બેંકનું નામ પડતાં જ આપણા મનમાં પૈસાની લેવડ-દેવડવાળી બેન્ક કે પછી બ્લડ બેન્કનો જ વિચાર આવે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ બધાથી હટકે બેન્ક વિશે, ‘સીડ બેન્ક’ એટલે કે ‘બીજ બેન્ક’. વસુંધરા બીક બેન્ક, જે માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં એવા-એવા પ્રકારની વનસ્પતિનાં બીજ પહોંચાડે છે, જે અત્યારે કેટલાંક જંગલો પૂરતી મર્યાદિત બની ગઈ છે અને તેને ફેલાવાની જરૂર છે.
રાજકોટમાં માત્ર 15 હજાર મહિનાના પગારની નોકરી કરતા રાજેશભાઈ બારૈયાને નાનપણથી જ વૃક્ષો પ્રત્યે બહુ લાગણી છે. નાનપણથી જ ક્યાંયથી પણ કોઈ બીજ મળે તો તેને ઘરે લઈ આવે અને પછી તેને ઘરના આંગણમાં વાવે. બસ ત્યારથી જ વનસ્પતિ માટેનો તેમનો પ્રેમ પાંગરતો રહ્યો.
આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રાજેશભાઈએ કહ્યું, “મેં જોયું કે, એવી ઘણી વનસ્પતિ છે, જે હવે માત્ર કેટલાંક જંગલો પૂરતી મર્યાદિત રહી છે. તેના ગુણ અને ફાયદા અદભુત છે છતાં તે લુપ્ત થવાના આરે છે, આ જોઈ મેં વિચાર્યું કે, આ વનસ્પતિઓનાં બીજ ભેગાં કરી શક્ય એટલા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાં જોઈએ, જેથી આ વનસ્પતિઓ ફરીથી દેશભરમાં ફેલાય. તેનાથી માનવજાતની સાથે-સાથે પ્રાણીઓ-પક્ષીઓને પણ આશરો અને ખોરાક મળે.”

2017 થી જ રાજેશભાઈએ વિવિધ વનસ્પતિઓ અંગે માહિતી ભેગી કરવાની શરૂ કરી અને લગભગ એક જ વર્ષમાં 250 કરતાં વધારે વનસ્પતિની માહિતી એકઠી કરી અને લોકો સુધી ફેસબુક બ્લોગ મારફતે માહિતી પહોંચાડી. આજે પણ તેમની ભેગી કરેલ ઘણી માહિતીનો સેંકડો લોકો લાભ લઈ રહ્યા છે. ત્યારબાદ વર્ષ 2018 માં તેમણે 20-30 ઝાડ-છોડનાં બીજ ભેગાં કર્યાં અને 50 લોકોને મોકલ્યાં.
જન્મદિવસ પર નવી શરૂઆત
વર્ષ 2019 માં 25 જૂન, તેમના જન્મદિવસ પર રાજેશભાઈએ ગુજરાતની પ્રથમ ફ્રી લુપ્ત થતી વનસ્પતિની વંદે વસુંધરા બીજ બેન્કની શરૂઆત કરી. જેમાં રાજકોટના ભાવિનભાઈ અને ભરતભાઈએ પણ બીજનો જથ્થો મોકલી ફાળો આપ્યો. પહેલા જ વર્ષે 250 લોકોને સાદી પોસ્ટ મારફતે બીજ મોકલ્યાં. પછી તો ધીરે-ધીરે આ માંગ એટલી વધતી ગઈ કે, રાજેશભાઈ માટે તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો, એટલે હવે રાજેશભાઈ જે પણ વ્યક્તિ બીજ મંગાવે તેની પાસેથી માત્ર કૂરિયર ચાર્જ લે છે. 2019-20 માં તેમણે 1250 લોકો અને 156 શાળા-કૉલેજો સુધી મફતમાં બીજ પહોંચાડ્યાં. તે સમયે તેમની પાસે લગભગ 160 પ્રકારની વનસ્પતિનાં બીજ ઉપલબ્ધ હતાં, જેમાં તેઓ લુપ્ત થવાની આરે આવેલ વનસ્પતિઓ અને ભાગ્યે જોવા મળતી વનસ્પતિઓને પ્રાધાન્ય આપે છે.

વર્ષ 2021 માં તો લોકોની માંગ સતત વધી રહી છે. ગત ચાર મહિનામાં રાજેશભાઈ 1200 કરતાં વધુ લોકોને બીજની ખાસ કીટ મોકલી ચૂક્યા છે. જેમાં એક કિટમાં તેમાં 25 પ્રકારનાં બીજ મૂકે છે અને જેમાં દરેક જાતનાં 10-10 બીજ હોય છે. જેથી કદાચ બે-ચાર બીજ ન પણ ઊગે તો પણ સાવ નકામાં ન જાય, સફળતા તો મળે જ. જેના અંતર્ગત બીજ બેન્કની શરૂઆતથી અત્યાર સુધીમાં તેઓ લગભગ 2500 લોકોને બીજ પહોંચાડી ચૂક્યા છે.
લુપ્ત થતી વનસ્પતિઓનાં મહાવૃક્ષ બને તે માટે અત્યારે રાજેશભાઈએ 150 પ્રકારની વનસ્પતિઓનાં બીજનાં લગભગ દોઢ લાખ પેકિંગ કરીને તૈયાર કરી દીધાં છે. આ સિવાય આસપાસ નજીકમાં રહેતા લોકો રાજેશભાઈનો સંપર્ક કરી તેમની પાસેથી સીધાં જ બીજ લઈ જાત છે. તો ઘણા લોકો એવા પણ છે કે, જે બીજ વાવ્યા બાદ તેનાં અંકુર ફૂટી મોટાં થાય એટલે તેનો ફોટો પણ રાજેશભાઈ સાથે શેર કરે છે, જેને જોઈને રાજેશભાઈને અનહદ ખુશી થાય છે.

વંદે વસુંધરા બીજ બેન્કમાં મળી રહેતા વિવિધ છોડનાં બીજ
અશ્વગંધા, અજગંધા, સર્પગંધા, સફેદ અને લાલ અગથીયો, કુવાડીયો ,કાસુન્દ્રો, અંબાડી, મરેઠી/અક્કલકરો, સફેદ ભોંયરીંગણી, કાળો અને પીળો ધતુરો, દેસી તુલસી, ફાલસા, કરમદા , કરીયાતું, ગોખરૂ, બાવસી, છાલપર્ણી,ગલતોરો,શંખપુષ્પી, ભગુડો, બારમાસી, બહુફળી, ગંગેટી, મરડાશીંગ ,વિલાયતી તુલસી , વૈજયંતી ,કંકુડી , રતન જ્યોત , વિલાયતી નેપાળો, પીળી આવળ, કદળી, દેસી મહેંદી, ભોંયપીલુ , નાગવલી, એલો કોસ્મોસ , ઓરેંજ કોસ્મોસ, ગોરખ મૂંડી, પાણકંદો, દૂધીયો હેમ કંદ, તેલીયો હેમકંદ, કરેણ, વિકળો, શ્યામ તુલસી, પારિજાત, રાતરાણી, અંકોલ, બીજોરૂ, સરપંખો સહિત ઘણા છોડનાં બીજ તેઓ આ બીજ બેન્ક મારફતે લોકો સુધી પહોંચાડે છે. આમાંના ઘણા એવા છોડ છે, જેના ઘણા ઉપયોગો છે, છતાં આપણામાંથી મોટાભાગના લોકો તેમનાં નામ પણ જાણતા નહીં હોય.

આ વેલના બીજ પણ પહોંચાડે છે લોકો સુધી
નોળવેલ, સતાવરી, અપરાજિત સફેદ અને વાદળી, કડવી નાઇ, ગણેશવેલ, કડવી ડોડી, જીવંતી /ખરખોડી , વર્ષાડોડી, કમંડળ તુંબડી, ચણોઠી સફેદ- લાલ અને કાળી, કાંટાળુ ઇન્દ્રામણુ, કાચકા /કાકશિયા, વરધારો, ગળો, કૌચા , શિવલીંગી, આઇસક્રીમવેલ, કાગડોળીયા, પાંચ પાડવા વેલ , નારવેલ, દેસી કંટોલા, ગોળ તુંબડી, નસોતર જેવી બહુ ઓછી જોવા મળતી આ બધી વેલના બીજ રાજેશભાઈ લોકો સુધી કુરિયર મારફતે પહોંચાડે છે.

જંગલોમાંથી પણ લુપ્ત થઈ રહેલ આ ઝાડનાં બીજ પહોંચાડે છે લોકો સુધી
રૂખડો, બાલમ ખીરા, કાજુ, સીસમ, ઉમરો, પીપર, અરીઠા, કાંચનાર, મહુડો, અશોક, આસોપાલવ, બોરસલી, ખીજડો, તામ્રશીંગ, ઈગોરીયા, સાગ, ઘુટી, લાલ શિમળો, પારસ પીપળો, ઓસ્ટ્રિલિયન બાવળ, દંતરંગો/વઢવારડી , કાંટી બાવળ, રામ બાવળ ,હરમો બાવળ, રતાંજલિ, સીસમ, વાયવરણો, ગરમાળો પીળો અને ગુલાબી, આબળા, બહેડા, હરડે, પુત્રજીવા, સફેદ ચંદન, કાકસ, ભિલામો, પબડી, કરંજ, અર્જુન, ખાખર, ગીરીપુષ્પ, ભમ્મર છાલ , ગંગેડો, સફેદ શિમળો, સોનેરીપુષ્પ,ટીમરૂ,શિરીષ સફેદ અને કાળો, અરડુસો, ચારોળી, બીયો, સિંદૂરી, ટેકોમા, પીલુડી, સવન, જંગલી કેળ, વાસ, અરણી, નગોડ, મિઠો લીમડો, ખટૂબા, કોઠા, રામફળ, રાયણ, રંગત રોહિડો સહિતનાં લુપ્ત થઈ રહેલ ઝાડનાં બીજ તેઓ લોકો સુધી પહોંચાડે છે, જેથી આજે આખા દેશમાં આ બધાં ઝાડ લોકો વાવી રહ્યા છે. જેના અંતર્ગત રાજેશભાઈ અત્યાર સુધીમાં મુંબઈ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ. કર્નાટક, પંજાબ, ઓરિસ્સાની સાથે-સાથે આખા ગુજરાતમાં બીજ મોકલી ચૂક્યા છે. અત્યારે ચોમાસાના કારણે લોકોની બીજની માંગ ખૂબ જ વધી છે. આ માટે કોઈપણ પર્યાવરણ પ્રેમી 9427249401 વૉટસએપ પર વંદે વસુંધરા લખીને મોકલે એટલે ત્યાં એક લીંક મોકલવામાં આવે છે, જેમાં ઉપલબ્ધ બીજની યાદી મળી રહે છે અને તેમાંથી પોતાની જરૂરનાં બીજ મોકલી શકાય છે.

ધીરે-ધીરે રાજેશભાઈનું આ અભિયાન વધુમાં વધુ લોકોને પ્રેરણા આપી રહ્યું છે અને લોકો તેમની સાથે જોડાઈ પણ રહ્યા છે. હવે તો લોકો પોતાની આસપાસથી બીજ ભેગાં કરી રાજેશભાઈને મોકલે પણ છે.
એક સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરતા રાજેશભાઈ આખા વર્ષ દરમિયાન રજા દિવસે જંગલો ખૂંદે છે અને શક્ય એટલાં વધુમાં વધુ બીજ ભેગાં કરે છે, ઘરે આવી પરિવાર સાથે મળીને બીજનું પેકિંગ કરે છે અને જે પણ લોકો મંગાવે તેમને મોકલી આપે છે. અને એટલે જ આજે લોકો તેમને ‘વનવાસી’ નામે ઓળખે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે પણ વંદે વસુંધરા બીજ બેન્કનાં કાર્યો અંગે જાણવા માંગતા હોવ, બીજ મંગાવવા ઈચ્છતા હોવ તો, તેમના ફેસબુક પેજ મારફતે પણ તેમનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: લૉકડાઉનમાં જંગલમાં ફરી 350 દુર્લભ જાતિનાં બીજ ભેગાં કર્યાં અને હવે લોકોને પહોંચાડે છે આ સીડ મેન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.