Search Icon
Nav Arrow
Tree House
Tree House

ખીજડા પર ‘ટ્રીહાઉસ’, 2000 ઝાડ & તળાવ, થીમ પાર્ક કરતાં ઓછું નથી નિવૃત સૈનિકનું ખેતર

સેનામાંથી નિવૃત્ત થયા બાદ 50 વર્ષીય રેવતસિંહે કઈંક એવું કરવાનું નક્કી કર્યું, જેનાથી પ્રકૃતિની નજીક રહી શકાય. આ માટે તેમણે તેમના ખેતરમાં 2000 ઝાડ વાવ્યાં અને એક ખીજડા પર ટ્રી હાઉસ પણ બનાવ્યું. તળાવ, પક્ષીઓ અને હરિયાળીના સાનિધ્યવાળું આ ફાર્મ એકદમ થીમ પાર્ક જેવું જ છે.

રાજસ્થાનના નાગૌર જિલ્લાના સિરસુ ગામમાં રહેતા એક નિવૃત્ત સૈનિકે તેમના ખેતરોમાં હજારો વૃક્ષો અને છોડ રોપ્યા છે. હવે તેમનું ફાર્મ ‘થીમ પાર્ક’ જેવું છે, જ્યાં તમે પ્રકૃતિનો આનંદ માણી શકો છો. આ કહાની સિરસુ ગામના રહેવાસી 50 વર્ષીય રેવંત સિંહ રાઠોડની છે, જે ફક્ત પ્રકૃતિને જ નહીં પરંતુ રાજસ્થાની સંસ્કૃતિને પણ સાચવી રહ્યા છે.

તેમના ખેતરોમાં તમે વૃક્ષોના છાંયા સિવાય ટ્રી-હાઉસ, તળાવ, ગાડું, ઘોડેસવારી અને ઊંટની સવારીનો પણ આનંદ લઈ શકો છો. રેવતસિંહે ધ બેટર ઈન્ડિયા સાથે તેમની યાત્રા વિશે વિસ્તૃત વર્ણન કર્યું. એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા રેવતસિંહને દસમા ધોરણમાં પાસ થયા બાદ ભારતીય સેનામાં દાખલ કરવામાં આવ્યા હતા. સેનામાં એન્જિનિયરિંગ વિંગમાં તેમની પસંદગી થઈ હતી અને નોકરી દરમિયાન જ તેમણે આગળનો અભ્યાસ કર્યો હતો.

2008 માં, તેઓ સેનામાંથી નિવૃત્ત થયા અને તેમના ઘરે પરત ફર્યા જેથી તે તેમના પરિવાર સાથે રહી શકે. સેનામાંથી નિવૃત્તિ લીધા પછી તેમણે એક કંપનીમાં પણ કામ કર્યું. તેમણે કહ્યું, “સૈન્યમાં મારી તાલીમ અને સેવા દરમ્યાન, હું હંમેશાં પ્રકૃતિ અને પર્યાવરણ વિશે શીખતો. સૈન્યમાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હતું અને આ રીતે મને પ્રકૃતિ એક જુદો‌ પ્રેમ થઈ ગયો.”

Revatsingh farmhouse

2000 થી વધુ વૃક્ષો વાવ્યા

વર્ષ 2015 માં, રેવતસિંહે પોતાના ક્ષેત્રમાં કંઇક અલગ કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, “મેં મારા ખેતરોમાં ગાઢ જંગલ બનાવાનું નક્કી કર્યું. આ સાથે, મારા ખેતરમાં એક એવું સ્થળ વિકસાવવા માંગતો હતો જ્યાં દૂર-દૂર સુધી લોકો લીલોતરી જોઈ શકે અને હળવાશ અનુભવે. મેં શરૂઆતમાં 400 જૈતુનના છોડ રોપ્યા. આ પછી સાગ, દાડમ, આમળા, બોર, ખીજડા અને પોપ્લરના છોડ પણ વાવ્યા.”

તેમણે કહ્યું, “નાગૌર રણનો એક ભાગ છે અને અહીં લીલોતરી કરવી એ પોતામાં એક પડકાર હતો. ઘણાં લોકોએ મજાક પણ ઉડાવી. પરંતુ મેં કોઈનું સાંભળ્યું નહીં અને રાત દિવસ મારા છોડની સેવા કરતો રહ્યા.”જોત જોતામાં, તેમની મહેનત રંગ લાવી. ચાર-પાંચ વર્ષમાં તેમનાં ખેતરોની હરિયાળી દૂર દૂરથી લોકોને દેખાવા લાગી.

આ સ્થાનને લીલોતર કર્યા પછી, તેમણે વિચાર્યું કે કેટલીક એવી વ્યવસ્થાઓ કરીએ જેથી તેમના પરિવારજનો અને ગ્રામજનો જો ઇચ્છે તો અહીં સારો સમય પસાર કરી શકે. તેથી તેમણે આ સ્થળને ફાર્મહાઉસ તરીકે વિકસાવ્યું. રેવંત સિંહ કહે છે, “વૃક્ષો અને છોડને લીધે, ઘણા પક્ષીઓ અમારા ખેતરોમાં આવવા લાગ્યા. ઉપરાંત, અમે ઘોડા, ઊંટ, બતક વગેરે માટે પણ સારી વ્યવસ્થા કરી. આ સિવાય, ફાર્મહાઉસ પર એક નાનો તળાવ પણ બનાવડાવ્યો છે.

picnic spot

દર રવિવારે, ગામમાં રહેતા ખેડૂત હેમંદર સિંહને તેમની કંપનીમાંથી રજા મળે છે. જેમાં તે રેવંતસિંહના ખેતરોમાં પ્રકૃતિની વચ્ચે ઘણો સમય વિતાવે છે. તે કહે છે, “તેમણે જે કાર્ય કર્યું છે તે પ્રશંસનીય છે. કારણ કે આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ગ્રામજનો માટે એક સારી પહેલ છે. તેમને જોઈને હવે મને અને બીજા લોકોને પણ પ્રેરણા મળી છે કે અમે પણ અમારા ખેતરોમાં આ પ્રકારનો ‘ફાર્મ’ વિકસાવી શકીએ.”

ખીજડાના ઝાડ ઉપર બાંધ્યું ઝૂંપડું

રેવંતસિંહે જણાવ્યું કે પોતાનો સમય પ્રકૃતિ વચ્ચે વિતાવવા માટે તેમણે ખીજડાના ઝાડ પર એક નાનું ‘ટ્રીહાઉસ’ બનાવ્યું. તેને બનાવવા માટે, તેમણે પ્રથમ ઝાડ પર લાકડાના પાટિયું મૂક્યું અને તેની ઉપર એક ઝૂંપડું બનાવ્યું. તેઓએ ઝૂંપડીમાં જવા માટે સીડી પણ મૂકી દીધી છે. આ અંગે તેઓ કહે છે, ‘મેં મારા આ’ ટ્રીહાઉસ’નું નામ ‘બોર્ડર કા બંગલા’ રાખ્યું છે. ઝાડ વચ્ચે બનેલ આ ઝૂંપડું ખૂબ જ ઠંડુ રહે છે. તેમાં એક સમયે લગભગ આઠ લોકો બેસી શકે છે અને તેમાં નાની ખાટલી પણ મૂકી શકે છે.”

રેવંતસિંહે આ ફાર્મ હાઉસમાં કૃષિ સાધનો, બળદ ગાડા વગેરે પણ રાખ્યા છે જેથી બાળકો અહીં રમી શકે. તેણે કહ્યું કે જો કોઈ તેમના ત્યાં ફરવા આવવા માંગે છે, તો તે અહીં કોઈપણ ફી વગર તેમનો દિવસ વિતાવી શકે છે.

Treehouse

“મેં પૈસા બનાવવા માટે આ ફાર્મહાઉસ નથી બનાવ્યું. ઘણા લોકો મને ફોન કરે છે કે તેઓ અહીં આવી અને ત્રણ-ચાર દિવસ રહેવા માંગે છે, પરંતુ અમારી પાસે લોકો માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ જો કોઈને સવારથી સાંજ સુધી અહીં ફરવા આવવું હોય, તો બેધડક આવે. સંપૂર્ણ રીતે પ્રકૃતિ અને રાજસ્થાની સંસ્કૃતિનો આનંદ માણે. જો કે, પૂલ જાળવવા માટે ખર્ચો થાય છે, તેથી અમે સ્વીમિંગ માટે 50 રૂપિયા લઈએ છીએ. બીજી કોઈ પણ વસ્તુ માટે કોઈ ફી નથી.” તેમણે કહ્યું.

બાળકો અને યુવાનોને પ્રકૃતિ સાથે જોડવા માટે લગભગ ચાર વર્ષ પહેલાં તેમણે ‘ટ્રીફેયર’ નું આયોજન શરૂ કર્યું હતું. જો કે, કોરોના મહામારીને કારણે ગયા વર્ષથી મેળો યોજાયો નથી. ગામના રહેવાસી બજરંગ લાલ કહે છે, “રેવંતજી એ પ્રકૃતિ અને રાજસ્થાની સંસ્કૃતિને જે રીતે જોડી છે, તે ગામના બાળકો માટે સારું છે. બાળકો પ્રકૃતિની નજીક રહી પોતાની સંસ્કૃતિ વિશે શીખે છે. તેઓ ઘણા છોડ અને પક્ષીઓ વિશે પણ માહિતી મેળવે છે. અમારા ગામના ઘણા લોકો રોજ તેમના ખેતરોમાં સમય વિતાવે છે.”

ખરેખર, રેવંતસિંહ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. આશા છે કે તેમની વાર્તા વાંચીને અન્ય લોકો પ્રેરિત થશે. જો તમે ક્યારેય નાગૌર જશો, તો રેવતસિંહના ખેતરોની ચોક્કસ મુલાકાત લો. તેમનો સંપર્ક કરવા તમે તેમને 9829324583 પર વોટ્સએપ મેસેજ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: સ્મશાનમાં જતાં બધાં ડરતાં, ત્યાં માંડલના યુવાનોએ 1500 વૃક્ષ વાવી બનાવ્યું હરિયાળુ, લોકો આવે છે પિકનિક માટે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon