જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા માટે ઘણા લોકો દ્વારા નિસ્વાર્થપણે આજના જમાનામાં પણ અવિરત સેવા યજ્ઞ ચાલતો હોય છે. વાચકોએ ધ બેટર ઇન્ડિયા પર ઘણા એવા લેખો વાંચ્યા જ હશે અને તેમાંથી પ્રેરણા, પ્રોત્સાહન અને હાશકારો મેળવ્યા જ હશે કે આ કળિયુગમાં હજી પણ માનવતા નથી મરી પરવારી.
આજે ફરી ધ બેટર ઇન્ડિયા એ રીતની જ એક માનવતાવાદી સંસ્થા દ્વારા વર્ષોથી અમલમાં મુકાયેલ એક ઉમદા પહેલની વાત લઈને તમારી સમક્ષ હાજર થયું છે કે જે વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન તો જમાડે જ છે સાથે સાથે પોતાની દૈનિક જરૂરિયાતના કામ ન કરી શકતા લોકોને તો તે ઘેર ઘેર જઈ ટિફિન આપીને તેમની જઠરાગ્નિ સંતોષે છે.

આ સંસ્થાનું નામ છે ‘ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટ’ અને જે જામનગરમાં વર્ષોથી કાર્યરત છે. આ ટ્રસ્ટની સ્થાપના લવજીભાઈ પટેલ તેમ જ તેમના ધર્મપત્ની લક્ષ્મી બહેને 1994 માં કરી હતી અને ટ્રસ્ટની સ્થાપના થઇ તે પહેલા પણ તે દંપતી સ્વેચ્છાએ પોતાના ઘરે જ ભોજન બનાવી ભૂખ્યા લોકોની ભૂખ સંતોષાતા હતા. તો ચાલો તેમની આ પહેલ પાછળના ઇતિહાસ અને તેના વર્તમાનને સવિસ્તાર જાણીએ.
લવજીભાઈ પટેલને પોતાનો ખુદનો વ્યવસાય હતો પરંતુ અચાનક એક દિવસ તે અને તેમના ધર્મપત્ની બધું જ મૂકીને હરિદ્વાર શાંતિકુંજ ખાતે રહેવા જતા રહ્યા હતા. વીસ વર્ષ સુધી આ દંપતી ત્યાં જ રહ્યું અને હરિદ્વાર ખાતે રહીને જ ભક્તિ તથા ધ્યાન કરતા રહ્યા. આ પછી આ દંપતીને વિચાર આવ્યો કે હરિદ્વાર રહીને ભક્તિ કરવી તે બાબત તો બરાબર છે પરંતુ ખરેખર લોકો માટે કંઈક નક્કર કરવાની જરૂર છે અને આ વિચારે જ તે દંપતીને જામનગર પરત ફરવા માટે પ્રેરણા આપી.

જામનગરમાં પરત ફર્યા પછી આ દંપતીએ દિવસના ફક્ત બે ટિફિન દ્વારા લોકોને વિનામૂલ્યે જમાડવાના આ કાર્યની શરૂઆત કરી. બા પોતે જ જમવાનું બનાવતા અને લવજીભાઈ તેને લઈને હોસ્પિટલની બહાર ઊભા રહેતા અને કોઈ દર્દી કે તેનું સગુ જરૂરિયાતમંદ લાગે તેને આપતા. ધીરે તેમના આ કાર્યનો વ્યાપ વધવા લાગ્યો અને તે કારણે દંપતીને એક ટ્રસ્ટ બનાવવાની જરૂરિયાત જણાઈ. તેથી જ ઈ.સ.1994 માં તેમણે આપણી પવિત્ર નદી એવી ગંગાના નામે ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.
ટ્રસ્ટની સ્થાપના વખતે લવજીભાઈએ પોતાની પાસે પડેલ બચત કરેલી મૂડી જે અંદાજે તે સમયે 25 લાખ રૂપિયા જેટલી હતી તે બધી જ ટ્રસ્ટને સમર્પિત કરી. અને આમ ટુરિસ્ટની સ્થાપનાથી લઈને વર્ષ 2010 માં તેમના અવસાન સુધી તેઓ આ સેવાયજ્ઞ સાથે જોડાયેલા રહ્યા. સમય જતા 2012 માં લક્ષ્મી બા એ પણ પોતાનો દેહ છોડી સ્વર્ગની વાટ પકડી. પરંતુ તેઓ એક એવી પહેલને પોતાની આગળની પેઢીને આપતા ગયા કે જેની સુંગધ ચારે તરફ ફેલાઈ ગઈ હતી.

દંપતીના અવસાનના દસ વર્ષ પછી હાલ પણ અત્યારે આ સંસ્થા વ્યવસ્થિત કાર્યરત છે અને દિવસના લગભગ 1200 થી 1500 લોકોને જમાડે છે. અત્યારે આ સંસ્થા લવજીભાઈ ટ્રસ્ટ અંતર્ગત જ ચાલાવે છે પરંતુ તેમાં મોટા ભાગની દેખરેખ લવજીભાઈના ભાણેજ તેમ જ આ સંસ્થા સાથે પોતે દસમા ધોરણમાં હતા ત્યારથી જ સેવા માટે જોડાયેલા ચંદ્રેશભાઇ સંભાળે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ચંદ્રેશભાઈએ વર્તમાન સમયમાં સંસ્થાના કાર્ય વિશે વિધિવત જણાવ્યું હતું. તેઓ જણાવે છે કે અત્યારે આ સંસ્થા દ્વારા રોજના 1200 લોકોને ભોજન આપવામાં આવે છે જેમાં 200 લોકો એવા છે જેને ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. આવા લોકોની જાણકારી જે તે સેવાભાવી લોકો દ્વારા સંસ્થાને આપવામાં આવે છે પછી સંસ્થા વતી ચંદ્રેશભાઇ કે બીજા કોઈ વ્યક્તિ ત્યાં જઈને તે માણસને ખરેખર આ રીતની જરૂરિયાત છે કે નહિ તે ચકાસી પછી જ ટિફિન સેવા શરુ કરવામાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે દરેક લોકોને ઘેર ટિફિન સંસ્થા દ્વારા વસાવવામાં આવેલ ઇલેક્ટ્રિક વાહન દ્વારા જ પહોંચાડવામાં આવે છે.

ગંગાબા ટ્રસ્ટ અત્યારે જામનગર ખાતે આવેલ સરકારી જે જી હોસ્પિટલની બાજુમાં પંડિત નહેરુ માર્ગ પર કાર્યરત છે. જેથી અહીંયા તે હોસ્પિટલમાં આવેલ દર્દીઓને વિનામૂલ્યે અને તેમની સાથે આવેલ સગા સંબંધીઓને પાંચ રૂપિયા ટોકન લેખે ટિફિન આપવામાં આવે છે. આ સિવાય ઘણા લોકો પોતાની મેળે આ ટ્રસ્ટ ખાતે આવી ભોજન કરી જાય છે, તે તો અલગ.
તેઓ આગળ જણાવે છે કે આમ આ કાર્યનું વહન કરવા માટે લોકો દ્વારા આપવામાં આવેલ દાનનો જ ઉપયોગ કરવામાં આવે છે તથા સંસ્થા દ્વારા કોઈ દિવસ કોઈની પાસે સામેથી ચાલીને દાન કે પૈસા ઉઘરાવવામાં આવતા નથી પરંતુ સેવાભાવી અને હિતેચ્છુ લોકો સામેથી ચાલી આવીને સ્વેચ્છાએ સંસ્થાને બનતી મદદ કરી જાય છે. તેઓ જણાવે છે કે અત્યાર સુધી કોઈ દિવસ એવો બનાવ નથી બન્યો કે સીધું પૂરું થવા આવ્યું હોય અને આગળ લોકોને કંઈ રીતે જમાડીશું તે વિશેનો પ્રશ્ન ઉભો થયો હોય પરંતુ તેવું કંઈક થાય તે પહેલા દાનવીરો દ્વારા સંસ્થાની જરૂરિયાત પુરી કરી દેવામાં જ આવે છે.

અત્યારે સંસ્થાને દિવસના 25 હજાર જેટલો ખર્ચ આવે છે અને તે સિવાય સંસ્થામાં 21 લોકો પગાર ધોરણ ઉપર કાર્યરત છે જેમનો પગાર અંદાજે 5000 થી 12000 રૂપિયાની આસપાસ છે જેઓ જમવાનું બનાવવાથી લઈને વાસણની સાફ સફાઈ તથા ટિફિન પહોંચાડવા સુધીની કામગીરી સંભાળે છે. આ ઉપરાંત શહેરના ઘણા લોકો સ્વેચ્છાએ સંસ્થામાં સેવા આપવા માટે નિયમિત પણે આવે છે.
સંસ્થા સાથે સંકળાયેલ અમુક યાદગાર કિસ્સાઓ વિશે જણાવતા ચંદ્રેશભાઇ ધ બેટર ઈન્ડિયાને જણાવે છે “એક વખત એક 75 વર્ષ આસપાસની આયુ ધરાવતા એક દાદા સામેથી ચાલી આવીને પોતાના જિંદગીની સમગ્ર મૂડી અંદાજિત એક લાખ દસ હજારનું દાન કરવા આવેલા ત્યારે અમે તેમને ધરાર ના પાડેલી કે દાદા તમે એકલા છો અને અચાનક તમને કોઈક દિવસ તમારી તબિયત અને બીજી કોઈ જરૂરિયાત માટે મૂડીની જરૂર પડશે અને ખુબ વિનંતી પણ કરેલી કે તેઓ તેમની આ મૂડી પોતાની પાસે જ રાખે છતાં તે દાદાએ અમારી વાત બિલકુલ ન માનતા સમગ્ર મૂડી સંસ્થાને દાન કરેલી અને એવો જ એક કિસ્સો એક વૃદ્ધ બા સાથે પણ સંકળાયેલો છે કે જેઓએ પોતાની જિંદગીમાં ભેગી કરેલી સમગ્ર મૂડી સંસ્થાને અર્પણ કરી હતી સંસ્થા દ્વારા તે સ્વીકાર ન કરી શકાય તેની ખુબ જ વિનવણી કરવા છતાં.”

ચંદ્રેશભાઇ કહે છે, “આ રીતની જે ઘટનાઓ છે તે મારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે અને આવા લોકોને હૂં મહાન દાનવીર તરીકે જ લેખું છું કે જેઓ પોતાના સ્વાર્થ અને જરૂરિયાતને ત્યજી લોકોના ભલા માટે પોતાની આખી જિંદગીના પરસેવાની કમાણી એક પળના વિચાર કે સંકોચ વગર દાન આપી દે છે.”
જામનગરમાં અમુક એવા વિસ્તારો પણ છે કે જ્યાં રોજ જઈને ટિફિન એવું પોસાય તેમ નથી તો તેવા વિસ્તારોમાં સંસ્થા દ્વારા દર મહિને જમવાનું બનાવવાની 200 કીટ આપવામાં આવે છે જેમાં વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે જેમ કે તેલ, મસાલા, કઠોળ, ધાન્ય વગેરે.
આ સિવાય ગંગા માતા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમ કે મોતિયાના ઓપરેશાન વાળા દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ચશ્મા પ્રદાન કરવામાં આવે છે તો કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવવામાં આવે છે સાથે સાથે જરૂર હોય તેવા લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

ધ બેટર ઇન્ડિયા પરિવાર ‘ગંગા બા ટ્રસ્ટ’ તેમજ ચંદ્રેશભાઇ તથા બધા જ અનામી અને નામી દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. અને તેમની આ પહેલ હજી પણ જામનગરના સીમાડાઓ વટાવીને આગળ વધે તે માટે લોકોને અપીલ પણ કરે છે કે જો તમે આ સંસ્થાને મદદ કરવા માંગતા હોય તે આપેલા આ નંબર 6358745545 પર સંપર્ક કરી જણાવી શકે છે.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો : ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.