અમદાવાદમાં આવેલ ધ ગ્રીડ આર્કિટેક્ટ્સના ભાદ્રી સુથાર અને સ્નેહલ સુથારે આજથી પાંચ વર્ષ પહેલા એક એવું ગ્રીન બિલ્ડિંગનું બનાવડાવ્યું છે કે જેના વિશે જાણીને તમને પણ થશે કે ભવિષ્યમાં જો પર્યાવરણની જાળવણી કરવી હોય તો આ રીતનું બાંધકામ એ માનવજાતની મૂળભૂત ફરજમાં હોવું જોઈએ.
અમદાવાદમાં ડીસીસ સર્કલ, એસ પી રિંગ રોડ પાસે બનાવવામાં આવેલ અર્બન ઓએસિસ,પોશ બિલ્ડીંગ મૂળ તો સંગાથ બિલ્ડર્સના બિલ્ડર સંજય જૈન દ્વારા બંધાવવામાં આવી છે અને તેઓ આ ક્ષેત્રમાં વર્ષોથી કામ કરી રહ્યા છે. સ્નેહલ સુથારનું કહેવું છે કે આજથી પાંચ વર્ષ પહેલા આ રીતનું બિલ્ડીંગ બનાવવાનું સાહસ ગુજરાતમાં સૌપ્રથમ ખરેખર તો સંજય જૈન દ્વારા જ કરવામાં આવ્યું હતું અને તેથી જ તેને ગુજરાતના પ્રથમ પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડીંગનો ખિતાબ મળ્યો.
આ બિલ્ડિંગમાં માં એવી તો શું ખાસિયત છે તેના વિશે આર્કિટેક્ચર ભાદ્રી સુથાર અને સ્નેહલ સુથારે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરી હતી.

આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ
તેઓ બંને જણાવે છે કે, આ ગુજરાતનું પહેલું પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડીંગ છે. પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડીંગ એટલે કે જેમાં સસ્ટેનિબિલિટીના બધા જ પાંસાઓ કવર થઈ જતા હોય છે. દાખલ તરીકે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિચાર્જિંગ વેલ, રિન્યુએબલ એનર્જી વગેરે.
સ્નેહલભાઈ કહે છે કે, તે સિવાય કોમન સ્પેસ જે વચ્ચે છે તે સેન્ટ્રલ કોર્ટયાર્ડ છે તે આખી સોસાયટીનો લિવિંગ રૂમ છે તેમ કહીશ તો ચાલશે. ત્યાં છોડવાઓની નેટિવ સ્પીસીસ લગાવી છે જેથી એક બાયોડાયવર્સીટી ઉભી થઈ શકે. સ્પાથોડીયા, આકાશ નીમ વગેરે લોકલ નેટિવ સ્પીસીસ લગાવ્યા છે તેની ખાસિયત એ છે કે તે વિસ્તારને અનુકૂળ રહે છે અને આપણી સેમી એરિડ કન્ડિશનને જોતા તે વ્યવસ્થિત ઉગી નીકળીને સર્વાઇવ કરે છે તેના માટે ખાસ કોઈ વધારે તકેદારીની જરૂર નથી રહેતી.

આ પણ વાંચો: 10-15 હજારમાં બનતાં કચ્છી ભૂંગાં બચાવે ધરતીકંપ અને રેતીનાં તોફાનોથી, બાંધકામ છે અનોખુ
આગળ વાત કરતા બંને સસ્ટેનેબિલિટીમાં બેઝિકલી કયા ત્રણ પાંસાઓ કવર કરવાના હોય છે તે વિશે જણાવે છે જેમાં એક સોશિયલ, બીજું ઈકોલોજી, અને ત્રીજું ઇકોનોમિક. જેમાં સોશિયલમાં નીચે ઘણી બધી કોમન સ્પેસ આપી છે જેથી લોકો ત્યાં ભેગા મળીને બેસી શકે અને એકબીજા સાથે જોડાઈ શકે. દાખલ તરીકે જુના મકાનોમાં કે પોળોમાં બધા પાડોશીઓ એકબીજા સાથે ઓટલા પર બેસતાં અને વાતચીત કરતા, છોકરાઓ ત્યાં રમતા પણ એવું બધું આજકાલ જતું રહ્યું છે તેથી અમે આ પ્રોજેક્ટમાં આ પ્રથમ પાંસુ અમલ કર્યું છે. ઈકોલોજીમાં નેટિવ સ્પીસીસના ઝાડ વાવીને આ બીજું પાંસુ અમલમાં મૂક્યું છે. ઇકોનોમિક પાંસા માટે અમે બિલ્ડીંગમાં વિસ્તારની નજીકના વિસ્તારમાં મળતા લોકલ મટિરિયલનો ઉપયોગ કર્યો છે અને રિસાયકલ મટિરિયલનો પણ ઉપયોગ કર્યો છે જેથી કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવામાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આમ સસ્ટેનેબલના ત્રણે ત્રણ પાંસાઓને આવરી લીધા છે.
તેમણે આ બિલ્ડિંગના નિર્માણ પછી રિન્યુએબલ એનર્જી માટે સોલાર પેનલ્સ વાપરી છે અને તેના કારણે લગભગ ત્યાં બિલ્ડિંગના બધા લોકો વચ્ચેની કોમન લાઇટ્સ હોય, બોરવેલ હોય વગેરેની વીજળીની જરૂરિયાત સોલાર પેનલ્સ દ્વારા ભરપાઈ થાય છે.

આ પણ વાંચો: વિજળીનું બિલ ‘શૂન્ય’ કરવાની સાથે કમાણી પણ કરાવશે, જાણો સોલાર પેનલ વિશે કામની માહિતી
ભાદ્રી સુથાર કહે છે કે તેમણે ત્યાં લોકલ છોડવાઓને રોપ્યા છે તેથી ત્યાં પક્ષીઓ પણ આવીને રહે છે અને એક સરસ વાતાવરણ ઉભું થાય છે. આગળ તેઓ જણાવે છે કે, મોટાભાગે એવું હોય છે કે આપણે જયારે લેન્ડસ્કેપિંગ કરીએ છીએ ત્યારે જો આપણે લોકલ ઝાડ ના વાપરીએ તો પક્ષીઓ જલ્દી આવીને ત્યાં માળા નથી બનાવતા. પરંતુ અહીંયા ખુબ જ સરસ વાતાવરણ એન માઈક્રો ક્લાઈમેટ ઉભું થયું છે.
તે સિવાય આયુર્વંદિક છોડવાઓ પણ ઘણા રોપવામાં આવ્યા છે જેવાકે તુલસી, અરડૂસી, લેમન ગ્રાસ વગેરે અને આ છોડવાઓની સુગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ઘટે છે. નોંધવા જેવી બાબત એ છે કે આખા એપાર્ટમેન્ટના એરિયામાં 60 થી 70 ટકા એરિયા ગ્રીન છે. સેન્ટ્રલ કોર્ટયાર્ડ આખો ગ્રીન છે જે જગ્યાના 50 ટકા વિસ્તાર ધરાવે છે. આ સિવાય ટેરેસમાં પણ ગ્રીનરી છે અને તેની સાઈડની પેરીફરી પણ ગ્રીન કરી લીધી છે જેથી આ રીતે એક લીલુંછમ વાતાવરણ અમદાવાદ જેવી ગીચ સિટીમાં પણ ઉભું થઈ શકે.
અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ વિહીકલ ઝોન નથી અને દરેક વાહન નીચે બેઝમેન્ટમાં જ પાર્ક થાય તે રીતની વ્યવસ્થા કરી છે. જેથી ઉપરના કમ્પાઉન્ડમાં લોકો હળી મળી શકે અને છોકરાઓ રમી શકે. આ સિવાય ઉપર અગાશી પર પડતું વરસાદના પાણીનો તો સંગ્રહ કરવામાં આવે જ છે પણ સાથે સાથે નીચે કોમન સીઓપી અને રોડ એરિયા છે તેને ગ્રેનાઈટ થી કવર કર્યા છે અને તેના દ્વારા વરસાદના પાણીને નિશ્ચિત જગ્યાએ ભેગું કરી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે.
તે સિવાય બિલ્ડીંગના રવેશના ભાગ પર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે જેથી તે એકદમ ગ્રીન લાગે છે અને તેના કારણે બિલ્ડિંગની સરફેસ ગરમ થતી નથી અને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ બારીને ટચ થતો નથી. મહત્વની બાબત એ છે કે જેટલું પણ પ્લાન્ટેશન કર્યું છે તેને પિયત સમગ્ર બિલ્ડિંગમાં વપરાતા પાણીને રિસાયકલ કરી અને છત પરથી પાઇપ લાઈન દ્વારા ગુરુત્વાકર્ષણ બળની મદદથી દરેક એપાર્ટમેન્ટમાં ડ્રિપ ગોઠવીને આપવામાં આવે છે અને આમ પિયત બાબતે ડ્રિપ માટે કોઈ મેકિનાઇઝ્ડ સિસ્ટમની જરૂર નથી રહેતી. સોસાયટીના સભ્યોએ પણ જાતે ઇન્વોલ્વ થઈ આ સિસ્ટમમાં વધારે રસ દાખવી તેને ડેવલપ કરી છે.
આમ આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, હ્યુમનસેન્ટ્રિક બિલ્ડીંગ અનેક બાયો ફિલિક ફીચરથી ભરેલું છે. બાયો ફિલિક એટલે કે વસવાટની જગ્યામાં પ્રકૃતિનું આગમન કરાવવું જે આ બિલ્ડીંગના નિર્માણમાં ખરેખર સાર્થક થાય છે.

આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
આ બિલ્ડિંગના બાંધકામમાં રિસાયકલ અને લોકલ મટિરિયલનો પણ ઉપયોગ થયો છે. અને આ બિલ્ડિંગમાં લાકડાનો ખુબ જ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે તો સાથે સાથે થીનર વગેરે જેવા કોસ્મેટિક મટિરિયલનો ઉપયોગ ઓછો કર્યો છે. પરંતુ કાચનો ઉપયોગ વધારે કર્યો છે જેથી તેમાં સૂર્યપ્રકાશ દ્વારા અજવાળું જળવાઈ રહે અને ઘરમાં વધારે વીજળી ના વપરાય. કાચ વધારે વાપર્યા છે તો તડકાની વધારે અસર ના થાય તે માટે રિફ્લેક્ટિવ કાચનો ઉપયોગ કર્યો છે જે 70 ટકા સન લાઈટને રિફ્લેક્ટ કરે છે અને તેને થોડા ખાડામાં હોય તે રીતે ગોઠવ્યા છે જેથી ડાયરેક્ટ સન લાઈટ તેને અડે નહીં. બીજું કાચની આજુબાજુ ફરતે ગ્રીનરી કરી છે જેના કારણે ભેજ જળવાઈ રહે અને કાચ પર એટલી ગરમી પણ ના રહે.
આ બિલ્ડિંગના નિર્માણને પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે તે સમયે પણ કે જયારે ગુજરાતમાં કોઈ ઇલેક્ટ્રિક વાહનો માટે એટલું બધું વિચારતું પણ નહોતું ત્યારે આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
છેલ્લે આ દંપતી પાંચ વર્ષ પછી પણ બિલ્ડિંગની કાળજી પૂર્વકનની જાળવણી માટે અને તેમાં રહેલી ગ્રીનરીને જેમની તેમ સાચવવા માટે તે બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓ અને ખાસ તો તેના ચેરમેન દિલીપભાઈને અભિનંદન પાઠવે છે.
આમ આ બિલ્ડીંગ બધી જ રીતે એક પર્યાવરણને અનુકૂળ વાતાવરણ ઉભું કરી આપે છે જે આગળના ભવિષ્યમાં અમદાવાદ જેવી ગીચ સિટીની તાતી જરૂરિયાત છે. જો તમે પણ આ બાબતે હજી વધારે જાણવા માંગો છો તો ગ્રીડ આર્કિટેક્ટ્સના ભાદ્રી તેમજ સ્નેહલ સુથારનો નિઃસંકોચ સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 2 જ લાખમાં આ એન્જિનિયરે ગામડાની માટી અને રિસાઈકલ વસ્તુઓમાંથી બનાવ્યું ઈકો ફ્રેન્ડલી ઘર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો