જયપુરનાં આ બાપ-દીકરીની જોડી છાણ અને કોટન વેસ્ટનો ઉપયોગ કરીને બનાવે છે ઘણા ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટસ
ઇકો-ફ્રેન્ડલી જીવન જીવવા માટે એવા ઉત્પાદનો બનાવવું ખૂબ જ જરૂરી છે, જે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે. આપણે આપણી રોજબરોજની વસ્તુઓમાં આવા ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, જે એક યા બીજી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
પછી તે આપણા ઘરનો કચરો હોય કે કોવિડ સામે રક્ષણ માટે પહેરવામાં આવેલ માસ્ક હોય. શું આ બધાને રિસાયકલ અથવા નિકાલ કરી શકાય છે? જે રીતે આપણે આપણી જરૂરિયાતો માટે કાગળ અને તેમાંથી બનતી અન્ય ચીજવસ્તુઓ માટે વૃક્ષો કાપી રહ્યા છીએ, શું આ યોગ્ય છે, શું બીજો કોઈ વિકલ્પ નથી?
દરેક વ્યક્તિ આ બધી સમસ્યાઓ વિશે વિચારે છે, પરંતુ શું આપણે તેના ઉકેલ માટે કંઈ કરી રહ્યા છીએ? જયપુર સ્થિત ભીમ રાજ શર્મા અને તેમની પુત્રીએ પર્યાવરણની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એક ઈનોવેશન કર્યું છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાગળ અને અન્ય સ્ટેશનરી બનાવવા માટે ગાયના છાણ અને કપાસના કચરાનો ઉપયોગ કરે છે. તેમણે આ કાર્યની શરૂઆત ગૌશાળાને સસ્ટેનેબલ બનાવવાની સાથે સાથે લોકોને ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ આપવાના હેતુથી કરી હતી.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, ભીમ રાજ કહે છે, “અમે સૌપ્રથમ કાગળ બનાવવાનો પ્રયોગ કર્યો અને આજે અમે લગભગ 70 પ્રકારના ઉત્પાદનો બનાવીએ છીએ. અમે ગૌશાળામાંથી ગૌમૂત્ર અને ગોબર ખરીદીએ છીએ જેથી ગૌશાળા પણ આત્મનિર્ભર બની શકે.”

દીકરીના આઈડિયાથી શરૂઆત કરી
ભીમ રાજ છેલ્લા 20 વર્ષથી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. વાસ્તવમાં, તેઓ હંમેશા ગાયની સેવા માટે કંઈક કરવા માંગતા હતા. તેમણે ગાયના છાણ અને ગૌમૂત્રના યોગ્ય ઉપયોગ માટે પંચગવ્ય કોર્સ પણ કર્યો હતો. જ્યાં તેમણે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ લોકોની સારવાર માટે કેવી રીતે કરી શકાય તે શીખ્યા. પરંતુ તે કંઈક એવું કરવા માંગતા હતા જેને વધુને વધુ લોકો અપનાવી શકે.
ત્યાર બાદ તેમની પુત્રી જાગૃતિ શર્માએ તેમને આઈડિયા આપ્યો કે કાગળ બનાવવા માટે ગાયના છાણનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ. જાગૃતિએ ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે લોકો હાથીના છાણમાંથી કાગળ બનાવે છે. ત્યારે તેણે વિચાર્યું કે ગાયના છાણનો પણ આ રીતે ઉપયોગ કેમ ન કરવો જોઈએ.
બસ પછી શુ હતુ પોતાની દીકરીના વિચારથી પ્રેરણા લઈને તેમણે કાગળ બનાવવાનું શરૂ કર્યું. આ કામમાં તેમણે પોતાના એક મિત્રની મદદ લીધી, જે હેન્ડમેડ પેપર બનાવતો હતો. ગાયના છાણમાંથી બનાવેલ આ કાગળ સંપૂર્ણપણે મેન્યુઅલી બનાવવામાં આવે છે.
તેમણે કહ્યું, “અમારો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો અને આજે તમે આ ઇકો-ફ્રેન્ડલી કાગળ પર ડિજિટલ પ્રિન્ટિંગ કરી શકો છો. તે પછી, અમે ધીમે ધીમે ઘણા નવા ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું અને જાન્યુઆરી 2017માં અમે ગૌકૃતિ નામથી અમારો ઈકો-ફ્રેન્ડલી વ્યવસાય શરૂ કર્યો.”

ગાયના છાણમાંથી કાગળ કેવી રીતે બને છે?
આ કાગળ બનાવવામાં પાણીનો બિલકુલ ઉપયોગ થતો નથી. આમાં ગાયનું છાણ, કપાસનો કચરો અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ પ્રક્રિયા ગાયના છાણ અને કપાસના કચરાનું મિશ્રણ કરીને કરવામાં આવે છે, જે એક સરસ પ્રવાહી તૈયાર કરે છે. આ પ્રવાહીને વિવિધ ફ્રેમમાં નાંખીને સેટ કરવામાં આવે છે, આ રીતે બનેલી શીટ લગભગ એક દિવસ માટે સૂકવવામાં આવે છે.
તો સફેદ અને રંગીન કાગળ પણ આ જ રીતે તૈયાર કરે છે. કાગળને રંગીન બનાવવા માટે કુદરતી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે પીળા રંગના કાગળ માટે હળદરનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આ કાગળો ઈજા થઈ હોય એવાં કેસમાં પટ્ટીનું પણ કામ કરે છે. તેમાં હળદર અને ગાયનું છાણ હોવાથી તેનો ઉપયોગ ઘા મટાડવા માટે થાય છે.

કાગળમાંથી વૃક્ષો ઉગે છે
જાગૃતિ અને તેના પિતાએ છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પ્રયોગો કર્યા છે. જાગૃતિ કહે છે, “અમે એવા કાગળોમાં બીજ નાખીએ છીએ જેને રોલ કરવા પડતા નથી. જેમ કે બેગ અથવા ફોલ્ડર વગેરેમાં જેથી કરીને જો તમે તેને ઉપયોગ કર્યા પછી ફેંકી દો તો તેમાંથી એક વૃક્ષ ઉગી નીકળશે.”
તાજેતરમાં ગૌકૃતિએ ઈકો ફ્રેન્ડલી સીડ રાખડીઓ બનાવી હતી, જે લોકોને ખૂબજ ગમી હતી.
તો, ગયા વર્ષે કોરોનાના સમયગાળા દરમિયાન, તેમણે ગાયના છાણમાંથી માસ્ક પણ બનાવ્યા હતા, જે તેમણે પોલીસ અને આરોગ્ય કર્મચારીઓને મફતમાં આપ્યા હતા. ગાયના છાણમાંથી બનાવવામાં આવતું હોવાથી તે જમીનમાં સરળતાથી ભળી જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.
એ જ રીતે ગાયના છાણનો ઉપયોગ કરીને તે ફાઈલો, ફોલ્ડર, કોપી, પુસ્તકો, પેન્સિલ, બેગ સહિત 70 પ્રકારની અન્ય પ્રોડક્ટ બનાવે છે.
તેમણે વર્ષ 2018માં મુંબઈમાં યોજાયેલા ઓર્ગેનિક ફેસ્ટિવલમાં તેના ઉત્પાદનો સાથે ભાગ લીધો હતો. આ ઉપરાંત, તેણે બેંગલુરુમાં વેલનેસ એન્ડ ઓર્ગેનિક એક્સ્પો, ચેન્નાઈમાં ઈન્ડિયા ઓર્ગેનિક ફેર સહિત અન્ય ઘણા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. તેઓ આવા તમામ રાજ્ય અને રાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે જેથી કરીને વધુને વધુ લોકો આવી ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ વિશે જાણી શકે.

ગૌકૃતિની પ્રોડક્ટ્સ AMAZON અને FLIPKART પર પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. તે પોતાની વેબસાઈટ પર પણ કામ કરી રહ્યો છે, જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.
ગૌકૃતિ સંબંધિત વધુ માહિતી માટે, તમે તેમનો 9829055961 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાંની એક પાટણની ‘રાણી કી વાવ’ છે ભારતનું ‘સ્વચ્છ આઈકોનિક પ્લેસ’ પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો