Search Icon
Nav Arrow
Weight Loss
Weight Loss

મનગમતી વાનગીઓ ખાઈને પણ IPS ઓફિસરે ઘટાડ્યું 50 કિલો વજન, જાણો કઇ રીતે

વજન ઘટાડતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, કેવું હોવું જોઈએ તમારું રૂટીન, IPS ઓફિસર વિવેક રાજ સિંહ જણાવી રહ્યા છે કઈ રીતે તેમને પોતાનું 50 કિલો વજન ઘટાડ્યું.

આપણામાંથી ઘણા લોકો રોજ રાત્રે પોતાની જાતને વચન આપે છે, કે સવારે વહેલા જાગીને ફિટનેસ રુટીન પર ધ્યાન આપીશું. કેટલાક લોકો કરી પણ લે છે અને સપ્તાહની શરૂઆતમાં પોતાના રુટીનમાં સંપૂર્ણપણે ધ્યાન આપે છે. પરંતુ થોડા દિવસો પછી, આળસને કારણે ફરીથી જૂના રૂટિન પર પાછા આવી જાય છે. શું તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે?

41 વર્ષિય IPS અધિકારી વિવેક રાજ સિંહ કુકરેલેની ફિટનેસ જર્નીની શરૂઆત પણ કંઇક આવી જ થઈ હતી. તે નાનપણથી જ ખૂબ ગોળમટોળ હતા. 2006માં, જ્યારે વિવેક ‘રાષ્ટ્રીય પોલીસ એકેડેમી’ માં જોડાયા, ત્યારે તેમનું વજન 134 કિલો સુધી પહોંચી ગયું હતું.

થોડી આળસ અને મુશ્કેલી વધારે
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેઓ કહે છે, “પોલીસ એકેડેમીમાં જોડાયા પછી જ મેં મારા વજન અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. એકેડેમીમાં 46 અઠવાડિયાની કઠોર તાલીમ દરમિયાન, મેં વધારે મહેનત કરી, જેનાથી હું 30 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો.”

IPS Vivek

જોકે શરૂઆતમાં તેમને વજન ઘટાડવાનો ખૂબ ઉત્સાહ હતો, પરંતુ પોલીસની નોકરીમાં જોડાયા પછી તે પોતાના જૂના રૂટીનમાં પાછા આવી ગયા. જેના કારણે તેમનું વજન ફરીથી વધવા લાગ્યું. તે કહે છે, “એક સમય એવો આવ્યો કે જ્યારે મારું વજન સંપૂર્ણપણે સ્થિર થઈ ગયું. હું બિહારના નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં કામ કરતો હતો, જે ખૂબ મુશ્કેલ કાર્ય હતું. તે દરમિયાન મારી દિનચર્યા બિલકુલ અનિયમિત થઈ ગઈ હતી અને મારું વજન ફરીથી પહેલા જેટલું જ થઈ ગયું હતું.” વિવેકનું વજન ત્યારે 130 કિલો હતું.

ડિસેમ્બર-2019માં, 130 કિલોગ્રામના વિવેકે ફરી એક વખત પોતાનું વજન ઘટાડવાનું નક્કી કર્યું અને જુલાઈ 2020 સુધીમાં, તેમને 35 કિલોથી વધારે વજન ઘટાડી દીધું. તે પછી, તેમને સપ્ટેમ્બર 2020 સુધી ધીમે-ધીમે 7 કિલો વજન ઘટાડ્યું અને આજે, જૂન 2021 માં તેમનું વજન 86.5 કિલો છે. તેમનું હાલનું વજન, શરૂઆતના વજન કરતા 50 કિલો ઓછું છે. તેમને ધ બેટર ઇન્ડિયા સાથે, આખા પરિવર્તન વિશે વાત કરી અને જણાવ્યું કે આમ કરવામાં તેમને કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

IPS Vivek

તમારા ખોરાકને તમારી નબળાઇ ન બનાવો
વિવેક પોતાને ખાવાના શોખીન ગણાવતા કહે છે, “જ્યારે પણ હું ભોજનનો બગાડ કરતો, ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું. તે કહે છે, “આ જ કારણથી જે કંઈપણ મારી થાળી પર હોતું, ભલે મારું પેટ ભરેલું હોય, પણ હું એને પૂરું કરતો.” તેમને કહ્યું કે બ્રેકિંગ પોઇન્ટ ત્યારે આવ્યો, જ્યારે તેમનું વજન 138 કિલો સુધી પહોંચી ગયું. તે સમજી ગયા કે હવે તેમને પોતાના વધતા વજન માટે કંઇક કરવું પડશે.

પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું અને વજન ઓછું કરવું તેમના માટે જરાય સરળ કાર્ય નહોતું. તે એક લાંબી પ્રક્રિયા હતી, જેના માટે તેમને સૌથી પહેલા ચાલવાનું શરૂ કર્યું. વિવેક કહે છે કે આજકાલ ઓનલાઇન ઘણા બધા ફીટનેસ એપ અને ગ્રુપ ઉપલબ્ધ છે, તમારે ફક્ત એ જોવાનું છે કે તમારા માટે કયા બરાબર છે.

તે કહે છે, “મેં ‘સ્ટેપ સેટ ગો’ નામની એક એપનો ઉપયોગ કર્યો, જે એક સ્ટેપ કાઉન્ટર છે. મને આ એપ ખૂબ પ્રેરક લાગી, જેના કારણે મને મારા રૂટિનમાં નિયમિત રહેવામાં મદદ મળી. ટૂંક જ સમયમાં ચાલવું એ મારી દિનચર્યાનો એક ભાગ બની ગયો. ભલે ધીમે-ધીમે જ, પણ મારું વજન ઘટવા લાગ્યું અને મને વધુ મહેનત કરવાની પ્રેરણા મળી.”

Weight Loss

વજન ઘટાડવા માટે ખોરાક ઘટાડવો જરૂરી નથી
સામાન્ય રીતે, વજન ઓછું કરવા માટે તમારે આહારને નિયંત્રિત કરવો પડે છે. વિવેકને ખાવાનો ખૂબ શોખ હતો, જેથી તેમને ખોરાક ઘટાડવાના અથવા કોઈપણ પ્રકારના ડાયટ કરવાને બદલે, વધુ ચાલવાનું નક્કી કર્યું. તે કહે છે, “એક સમય હતો, જ્યારે હું દિવસમાં લગભગ પચાસ હજાર સ્ટેપ્સ ચાલતો હતો અને ફક્ત તેનાથી જ મેં ફરીથી મારું 30 કિલો વજન ઘટાડ્યું હતું.”

પોતાના વોકિંગ રૂટિન વિશે વાત કરતાં તેમને કહ્યું, “હું દરરોજ લગભગ ત્રીસ હજાર સ્ટેપ્સ ચાલવાનો પ્રયત્ન કરતો. જ્યારે પણ હું ફોનમાં વાત કરતો, ત્યારે હું વૉક કરતો. જો મારે નજીકમાં ક્યાંય જવું હોય તો ગાડી ના બદલે ચાલતો જતો. આ નાના-નાના ફેરફારો કરવાથી મને ખૂબ મદદ મળી.

તે કહે છે કે તે દરરોજ લગભગ 4-5 કલાક ચાલતો હતો, પરંતુ તેમને ક્યારેય આ અઘરું ના લાગતું. એક સમયે લાંબી વૉક કરવાને બદલે, તે દિવસમાં જુદા-જુદા સમયે, થોડી-થોડી વૉક કરતા હતા. તે કહે છે,”જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો જ્યારે પણ સમય મળે ત્યારે ચાલો અને ધીમે-ધીમે તમારી ચાલવાની ક્ષમતા વધારો.”

Gujarati News

સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા વજન ઘટાડો
વિવેકના કહેવા પ્રમાણે, “વજન ઘટાડતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારા સ્નાયુઓ પર ખરાબ અસર ના પડે. આપણા વજન પર કામ કરતી વખતે, આપણે શરીરને યોગ્ય પોષણ આપવાનું ભૂલી જઈએ છીએ. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ” વજન ઘટાડતી વખતે જ તે Basal Metabolic Rate (BMR) અને Total Daily Energy Expenditure (TDEE) ને બરાબર રીતે સમજ્યા.

BMR થી ખબર પડે છે કે આરામ કરતી વખતે આપણા શરીરમાં કેટલી ઉર્જા અથવા કેલરી ખર્ચ અથવા બર્ન થઈ રહી છે. જ્યારે TDEE તમને જણાવે છે કે તમે રોજની કુલ કેટલી કેલરી બાળી રહ્યા છો. વિવેક કહે છે, “વજન ઓછું કરતી વખતે, તમારે દરરોજ BMR થી વધારે અને TDEE કરતા લગભગ 200-300 જેટલી ઓછી કેલરી લેવી જોઈએ. આ સાથે શરીરના વજન પ્રમાણે પ્રોટીન લેવું પણ ખૂબ મહત્વનું છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.”

તે કહે છે, “મેં વજન ઘટાડવા માટે ક્યારેય મારું મનપસંદ ભોજન છોડ્યું નથી. બિરયાની, બેડમી પુરી, ચાટ, પીત્ઝા અને કેક પણ ખાતો હતો. પરંતુ હું ચોક્કસપણે કાળજી લેતો કે મારો ખોરાક દૈનિક કેલરીથી વધુ ના હોવો જોઈએ. જો તમે તમારી રોજિંદી કેલરીઝનું ધ્યાન રાખશો, તો વજન ઓછું કરતી વખતે તમે ભોજનનો આનંદ લઈ શકશો. “

વજન ઘટાડયા પછી સમજાયા તેના ઘણા ફાયદા
એક તરફ જ્યાં વજન ઘટાડવાના કારણે વિવેકમાં ઘણા શારીરિક ફેરફારો થયા. તે સમયે જ, તેના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ, તેનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવ્યું અને દવાઓ પણ બંધ થઈ ગઈ. તે કહે છે, “મને છેલ્લા 17 વર્ષથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી, જેના માટે હું દવા પણ લેતો હતો. પરંતુ જ્યારથી વજન ઘટાડવા માટે મેં મારી જીવનશૈલી બદલી છે, ત્યારથી હું આ દવાઓને પણ સંપૂર્ણપણે છોડી શક્યો છું. ”

વજન ઘટાડવાને કારણે વિવેકને કેટલાક અન્ય લાભ પણ થયા, જેમ કે, તેના કપડાં પહેલા કરતા બરાબર ફીટ આવે છે, તેમ જ તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો. વિવેક કહે છે, “વજન ઘટાડ્યા પછી જ મને ઓછું વજન હોવાના ઘણા ફાયદાઓ સમજાયા.” તેમને કદી કલ્પના પણ નહોતી કરી કે તે 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેડમિલ પર દોડી શકશે.

Positive News

વિવેકની ફિટનેસ ટિપ્સ અને ટ્રિક્સ

 1. તમારા ખાનપાનમાં કાળજી રાખો
  વજન ઓછું કરવા માટે, તમારા ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, કેટલું ખાવું અને ક્યારે ખાવું. ખાસ કરીને શરૂઆતમાં જ્યારે આપણે બરાબર જાણતા નથી કે યોગ્ય ખોરાક શું છે? પરંતુ જેવી જ રીતે તમે તમારા આહાર પર ધ્યાન આપશો, તમે ઘણા ફેરફારો જોઈ શકશો. એક યોગ્ય ડાયટનું પાલન કરવું જરૂરી છે, જેના માટે તમારે તમારા આહારમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ.
 2. ફૂડ ટ્રેકિંગ એપ્લિકેશન
  “ફૂડ ટ્રેકિંગ એપ્લિકેશન વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. તમે જે ખાઈ રહ્યા છો તેના માટે તમારે જવાબદાર થવું પડશે. આ એપ્લિકેશન તમારા કેલરીના સેવન પર નજર રાખે છે. તમે 24 કલાકમાં જે પણ લઇ રહ્યા છો, તેની ચોક્કસ નોંધ લો, પછી ભલે તમને લાગે કે તેમાં કેલરીનું પ્રમાણ નહિવત છે. “
 3. ઓનલાઇન બનેલા ગ્રુપ્સનો લાભ લો
  વિવેકે કહ્યું, “એવા ઘણા ગ્રુપ છે ઓનલાઇન, જે લોકોને વજન ઘટાડવામાં અને ફીટ રહેવામાં મદદ કરે છે. મેં ફેસબુક પર FITTR નામક એક ઓનલાઇન ગ્રુપનો ઉપયોગ કર્યો હતો. અહીં તમને નિ:શુલ્ક ઘણી માહિતી મળે છે, જેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લેટફોર્મ્સ પર વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી પડતી. તમે આ ગ્રુપ્સથી પ્રેરણા લઈ શકો છો. ”
 4. એક સારું સ્ટેપ કાઉન્ટર વાપરો
  “ચાલતા સમયે તમારા સ્ટેપ્સની ગણતરી કરવા માટે, એપનો ઉપયોગ કરવો સારો રહે છે. જો તમે મિત્રો સાથે એક ગ્રુપ બનાવી શકો, તો ચોક્કસપણે બનાવો. તમે તે ગ્રુપમાં એકબીજા સાથે સ્પર્ધા કરી શકો છો. ધીમે-ધીમે તમારા વૉકિંગ સ્ટેપ્સ વધારી શકો છો.”

અંતમાં તે કહે છે, “જો તમે સાચી માનસિકતા અપનાવશો તો વજન ઘટાડવું ખૂબ જ સરળ અને ટકાઉ બની શકે છે. એની ખાતરી રાખો કે તમે તમારા BMI કરતા ઓછું ન ખાવો, તે ફક્ત તમારા મેટાબોલીઝમને નુકસાન કરશે અને વજન ઘટાડવામાં મદદ પણ નહીં કરે. તમે જે ખાવ છો તેના વિશે ચેતન રહો અને સારી કસરત કરો.”

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઘરમાં રહીને કેવી રીતે કરવી UPSC ની તૈયારી? IAS અને IFS ઑફિસર જણાવે છે જીતનું રહસ્ય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon