Search Icon
Nav Arrow
Terrace Gardening
Terrace Gardening

તાજા ફળો માટે નથી જતા બજાર, ધાબામાં જ છે જામફળ, દાડમથી લઈને જાંબુ,ચીકુના ઝાડ

બિહારના પટના નિવાસી મનોરંજન સહાય છેલ્લા 30 વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યા છે અને તેમણે તેમના ટેરેસ પર 500 થી વધુ વૃક્ષો અને છોડ રોપ્યા છે.

“મને ગાર્ડનિંગ કરવાનો શોખ વારસામાં મળ્યો છે. મારા પિતા ગાર્ડનિંગ કરતા, પછી મેં મોટા ભાઈને પણ ગાર્ડનિંગ કરતા જોયા છે. હું પણ છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજીની ખેતી કરું છું. વર્ષ 2015 માં મારી બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી, હું મારો બધો સમય બગીચામાં જ પસાર કરું છું’ બિહારના પટના શહેરમાં રહેતા મનોરંજન સહાયે જણાવ્યું.

તેમણે તેમના ટેરેસને એક સુંદર બગીચાનું રૂપ આપ્યું છે. વિવિધ પ્રકારના સેંકડો વૃક્ષો અને છોડ તેના બગીચાનું ગૌરવ છે. ફળો, ફૂલો, મોસમી શાકભાજી, ઔષધીય છોડ તેમજ કેટલાક બોનસાઈ પણ તેના બગીચામાં વાવેલ છે.

64 વર્ષીય મનોરંજનએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “બેંક મેનેજર તરીકે નિવૃત્ત થયા પછી, મારો બધો સમય ગાર્ડનિંગ માટે ફાળવુ છે. મેં 1990 માં બાગકામ શરૂ કર્યું. શરૂઆતમાં મેં ટેરેસ પર કુંડામાં પીપળ, કેળ, પાકર, લીમડા જેવા છોડ રોપ્યા અને પછી તેની કાપણી કરતો રહ્યા. આજે પણ મારી પાસે મારા બગીચામાં આ બધા છોડ છે અને તેમની ઊંચાઈ એક-દોઢ ફૂટથી વધુ નથી. તે પછી મેં વાંસના નાના છોડની જાતની રોપણી કરી. ત્યારબાદ ફૂલોના ઘણા છોડ-ઝાડ વાવ્યા. મને હંમેશા વિવિધ પ્રકારના ઝાડ રોપવાનો શોખ રહ્યો છે.”

આજે મનોરંજનની છત પર બ્રહ્મકમલ અને કલ્પવૃક્ષ જેવા ઝાડ પણ છે. તે કહે છે કે તેને જુદા જુદા સ્થળોએથી છોડ મંગાવ્યાં છે અને પછી તેને તેના ટેરેસ પર રોપ્યા છે.

Terrace Gardening Tips

500 થી વધુ વૃક્ષો વાવ્યા

મનોરંજનના ઘરની છત પર દાડમ, જામુ, ચીકુ, જામફળ, લીંબુ, દ્રાક્ષ, બદામ, અખરોટ જેવા ઝાડ છે. તે કહે છે કે તેણે ફળોમાં પણ કંઈક અલગ રોપવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે તેમની પાસે ચીકુની બે જાતો છે. “તેવી જ રીતે, મારી પાસે લીંબુની ત્રણ-ચાર જાતો છે. તેમની સુગંધ અને સ્વાદ ખૂબ જ સારા હોય છે. મારી પાસે બે જુદી જુદી જાતના જામફળ છે, કાળો અને લાલ જામફળ. તેવી જ રીતે દ્રાક્ષની પણ બે જાતો છે” તેમણે જણાવ્યું.

બદામ અને અખરોટ સિવાય, તે તેના બીજા બધા ફળોના ઝાડમાંથી ફળ લઈ રહ્યો છે. ટેરેસ સિવાય તેણે તેના કેમ્પસમાં કેરી, આમળા, જામફળનાં વૃક્ષો વાવ્યા છે. મનોરંજન કહે છે “ફળો પછી, મેં શાકભાજી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ હું ફક્ત તે જ શાકભાજી રોપું છું જે અમે ઘરે ખાઈએ છીએ. જેમ કે રીંગણા, વટાણા, ટામેટાં, બે-ત્રણ પ્રકારના મરચા. હું મારા ટેરેસ પર દરેક ઋતુની શાકભાજી ઉગાડુ છું”.

તેમના બગીચામાં મીઠો લીમડો, ફુદીનો, અપરાજિતા, ગળા જેવા ઔષધીય છોડ પણ છે. તે કહે છે, “મેં ઘણા રોપા કટીંગ કરીને રોપ્યા છે તો ઘણા છોડ નર્સરીમાંથી પણ ખરીદ્યા છે. હું અલાહાબાદથી ઘણાં રોપાઓ લઈને આવ્યો છું અને તે અમારા ઘરમાં સારી રીતે ઉગી રહ્યા છે”. તે ઝાડ અને છોડ માટે જાતે જ તેના ઘરના ભીના કચરામાંથી ખાતર બનાવે છે. આ ઉપરાંત, તે જાતે જ બધા છોડ માટે પોટીંગ મિશ્રણ તૈયાર કરે છે.

Home grown fruits

બાગકામ માટેની ટિપ્સ

મનોરંજન આગળ જણાવે છે કે જો કોઈ પહેલીવાર ગાર્ડનિંગ (બાગકામ) કરી રહ્યું હોય તો તેણે બધા છોડ માટે એક સામાન્ય પોટિંગ મિક્સ તૈયાર કરવું જોઈએ. સામાન્ય માટી, કોકોપીટ, ગાયના છાણનું ખાતર, રેતી અને વર્મી કંપોસ્ટ મેળવીને મિક્સ કરો. કુંડાની પસંદગી પણ યોગ્ય રીતે પસંદ કરો. કુંડાના તળિયે એક છિદ્ર હોવું જોઈએ જેથી પાણી જમા ન થાય. કારણ કે જ્યારે કુંડામાં પાણી જમા થવાનું શરૂ થાય છે, ત્યારે છોડના મૂળ સડવાનું શરૂ થઈ જાય છે.

મનોરંજન જણાવે છે “ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે નર્સરીમાંથી લાવવામાં આવેલા રોપાઓ થોડા દિવસો સારા રહે છે અને પછી બગાડવાનું શરૂ થઈ જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે લોકો અમુક બાબતની અવગણના કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે છોડ લાવો છો, ત્યારે તમારે તેમની માટીને નીચેથી કાઢી નાખવી જોઈએ અને પછી તેને કુંડામાં રોપણી કરવી જોઈએ. કારણ કે છોડ તૈયાર કરતી વખતે નર્સરી વાળા ઘણીવાર છોડની આસપાસ ગંગાની લાલ માટી લગાવે છે. આ માટી સૂકાયા પછી ખૂબ કડક બની જાય છે અને તેના કારણે મૂળ ફેલાતા નથી. તેથી હંમેશાં નર્સરીમાંથી રોપાઓ લાવ્યા પછી નીચેથી માટીને કાઢી નાખો અને પછી તેને કુંડામાં રોપો”.

Organic Gardening

આ ઉપરાંત, તે તેના છોડને એપ્સમ સોલ્ટ અને ફટકડીને પાણીમાં ભેળવી સ્પ્રે કરે છે. તે કહે છે, “આમ તો દરેક છોડને વિવિધ પ્રકારના પોષણની જરૂર હોય છે. જ્યારે તમે ગાર્ડનીંગ કરો, ત્યારે ધીરે ધીરે તમે આ વાત સમજવા લાગશો. હું દરેકને બાગકામ કરવાની ભલામણ કરું છું, કારણ કે તે ફક્ત તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખે છે એવું નથી તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. હું ખુદ મારો તમામ સમય ઝાડ અને છોડની વચ્ચે વિતાવું છું અને હું સંપૂર્ણ સ્વસ્થ છું’ તેમણે અંતે જણાવ્યું.

જો તમને પણ ગાર્ડનિંગ કરવાનો શોખ છે અને તમે તમારા ઘરની બાલ્કની, રસોડું અથવા ટેરેસને પણ વૃક્ષો અને છોડ માટેનું સ્થળ બનાવ્યું છે, તો તમારી #ગાર્ડનગિરીની કહાની અમારી સાથે શેર કરો. અમને ફોટા અને સંપર્કની વિગતો સાથે તમારી કહાની લખી gujarati@thebetterindia.com પર મોકલો!

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: લોટના થેલા અને ચાનાં પેકેટમાં વાવે છે છોડ, દર મહિને લાખો લોકોને યૂટ્યૂબ પર આપે છે ટ્રેનિંગ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon