Search Icon
Nav Arrow
Composting
Composting

આ 10 નાના-નાના બદલાવો અપનાવીને, તમે પણ જીવી શકો છો સસ્ટેનેબલ જીવન

પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરવા માગો છો? તો જીવનમાં જરૂરથી અપનાવવા જોઈએ આ બદલાવો, અમદાવાદની પંક્તિ પાંડે શીખવાડે છે 10 રસ્તા, જેનાથી તમે પણ જીવનમાં લાવી શકો છો બદલાવ.

આજકાલ આપણામાંથી ઘણા લોકો આપણી આસપાસ સસ્ટેનેબલ ઘર, ઈકો-ફ્રેન્ડલી અને ઓર્ગેનિક પ્રોડક્ટસ વિશે સાંભળતા રહે છે. સમય આવતા જાગૃતિ સાથે આપણામાંના ઘણા પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વિના જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આવા લોકોની સંખ્યા હજુ ઓછી છે. મોટાભાગના લોકો માને છે કે જો આપણે એકલા બદલાઈશું તો શું થશે?

આપણે આપણા રોજિંદા જીવનમાં જે કંઈ કરીએ છીએ તેની અસર આપણી પૃથ્વી પર પડે છે. પછી ભલે તે આપણું રોજનું ખાવાનું હોય કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાર કે સ્કૂટરનો ઉપયોગ કરવાનો હોય.

શું આનો મતલબ એવો થાય કે આપણે ઘરમાં માત્ર ઉગતા શાકભાજી જ ખાવા જોઈએ અને દરેક જગ્યાએ ચાલીને જ જવુ જોઈએ? ના, અમે આવું બિલકુલ નથી કરી રહ્યા, પણ હા, પોતાની વિચારસરણીમાં થોડો ફેરફાર કરીને આપણે શરૂઆત કરી શકીએ છીએ. આપણને જ્યાં પણ તક મળે છે ત્યાં આપણે આપણા સ્તરે પર્યાવરણ સંરક્ષણનું કામ કરી શકીએ છીએ, પરંતુ આ માટે સકારાત્મક વિચારસરણી હોવી ખૂબ જ જરૂરી છે.

જો તમારી પણ આવી માનસિકતા છે, તો તમે આ ફેરફારો સાથે સસ્ટેનેબલ જીવન જીવવાનો પ્રયાસ કરી શકો છો.

અમદાવાદની પંક્તિ પાંડે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને સસ્ટેનેબલ અને ઝીરો વેસ્ટ લાઈફ જીવવા માટે પ્રેરણા આપી રહી છે. આ લેખમાં, અમને તેમની પાસેથી જાણવા મળ્યું કે એવા 10 સરળ ફેરફારો છે, જેને સામાન્ય વ્યક્તિ સરળતાથી અપનાવી શકે છે.

 પંક્તિ કહે છે, “એક સ્થાઈ અને સસ્ટેનેબલ જીવનશૈલી જીવવા માટે, આપણે ઓછામાં ઓછા પોતાના સ્તરે કચરો ઓછો કરવો પડશે. આપણે તેનો ઉપયોગ કર્યા પછી, નકામી વસ્તુઓ ક્યાં જાય છે? તેને ધ્યાનમાં રાખીને જ આપણે મોટા પરિવર્તનમાં નાની મદદ કરી શકીએ છીએ.”

Recyled Material

શું છે સસ્ટેનેબલ જીવન?
સસ્ટેનેબલ જીવન માટે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે આપણી સગવડતા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરીએ.

આ 10 ફેરફારો સાથે શરૂઆત કરો:

1. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો
આજે આપણા ઘરમાં દૂધની થેલીઓથી લઈને રાશન સુધી બધું પ્લાસ્ટિકમાં પેક કરીને આવે છે. આવી સ્થિતિમાં, આપણે શક્ય તેટલું આ પ્લાસ્ટિક બેગને રિસાયકલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ આપણા માટે દરેક વખતે રિસાયકલ કરવું મુશ્કેલ છે. તેથી તેનો ઉપયોગ ટાળવાનો પ્રયાસ કરો.

સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે જેને આપણે થોડીવાર ઉપયોગ કર્યા પછી તરત જ ફેંકી દઈએ છીએ. તેનાથી બચવા માટે, તમારી ફરીથી વાપરી શકાય તેવી કાપડની થેલી, કટલરી, કપ અને પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.

2.પેક્ડ કરેલો ખોરાક ખરીદવાનું ટાળો
આ એક ખૂબ જ સરળ ઉપાય છે, જેના દ્વારા તમે તમારા કચરાને ઘટાડી શકો છો. આ માટે તમારે તમારી નજીકના ફેન્સી ઝીરો વેસ્ટ સ્ટોર્સ શોધવાની જરૂર નથી. તમે તમારા કન્ટેનરને તમારી સાથે તમારી કરિયાણાની દુકાનમાં લઈ જઈ શકો છો. બલ્ક શોપિંગ વસ્તુઓને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની આ એક સરળ રીત છે, વર્ષો પહેલા આપણા માતા-પિતા પણ આવું જ કરતા હતા.

3. ખાતર
આપણા ઘરનો ગ્રીન વેસ્ટ સૌથી સરળતાથી રિસાયકલ થાય છે. તેમ છતાં, આપણે તેને કચરાપેટીમાં ફેંકીએ છીએ. શું તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધો કચરો ક્યાં જાય છે? તમે આ ગ્રીન વેસ્ટને સરળતાથી કમ્પોસ્ટ કરી શકો છો.

આ કામ ન તો અઘરું છે અને ન તો બહુ ખર્ચાળ. તમે તેને તમારી બાલ્કની અથવા આંગણામાં ખૂબ જ ઓછી જગ્યામાં દરરોજ 2-3 મિનિટ ખર્ચીને બનાવી શકો છો. તમે તમારા બગીચામાં તેનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં બગીચો ન હોય તો પણ તમે ખાતર બનાવીને અને નજીકના વૃક્ષોમાં તેનો ઉપયોગ કરીને હરિયાળી ફેલાવવાનું કામ કરી શકો છો.

4. રસાયણોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો
આપણામાંના મોટાભાગના લોકો એ વાતથી વાકેફ નથી કે આપણે દરરોજ જે સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ તે આપણા જળાશયોને કેટલું પ્રદૂષિત કરે છે. તેથી ઝેરી રસાયણોનો ઉપયોગ કરવાને બદલે, તમારા પોતાના ક્લીનર, શેમ્પૂ અને અન્ય ઉત્પાદનો ઘરે જ બનાવો. આપણે ઘરે ઉપલબ્ધ વસ્તુઓમાંથી સંપૂર્ણપણે રસાયણ મુક્ત ઉત્પાદનો સરળતાથી બનાવી અને વાપરી શકીએ છીએ.

Recyled Material

 5. ઓછું ખરીદો વધુ ઉપયોગ કરો
આજે આપણે માણસો, દેખાડાની આંધળી દોડનો એક ભાગ બનીને, વિચાર્યા વિના વસ્તુઓ ખરીદી રહ્યા છીએ. પછી તે કપડાં હોય, ખોરાક હોય, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ હોય કે વાહનો હોય. આપણને જોઈએ છે તેના કરતાં વધુ લઈને તેનો બગાડ કરીએ છીએ અને તેની જાળવણી માટે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. તેથી તમે જે ખરીદી રહ્યા છો તેનું ધ્યાન રાખો, ઓછું બગાડો અને વધુ ઉપયોગ કરો.

ઉપયોગ કર્યા પછી કપડાં અને વસ્તુઓ ફેંકી દેવાને બદલે તેને જરૂરિયાતમંદોને દાન કરો.

6. રિસાયકલ
આજકાલ પેપર પ્રોડક્ટ્સથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધીની લગભગ દરેક વસ્તુને રિસાઈકલ કરી શકાય છે. તેથી લેન્ડફિલમાં ન વપરાયેલ સામગ્રી મોકલતા પહેલા, તેને કેવી રીતે રિસાયકલ કરી શકાય તે વિશે વિચારો. તમે તમારી આસપાસ જુઓ, તમને ચોક્કસપણે રિસાયક્લિંગ કંપનીઓ મળશે જે તમારા કચરાને રિસાયકલ કરી શકે છે.

7. સ્થાનિક અને ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદો
એક સમજદાર ગ્રાહક તરીકે આપણે સ્થાનિક ફળો અને શાકભાજી અથવા અન્ય ઉત્પાદનો ખરીદવી જોઈએ. કારણ કે દૂરથી આયાત કરાયેલ ઉત્પાદન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, તેનાથી કાર્બન ઉત્સર્જન પણ થાય છે. આપણે વધુ ને વધુ ઓર્ગેનિક ઉત્પાદનો પસંદ કરીને જૈવિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ટકાઉ જીવન જીવવા માટે તે એક સારો માર્ગ પણ બની શકે છે.

8. વીજળીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો
જે રીતે વીજળી અને પાણીના બિલો દિવસેને દિવસે વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આપણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ આપણા માટે માત્ર આર્થિક રીતે નુકસાનકારક નથી, પરંતુ પર્યાવરણીય સંરક્ષણની દૃષ્ટિએ પણ તે સારું નથી. કારણ કે આ ઊર્જાના ઉત્પાદનમાં જે કાર્બન ઉત્સર્જન થાય છે, તે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે. તેથી આપણે તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવો જોઈએ. સાથે સાથે એ શ્રેષ્ઠ રહેશે કે આપણે સૌર ઉર્જા જેવી રિન્યૂએબલ ઉર્જા એટલે કે અક્ષય ઊર્જાના ઉપયોગ પર ભાર આપીએ.

Sustainable Life

10. વાહનનો ઉપયોગ ઓછો કરો
આજે શહેરોમાં માણસો કરતાં વાહનોની સંખ્યા વધુ છે. તે માત્ર ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર નથી, પરંતુ વાહનમાંથી નીકળતો ધુમાડો આપણા પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. તેથી જ આપણે શાકભાજી અથવા કરિયાણાની દુકાન જેવા ટૂંકા અંતરની જગ્યાએ ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારી ઓફિસ સુધી પહોંચવા માટે સાર્વજનિક પરિવહનની વધુ સારી સુવિધા છે, તો તેનો ઉપયોગ કરો. જો તમે તમારી કાર દ્વારા જાઓ છો, તો પણ બે લોકો માટે એક વાહનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

આ લેખનો હેતુ એ નથી કે તમારે આ બધી પદ્ધતિઓ તાત્કાલિક અપનાવવી જોઈએ. પરંતુ અમે આશા રાખીએ છીએ કે તમારા વિચારોમાં ચોક્કસ બદલાવ આવશે.

9. જાગૃત પ્રવાસી બનો
મુસાફરીની આપણા જીવનમાં સકારાત્મક અસર પડે છે. પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે પણ આપણે બહાર ફરવા જઈએ છીએ ત્યારે અજાણતા કોઈક ગંદકી ફેલાવતા આવીએ છીએ. જેની પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે. તેથી જ આપણે એક સભાન પ્રવાસી તરીકે આપણે જ્યાં પણ જઈએ ત્યાં સ્થાનિક સામાનની ખરીદી કરવાનો પ્રયાસ કરવો જોઈએ, સ્થાનિક સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ, ઓછામાં ઓછો કચરો ફેલાવવો જોઈએ અને વન્યજીવન અને છોડને નુકસાન ન કરવું જોઈએ.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગુજરાત સરકારે શરૂ કર્યું ઑનલાઈન RTI પોર્ટલ, અરજી માટે નહીં ખાવા પડે ઑફિસોના ધક્કા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon