આજની તારીખમાં દરેક વ્યક્તિ સ્લિમ-ટ્રીમ દેખાવા માંગે છે. લોકો વજન ઘટાડવા માટે વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. એવા વિવિધ પ્રકારનાં આહાર, પીણાં અને ગોળીઓ ઉપલબ્ધ છે જે ઝડપથી વજન ઘટાડવાનો દાવો કરે છે. પરંતુ આ પદ્ધતિઓ લાંબા ગાળે કોઈને લાભ આપતી નથી. આ સિવાય, ઘણા લોકો જે માનસિક અને શારીરિક રીતે ફિટ નથી, તેમનાં માટે પણ આવા પીણાં અને ગોળીઓ ખૂબ ફાયદાકારક સાબિત થતી નથી.
વજન ઘટાડવા અંગે ઇરાવતી કોરેની સફર એકદમ રસપ્રદ અને પ્રેરણાદાયક છે. 23 વર્ષીય ઇરાવતી બેન્કર છે અને પુણેમાં રહે છે. બે વર્ષ પહેલા ઇરાવતી પણ તે લોકોમાંની એક હતી જે ઝડપથી વજન ઘટાડવા માંગતી હતી. ઇરાવતીના વધતા વજનનું કારણ તેની નબળી જીવનશૈલી હતી. મોડી રાત્રે ઉંઘવું, વારંવાર રેસ્ટોરન્ટમાં ખાવુ અને ઘરનાં બનેલાં ખાવાથી મોઢું ફેરવવાને કારણે તે 90 કિલોથી વધારેની થઈ ગઈ હતી.
ઇરાવતી કહે છે કે તેણીને તેના વજનમાં વધારો ત્યારે જણાયો જ્યારે તેના કપડામાંથી કોઈ પણ કપડાં તેને ફિટ આવતા ન હતા. તેણી કહે છે કે ઘણીવાર તેની આસપાસના લોકો પૂછવા લાગ્યા કે તેનું આટલું વજન કેમ વધી રહ્યુ છે. તે આગળ કહે છે, “હું એક પોઈન્ટ સુધી પહોંચી ગઈ હતી જ્યાં હું અરીસા કે કેમેરા સામે જવા માંગતી ન હતી. મેં વજન ઘટાડવા અંગે ઓનલાઈન ઘણું સંશોધન કર્યું અને મને વજન ઘટાડવાની કેટલીક ઝડપી ટિપ્સ પણ મળી પણ મેં ટીપ્સને બહુ ગંભીરતાથી લીધી નહીં કારણ કે મેં આવી ઘણી વાર્તાઓ પણ વાંચી છે જે જણાવે છે કે તે લાંબા ગાળે ફાયદાકારક હોતા નથી.”
આજની તારીખમાં ઇરાવતીએ કોઈ સખત ડાયેટ કે કસરત વગર 22 કિલો વજન ઘટાડ્યું છે.

કેવી રીતે તે જાણવા માંગો છો? ચાલો જણાવીએ-
બાધાઓને અવસરની જેમ જોવી
2018માં વધતા વજનને કારણે ઇરાના પીરિયડ્સ થોડા મહિનાઓ માટે અનિયમિત બની ગયા હતા. પછી તેણીએ એક સ્ત્રીરોગ નિષ્ણાતનો સંપર્ક કર્યો જ્યાં તેણીને PCOD અને માઈલ્ડ હાઇપોથાઇરોડિઝમનું નિદાન થયું. ડૉક્ટરે તેને એમ પણ કહ્યું હતું કે તેના માટે વજન ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે પીસીઓડી ધરાવતા લોકોમાં ઝડપી વજન વધવાની સંભાવના હોય છે.
ડૉક્ટરે તેને નિયમિત કસરત કરવાની અને સખત ડાયટનું પાલન કરવાની સલાહ આપી હતી. પરંતુ ઇરા જાણતી હતી કે તેને ખાવાનું પસંદ છે અને તેના માટે લાંબા સમય સુધી અન્ય લોકો દ્વારા સૂચવવામાં આવેલા ફૂડ પેટર્નને વળગી રહેવું મુશ્કેલ બનશે.
ઇરા જણાવે છે કે ડોક્ટરને મળ્યા પછી, તેણીએ ઇન્ટરનેટ પર તેની મેડિકલ સ્થિતિ વિશે ઘણું વાંચ્યું. તેમણે વજન ઘટાડવા સંબંધિત અન્ય ઘણા લોકોની પ્રેરણાદાયી લેખ વાંચ્યા. વજન ઓછું કરવા માટે, દરેકનો પોતાનો અલગ અભિગમ હતો. ઈરાએ સંશોધન કરવાનું ચાલુ રાખ્યું અને રુજુતા દિવેકર દ્વારા લખાયેલા પ્રેરણાદાયી પુસ્તકો વાંચ્યા જેમ કે ‘ધ ડોન્ટ લુઝ આઉટ, વર્ક આઉટ’, અથવા ‘ડોન્ટ લુઝ યોર માઈન્ડ, લુઝ યોર વેઈટ’, અને પોતાને વચન આપ્યું કે તે વજન ઘટાડવાનો પ્રયત્ન નહિ, પણ સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયાસ કરશે.

સકારાત્મક બની રહેવું
નકારાત્મક વિચારો પર કાબુ મેળવવો એ ઇરા માટે તેના વજન ઘટાડવાના પ્રવાસમાં પ્રથમ પગલું હતું. તેણે પોતાની જાતને સમજાવ્યું કે તેની સ્થિતિમાં વજન ઓછું કરવું સહેલું નથી, પરંતુ સાથે સાથે ખાતરી આપી કે વજન ઘટાડવું પણ અશક્ય નથી.
ઇરા જણાવે છે કે તેણે ક્યારેય ડાયેટિશિયન અથવા ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કર્યો નથી. તે કહે છે, “હું પરંપરાગત ઘરે રાંધેલા ભોજન જેવી મૂળ બાબતોમાં પાછી આવી. હું શું ખાઉં છું તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં મારી જાતને કહ્યું ‘તમે જે ખાવ છો તમે તે જ છો’. આ વિચાર સાથે, મેં મારા આહારમાં ઘઉં, રાગી, વધુ ફળો અને શાકભાજી જેવા પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવાનું શરૂ કર્યું. નાસ્તામાં ચકરી, ચણાના લોટના લાડુ અને ડ્રાયફ્રૂટ્સ જેવા પરંપરાગત ભારતીય ખોરાકનો સમાવેશ કર્યો.”
ઇરાનું કહેવું છે કે તેણે ક્યારેય ખોરાકની માત્રા પર ધ્યાન આપ્યું નથી અને હંમેશા પેટ ભરીને ખાધું છે.
તેના દિવસનો મોટાભાગનો ખોરાક આ પ્રમાણે હતો –
સવારનો નાસ્તો – ખીચડી, ઉપમા અથવા પરાઠા જેવા ઘરે બનાવેલા ભોજન
મિડ સ્નેક્સ – ફળો અથવા ડ્રાય ફ્રૂટ્સ
લંચ – રોટલી અને શાક
સાંજનો નાસ્તો – તાજો રસ, ચણાના લોટના લાડુ અથવા ચકરી અથવા ચેવડા જેવા ઘરે બનાવેલા નાસ્તા
રાત્રિભોજન-દાળ-ભાત, દૂધ અથવા કઢી.
ઈરા કહે છે, “ક્યારેક મને પેસ્ટ્રી, પીઝા અથવા તેલમાં તળેલો ખોરાક ખાવાની ખૂબ જ ઇચ્છા થતી હતી અને મેં ક્યારેય મને આવા ખોરાક ખાવાથી રોકી ન હતી. મેં તમામ પ્રકારના ભોજનનો આનંદ માણ્યો, પરંતુ મેં મોડું કે રાત્રિભોજન પછી કંઈપણ ન ખાવાનું ધ્યાન રાખ્યું.”

જીવનશૈલીમાં ફેરફાર
ઇરા સામે બીજો અવરોધ ઉંઘનો અભાવ હતો. ઈન્ટિરિયર ડિઝાઈનની વિદ્યાર્થી હોવાને કારણે તેના કોલેજના કામ અને આર્ટ અને વાંચન જેવા શોખને કારણે તે મોડી રાત સુધી જાગતી હતી અને લગભગ 6 કલાકની જ ઉંઘ લઈ શકતી હતી.
ઇરા કહે છે, “હું મારા શોખ કે કોલેજનું કામ છોડી શકતી નહોતી અને તો સાથે જ મારે એવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર હતી જે મને આગળ વધવામાં મદદ કરે. મેં ભરતનાટ્યમ અને યોગા ક્લાસમાં પ્રવેશ લીધો અને જિમ પણ શરૂ કર્યું. એકવાર આ ક્લાસ પુરા કર્યા પછી, હું મારા કોલેજના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. આ બધા પછી, મારે સૂવું પડતુ હતુ કારણ કે મારા શરીરને તેની જરૂર હતી. દર અઠવાડિયે પાંચ દિવસ, હું આ પ્રવૃત્તિઓમાંથી કોઈ એક પર સમય આપતી હતી અને બાકીનાં બે દિવસ હું પોતે આરામ માટે રાખતી હતી.”
સવારથી સાંજ સુધી પોતાની જાતને સક્રિય રાખતા તેને મેટાબોલિઝમ સુધારવામાં મદદ મળી સાથે જ તેની ઉંઘ પણ સારી થઈ.
ઇરાવતી આગળ કહે છે કે, ટૂંકસમયમાં, તેણે નોંધ્યું છે કે ફાસ્ટ-ફૂડ ખાવાની લાલસા ઘટી રહી છે. તે કહે છે, “મને પરંપરાગત વાનગીઓ જેમ કે આખા ઘઉંમાંથી બનેલી ખીર અથવા ચણાનાં લોટમાંથી બનાવેલા ચીલામાં વધુ રસ પડતો હતો. મને સમજાયું કે હું જે કરી રહી હતી તે મારી દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો અને હવે હું પહેલાની જેમ આયોજન કરતી ન હતી.”
તેણીના વજન ઘટાડવાની યાત્રામાં, એવા દિવસો પણ હતા જ્યારે તેણીને લાગ્યું કે તે જે કરી રહી છે તે યોગ્ય પરિણામો આપી રહી નથી. પછી તે પોતાની જાતને કહેતી હતી કે તે કંઈપણ કરી શકે છે. તેણીએ પોતાને પણ ખાતરી આપી કે તેણે જે પ્રાપ્ત કર્યું છે તે વધુ સારું સ્વાસ્થ્ય છે.
ઇરાવતી કહે છે કે, 2019ના મધ્યમાં, તે એક મિત્ર સાથે બહાર ગઈ હતી અને તેના મિત્રએ એક તસવીર ક્લિક કરી હતી. પછી તેણે જોયું કે તે પહેલા કરતા પાતળી દેખાતી હતી. જ્યારે પણ તેના સંબંધીઓ તેની મુલાકાત લેતા હતા, ત્યારે તેઓ તેને પૂછતા હતા કે તેનું વજન કેવી રીતે ઓછું થયું. પછી ઇરાવતીએ વજન માપવાના કાંટાથી તેનું વજન માપ્યું અને જોયું કે તેણીએ 18 કિલો વજન ઘટાડ્યું છે અને તે પહેલા કરતાં ઘણી સ્વસ્થ લાગે છે.
કોલેજના મિત્ર અમૂલ્ય કલ્યાણ કહે છે કે ઇરાવતીનું મન ખૂબ જ મજબૂત છે, તે જે કરવાનું નક્કી કરે છે તે કરે છે.
કલ્યાણ કહે છે, “જ્યારે ઈરાનું વજન સ્વાસ્થ્યના કારણોસર ઘણું વધી ગયુ, ત્યારે કેટલાક મિત્રો અને તેના પરિવારે તેની ખૂબ ટીકા કરી. પરંતુ તે સકારાત્મક રહી, તેણે પોતાની દૂરદર્શિતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેણી જે ઇચ્છતી હતી તે પ્રાપ્ત કર્યુ. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે તમે ઈચ્છો તો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો જે અંતત: તમારા દ્વારા કરેલાં દરેક કામોને પ્રભાવિત કરે છે.”
આજ સુધી, ઇરાએ 22 કિલો વજન ઘટાડ્યું છે, પરંતુ ફિટ રહેવાની તેની યાત્રા સમાપ્ત થતી નથી કારણ કે તે હવે તેની જીવનશૈલી છે.
જો તમે ઇરાની સફર વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે તેનો બ્લોગ વાંચી શકો છો અથવા koreirawati@gmail.com પર તેનો સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 6 મહિનામાં ડાયટ વગર જાતે જ ઘટાડ્યું વજન, પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.