ઉમાશંકર જોશીનો જન્મ જેઠાલાલ કમલજી અને નવલબાઈને ત્યાં બામણા (હાલ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં) નામના નાના ગામમાં થયો હતો.
1916 માં, જોશીએ બામણાની પ્રાથમિક શાળામાં તેમનું શિક્ષણ શરૂ કર્યું ત્યારબાદ સર પ્રતાપ હાઇસ્કૂલ, ઇડર ખાતે જોશીએ 1927 સુધી 6 વર્ષ સુધી અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ 1927માં મેટ્રિક માટે અમદાવાદની હાઈસ્કૂલમાં જોડાયા. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમદાવાદ પહોંચવું એ તેમના માટે એક મોટી વાત હતી કેમકે અમદાવાદ તે સમયે બ્રિટિશ ભારતનો ભાગ હતું જ્યારે ઇડર અને બામણા ઇડર રાજ્યના રજવાડા હેઠળ હતા. અમદાવાદે જોશીને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો. આ શહેરે તેમની સામાજિક અને રાજકીય સભાનતા વધારવામાં પણ મદદ કરી. 1928માં જોશી અમદાવાદની ગુજરાત કોલેજમાં જોડાયા. તેમણે 1930માં રાષ્ટ્રીય ચળવળના પ્રભાવ હેઠળ બ્રિટિશ શિક્ષણ છોડ્યું ત્યાં સુધી તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો.
તેમના જીવનના રસપ્રદ અને ટર્નિંગ પોઈન્ટ સમા પ્રસંગની વાત કરીએ તો, જોશી અન્ય બે મિત્રો સાથે અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર માઉન્ટ આબુ પર ચડ્યા અને પહાડ પરના નખી તળાવ પર ચંદ્રોદય જોવા માટે ગયા. પહાડીની ટોચની આનંદદાયક મુસાફરી પછી, પાનખરના ચંદ્ર અને તળાવે જોશીને તેમની પ્રથમ કવિતા લખવાની પ્રેરણા આપી. કવિતા, નખી સરોવરે શરદ પૂર્ણિમા ગુજરાત કોલેજ મેગેઝિનમાં પ્રકાશિત થઈ.
એપ્રિલ 1930માં જોશી વિરમગામ સત્યાગ્રહ છાવણીમાં સત્યાગ્રહી તરીકે જોડાયા. બ્રિટિશ અધિકારીઓએ નવેમ્બર 1930માં અન્ય સત્યાગ્રહીઓ સાથે તેમની ધરપકડ કરી હતી. તેમને શરૂઆતમાં સાબરમતી જેલમાં અને ત્યારબાદ યરવડા ટેન્ટ-જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. આ પ્રારંભિક કેદ 14 અઠવાડિયા સુધી લંબાવવામાં આવી હતી. ગાંધી-ઇર્વિન કરારના પરિણામે, જોશીને પણ 1931ની શરૂઆતમાં હજારો રાજકીય કેદીઓ સાથે મુક્ત કરાયા. તેમણે માર્ચ 1931માં આયોજિત કરાચી કોન્ફરન્સમાં હાજરી આપી. જોશીએ જુલાઈથી છ મહિના સુધી ગુજરાત વિદ્યાપીઠમાં વર્ગોમાં હાજરી આપી. 1932 માં, જોશીને ફરીથી સાબરમતી અને વિસાપુર જેલમાં આઠ મહિના માટે કેદ કર્યા.
જોશીએ 1931 માં જેલમાં તેમની પ્રથમ કવિતા વિશ્વ શાંતિ લખી. વિશ્વ શાંતિ એક લાંબી કવિતા છે અને તે “ગાંધીના સંદેશ અને જીવનકાર્યનો સંદર્ભ આપે છે”. આ સમયગાળા દરમિયાન તેમના જેલ સાથી અન્ય સમકાલીન ગુજરાતી કવિ ત્રિભુવનદાસ લુહાર “સુંદરમ” હતા. બંનેએ એક જ પુસ્તકમાં સાથે લખ્યું અને રાષ્ટ્ર અને વૈશ્વિક નાગરિક તરીકેનો પ્રેમ વહેંચ્યો.
તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં કલામાં સ્નાતક થવા માટે જોડાયા ત્યાં સુધીમાં, તેમની કૃતિઓ શાળાના અભ્યાસક્રમમાં હતી અને આમ તેઓ ગુજરાતી સાહિત્યમાં સ્થાપિત લેખક બની ગયા. 1934 માં, ગંગોત્રી, 1932-34 દરમિયાન લખાયેલ જોશીની કવિતાઓનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. 1936માં જોશીએ એકાંકી નાટકો લખવાનું શરૂ કર્યું અને તેને સપના ભારતી નામના સંગ્રહમાં પ્રકાશિત કર્યું. આ કૃતિઓ સ્ટેજ પર લોકપ્રિય થઇ.
ઉમાશંકર જોશીને 20મી સદીના ગુજરાતી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ સાહિત્યિક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. તેમણે કવિતામાં ખાલી છંદ શૈલીનો ઉપયોગ કર્યો. જોશીએ આ ટેકનિકનો શ્રેય ગુજરાતી કવિ અને વિવેચક બ.ક. ઠાકોરને આપ્યો, જેમણે 1880ના દાયકામાં ગુજરાતી કવિતામાં સૉનેટ રજૂ કર્યું.
ઉમાશંકર જોશીને 1967માં કન્નડ કવિ કે.વી.પુટ્ટપા (રામાયણ દર્શન માટે) સાથે તેમની કૃતિ નિશિથ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. 1970 માં, જોશીને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જોશી 1976માં જ્ઞાનપીઠ પુરસ્કાર સમિતિ અને 1978માં સાહિત્ય અકાદમીના પ્રમુખ બન્યા. તેઓ 1978થી 1983 સુધી સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે રહ્યા. ભારતમાં કટોકટી દરમિયાન, જોશીએ આવા જુલમમાં સ્વતંત્ર વાણીની હિમાયત કરીને તેમના સિદ્ધાંતો પ્રત્યેની હિંમત અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
1988 માં, તેમને ફેફસાના કેન્સરથી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 19 ડિસેમ્બર 1988ના રોજ 77 વર્ષની વયે ગુજરાતના આ મહાન સાહિત્યકારનું અવસાન થયું.
ઉમાશંકર જોશીની કૃતિઓ
નિશિથ
ગંગોત્રી
વિશ્વશાંતિ
મહાપ્રસ્થાન
અભિજ્ઞા
સંસ્કૃતિ’ – મેગેઝિનના સંપાદક
વિસામો – વાર્તાઓનો સંગ્રહ
હવેલી – નાટકોનો સંગ્રહ
શ્રાવણી મેલો – વાર્તાઓનો સંગ્રહ
અખો : એક અધ્યાન
“શાકુંતલ” – કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલનો અનુવાદ
“ઉત્તર રામચરિત” – ભવભૂતિના ઉત્તર રામચરિતનો અનુવાદ
“ઈશાવાય ઉપનિષદ” – ગુજરાતીમાં અનુવાદ અને ભાષ્ય.
જો તમે પણ સાહિત્યના ચાહક હશો તો, ઉમાશંકર જોશીની આમાંની કેટલીક કૃતિઓ તો ચોક્કસથી વાંચી જ હશે અને માણી પણ હશે.
કવર ફોટો: Wikipedia
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.