Search Icon
Nav Arrow

ગુણોનો ભંડાર: જાણો અત્યારની સિઝનનાં દેશી જાંબુ કેમ હોય છે સૌનાં પ્રિય!

ઊંચા જાંબુડાના ઝાડ પર ઊગતાં જાંબુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ખૂબજ ફાયદાકારક છે જ, સાથે-સાથે આ ઝાડ આખા વર્ષ દરમિયાન છાંયડો પણ આપે છે.

કેરી પ્રત્યેનો પ્રેમ કદાચ એકમાત્ર એવી બાબત છે કે જે દરેક ભારતીયને જોડે છે અને આમાં કોઈ વિવાદને સ્થાન નથી, પછી ભલે તે ગમે તે પ્રદેશના લોકો હોય.

મારી આ વાતથી ઘણા લોકો સહમત હશે, કે તેના દરેક રસદાર બાઈટ સાથે ઉનાળાની તકલીફો જાણે ભૂલાઈ જાય છે. જે ફક્ત તમારા હૃદયને જ નહીં, પણ આત્માને પણ તૃપ્તિનો અનુભવ કરાવે છે.

પરંતુ વાત માત્ર કેરીની જ નથી અહીં. આજે હું તમને ઉનાળા બાદ અને ચોમાસાની શરૂઆતમાં બહુ ઓછા પ્રચલિત એવા ફળ વિશે જણાવીશ અહીં. જેનો ઉલ્લેખ ભારતીય પુરાણો અને સંસ્કૃતિમાં પણ જોવા મળ્યો છે.

તો ચાલો જાણીએ જાંબુના સ્વાદ અને ગુણો વિશે

Jamun
Source: Khane_pe_charchaaa/ Facebook.


મારે પણ સ્વીકારવું જ જોઈએ કે, આ ઋતુમાં મેં પણ જાંબુનો સ્વાદ માણ્યો છે અને દરેક બાઈટ સાથે જે અદભુત જ્યૂસી સ્વાદનો અનુભવ થાય છે, એ અવિસ્મરણિય છે.

જાંબુડો ઊંચો હોય છે અને આખા વર્ષ દરમિયાન પ્રાણીઓ અને લોકોને છાંયડો આપે છે, અને તેની સિઝનમાં મધમીઠાં જાંબુ આપે છે.

પવનના કારણે જાંબુ નીચે પડ્યાં હોય અને તેમાંથી ચગદાઈ ન ગયાં હોય તેવાં જાંબુ શોધવાં. તો બે જણ નીચે ચાદર પકડીને ઊભા હોય અને એક જણ જાંબુડા પર ચઢી એક ડાળી હલાવે. ત્યારબાદ જાંબુનો સ્વાદ માણવાની સાથે-સાથે જીભને જાંબલી કરવાની મજા, કોને યાદ નહીં હોય?

મારી વાત કરીએ તો, મને કાચાં જાંબુ બહુ ભાવે, તો તમારામાંથી ઘણાને જાંબુ પર મીઠુ કે ચાટ મસાલો ભભરાવીને ખાવાં ગમતાં હશે.

Blue Berry
Source: उत्तराखंड/Facebook.

બાળપણની યાદો સિવાય વાત કરવામાં આવે તો, જાંબુનું ભારતીય પુરાણ કથાઓમાં પણ મહત્વ વર્ણવવામાં આવ્યું છે અને તે દેવતાઓના ફળ તરીકે પણ ઓળખાય છે.

બીજી એક રસપ્રદ વાત કરીએ તો પ્રાચીન ગ્રંથોમાં પાર્થિવ વિશ્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જંબુદ્વીપ તરીકે ઓળખાય છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં તેનો ઉલ્લેખ છે, જ્યાં નશ્વર પ્રાણીઓનું અસ્તિત્વ છે.

આ જંબુદ્વીપનો અનુવાદ ‘જાંબુડાની ભૂમિ’ એમ થાય છે, જ્યાં જાંબુ સિવાય બીજુ કઈં નથી.

દિલ્હીવાસીઓ માટે તો જાંબુનું બહુ મહત્વ છે, કારણે બ્રિટિશ શાસનકાળ દરમિયાન રોપાયેલ જાંબુડા અત્યારે સંપૂર્ણ રહેણાંક વિસ્તારમાં ફેલાયેલ છે અને અત્યારે તો તે આકાશને આંબી રહ્યા છે.

