આંબા ઉપર કોયલ બેસીને ગાઈ રહી છે, તાજા ઉગેલા ફૂલોની સુગંધ હવામાં ચારેયબાજુ વિખરાયેલી છે, ઝાડ જેકફ્રૂટથી ભરેલા છે, નાળિયેર પાણી ગરમીને હરાવવા માટે તૈયાર છે. આટલું જ નહીં, તુલસી, ગિલોય (ટિનોસ્પોરા કોર્ડિફોલીયા), અરડૂસી (વાસાકા) અને કુંવારપાઠું(એલોવેરા) જેવા ઔષધીય છોડ નવી ઉર્જા લાવી રહ્યા છે, જરા વિચારો કે તે કેવું સુંદર દૃશ્ય હશે!
એવું લાગે છે કે તે ખેતીનું કોઈ ખાસ સેટઅપ છે, પરંતુ આ મુંબઈના ઉપનગરોમાં સ્થિત એક રહેણાંક સોસાયટીની વાત છે – ‘કંચન નાલંદા સીએચએસ લિમિટેડ’, જ્યાં જાંબુ, કેરી, આસોપાલવ, ગુલમોહર, સરગવો (મોરિંગા), લીમડો નાળિયેર અને જેકફ્રૂટ જેવા 41 પ્રકારનાં ઝાડ-છોડ રોપવામાં આવ્યા છે.
આ સોસાયટીમાં રહેતા કમલ સાબૂ કહે છે, “અમે દર વર્ષે 600 નાળિયેર, 800-900 કેરી, 30-40 કિલો જાંબુ અને જેકફ્રૂટનું ઉત્પાદન કરીએ છીએ અને સોસાયટીનાં તમામ 86 ફ્લેટમાં તે વહેંચવામાં આવે છે. તાજેતરમાં જ, ઝાડમાંથી નાળિયેર ઉતારવામાં આવ્યા હતા અને દરેક ફ્લેટમાં 5-6 નાળિયેર આપવામાં આવ્યા હતા.”

કોરોના રોગચાળોએ આજે સ્વાસ્થ્ય સંબંધી વિમર્શને અત્યંત મહત્વનું બનાવ્યું છે અને તેનાંથી બચવા માટે પોતાની ઈમ્યુનિટીને મજબૂત રાખવા માટે આ મુંબઇ સબ-અર્બન સોસાયટીના લોકો તેમની મહેનતનો લાભ લઈ રહ્યા છે.
જોકે, એક સમય હતો, જ્યારે અહીં ખેતી માટે એક નાની જગ્યા હતી અને માટીની ખરાબ ગુણવત્તાને કારણે, અહીં ઝાડ-છોડ તૈયાર કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. પરંતુ ઘરમાં નિર્મિત જૈવિક ખાતરનો ઉપયોગ કરીને આ બધું સંભવ થયુ છે.
આ કડીમાં સોસાયટીનાં ચેરપર્સન રશ્મિ ટાંક કહે છે, “આ બધુ 2016માં શરૂ થયુ, જ્યારે અમે સોસાયટીનાં સૂકા પાંદડાને ન બાળવાનો નિર્ણય કર્યો હતો. કારણકે, તેનાંથી વાયુ પ્રદૂષણ થઈ રહ્યુ હતુ, તે બાદ અમે પરિસરમાં એક બાયો-કમ્પોસ્ટ પિટ બનાવડાવ્યુ અને તેમાં સૂકાં પાંદડાને જૈવિક ખાતરમાં પરિવર્તિત કરાવ્યા”
તે આગળ કહે છેકે, “સોસાયટીનાં લોકોની મદદથી અમે ઘણું જલ્દી ગારબેજ સેગ્રીગેશન સિસ્ટમને અપનાવી લીધી, વર્ષ 2017માં અમે આ વિધિને અપનાવી અને મને ખુશી છેકે, બધાએ તેનું સારી રીતે પાલન કર્યુ.”

સોસાયટીના દરેક ફ્લેટમાં ભીના અને સુકા કચરા માટે બે ડબ્બા આપવામાં આવ્યા છે. એકવાર તે ભરાઈ જાય પછી, ભીના કચરાને બાયો-કમ્પોસ્ટ ખાડામાં નાંખીને જૈવિક ખાતર બનાવવામાં આવે છે અને આ બધું વ્યવસાયિક એજન્સીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આજે, વિપુલ પ્રમાણમાં જૈવિક ખાતર છે અને તેનો ઉપયોગ પરિસરમાં સમુદાયના બાગકામ માટે થાય છે.
સુહાસ વૈદ્ય, એક વરિષ્ઠ સભ્ય, જેમણે બાયો-કમ્પોસ્ટ પિટ બનાવવા અને સમુદાયિક બાગાયતને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. આ પહેલથી લોકોને એકબીજા સાથે જોડાવાની અને કૃષિ વિશેના તેમના જ્ઞાનને વહેંચવાની તક મળી. તેઓ તેમના બગીચામાં નાળિયેર, કેરી, જામફળ, પપૈયા, જેકફ્રૂટ, જાંબુ, કેળા, લીંબુ જેવા ફળોનો આનંદ માણે છે અને હવે બગીચામાં ફુદીનો, હળદર, દાડમ, દેશી બીટરૂટ અને ટમેટા જેવી ચીજોની પણ ખેતી થાય છે.
કલકત્તા પાન શોસ્ટોપર છે અને તેના વેલા એકદમ નાજુક હોય છે, તે તેના સ્વાદ માટે અને પાચક શક્તિને મજબૂત બનાવવા માટે ખાવામાં આવે છે. સોસાયટીના એક વરિષ્ઠ સભ્ય કહે છે, “ગળાના ચેપને મટાડવામાં પણ તે ખૂબ ફાયદાકારક છે, ફક્ત પાનને પાણીથી સાફ કરો અને ચાવો … તમારી ઉધરસ ગાયબ!”
આ સોસાયટી પપૈયાના પાંદડા અને અરડૂસી જેવા ઔષધીય છોડ માટે પણ ઘણી લોકપ્રિય છે, જેનો ઉપયોગ અનુક્રમે ડેન્ગ્યુ તાવ અને ઉધરસની સારવારમાં થાય છે. રસપ્રદ વાત એ છે કે, આ બગીચાને સોસાયટીનાં લોકોએ તેમના મર્યાદિત જ્ઞાન અને એક માળીની સહાયથી તૈયાર કર્યું છે અને અહીં બાગાયત માટે કોઈ કૃષિ નિષ્ણાતની મદદ લેવામાં આવી નથી.

સોસાયટીમાં રહેતા એક યુવાન દર્શન મેહરોત્રા કહે છે, “અમે નાલંદાના આધુનિક ખેડૂત છીએ. મને લાગે છે કે અમે અમારા બિલ્ડિંગ એરિયામાં છોડ, ઝાડ અને ફૂલો રોપીને જગ્યાનો સારો ઉપયોગ કરી રહ્યા છીએ. મોટા શહેરોમાં તદ્દન મુશ્કેલ એવા મુંબઇ જેવા મહાનગરમાં અમારા બાળકોને પ્રકૃતિની નજીક રાખવાનો આ એક સરસ રસ્તો છે.”
જણાવી દઈએકે, સોસાયટીમાં લોકડાઉન દરમિયાન, મીઠા લીમડા, તુલસી, ફૂલો અને લીંબુની જરૂરિયાત આ બગીચામાંથી જ પુરી પાડવામાં આવતી હતી.
સોસાયટીએ ગારબેજ સેગ્રીગેશન અને જૈવ ખાતરનાં વિષયમાં નગર નિગમની સાથે કાર્યશાળાઓ પણ આયોજીત કરી છે, જેમાં શહેરનાં અન્ય હાઉસિંગ સોસાયટીઓએ પણ ભાગ લીધો હતો. સોસાયટીનાં આ પ્રયાસોને ગ્રેટર મુંબઈ નગર નિગમે (પી સાઉથ વોર્ડ) શૂન્ય-અપશિષ્ટ અભિયાન હેઠળ એક પ્રમાણપત્રની સાથે સમ્માનિત પણ કરી હતી.
સોસાયટીની સચિવ અર્ચના સાબી કહે છેકે, “અમારું લક્ષ્ય પર્યાવરણની સાથે અનુકૂળ પ્રથાઓની મદદથી પ્રદૂષણને રોકવાનું છે અને અમે અમારા અનુભવોને બીજી સોસાયટીની સાથે શેર કરીને ઘણા ખુશ છીએ.”
ફળોથી લઈને ઔષધીય છોડોથી ભરેલું આ રહેણાંક પરિસર મુંબઈ જેવા મહાનગરો માટે એક મિસાલ છે, જે એ દર્શાવે છેકે, આપણે દરેકે પ્રકૃતિની નજીક રહેવું જોઈએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:આ ગુજરાતી આચાર્ય છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.