અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો માટે સમસ્યા એ હોય છે કે, કેવી રીતે બાળકોને શાળા સુધી લાવવાં, જેથી તેમને ભણાવી-ગણાવી સક્ષમ બનાવી શકાય.વર્ષ 2001 માં નરેન્દ્ર ચૌહાણની ગુજરાતના વડોદરા જિલ્લામાં વાયદપુર પ્રાથમિક શાળામાં હેડમાસ્ટર તરીકે વરણી થઈ, જ્યાં તેમણે બે બાબતો નોંધી.
એક તો શાળા છોડતા વિદ્યાર્થીઓનો દર બહું ઊંચો હતો અને બીજું શાળામાં આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી આવતા હતા, અને તેઓ શાળામાં મધ્યાહન ભોજનની લાલચે જ આવતાં હતાં.
એ સમયને યાદ કરતાં ચૌહાણ જણાવે છે કે, “અહીં પીરસવામાં આવતું મધ્યાહન ભોજન એકદમ સામાન્ય હતું અને એમાં સ્વાસ્થ્ય અને પોષણની ખાતરી કરતું કઈં કરવામાં આવ્યું નહોંતુ.”
જેનું સમાધાન શોધવા તેમણે શાળાના મકાનની આજુબાજુ ખાલી પડેલ અડધા એકર જમીનને ખેડી તેમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

પોતાની લાગણી અંગે જણવતાં ચૌહાણ સાહેબે જણાવ્યું, “હું ઇચ્છતો હતો કે, દરોરોજ બપોરે બાળકોની થાળીમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે. મેં મારી જાતે જ ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને ધીરે-ધીરે વિદ્યાર્થીઓએ પણ મદદ કરવાની શરૂ કરી.”
આ વાતને 17 વર્ષ વીતી ગયાં છે. ઉત્સાહી બાળકોની મદદથી ઉત્સાહી આચાર્ય સાહેબ ટામેટાં, રીંગણ, કોબીજ, મૂળા, ગાજર, દૂધી તેમજ પાલક, મેથી અને કોથમીર જેવાં પાંદડાવાળાં શાકભાજી ઉગાડે છે.
વધુમાં તે જણાવે છે કે, “અમારી શાળાના રસોડાના બગીચામાં કોઇપણ જાતનાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. બધાં જ ઓર્ગેનિક ખાતરો અને જંતુનાશકોની ખરીદી હું જાતે જ કરું છું.”
પાલક પનીરથી લઈને મેથીનાં થેપલાં તેમજ પૌષ્ટિક કચુંબર સુધીની પૌષ્ટિક વાનગીઓ માટે વાયદપુર પ્રાથમિક શાળાનું શાનદાર મધ્યાહન ભોજન આખા તાલુકામાં જાણીતું બન્યું છે.

લાગણીઓ વ્યક્ત કરતાં ચૌહાણ સાહેબ જણાવે છે કે, “માતાપિતા પણ ઘણીવાર કહે છે કે, બાળકો પણ હોંશેહોંશે સવારે સ્કૂલે જાય છે, જેનાથી અમને પણ આશ્ચર્ય થાય છે કે, બપોરના ભોજનમાં એવું તો શું હોય છે.” તેઓ વધુમાં ઉમેરે છે કે, વર્ષોથી બાળકોની સ્વાસ્થ્યની સમસ્યાઓ ઘણી ઘટી ગઈ છે. છેલ્લા 17 વર્ષાના અનુભવો તારવીએ તો, બાળકો વર્ગમાં તંદુરસ્ત અને વધારે સક્રિય બન્યાં છે.
આ બાળકો માટે પૌષ્ટિક અને ગરમ ભોજનની માત્ર થાળી નથી પરંતુ વાયદપુરની શાળાનાં બાળકોને રોજ શાળાએ ખેંચી લાવતી ખેતીની આનંદપૂર્વક પ્રવૃત્તિ પણ છે. નાના-નાના હાથે બીજ વાવવાથી લઈને શાકભાજી લણવા સુધીનાં કામમાં તેઓ નિપુણ બની ગયાં છે.

કેટલીકવાર શાકભાજીનું ઉત્પાદન વધુ થયું હોય તો, ચૌહાણ સાહેબ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા પણ અચૂક આપે છે.
આ અંગે વાત કરતાં ચૌહાણ સાહેબ જણાવે છે, “આ બાળકોનાં વાલીઓ ખૂબજ ગરીબ છે. તેમાંનાં મોટાભાગનાં તેમના બાળકને રોજ પૌષ્ટિક ભોજન આપી શકતાં નથી. તેમને એ વાતનો સંતોષ હોય છે કે, તેમના બાળકને શાળામાં પરતું પૌષ્ટિક ભોજન મળી રહે છે. આ સારા હેતુથી અમે આ પ્રવૃત્તિ મફતમાં જ કરી રહ્યા છીએ.”
તેઓ વિદ્યાર્થીઓને પણ ઓર્ગેનિક ખેતી કરતાં શીખવાડવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. કારણકે તેમાંનાં મોટાભાગનાં બાળકો ખેડૂત પરિવારમાંથી આવે છે, જેથી ભવિષ્યમાં તેઓ પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ પોતાના ખેતરમાં કરી શકે છે.
તાજાં શાકભાજી અને પૌષ્ટિક મધ્યાહન ભોજનની સાથે-સાથે ચૌહાણ સાહેબ તેમના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ગણવેશ, પુસ્તકો અને પગરખાં પણ આપે છે. તેમને આશા છે કે, તેમના આ પ્રયત્નોથી બાળકો શિક્ષણ તરફ આકર્ષાશે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.