સ્વાસ્થ્યની દ્રષ્ટીએ લીલા શાકભાજી ખાવા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. લીલા શાકભાજીમાં જો વાત દૂધીની કરવામાં આવે તો તે ખૂબ જ સરળતાથી બધે જ મળી રહે છે. ભાવની દ્રષ્ટીએ પણ તે સાવ રિઝનેબલ હોય છે. અલગ અલગ આકારમાં ઉગતી દૂધીને ઘણી જગ્યાએ લૌકી, ધીયા અને ઘણાં સ્થળોએ કદ્દદુ પણ કહેવામાં આવે છે. જો લોકો ઇચ્છે તો તેને સરળતાથી પોતાના ઘરમાં પણ ઉગાડી શકે છે. સામાન્ય રીતે બાળકો દૂધી ખાવાનું પસંદ કરતા નથી પરંતુ દૂધી ન માત્રા બાળકો પરંતુ તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે.
દૂધીના ફાયદા જાણવા માટે ધ બેટર ઈન્ડિયાએ ડાયેટિશિયન રચના અગ્રવાલ સાથે વાત કરી. હરિયાણાના સિરસામાં મેટ્રો ડાયેટ ક્લિનિક ચલાવતા રચના અગ્રવાલે ‘ન્યૂટ્રિશનલ સાયન્સિઝ’માં એમએેસસી કર્યું છે. પોતાનું ક્લિનિક શરૂ કરતા પહેલા તેઓ ઘણી હોસ્પિટલ્સ અને સ્વાસ્થ્ય કેન્દ્રો સાથે જોડાયેલા હતા.
રચના કહે છેકે, છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા છે. જેના પગલે તેઓ પોતાના ખાન-પાન પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. સ્વસ્થ અને ફિટ રહેવાની ઇચ્છા સાથે જે કોઇ પણ મારી પાસે આવે છે, તેમને હું એક સંતુલિત આહાર લેવાની સલાહ આપુ છું. આ સંતુલિત આહારમાં દૂધીને સામેલ કરવી ખૂબ જ સારું કહેવાય છે કેમકે દૂધી ખૂબ લાભદાયી શાક છે.

રચનાનું કહેવું છેકે, દૂધી તે શાકભાજીમાંની એક છે જેમાં ખૂબ ઓછું ફેટ અને કેલરી હોય છે. જો તમે 100 ગ્રામ દૂધી ખાવ તો તેમાં 12થી 15 ગ્રામ કેલરી હોય છે. જો કોઇ વજન ઘટાડવા ઇચ્છતુ હોય તો તે પણ દૂધીને પોતાના આહારમાં સમાવી શકે છે.
દૂધીના ફાયદા
રચના કહે છેકે, દૂધીમાં 95% થી વધારે પાણીના તત્વ હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલ અને ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે સિવાય દૂધીમાં ફાઇબર, વિટામીન સી, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, થાયમિન અને ઝિંક પણ હોય છે. સામાન્ય રીતે તમે કોઇ પણ ઋતુમાં દૂધી ખાઇ શકો છો પરંતુ ગરમીમાં દૂધીનું સેવન કરવું તેને સારુ માનવામાં આવે છે. કેમકે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે.
જો તમે વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે કસરત કરો છો તો પોતાના ડાયેટમાં દૂધીના જ્યૂસને સામેલ કરી શકો છો. ફેટ અને કેલરી ઓછી હોવાના કારણે દૂધી ખાવાથી વજન વધતું નથી. તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે, જેથી જે તમારા હ્યદય માટે પણ લાભદાયી રહે છે.
દૂધીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક પણ મળી રહે છે, જે હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીશના દર્દીઓ માટે પણ દૂધી સારી કહેવાય છે, કેમકે તેમાં કાર્બોહાયડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે.
રચના કહે છેકે, મોટાભાગની બીમારીઓ લોકોના પાચનતંત્ર સાથે સંકળાયેલી હોય છે. જો તમારુ પાચનતંત્ર સારુ હોય તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. દૂધીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે. દૂધીથી એસિડિટીની સમસ્યા પણ દૂર થઇ જાય છે.
રચના કહે છેકે, દૂધીમાં ઝિંક હોય છે, જે ચામડી માટે સારી ગણાય છે. દૂધીમાં રહેલા પાણીના તત્વો આપણી ચામડીને ડીટોક્સ કરવામાં મદદ કરે છે.
રચના અગ્રવાલ વધુમાં જણાવે છેકે, દૂધીમાં ‘સેડેટિવ’ ગુણ હોય છે. જેના કારણે દૂધી ખાવાથી સ્ટ્રેસ પણ ઘટે છે અને ઉંઘ પણ સારી આવે છે. રોજ નહીં પરંતુ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત દૂધી ખાવી જોઇએ. દૂધીમાંથી જ્યૂસ, શાક, કોફ્તા, હલવો, બરફી અને ખીર જેવા અનેક પ્રકારના વ્યંજન તૈયાર કરી શકાય છે. તમે દૂધીની કોઇપણ આઇટમ ખાવ પરંતુ તેને સમય પ્રમાણે લેવી જરૂરી છે. જ્યૂસનું સેવન સવારે કરવું જોઇએ અને મોડી રાતે તેના સેવનને ટાળવું જોઇએે.
દૂધીમાંથી આ પ્રકારના વ્યંજન બનાવી શકાય છે
સામાન્ય રીતે લોકોને દૂધીનું શાક જલદી પસંદ આવતું નથી, પરંતુ જો દૂધીમાં ચણાની દાળ નાખી શાક બનાવવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ બની જાય છે. તેને બનાવવા માટે તમારે 300 ગ્રામ દૂધી, 50 ગ્રામ ચણાની દાળ, બે ટામેટા-એક લીલુ મરચુ, એક ચમચી આદુની પેસ્ટ, એક અથવા બે ટેબલ સ્પૂન તેલ અથવા ઘી, એક ચપટી હીંગ, જરૂર પ્રમાણે જીરુ, હળદર, ધાણાજીરુ, લાલ મરચુ, સ્વાદ અનુસાર મીઠું અને ઝીણી કાપેલી કોથમરી ઉપર ભભરાવવાની રહેશે.

રીત:
ચણાની દાળને 2થી 3 કલાક પહેલા પાણીમાં પલાળી દો.
દૂધીની છાલ કાઢીને પાણીથી સાફ કરી દો અને ચપ્પાથી દૂધીના નાના નાના ટુકડા કરી નાખો.
ટામેટાં, લીલા મરચા અને આદુને મિક્ષ કરી ખાંડી નાખો. કૂકરમાં તેલ નાખી ગરમ કરી લો. હીંગ અને જીરુ ઉમેરી દો, તે બરોબર ભળી જાય બાદમાં હળદર, ધાણાજીરુ અને લાલ મરચુ ઉમેરી દો. ચમચા વડે મસાલાને હલાવતા રહો અને ટામેટાની ગ્રેવી ઉમેરી મસાલાને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ઉપર તેલ તરે નહીં. સાંતરેલા મસાલામાં દૂધી અને ચણાની દાળ ઉમેરી ચમચાથી હલાવી બેથી ત્રણ મિનિટ સાંતળો. દોઢ કપ પાણી અને મીઠું ઉમેરીને કૂકરને બંધ કરી દો.
કૂકરની એક સીટી વાગ્યા બાદ ગેસ ધીમો કરી દો, ધીમા આંચ પર શાકને ચારથી પાંચ મિનિટ પકવા દો. ગેસ બંધ કરી દો અને કૂકરમાંથી હવા નીકળી ગયા બાદ તેને ખોલી દો અને શાકમાં લીલી કોથમરી ભભરાવી દો.
હવે તમારી દૂધી ચણાની દાળનું શાક તૈયાર છે. તેને તમે રોટલી અથવા પરોઠા સાથે ખાઇ શકો છો.
દૂધીની બરફી
દૂધીની બરફી (પ્રતીકાત્મક)
દૂધીની બરફીને ઘરે બનાવવી ખૂબ સેહલી છે. તેના માટે તમારે એક કિલો દૂધી, અડધો કપ ઘી, 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ માવો, 10-15 કાજુના ટૂકડા, એક ચમચી પિસ્તા પાવડર અને એક ચમચી ઇલાયચી પાવડર જોઇશે.

રીત:
સૌથી પહેલા દૂધીની છાલ કાઢી તેમાંથી બીજ નીકાળી દો.
હવે દૂધીને પાણીથી સાફ કરી તેને છીણી નાખો. આ છીણને એક તાવડીમાં બે ચમચી ઘી નાખી ગેસ પર પકવવા દો. તાવડીને ઉપરથી ઢાંકી દો.
ગેસની આંચ ધીમી રાખવાની રહેશે, વચ્ચે વચ્ચે તમારે દૂધીને ચમચાથી હલાવવાની રહેશે.
જ્યારે દૂધી નરમ થઇ જાય ત્યારે તેમાં ખાંડ નાખી પકવા દો. થોડી થોડી વારે તેને હલાવતા રહો જેથી તે ચોંટી ન જાય.
જ્યારબાદ દૂધીમાં બાકીનું ઘી ઉમેરી દો અને તેને સારી રીતે સાંતળો અને ત્યારબાદ તેમાં માવો અને મેવા ઉમેરી દો.
આ મિશ્રણને હજી થોડીવાર ધીમી આંચ પર પકવા દો. મિશ્રણ જ્યારે બરોબર તૈયાર થઇ જાય ત્યારે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાવડર મિક્ષ કરી દો.
હવે એક થાળીમાં ઘી લગાવી દો અને તૈયાર મિશ્રણને તેમાં પાથળી દો. જો તમે ઇચ્છો તો તેની પર કાજુ અને પિસ્તાના ટૂકડા પણ ભભરાવી શકો છો.
થોડીવાર તેને ઠરવા દો અને પછી ચપ્પાથી બરફીને કાપી લો અને સર્વ કરો.
હંમેશા તાજા અને જૈવિક દૂધી ખરીદવાનો પ્રયત્ન કરવો જોઇએ. દૂધીનો ઉપયોગ કરતા અગાઉ અને ખાસ કરીને જ્યૂસ બનાવતા પહેલા તે ચેક કરી લેવું કે તે કડવી તો નથીને…કારણકે કડવી દૂધી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. સામાન્ય રીતે દૂધી તમામ માટે સારી જ કહેવાય છે પરંતુ દૂધી ખાધા પછી કોઇને સ્વાસ્થ્ય સબંધિત કોઇ સમસ્યા સર્જાય તો તુરંત ડોકટરનો સંપર્ક સાધવો જોઇએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રથયાત્રાના પ્રસાદમાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ જ કેમ આપવામાં આવે છે, જાઓ કારણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.