આ ફળનો ઉલ્લેખ સુપ્રસિદ્ધ મોરોક્કન ઇતિહાસકાર અને સંશોધક ઇબ્ન બટુતાના રેકોર્ડમાં પણ જોવા મળે છે, જ્યારે તે 14મી સદીમાં ભારતની યાત્રા કરી રહ્યા હતા.

Benefits of Jamun
Source: Jamun Vinegar/ Facebook.

તેમની કૃતિ, Travels in Asia and Africa (1325-1354) માં, તેમણે ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી શહેર જાંબુના ઝાડથી છલકાઈ રહ્યું છે, અને વર્ણન કર્યું હતું કે, આ ફળ ઓલિવ જેવું લાગે છે પણ સ્વાદમાં મધુર છે.

એવું માનવામાં આવે છે કે આ ફળ ભારતમાં ઉદભવ્યા બાદ, સ્વાદ રસિયાઓ દ્વારા વિશ્વભરના ઉષ્ણકટિબંધીય વિસ્તારો સુધી પહોંચ્યું હતું. જેમાં ભારતના કરારબદ્ધ મજુરો તેમ જ પોર્ટુગીઝ વસાહતીઓનો સમાવેશ થાય છે.

આપણને ભલે જાંબુ ભાવે છે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે આ નાનું ફળ પોષક તત્વોથી પણ ભરપૂર છે. જેમાં 80% ટકા પાણી હોવા ઉપરાંત, તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરને ગરમીના દિવસોમાં રિચાર્જ કરવામાં મદદ કરવાનો કુદરતી રસ્તો છે.

તે બધા ઉપરાંત, તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી, વિટામિન બી 1, બી 2, બી 3 અને બી 6 પણ છે; જે બધાં શરીરના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક ક્ષમતા માટે બહુ ફાયદાકારક છે.

 Importance of Jamun
Source: Dharmesh Jinwala/ Facebook.

આ ઉપરાંત, જાંબુમાં રહેલ પોલિફેનોલ સંયોજનો કેન્સર, હૃદયરોગ, અસ્થમા અને સંધિવા સામે અસરકારક હોવાનું માનવામાં આવે છે.

ફક્ત ફળ જ નહીં, જાંબુના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે સારા છે: બંને સ્વાસ્થ્ય તેમજ પાચક પ્રણાલી માટે. તેઓ કબજિયાતને પ્રેરિત કરીને ઝાડા મટાડવા માટે જાણીતા છે અને ખાંડને ઉર્જામાં રૂપાંતરિત કરીને ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.

જાંબુમાં જેટલા ગુણો ભરેલા છે, દુઃખદ હકીકત એ છે કે આ ફળ બહુ ઓછા સમય માટે મળે છે. પરંતુ ચિંતા ના કરો, કારણ કે લોકો ભારતમાં હંમેશાં મૂલ્ય-વર્ધક ઉત્પાદનો બનાવવા માટે રસ્તા કાઢતા હોય છે અને એમાં જાંબુ પણ પાછળ રહ્યાં નથી!

આઇસ-ક્રિમથી લઈને જ્યુસ, વાઇન, જામ અને સીરપ સુધીના જાંબુથી બનેલા ઉત્પાદનો હવે આખા વર્ષ દરમિયાન મળી શકે છે.

કદાચ તેઓ તમારા મોંમાં રસદાર વિસ્ફોટ અથવા તમારી જીભ પર જાંબુડિયા રંગ ન લાવે, પરંતુ ભળ શિયાળામાં જ્યારે જાંબુ યાદ આવે ત્યારે આ મૂલ્યવર્ધક ઉત્પાદનો તમને જાંબુની યાદોના દરિયામાંથી તરવામાં મદદ કરી શકે છે.

Jamun jam
Bottles of Jamun Jam. Source: Arti’s Jam & Sauces/ Facebook.

પરંતુ અત્યારે તો જાંબુ તમને જાંબુડા પરની સાથે-સાથે બજારમાં પણ મળી શકે છે.

હું તો અત્યારે જ જાઉં છું મારી જીભને જાંબુડી રંગથી રંગવા, તમે કોની રાહ જુઓ છો?

મૂળ લેખ: LEKSHMI PRIYA S

આ પણ વાંચો: સમય આવી ગયો સૌરાષ્ટ્રની જાણીતી ભાજી ‘વાછેટી’નો, જાણો કેવી રીતે ઊગે છે અને બનાવાય છે તેને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon