Search Icon
Nav Arrow
Rathayatra Prasad
Rathayatra Prasad

રથયાત્રાના પ્રસાદમાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ જ કેમ આપવામાં આવે છે, જાઓ કારણ

દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. જાણો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ. સાથે-સાથે પ્રસાદને ઘરે પણ બનાવવાની સરળ રીત.

ભારતભરમાં ગુજરાતી પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથાયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં આ રથયાત્રા લગભગ છેલ્લાં 140 વર્ષથી યોજાય છે. જેમાં રથ લગભગ 14 કિમીનું અંતર કાપી શહેરવાસીઓને દર્શન આપે છે. દર વર્ષે આ રથયાત્રામાં મગ, કાકડી, કેરી અને જાંબુનો લગભગ 30 થી 40 કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે.

અમદાવાદવાસીઓ જેટલી આતુરતાથી રથયાત્રાની રાહ જોતા હોય છે, એટલી જ આતુરતાથી તેના પ્રસાદની પણ રાહ જોતા હોય છે. તો એક સવાલ એ પણ છે કે, દર વર્ષે રથયાત્રા દરમિયાન મગ, જાંબુ અને કાકડીનો જ પ્રસાદ કેમ આપવામાં આવે છે. આ બાબતે અમે ડૉ. જયદત્ત મહેતા સાથે વાત કરી અને તેમન્ણે જણાવ્યા આ પ્રસાદના સ્વાસ્થ્ય ફાયદા અને સમય પ્રમાણે આ પ્રસાદ પસંદ કરવાનાં વૈજ્ઞાનિક કારણ.

મગ:
બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે. મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે-સાથે તેમાં વિટામિન એ, બી, ડી અને ઈ ની સાથે-સાથે ખનીજ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત રથયાત્રામાં ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. ફણગાવેલ મગ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. રથયાત્રામાં ભક્તો રથ સાથે લગભગ 14 કિમીનું અંતર કાપતા હોવાથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી તેમજ મગ તેમના શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

Kakadi
Source: Amazon

કાકડી:
રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળે છે, આ સમયે હવામાં ભેજ વધારે હોવાના કારણે પરસેવો બહું વળે છે, જેના કારણે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને અશક્તિનો અનુભવ થઈ શકે છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય પોષકતત્વો હોવાના કારણે કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટી જાય છે અને આખા દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે.

જાંબુ:
જાંબુ ચોમાસાનું ફળ ગણાય છે અને રથયાત્રા પણ ચોમાસાની શરૂઆતમાં જ યોજાય છે. જાંબુમાં 80% ભાગ પાણી હોય છે, જેથી રથયાત્રામાં લાંબા સમય સુધી ચાલતાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી. આ ઉપરાંત જાંબુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી ભેજવાળા ગરમ વાતાવરણમાં પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
આ ઉપરાંત ચોમાસામાં વાઈરસજન્ય રોગોનું સંક્રમણ વધી જાય છે અને જાંબુના સેવનથી વાઈરસથી થતા રોગોમાં પણ શરીરને રક્ષણ મળે છે. તો પથરી અને કિડનીની સમસ્યાઓ પણ સૌથી વધારે ચોમાસામાં જ જોવા મળે છે અને આ ઋતુમાં જાંબુના સેવનથી કિડનીના દર્દીઓને ઘણો ફાયદો મળે છે.

આ વર્ષે કોરોનાના સંક્રમણના કારણે રથયાત્રા દરમિયાન પ્રસાદની વહેંચણી કરવામાં નહીં આવે, પરંતુ નિરાશ થવાની જરા પણ જરૂર નથી. જો તમે પણ રથયાત્રાના આ પ્રસાદના શોખીન હોવ તો ઘરે પણ તેને બનાવી શકો છો, જાણો કેવી રીતે.

Sprouted Moong

પ્રસાદ બનાવવાની રીત
મગ અને જાંબુ તો અત્યારે બજારમાં સરળતાથી મળી જ રહે છે, જરૂર છે બસ તેને લાવીને ધોઈ દેવાની અને કાકડીને કાપવાની. ફણગાવેલા મગ બનાવવા માટે મગને એક દિવસ પહેલાં પાણીમામં પલાળી દો. 8-10 કલાક મગ પલળી જાય ત્યારબાદ તેને એક ભીના કપડામાં બાંધી દો. આમ બાંધવાથી બીજા 6-7 કલાકમાં મગના ફળગા ફૂટી જશે. તૈયાર થઈ જશે ફણગાવેલા મગ પણ, જેની મજા તમે ઘરે બેઠાં જ લૂંટી શકો છો.

તો પછી રાહ કોની જુઓ છો, આ અષાઢી બીજે તમે પણ ઘરે બેઠાં જ માણો રથયાત્રાના પ્રસાદની મજા.

આ પણ વાંચો: ગુણોનો ભંડાર: જાણો અત્યારની સિઝનનાં દેશી જાંબુ કેમ હોય છે સૌનાં પ્રિય!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon