મેરઠમાં રહેતી સુમિતા સિંહ જ્યારે પણ પોતાનું બાળપણ યાદ કરે ત્યારે તેને આસામની હરિયાળીને યાદ આવે છે. પણ અહીં કોઈ આંગણું નહોતું કે નહોતી કોઈ છત, તો પછી શું તેણીએ પોતાની છત પર જ બાલ્કનીમાં જ 300થી વધુ છોડ રોપ્યા. તમે તેમની પાસેથી ગાર્ડનિંગ અંગેની કેટલીક ટીપ્સ પણ લઈ શકો છો.
શહેરોમાં, આપણે હંમેશા હરિયાળીના અભાવ અને પ્રદૂષણની અંગે ફરિયાદ રહે છે. જગ્યા અને સમયની અભાવને કારણે, ઘણા લોકો ઇચ્છે તો પણ તેમની આસપાસ છોડ-ઝાડ વાવી શકતા નથી. પરંતુ મેરઠ નિવાસી સુમિતા સિંઘને છોડનો એટલો શોખ છે કે ઘણી અડચણો હોવા છતાં, તે છેલ્લા 6 વર્ષથી તેની નાની બાલ્કનીને હરીભરી રાખવાનું કામ કરી રહી છે.
36 વર્ષીય સુમિતા મેરઠની સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટીમાં ફાર્મસીના પ્રોફેસર છે. તેમનું બાળપણ આસામના ટીનસુકિયા નજીકના એક નાનકડા શહેરમાં વિત્યું છે, જ્યાં ઘણી હરિયાળી હતી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તે કહે છે, “નાનપણમાં જ મારા પિતાની બદલી આસામથી ગોરખપુર (ઉત્તર પ્રદેશ) થઈ હતી, ત્યારબાદ મને આજુબાજુની હરિયાળીનો અભાવ લાગતો હતો. હું જ્યાં પણ થોડીક જગ્યા મળે ત્યાં છોડ લગાવતી.”

ઓછી જગ્યામાં ઉગાડ્યા 300+ છોડ
સુમિતા જ્યારે તેના ફાર્મસીના અભ્યાસ માટે લખનઉની હોસ્ટેલમાં રહેવા ગઈ ત્યારે તેણે ત્યાં પણ ઘણાં ઝાડ રોપ્યા. હાલમાં, તે છેલ્લા 5 વર્ષથી મેરઠમાં તેના ફ્લેટની બાલ્કનીમાં ગાર્ડનિંગ કરે છે. તેમના ઘરમાં 7 થી 8 ફુટની બે બાલ્કની છે જેમાં તેણે 120 જાતોના 300 થી વધુ છોડ રોપ્યા છે.
સુમિતાની બે બાલ્કની
સુમિતા કહે છે, “જો કે મારા ઘરમાં મારા સિવાય કોઈને પણ મારા જેવા ગાર્ડનિંગનો શોખ નહોતો. પરિવારના સભ્યોને લાગતું હતું કે જો વધુ છોડ હશે તો મચ્છર આવશે. સાથે જ કુંડાના વજનને લીધે ઘરને નુકસાન થશે, પણ આ બધી નાની સમસ્યાઓ કરતા વધારે હતો છોડ માટેનો મારો પ્રેમ. આ જ કારણ છે કે જે આજે મારા ઘરે જે કોઈ આવે છે તે મારા બાલ્કનીની હરિયાળી જોઈ ખૂબ પ્રશંસા કરે છે.”
સુમિતા ઇન્ડોર પ્લાન્ટ વધુ વાવે છે. તે કહે છે, “ઇન્ડોર પ્લાન્ટ ઘરની હવાને તાજી રાખે છે, સાથે સાથે ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે.” તેમની પાસે ઇન્ડોર પ્લાન્ટની ઘણી જાતો છે, જેમાં સ્નેક પ્લાન્ટની 5 જાત, રબર પ્લાન્ટની 3 જાત, ડ્રેસીના (Dracaena) ની 7 જાતો શામેલ છે. આ સિવાય બેબી સન રોઝ, સ્વીટ પોટેટો વાઈન, ઈંગ્લિશ આઇવી, ઝેડ ઝેડ પ્લાન્ટ જેવા ઘણા બધા છોડ પણ છે.
તેને ઔષધિઓના છોડ વાવવાનો પણ ઘણો શોખ છે. તમને તેના ઘરની બાલ્કનીમાં ગિલોય, અજવાઈન, લેમન ગ્રાસ, બેસિલ, પુદીના, કરી પત્તા જેવા ઔષધિઓના છોડ જોવા મળશે. સુમિતા કહે છે, “શાકભાજી અને ફળના છોડ ઉગાડવા માટે વધુ જગ્યા અને યોગ્ય સૂર્યપ્રકાશ અને સાર-સંભાળની આવશ્યકતા છે, જોકે નાની બાલ્કનીમાં આ છોડ ઉગાડવા મુશ્કેલ છે. આ હોવા છતાં, હું કેટલીક સિઝનલ શાકભાજી ઉગાડતી રહી છું.”
તે ટામેટાં, ચેરી ટામેટાં, કેપ્સિકમ મરચા, લસણ, મરચા જેવી શાકભાજી નાના કુંડામાં ઉગાડે છે.

રસોડાના કચરાનો કરે છે ઉપયોગ
સુમિતા કહે છે, “હું મારા રસોડામાંથી કોઈ કચરો બહાર ન નાખવો પડે તેવું ઈચ્છું છું, તેનો ઉપયોગ હું મારા બાલ્કનીના ગાર્ડનમાં કરું છું.” આના માટે તે રસોડાના કચરામાંથી નિકતો કચરો જેમ કે શાકભાજી અને ફળોના કચરામાંથી ખાતર બનાવે છે. સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતી શાકભાજી, દાળ, ચોખા ધોયા પછી બાકી રહેલું પાણી પણ સુમિતા છોડમાં નાખે છે. આવું કરવાથી, છોડને માત્ર યોગ્ય પોષણ જ મળે એવું નથી, પણ પાણીની બચત પણ થાય છે. તે જણાવે છે, “કેળાની છાલ અથવા તેની સૂકેલી છાલમાંથી બનેલ ખાતર છોડને સારું પોષણ આપે છે.
છોડની સંભાળ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ
તે જણાવે છે, “ઓછી જગ્યાને કારણે, હું સમય-સમયે છોડની જગ્યા બદલતી રહું છું. જેથી બધા છોડને સૂર્યપ્રકાશ મળી શકે.” છોડને ઉપાડવામાં સરળતા રહે, તેથી તેઓ માટીના કુંડા કરતાં પ્લાસ્ટિકના કુંડાનો વધુ ઉપયોગ કરે છે. આ સાથે, તેમણે ઘણા લટકતા કુંડા પણ લગાવ્યાં છે.
તે કહે છે, “બાલ્કનીમાં લટકતા કુંડા રાખવાથી ઘણી જગ્યા બચે છે. આ સાથે, દરેક કુંડાને જરૂરિયાત મુજબ સૂર્યપ્રકાશ મળે છે. પરંતુ છોડને લટકાવતા સમયે કાળજી લેવી જરૂરી છે કે છોડ અને કુંડાનું વજન બહુ ભારે ન હોય.”
ઘરમાં પડેલા નકામા પ્લાસ્ટિકના કન્ટેનર ફેંકી દેવાને બદલે તે તેનો ઉપયોગ રોપાઓ રોપવા કરે છે. તે પછી ભલે તે કોલ્ડ ડ્રિંક્સની બોટલ હોય, દહીં અને ડિસ્પોસેબલ ફુડના ડબ્બા હોય કે લોન્ડ્રી ડિટરજન્ટની મોટી બેગ હોય. તે આ બધાનો ઉપયોગ બગીચામાં કરે છે. આ સાથે, માટીને બદલે તે કોકોપીટ અને અળસિયાના ખાતરનો ઉપયોગ કરે છે, જેથી બાલ્કની પર વધુ વજન ન થાય.

લોકોને ગાર્ડનિંગ કરવા માટે કરે છે પ્રેરિત
સુમિતા કહે છે, “ગયા વર્ષે મારા ઘરમાં સ્નેકના ઘણા છોડ હતા કે તેમને રાખવું મારા માટે મુશ્કેલ થઈ ગયું. તેથી મેં મારા મિત્રોને દિવાળીની ભેટો તરીકે સ્નેકના નાના-નાના રોપાઓ તૈયાર કરી આપ્યા, જેને બધાએ પસંદ કર્યાં. હવે મારા ઘણા મિત્રો અને પરિચિતો મારી પાસે વિવિધ છોડ માંગતા રહે છે, જેને હું ખુશીથી તૈયાર કરી આપું છું.” આ સિવાય તેણે તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે, જેમાં તે છોડની સાર-સંભાળ વિશેની માહિતી શેર કરતી રહે છે.
સુમિતા કહે છે, “ભલે હું કેટલી પણ વ્યસ્ત હોઉં, પણ છોડ માટે હમેશા સમય કાઢું છું. સવારે કૉલેજમાં જતાં પહેલાં અને સાંજે કામ પરથી આવ્યા પછી હું નિયમિતપણે છોડ સાથે સમય વિતાવું છું.” સુમિતાના પતિ કે જેમને પહેલાં છોડમાં જરાય રસ નહોતો, આજે તે પણ ઘણા છોડોના નામ અને તેના ફાયદા જાણે છે. તેમના ઘર અને બાલ્કનીમાં જુદા જુદા છોડ હોવાને કારણે, તેમના ઘરનું એક અલગ પ્રકારનું વાતાવરણ હોય છે, તેનાથી પ્રેરણા લઈને, તેમના ઘણા મિત્રોએ સુમિતાની મદદથી તેમના ઘરમાં પણ ગાર્ડનિંગ શરૂ કર્યું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.