જ્યારે પણ આપણે કોઈ બાળકને રસ્તામાં ભીખ માંગતા જોઈએ છીએ અથવા ઝૂંપડપટ્ટીમાં બાળકોને સમયને બરબાદ કરતાં જોઈએ છીએ, તો પછી તેમના માતાપિતાને જ્ઞાન આપવાનું શરૂ કરીએ છીએ. તેમને કહીએ છીએકે, તેમણે પોતાના બાળકોને શાળાએ મોકલવા જોઈએ, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું અને બીજું ઘણું બધું કહીએ છીએ.
તેમને જ્ઞાન આપતા પહેલા, આપણે એ બિલકુલ વિચારતા નથી કે જે લોકો માટે બે દિવસ રોટલી એકઠી કરવી તે કોઈ પહાડ ચડવા કરતાં કમ નથી, આપણે તેમની પાસે કેવી રીતે અન્ય સુવિધાઓની અપેક્ષાઓ રાખી શકીએ? જ્યાં સુધી તમારું પેટ ભરાતું નથી, ત્યાં સુધી તમે અન્ય જરૂરિયાતો પર કેવી રીતે ધ્યાન આપશો.
સૌથી મહત્વની બાબત એ છે કે આર્થિક રીતે પરેશાન પરિવારોને સારી રીતે રોજગાર સાથે જોડવામાં આવે છે. જો તેમની પાસે કાયમી આવક છે, તો પછી તેઓ તેમના રોજિંદા ખોરાક વિશે ચિંતા કરશે નહીં અને પછી તેઓ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે પણ વિચાર કરી શકશે.
આ વાતને સમજતા, 29 વર્ષીય સલોની સંચેતીએ પોતાનું ‘બાંસુલી’ સંસ્થા શરૂ કરી જેથી તે ગુજરાતના ડાંગ જિલ્લાના લોકોને આવકનો સ્થાયી સ્રોત પૂરો પાડી શકે. ‘બાંસુલી‘ એટલે કે બામ્બૂ અર્ટીસન સોશિયો-ઈકોનોમિક અપલિફ્ટમેંટ ઈનિશિએટિવ – આ સોશિયલ એન્ટરપ્રાઈઝ દ્વારા, સલોની ડાંગના પરિવારોને વાંસમાંથી ઘરેણાં બનાવવાનું શીખવી રહ્યા છે અને તેમના ઉત્પાદનોને બજારોમાં પહોંચાડી રહ્યા છે.

વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરીના આધારે તૈયાર કરાયેલા પ્લાનિંગ કમિશનના અહેવાલ મુજબ, ગુજરાતનો ડાંગ જિલ્લો ભારતનો સૌથી આર્થિક પછાત જિલ્લો છે. અહીં ન તો રસ્તા યોગ્ય છે અને ન તો અહીંનાં લોકો માટે પાયાની સુવિધાઓ મળી રહી છે.
સલોની કહે છે કે, વર્ષ 2017માં એક ફેલોશિપ માટે તે ડાંગ ગઈ અને તેના માટે ઘર શોધવાનું પણ એક પડકારથી ઓછું નહોતું. જેમ-તેમ તેને અહીં વઘઈ વિસ્તારમાં એક મકાનમાં રહેવા માટે મળ્યુ અને ત્યાંથી તે રોજ તેની સ્કૂટી લઇને આવતી-જતી હતી.
ફેલોશિપ દરમિયાન તેનું કામ ગામના લોકોનું જીવનધોરણ સુધારવા અને તેમને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવાનું હતું. તે કહે છે,

“તે સરળ કામ નહોતું. અહીંની વસ્તી ભલે ઓછી છે પરંતુ લોકો માટે કોઈ સુવિધા નથી. સૌથી મોટો પડકાર એ છે કે, અહીંનાં લોકો જાતે આગળ આવીને મહેનત કરવા માંગતા નથી. તેઓ આખા મહિના અથવા સતત કામ કરવામાં માનતા નથી. તેમને લાગે છે કે જો બે દિવસની મજૂરીથી તેમનું ચાર દિવસ પેટ ભરાય છે, તો તે ઠીક છે. હવે આ પછી, તેમના બાળકોનું શિક્ષણ, આરોગ્ય વગેરે તો ભૂલી જાઓ.”
આવી સ્થિતિમાં, સલોનીએ ગામના લોકો સાથે મળવાનું ચાલુ રાખ્યું, તેમને તેમના બાળકોના ભાવિ વિશે વિચારવા અને સ્થાયી રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપી. જ્યારે સલોનીના આ પ્રયત્નો રંગ લાવવા લાગ્યા, ત્યારે તેણે વિચાર્યુકે, એવું તો શું છે જે આ ગામલોકોને રોજગાર આપી શકે છે.
તે જણાવે છે કે ડાંગ જિલ્લામાં વાંસ ખૂબ જ સારા થાય છે અને તે પહેલા એક સામાજીક સંસ્થા, બાયફ (BAIF) પણ અહીંના લોકો સાથે કામ કરતી હતી. બાયફે અહીં ગ્રામજનો માટે વાંસની દાગીના બનાવવા માટે એક વર્કશોપ કરી હતી.
“આ વિચાર મારી સામે હતો, મારે બસ તેને યોગ્ય રીતે માર્કેટ સુધી પહોંચાડવાનો હતો. આ માટે, મેં મારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા, મેં વાંસના દાગીના ડિઝાઇન કરવાનું કામ કર્યું અને સમજી કે અમે શું બનાવી શકીએ કે મોટા શહેરના બજારોમાં લોકોને પસંદ આવે,”તેમણે કહ્યું.

વર્ષ 2018 માં, તેણે તેના સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. ડાંગના કારીગરો સાથે મળીને તેણે વાંસની સાથે અન્ય કેટલીક વસ્તુઓ જેવીકે, જેમસ્ટોન, જર્મન સિલ્વર વગેરેનો ઉપયોગ કરીને ડિઝાઈન તૈયાર કરી. તેણે 150થી વધુ ડિઝાઇનની ઇયરિંગ્સ, બ્રેસલેટ, પાયલ, નેકલેસ, જુડા પિન વગેરેની તેમણે 150થી વધારે ડિઝાઈન બનાવી હતી.
સલોની કહે છે, “જ્યારે પણ કોઈ વાંસના દાગીના વિશે વાત કરે છે, ત્યારે આપના મગજમાં ભારતનો ઉત્તર-પૂર્વ વિસ્તાર આવે છે કારણ કે ત્યાં જ વાંસનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. પરંતુ મારો હેતુ ડાંગને વાંસના દાગીના માટેના બ્રાન્ડ નામ બનાવવાનો છે.”
તેની ફેલોશિપ પુરી થયા પછી, સલોનીએ ‘બાંસુલી’ની નોંધણી કરાવી. બાંસુલી નામ વાંસ અને હંસુલીને જોડ્યા પછી મળ્યું. હંસુલી એ ગળાનું ઘરણુ છે જે રાજસ્થાન અને હરિયાણાની મહિલાઓ પહેરે છે.
બાંસુલીએ પોતાનું પહેલું જ્વેલરી કલેક્શન દિલ્હીના દસ્તકાર હાટમાં વેચ્યુ હતું. ત્યાં તેના ઉત્પાદનોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સિવાય આ હાટમાં તે એક કે બે મોટી હોટલો સાથે પણ સંપર્ક થયો, જેણે બાંસુલીને કેટલાક ઓર્ડર આપ્યા.

આ પછી, સલોનીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેણી કહે છે કે તેની પહેલી ઈવેન્ટમાં ત્રણ બાબતો થઈ- સૌ પહેલાં તેણીને બજાર વિશે જાણ્યું કે લોકોને તેની ડિઝાઇન પસંદ આવી રહી છે, બીજું, તેના કારીગરોને બહારના લોકો સાથે વાતચીત કરવાની તક મળી અને ત્રીજી વાત, તેઓ સમજી ગયા કે, તેઓ તેમની પ્રોડક્ટની કિંમત કેવી રીતે નક્કી કરી શકે.
સૌથી સારી વાત એ છે કે તેમના ઉત્પાદનો સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી છે. તેણી ખૂબ કાળજી લે છે કે ઉત્પાદનો ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ. વરસાદની ઋતુમાં વાંસના ઘરેણા ફૂગ લાગવાના કારણે ઘણીવાર ખરાબ થઈ જાય છે. તેથી, તેમની ટીમ વાંસને ટ્રીટ કરીને ફરીથી તેમાંથી પ્રોડક્ટ બનાવે છે. જો વાંસની ટ્રીટમેન્ટ કરીને તેનો ઉપયોગ કરીએ તો તેની લાઈફ વધે છે અને તેમાં ફૂગ લાગતી નથી. પ્રોડક્ટની ફિનિશિંગ બહુજ સારી રીતે કરવામાં આવે છે અને તેઓ રિયુઝેબલ અને રિસાયકલેબલ બોક્સીસમાં પેક કરવામાં આવે છે. દરેક ઉત્પાદન સાથે, તેનું સ્ટોરી કાર્ડ જાય છે, જેમાં બાંસુલી બનવાની વાર્તા હોય છે.

હાલમાં બાંસુલી સાથે કામ કરતા 7 કારીગરો છે અને તેમને દર મહિને કાયમી પગાર આપવામાં આવે છે. “પહેલાં દિવસથી મારો ઉદ્દેશ આ કારીગરોને કાયમી કમાણી આપવાનો છે. તેથી હું ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છું. હું વધારે લોકોને ઉમેરવા માંગતી નથી અને પછી તેમની મહેનત મુજબ તેમને પૈસા આપતા નથી. જેમ જેમ અમારા ઓર્ડર વધશે તેમ તેમ અમે અમારી ટીમમાં વધારો કરીશું,”સલોનીએ કહ્યું.
બાંસુલી સાથે સંકળાયેલા આ કારીગરોના ઘરની સ્થિતિમાં પહેલા કરતાં ઘણો સુધારો થયો છે. સલોનીના જણાવ્યા અનુસાર, હવે તેઓ માત્ર પોતાનું ઘર જ સારી રીતે નથી ચલાવી રહ્યા છે, પરંતુ તેઓ તેમના બાળકોના શિક્ષણ પર પણ ધ્યાન આપી રહ્યા છે.
સલોની કહે છે કે, જ્યારે તેના કારીગરોનાં ચહેરા પર સ્મિત આવે છે ત્યારે તેણીને ખૂબ સંતોષ મળે છે કારણ કે તેણીએ જીવનમાં ઘણું બધુ છોડી દીધું છે જેથી તે સમાજ માટે કંઈક કરી શકે.
રાજસ્થાનનાં અલવરમાં રહેતી સલોનીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે એક લૉ કંપની સાથે પણ કામ કર્યું. તે કહે છે કે તેની પાસે ત્યાં ખૂબ જ સારું પેકેજ હતું, પરંતુ બાળપણથી જ તેને સમાજ માટે કંઈક કરવાની ઇચ્છા હતી અને તે અહીં પુરી થઈ શકતી ન હતી.
લૉ ફર્મમાં કામ કરતી વખતે તેણે ફેલોશિપ માટે અરજી કરી અને તેની પસંદગી થઈ.
“જ્યારે ફેલોશિપનું પરિણામ આવ્યું ત્યારે મારા લગ્નની વાત ચાલી રહી હતી. પરંતુ નિયમો અનુસાર, મારે 13 મહિના માટે પછાત વિસ્તારમાં રહીને ત્યાની પરિસ્થિતી પર કામ કરવાનું હતુ. મને સમજાઈ રહ્યુ ન હતુ કે મારે શું કરવું? કારણ કે હું આ તક છોડવા માંગતી ન હતી. મેં મારા ઘરે અને મારા સાસરાવાળાના ઘરે કહ્યું અને હું ભાગ્યશાળી હતી કે દરેકે મને ટેકો આપ્યો. બધાએ મારા નિર્ણયને માન આપ્યું અને લગ્નને દોઢ વર્ષ આગળ કરી દીધા,”તેમણે કહ્યું.
સલોની કહે છે કે આજે પણ તેના પતિ તેના કામમાં ખૂબ જ ટેકો આપે છે. ભલે, દરેક નવો દિવસ તેના માટે એક નવો પડકાર લાવે છે, પરંતુ તેને વિશ્વાસ છે કે તે દરેક મુશ્કેલીઓને પાર કરશે.
“જો તમે તમારા દિલથી કંઈક કરવા માંગતા હો, તો તમે તે કરી લો છો. પરંતુ, જો તમને ડર છે કે તમે નિષ્ફળ થશો, તો પછી તમે ક્યારેય આગળ વધી શકશો નહીં. એકવાર તમે તમારી જાત પર વિશ્વાસ કરો પછી દરેક મુશ્કેલી સરળ લાગે છે. બીજા માટે કંઇક કરવાથી જે દિલાસો મળે છે તે શબ્દોમાં કહી શકાય નહીં,”તેમણે અંતમાં કહ્યું.
સલોની સંચેતીનો સંપર્ક કરવા તેમના ફેસબુક પેજ પર ક્લિક કરો!
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.