકો છો ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના સાનિધ્યનો.

ઘણીવાર શહેરવાસીઓને ગામડાના જીવન અને સજીવ ખેતી વિશે જાણવાની ઈચ્છા હોય છે. પરંતુ એ પણ સત્ય છે કે વિકાસના આંધળા વાવાઝોડામાં ગામડાઓ પણ શહેરી જીવનના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યા છે. ગામમાં પરંપરાગત કાચા મકાનો અને ખેતરોની વચ્ચોવચ બાંધેલા મકાનો હવે ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં પણ તે જોવા મળે, તે કોંક્રિટથી બનેલું હોય છે. પરંતુ આજે અમે તમને મહારાષ્ટ્રના એક એવા ખેતર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો આવીને ગામમાં સ્થાયી થયેલા ખેડૂતોના જીવન સાથે જોડાઈ શકે છે અને પરંપરાગત રીતે બનેલા ઘરમાં રહેવાની મજા માણી શકાય છે. આ પ્રેરણાદાયી કહાની મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા શહેરની નજીક આવેલા એક નાનકડા ગામ એનશેતના રહેવાસી રોહન સુધીર ઠાકરેની છે. તેણે તેના નવ એકરના ખેતરમાં પરંપરાગત ફાર્મસ્ટે (મુંબઈ નજીક ફાર્મસ્ટે) બનાવ્યું છે. આ ઉપરાંત તે ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે.

આ ગામ તેની ભૌગોલિક દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા રોહને કહ્યું, “મારું ગામ ત્રણ બાજુથી ત્રણ નદીઓથી ઘેરાયેલું છે. અગાઉ આ ગામ સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર હતું. મને યાદ છે કે 1985 સુધી ગામમાં દરેક ઘર ખેતી સાથે જોડાયેલું હતું. અહીંના ચીકુ એક સમયે દેશભરમાં પ્રખ્યાત હતા. પરંતુ સમય જતાં લોકો શહેરો તરફ જવા લાગ્યા અને ખેતી લગભગ બંધ થઈ ગઈ.”

Eco Friendly Cottages

ઈઝરાયેલથી ઓર્ગેનિક ખેતી શીખી
રોહન મૂળ રીતે ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો જન્મ ગામમાં જ થયો હતો. પરંતુ તે 2007માં અભ્યાસ માટે થાણે આવ્યો હતો. તેણે સિક્યુરિટી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને શહેરમાં રહીને સિક્યુરિટી કંપની ચલાવવાનું શરૂ કર્યું. તે ઈઝરાયેલની ટેક્નોલોજી કંપની સાથે મળીને કામ કરતો હતો. આ સંબંધમાં તે અવારનવાર ઈઝરાયેલ જતો હતો.

તે કહે છે, “હું જે કંપનીમાં કામ કરતો હતો તેના માલિક મારા પિતાની ઉંમરના હતા. તેઓ વ્યવસાયની સાથે ખેતી સાથે પણ જોડાયેલા હતા. તે ઘણીવાર મને તેના ખેતર જોવા લઈ જતા હતા. જ્યારે તેમને ખબર પડી કે હું પણ એક ખેડૂત પરિવારનો છું, ત્યારે તેમણે મને ઓર્ગેનિક ખેતીમાં જોડાવા માટે પ્રેરણા આપી.”

રોહન પાસે ગામમાં બાપ-દાદાની એક એકર જમીન હતી. ઇઝરાયેલમાં ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી મેળવ્યા પછી, 2018માં રોહને વધુ આઠ એકર જમીન ખરીદી અને તરબૂચ, વડા કોલમ ચોખા અને અન્ય ઘણા પાકો સજીવ રીતે ઉગાડવાનું શરૂ કર્યું. ગામના વધુ બે ખેડૂતો પણ તેની સાથે જોડાયા અને સજીવ ખેતી કરવા લાગ્યા. દરમિયાન, નજીકના શહેરોના લોકો અવારનવાર તેમના ફાર્મની મુલાકાત લેતા હતા.

