‘કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબોલિટી’ (CSR) વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘ઈન્ડિવિઝ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ (ISR) એટલે કે, ‘વ્યક્તિગત સામાજિક ઉત્તરદાયિત્વ’ વિશે સાંભળ્યું છે? તેનો અર્થ છે, કોઈ સામાન્ય વ્યક્તિ વ્યક્તિગત સ્તરે સમાજ અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે. બરાબર આ જ રીતે, નવી મુંબઈમાં રહેતા ‘ગ્રીન વૉરિયર’ ધર્મેન્દ્ર કર, પર્યાવરણ પ્રત્યે પોતાની બધી જ જવાબદારી નિભાવે છે. તેમણે જ આ અનોખો ‘કૉન્સેપ્ટ’ શરૂ કર્યો છે, જેના અંતર્ગત તેઓ સમાજ અને પર્યાવરણ માટે જાતે જ સકારાત્મક બદલાવ તો લાવે જ છે, સાથે-સાથે બીજા લોકોને પણ તેના માટે પ્રેરિત કરે છે.
ટેક મહિન્દ્રા કંપનીમાં ડેટા સાઈન્ટિસ્ટ તરીકે કામ કરતા ધર્મેન્દ્ર મૂળ ઓડિશાના જાજપુર બ્લૉકના રહેવાસી છે. બાળપણથી જ પ્રકૄતિની ગોદમાં મોટા થયેલ ધર્મેદ્ર પ્રકૃત્તિ અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીને બહુ સારી રીતે નિભાવે છે. તેમનું કહેવું છે કે, “સમસ્યાઓને હલ કરવાની શરૂઆત મૂળથી કરવી જોઈએ. કોઈપણ સમસ્યા માટે આપણે સરકાર અને વહિવટીતંત્રને દોષી ગણાવીએ છીએ પરંતુ, ક્યારેય પોતાની જવાબદારીઓ નથી સમજતા. રસ્તાઓ પર લાગેલા કચરાના ઢગલાઓને જોઈને, આપણે મ્યૂનિસિપાલિટીને જવાબદાર માનીએ છીએ, પરંતુ શું ક્યારેય આપણા ઘરમાંથી નીકળતા ભીના કચરા વિશે વિચાર્યું છે? જો આપણે શરૂઆત આપણા પોતાનાથી જ કરશું તો ઘણી સમસ્યાઓ હલ થઈ જશે.”
ધર્મેન્દ્ર છેલ્લાં 20 વર્ષથી તેમની આ જવાબદારી નિભાવી રહ્યા છે. પોતાની નોકરી અને ઘર-પરિવારની જવાબદારી નિભાવવાની સાથે-સાથે તેઓ સતત પર્યાવરણ માટે પણ કામ કરી રહ્યા છે. તેઓ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ ઓડિશામાં પોતાના બ્લોકમાં પણ મોટા સ્તરે કામ કરે છે. પોતાની આ સફર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું, “હું ભણ્યા બાદ નોકરી માટે ઓડિશાની બહાર જ રહ્યો છું. પરંતુ આ કારણે હું પોતાના લોકો પ્રત્યેની મારી જવાબદારી તો ન જ ભૂલી શકું. હું દર વર્ષે વરસાદની ઋતુ પહેલાં 15-20 દિવસની રજા લઈને, પોતાના ઘરે જઉં છું અને ત્યાં કઈને લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરું છું. અમારા વાવેલા ઘણા છોડ આજે ઝાડ બનીને સમાજ માટે ઉપયોગી બની રહ્યાં છે.”

વાવ્યાં 5000 કરતાં વધારે ઝાડ-છોડ
ધર્મેન્દ્ર પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં, છેલ્લાં 20 વર્ષથી સતત વૃક્ષારોપણ કરે છે. તેઓ જણાવે છે, “શરૂઆતમાં ઘરની આસપાસની ખાલી જગ્યામાં હું જાતે જ છોડ વાવતો હતો અને તેની દેખભાળ કરતો હતો. ધીરે-ધીરે બીજા ઘણા લોકો પણ તેમાં જોડાયા. હવે અમારી ઘણી મોટી ટીમ બની ગઈ છે અને દર વર્ષે વરસાદ પહેલાં અમે કોઈ જગ્યા પસંદ કરી ત્યાં વૃક્ષારોપણ કરું છું. છોડ વાવવાથી લઈને તેની દેખભાળ કરવા સુધીનું બધું જ કામ લોકોના સહયોગથી થાય છે.”
તેમણે અત્યાર સુધીમાં ઓડિશામાં 5 હજાર કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે. તેમનાં વાવેલ લગભગ બધાં જ ઝાડ સહી-સલામત છે. તેમનું કહેવું છે કે, છોડ વાવવાનો ફાયદો ત્યારે જ છે, જ્યારે તમે તેની પૂરેપૂરી દેખભાળ કરી શકો. જો છોડ વાવીને તમે તેની દેખભાળ ન કરો તો, તે સૂકાઈ જશે, જેથી તેનો કોઈ અર્થ નથી. એટલે તેઓ જ્યાં પણ જાય છે, અન્ય લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ બનાવે છે. તેમાં પણ ખાસ કરીને યુવાનોને તેઓ તેમના આ અભિયાનમાં જોડે છે, જેથી આગામી સમયમાં તેઓ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે.
તેમણે જાજપુર બ્લૉકના મુગપલ અને મધુબનમાં આવેલ એક હાઈસ્કૂલમાં પણ 500 કરતાં પણ વધારે ઝાડ છે. સોશિયલ મીડિયા મારફતે તેમની સાથે ઘણા લોકો જોડાયા છે. જાજપુરના બામદેઈપુરના રહેવાસી રિપુન જૉય કહે છે, “હું ધર્મેન્દ્રજી સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાયેલ છું. તેમનું કામ બહુ વખાણવાલાયક છે અને તેનાથી પ્રેરિત થઈને મેં મારા સાથીઓ સાથે મળીને અમારા ગામમાં એક હજાર કરતાં પણ વધારે છોડ વાવ્યા છે અને તેની દેખભાળ કરીએ છીએ.”

વધુમાં ધર્મેન્દ્ર જણાવે છે, “મેં વર્ષ 2014-15 સુધી મોટાભાગનું કામ ઓડિશામાં જ કર્યું. ત્યારબાદ મને સરકારનાં સ્વચ્છતા અને જળ અભિયાનો વિશે ખબર પડી, જેનાથી હું બહુ પ્રભાવિત થયો. મને લાગ્યું કે, હું જ્યાં રહું છું, એ વિસ્તાર માટે પણ મારી થોડી-ઘણી જવાબદારી છે, એટલે મેં મુંબઈમાં પણ વૃક્ષારોપણ શરૂ કર્યું.”
તેમણે વર્ષ 2016 માં ખારઘર, નવી મુંબઈમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું અને વર્ષ 2020 સુધી, તેમણે અહીં ત્રણ હજાર કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યા છે. તેઓ હવે નિયમિતપણે ઝાડ-છોડની દેખભાળ કરે છે અને આ વર્ષના વૃક્ષારોપણની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ચોમાસા પહેલાં વૃક્ષારોપણ કરવું સૌથી શ્રેષ્ઠ હોય છે. એટલે તે ચોમાસા પહેલાં વૃક્ષારોપણ કરી લે છે.
તેઓ કહે છે, “મારી કામ કરવાની રીત ખૂબજ સરળ છે. હું શરૂઆત મારા પોતાનાથી જ કરું છું. જો મને ક્યાંય કચરો દેખાય તો હું જાતે જ તેને સાફ કરું છું. રસ્તાની આજુ-બાજુ ઝાડ-છોડ સૂકાતાં દેખાય તો હું તેમની દેખભાળ કરું છું. હું મારી કંપનીમાં પણ વિવિધ આયોજનો દરમિયાન કેમ્પસમાં છોડ ચોક્કસથી વાવું છું અને પછી તેની દેખભાળ કરું છું.”

ખારઘર સરવરને આપ્યું નવજીવન
વૃક્ષારોપણ સિવાય તેમણે ખારઘર સરોવરને પુનર્જિવિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, ધર્મેન્દ્ર જણાવે છે, મેં 2018 માં ‘દાદર બીચ ક્લીનિંગ ડ્રાઈવ’ માં ભાગ લીધો હતો. અમે સમુદ્ર કિનારાની સફાઈ કરી હતી. પરંતુ મને લાગ્યું કે, આપણે નાના સ્તરે કામ કરવાનું કેમ નથી વિચારતા. સમુદ્રમાં કચરો નદી-તળાવો અને સરોવરો મારફતે જ પહોંચે છે. એટલે આપણે તેમની સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. આપણે મૂળથી શરૂઆત કરવી જોઈએ, જેથી આપણે સમસ્યાનું સંપૂર્ણપણે સમાધાન લાવી શકીએ અને એટલે મેં ખારઘર સરોવર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અહીંની સ્થિતિ ખૂબજ ખરાબ હતી.

વર્ષ 2018 માં ધર્મેન્દ્રએ એક સરોવરની સાફસફાઈનું બીડુ ઉપાડ્યું. તેમના આ અભિયાનમાં બીજા એક સાથી અમરનાથ સિંહ પણ હતા, જેમણે તેમનો સાથ આપ્યો. આ બંને દર શનિવાર અને રવિવારે બે કલાક સરોવરની સાફ-સફાઈ કરી કચરો કાઢતા. તેઓ જાણતા હતા કે, આ એક-બે દિવસનું કામ નથી, છતાં તેઓ હાર્યા કે થાક્યા નહીં.
અમરનાથસિંહ જણાવે છે કે, સરોવર કિનારે લોકોએ કચરાના ઢગલા કરી મૂક્યા હતા. પરંતુ જ્યારે તેમણે સફાઈ શરૂ કરી તો, બીજા પણ ઘણા લોકો મદદ કરવા આગળ આવ્યા. તેમની મહેનતને જોઈ, વિસ્તારના મ્યૂનિસિપાલિટીના કર્મચારીઓ પણ બહુ ખુશ થયા.
અમરનાથે જણાવ્યું, “જોતજોતામાં સેંકડો લોકો અમારી સાથે જોડાયા અને સતત બે વર્ષની મહેનત બાદ અંતે સરોવર એકદમ સ્વચ્છ બની ગયું. આ સરોવરની સફાઈની સાથે-સાથે અમે તેના કિનારે વૃક્ષારોપણ પણ કર્યું અને સાથે-સાથે લોકોને અહીં કચરો ન ફેંકવાની વિનંતિ પણ કરી.” આ કામનાં જળ મંત્રાલય દ્વારા પણ વખાણ કરવામાં આવ્યાં છે અને ધર્મેન્દ્રને ‘વૉટર હીરો 2020’ અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.

આર્થિક યોગદાન
ધર્મેન્દ્ર આ બધાં જ કાર્યો માટે, દર મહિને પોતાની કમાણીનો 20% ભાગ ખર્ચે છે. તેમનું કહેવું છે કે, આ જ તેમનો ‘આઈએસઆર’ સિદ્ધાંત છે કે તેઓ પોતાના સ્તરે સમાજ અને પર્યાવરણ માટે, પોતાની કમાણીનો 20% ભાગ અને દરરોજ બે કલાક આ કાર્યો માટે આપશે. તેઓ કહે છે કે, “મેં જે પણ કામ કરું છું, એ બીજાં માટે નથી, પરંતુ મારા માટે જ છે. જો હું ઝાડ વાવું છું તો મને સ્વચ્છ હવા મળે છે. જો પાણીના સ્ત્રોત સાફ હોય તો પીવા માટે સ્વચ્છ પાણી મળશે. બાય્પ્ડાઈવર્સિટી વધશે તો એક સંતુલન બનશે, જે માનવ જીવન માટે ખૂબજ ફાયદાકારક રહેશે.”
હવે તેઓ તેમના સાથીઓ સાથે મળીને ‘સીડ બૉલ’ બનાવે છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ એક લાખ સીડ બૉલ બનાવી અલગ-અલગ જગ્યાઓએ નાખ્યા છે, જેથી હરિયાળી વધે. દેશભરમાંથી તેમના જેવી વિચારસરણીવાળા લોકો તેમની સાથે જોડાયા છે. આ લોકો સાથે મળીને તેમણે એક ‘સુપર 30’ ટીમ બનાવી છે જેથી અલગ-અલગ જગ્યાએ લોકો તેમનું આ અભિયાન શરૂ કરી શકે.
અંતમાં તેઓ કહે છે, “જો તમે તમારી જવાબદારી સમજી લીધી હોય તો, તમારે કોઈના પર પણ નિર્ભર નહીં બનવું પડે. એટલે શરૂઆત પોતાનાથી જ કરો. કારણકે, આપણે બધાં જ આપણી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશું તો, બદલાવ તેની મેળે જ આવવા લાગશે.”
જો તમે ધર્મેન્દ્રનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: આ યુવતી વાંસમાંથી બનાવી રહી છે ઈકો-ફ્રેન્ડલી જ્વેલરી, ગુજરાતી આદિવાસીઓની આવકમાં થયો ત્રણ ગણો વધારો!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.