પાંતા ભાત,ઓરિસ્સાનું સ્થાનિક ભોજન છે, ત્યાં તે લગભગ દરેક ઘરના રસોડામાં રાજ કરે છે. તે ગિલ ભાત, પઝાયા સાધમ અથવા પખાલા ભાત જેવા અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે. તે ઓરિસ્સાના દરેક ઘરમાં તૈયાર કરવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદ અને ચાવ સાથે ખાવામાં આવે છે. ત્યાં સદીઓથી, આ આથાવાળા ચોખા (Fermented Rice) ખૂબ પ્રેમથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે હંમેશા સ્વાસ્થ્ય અને પેટ સંબંધિત સમસ્યાઓ સામે લડવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.
ઘણા પ્રસંગોએ મારી દાદીએ વારંવાર દાવો કર્યો હતો કે વજન ઘટાડવા, પાચનમાં સુધારો કરવા અને હાડકાંને મજબૂત કરવામાં પાંતા ભાત અત્યંત ફાયદાકારક છે. પરંતુ તેમના દાવાનો તે સમયે કોઈ વૈજ્ઞાનિક આધાર નહોતો. હવે, ભુવનેશ્વરના સંશોધન પ્રોફેસર બાલામુરુગન રામદોસે તાજેતરમાં જ તેનું સંશોધન કરીને તેને વૈજ્ઞાનિક આધાર આપ્યો છે.
પખાલા, કેમ આટલાં ગુણકારી છે?
પ્રોફેસર બાલામુરુગન રામદોસ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, એઇમ્સ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્લિનિકલ માઇક્રોબાયોમ રિસર્ચનું નેતૃત્વ કરે છે. તેમના સંશોધન દ્વારા, તેમણે શોધી કાઢ્યું છે કે ઓડિશામાં બનાવેલ ‘પખાલા’ (આથાવાળા ચોખામાં) શોર્ટ-ચેઇન ફેટી એસિડ હોય છે. આ એસિડ, પેટ અને આંતરડાને તંદુરસ્ત રાખે છે, અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અન્ય ઘણાં સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.
પ્રોફેસર રામદાસ કહે છે, “હું 2002 થી આંતરડાના માઇક્રોબાયોમ પર સંશોધન કરી રહ્યો હતો. સાથોસાથ, અમે એઇમ્સમાં કુપોષિત બાળકોની સારવાર તરફ પણ કામ કરી રહ્યા હતા. આ કુપોષિત બાળકોને જટિલ કાર્બોહાઈડ્રેટ સાથે શોર્ટ ચેઈન ફેટી એસિડ (SCFA) આપવામાં આવી રહ્યા હતા. આ ફેટી એસિડ આથાવાળા ચોખાના પાણીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે સામાન્ય ભાષામાં તોરાની તરીકે ઓળખાય છે. અમે એવા ખોરાકની શોધમાં હતા જે જીવનના તમામ વર્ગ અને જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય અને સસ્તા પણ હોય. ત્યારે અમારું ધ્યાન પખાળા અથવા આથાવાળા ચોખા તરફ ગયું અને પછી વર્ષ 2019થી, અમે તેના પર સંશોધન શરૂ કર્યું.”

તે કહે છે કે શરીરને તોરાની (પખાલાનાં પાણી) માં મળતા SCFA માંથી ઘણી ઉર્જા મળે છે. તે એન્ટિવાયરલ પેપ્ટાઇડ્સ અને બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે. એક તરફ તોરાનીમાં મળતા પોષક તત્વો કુપોષણ સામે લડવામાં મદદ કરે છે. બીજી બાજુ, તે શરીરને ઘણી ઉર્જા પણ આપે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખના અભાવને કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે.
કુપોષણ, HIV જેવા રોગોથી બચાવ
પ્રોફેસર રામદાસે તેમની આઠ લોકોની ટીમ સાથે તોરાનીના ઓછામાં ઓછા 20 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું. નિષ્કર્ષ પર પહોંચવા માટે તેઓએ વિવિધ સામાજિક-આર્થિક બેકગ્રાઉન્ડ ધરાવતા ઘરોમાંથી નમૂના લીધા. આ તમામ નમૂનાઓમાં માઇક્રોબાયલ કલ્ચર જોવા મળ્યુ, જે લેક્ટોબેસિલસની ઉપસ્થિતી અને તોરાનીનાં એક પ્રોબાયોટિકની હાજરી દર્શાવે છે.
પ્રોફેસર જણાવે છે, “તોરાનીમાં જોવા મળતા લેક્ટોબેસિલસ, સિક્રેટરી ઇમ્યુનોગ્લોબ્યુલિન વધારે છે. જે શરીરમાં ચેપ સામે લડવામાં મદદ કરે છે, ખાસ કરીને આંતરડા અને ફેફસામાં, અને ઈમ્યુનિટી પણ વધારે છે.” તેમની આ શોધ કુપોષણ, એચઆઇવી વગેરે જેવા રોગોથી પીડિત લોકો માટે તેમનું સંશોધન કેવી રીતે મદદરૂપ બની શકે તે દિશામાં પણ કામ કરી રહ્યા છે.
40 વર્ષના પ્રોફેસરને આશા છે કે આ સંશોધન આવનારા સમયમાં લાખો લોકોનું જીવન બદલી શકે છે.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: દાદીમાંનું વૈદુ! આ બિમારીઓથી બચવા માટે કરો સરગવાનાં પાનનું સેવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.