રોહન કહે છે, “એકવાર મુંબઈના એક સરકારી અધિકારી મારા ખેતરમાં આવ્યા. તે તેની પુત્રીને તે દેખાડવા માટે લાવ્યા હતા કે, તડબૂચ કેવી રીતે ઉગાડવામાં આવે છે? તેઓ અમારા ખેતરમાં પણ રોકાયા હતા. જોકે, પછી અહીં રહેવાની સારી વ્યવસ્થા નહોતી. પણ પછી મેં વિચાર્યું કે મારે મુંબઈ નજીક ફાર્મસ્ટે બનાવવું જોઈએ જેથી લોકો અહીં આરામથી રહી શકે.”

ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, તેણે હોમસ્ટે બનાવવાનું શરૂ કર્યું. ઑગસ્ટ 2020 મહિનામાં, તેમનો ફાર્મસ્ટે તૈયાર થઈ ગયુ હતુ. આ પછી તેણે ‘ફાર્મ 360’ નામનું ફેસબુક પેજ બનાવ્યું.

 Eco Friendly Homes

ઇકો-ફ્રેન્ડલી ફોરેસ્ટ કોટેજ અને ફાર્મર હાઉસ
રોહને કંઈક અલગ રીતે મુંબઈ નજીક ફાર્મસ્ટે બનાવ્યું છે. તેઓએ તેમના ખેતરોમાં થોડા અંતરે ઝૂંપડીઓ બનાવી છે. બે કોટેજ સંપૂર્ણપણે તૈયાર છે, જેને તેમણે ‘ફોરેસ્ટ કોટેજ’ અને ‘ફાર્મર હાઉસ’ નામ આપ્યું છે.

તેમણે પ્રાકૃતિક ઠંડક પ્રણાલીના આધારે ફોરેસ્ટ કોટેજનું નિર્માણ કર્યું છે. તો, ફાર્મર હાઉસને  વાંસ, ગાયના છાણ અને માટીમાંથી બનાવવામાં આવ્યું હતું. આ દિવસોમાં તે બીજુ કોટેજ બનાવી રહ્યા છે, જે ચૂનો, લાકડા અને માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યુ છે.

રોહને મુંબઈ નજીકના ફાર્મસ્ટે વિશે જણાવ્યું, “અમે તેને ઓછામાં ઓછા ખર્ચમાં બનાવ્યું છે. સ્થાનિક માટી અને ગામડાના લાકડા અને રિસાયકલ દરવાજા, બારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 450 ચોરસ ફૂટનું કોટેજ છે.”

ફાર્મર હાઉસમાં ત્રણ ફૂટની માટીની દિવાલ છે, જે ગાયના છાણનું લિંપણ કરવામાં આવ્યુ છે. ઉનાળાના દિવસોમાં પણ અહીં સારી એવી ઠંડક રહે છે. જેમાં બાથરૂમ માટેની માત્ર 10 ટકા વસ્તુઓ જ ખરીદી અને ઉપયોગમાં લેવાઈ છે. અન્ય તમામ વસ્તુઓ રિસાયકલ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોહન કહે છે, “મુંબઈ નજીક ફાર્મસ્ટેના બાંધકામ માટે કુલ એક લાખ 70 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ બે રૂમનું ઘર છે જ્યાં એક પરિવાર આરામથી રહી શકે છે. મેં ગામના લોકોની મદદથી આ કોટેજ બનાવ્યું છે.”

રોહને જણાવ્યું કે ફોરેસ્ટ કોટેજનું નિર્માણ દક્ષિણ ભારતના આર્કિટેક્ટ પૃથ્વી જય નારાયણ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોટેજ વિશે તેઓ કહે છે, “અમે તેને કુદરતી કૂલિંગ સિસ્ટમના આધારે બનાવ્યું છે. તે લાલ માટીની ઈંટથી બનેલું છે. આમાં અમે સિમેન્ટ પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો નથી. ઉપરાંત, જાળીદાર વેન્ટિલેશન બનાવ્યુ છે, જેથી પ્રકાશ અને ઠંડક જળવાઈ રહે. આ કોટેજમાં બે રૂમ અને બે બાથરૂમ પણ બનેલા છે. તેને બનાવવામાં 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.”

ફ્લોરની વાત કરીએ તો, મુંબઈ નજીક ફાર્મસ્ટેમાં જમીન કાચી રાખવામાં આવી છે અને અહીં હંમેશા ગાયના છાણનું લિંપણ કરવામાં આવે છે. જ્યારે ફોરેસ્ટ હાઉસમાં મેંગલોર ટાઇલ્સ લગાવવામાં આવી છે.

FarmHouse

ખેતી અને ગ્રામીણ જીવન સાથે જોડે છે આ ફાર્મ 360
રોહને તેના ખેતરમાં એક કેન્ટિન એરિયા પણ બનાવ્યો છે. જ્યાં મહેમાનોને ઓર્ગેનિક અને સાદું ભોજન પીરસવામાં આવે છે. તેણે આ કેન્ટીનને Kibbutz નામ આપ્યું હતું. Kibbutzએ ઇઝરાયેલમાં એક સમુદાયનું નામ છે જે ખેતી સાથે સંકળાયેલું છે.

રોહનના ફાર્મસ્ટેમાં રહી ચુકેલી ભિવંડીની રહેવાસી નિવેદિતા આશિષ પાટીલ કહે છે, “ગયા વર્ષે લોકડાઉનમાં થોડી છૂટછાટ મળ્યા બાદ અમે ક્યાંક ફરવા માંગતા હતા. અમને સોશિયલ મીડિયા દ્વારા ફાર્મ 360 વિશે માહિતી મળી. ત્યાં રહેવાનો અનુભવ એકદમ અનોખો હતો. રોહને ઈકો-ફ્રેન્ડલી અને રિસાયકલ કરેલી વસ્તુઓમાંથી એક અદ્ભુત ફાર્મ બનાવ્યું છે. ત્યાં બનાવેલા ઓરડાઓ કુદરતી રીતે ઠંડક અને હવાદાર હતા. તેમણે આર્કિટેક્ચરમાં વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખ્યું છે.”

આ ઉપરાંત નિવેદિતાને ત્યાંના પરંપરાગત બગીચા અને ઓર્ગેનિક ખેતી વિશે પણ જાણવાનો મોકો મળ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, ત્યાં ખેતરમાં ઓર્ગેનિક શાકભાજીમાંથી બનાવેલો ખોરાક કેળાના પાનમાં ખવડાવવામાં આવતો હતો. આના જેવી જગ્યા તમને પ્રકૃતિ સાથે સંપૂર્ણ રીતે જોડવાનું કામ કરે છે.

Mud House

રોહન કહે છે કે ભવિષ્યમાં તે તેના ફાર્મમાં વાડા કોલમ ચોખા અને તરબૂચમાંથી વાઇન બનાવવાની યોજના ધરાવે છે. આમ, તે વધુ ને વધુ બાય-પ્રોડક્ટ્સ બનાવીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માંગે છે. આ સિવાય તે આ દિવસોમાં વધુ એક કોટેજ બનાવી રહ્યા છે. તેણે કહ્યું કે ત્રીજુ કોટેજ આ બે કોટેજ કરતા થોડી મોટી છે. અહીં તે લાઈમ પ્લાસ્ટરમાંથી એક નાનો સ્વિમિંગ પૂલ પણ બનાવી રહ્યો છે.

ખેતીની દુનિયામાં આ પ્રકારનાં નવા પ્રયોગો કરનારા રોહન સુધીર ઠાકરેનાં જુસ્સાને ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.

Facebook પર Farm360 સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પત્નીની છેલ્લી ઇચ્છાને માન આપી વડોદરાના દિનેશભાઈ રોજ જમાડે છે 150 લોકોને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon