Search Icon
Nav Arrow
Vanitaben
Vanitaben

છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા

રાજકોટની આ શિક્ષિકાએ દાદીમાની યાદમાં લીધો છે આ અદભુત સંકલ્પ. છેલ્લા ચાર વર્ષથી રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ સૂર્યને પાણી ધરાવી પીવે છે. આ ચોમાસામાં વાવવા માટે તેમણે 10 હજાર રોપા તૈયાર પણ કરી દીધા છે.

રોજ સવારે ઊઠીને પહેલાં 6 ઝાડ વાવવાનાં અને પછી જ પાણીનો ઘુંટડો પીવાનો. કહેવું સહેલું છે, પરંતુ આ કામ એટલું સરળ તો નથી જ. તરસથી ગળુ સૂકાતું હોય છતાં ઊઠીને પહેલાં 6 વૃક્ષો વાવવા સુરક્ષિત જગ્યા શોધવી, જ્યાં તેને કોઈ નુકસાન ન પહોંચાડે, આસપાસના લોકો થોડી સંભાળ રાખે અને ત્યાં વાવવાં પછી જ પાણી પીવું કે ખાવું. રાજકોટની આ શિક્ષિકા આ કામ છેલ્લા ચાર વર્ષથી દર ચોમાસામાં કરે છે, જેમનું નામ છે વનિતાબેન રાઠોડ.

પહેલાં 6 ઝાડ વાવવાનાં પછી જ પાણી પીવાનું
રાજકોટની વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળાનાં આચાર્ય વનિતાબેને સંકલ્પ લીધો છે કે, જ્યાં સુધી તેઓ દરરોજ 6 વૃક્ષ નહીં વાવે ત્યાં સુધી પાણી નહીં પીવે. તેઓ આ કામ છેલ્લા 4 વર્ષથી 15 જૂનથી સતત ચાર મહિના સુધી એટલે કે, આખા ચોમાસા દરમિયાન કરે છે.

કોરોનાકાળમાં ભારતની સાથે-સાથે આખી દુનિયાને ઑક્સિજનનું મહત્વ સમજાઈ ગયું છે. એટલે જ કુદરતી ઑક્સિજન પૂરો પાડતાં વૃક્ષોનું મહત્વ પણ હવે લોકોને સમજાવા લાગ્યું છે. બીજી તરફ તાઉતે વાવાઝોડાના કારણે 60 હજાર વૃક્ષો પડી ગયાં છે. તો ક્યાંક વિકાસ કાર્યો તો ક્યાંક મોટી-મોટી ઈમારતો બનાવવા માટે દર વર્ષે હજારો વૃક્ષો કપાઈ જાય છે. જેના કારણે આપણા માટે જીવાદોરી એવાં વૃક્ષો સતત ઘટી રહ્યાં છે. આ જોતાં આ વર્ષે વનિતાબેને 10 હજાર વૃક્ષો વાવવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે દર વર્ષે તેઓ રોપા નર્સરીમાંથી ખરીદતાં હતાં, પરંતુ આ વર્ષે તેઓ રોપા જાતે જ બીજ અને કટિંગમાંથી તૈયાર કરી રહ્યાં છે.

Tree Plantation

આ રોપા વાવ્યા બાદ પણ જવાબદારી તો પૂરી નથી જ થતી. ક્યાંય ખબર પડે કે, કોઈ છોડને કઈ નુકસાન થયું છે, તો વનિતાબેન તરત જ ત્યાં પહોંચી જાય છે. તેને ટ્રી ગાર્ડ લગાવે છે. તેમના ઘરની આસપાસ જ્યાં પણ તેમને ઝાડ-છોડ વાવ્યા છે ત્યાં તો તેઓ પાણી પાય જ છે, સાથે-સાથે બીજે જ્યાં પણ તેમણે છોડ વાવ્યા હોય તેમને પાણી પાવા માટે વનિતાબેન જ્યારે બહાર નીકળે ત્યારે સ્કૂટરમાં આગળ પાણીનો મોટો કેરબો લઈને નીકળે અને તેમને પાણી પાય છે.

દાદીમા પાસેથી મળી વૃક્ષો વાવવાની પ્રેરણા
દાદીમાને યાદ કરતાં વનિતાબેને ધ બેટર ઈન્ડિયા ગુજરાતીને કહ્યું, “મારાં દાદીમાં બાટવા ગામમાં પશુ-પાલન કરતાં. તે રોજ સવારે આંગણમાં કચરો વાળે એટલે લીંબોળી સહિત જે પણ બીજ મળે તે છાણિયા ખાતરમાં ભેળવી દે અને તેમાંથી રોપ તૈયાર થઈ જાય એટલે 6-6 છોડ સાડીના છેડામાં બાંધીને ગાયો-ભેંસોને ચરાવા લઈ જાય ત્યારે રસ્તાની બન્ને બાજુ આ રોપાઓને વાવે. મોટાભાગે દાદીમા આ વૃક્ષારોપણ ચોમાસાના સમયમાં કરતાં અને હું તે સમયે માત્ર 5-6 વર્ષની જ હતી, પરંતુ તેમની સાથે જતી એટલે પ્રકૃતિ સાથેનો મારો નાતો ત્યારથી જ ગાઢ બનતો ગયો.”

Gujarati News

પોતાના આ અદભુત સંકલ્પ વિશે વાત કરતાં વનિતાબેન જણાવે છે, “મારા દાદીમાનું ત્રણ વર્ષ પહેલાં ચોમાસાના સમયમાં જ અવસાન થયું હતું. તે સમયે મને થયું કે, હું કઈંક એવું કરું કે, મારા દાદીમાની યાદગીરી હંમેશ માટે જળવાઈ રહે. મારા દાદીમા રોજ 6 છોડ વાવતા એટલે મેં પણ એ જ પંથે ચાલી રોજ 6 છોડ વાવવાનું નક્કી કર્યું. મારા દાદીમાં સૂર્યદેવની આરાધના કરતાં, એટલે હું પણ સવારે 6 છોડ વાવ્યા બાદ, સૂર્ય સમક્ષ જળ રાખીને જ તેને પીવું છું.”

નાનપણથી જ જીવદયાપ્રેમી અને વૃક્ષપ્રેમી પરિવારમાંથી આવતાં વનિતાબેન જેમ-જેમ મોટાં થતાં ગયાં તેમ-તેમ વૃક્ષો પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો જ ગયો. શાળામાં આવ્યાં તો ત્યાં પણ જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવતાં અને તેની સંભાળ લેતાં, કૉલેજમાં પણ તે કામ ચાલું જ રાખ્યું અને પછી શિક્ષકની નોકરી મળ્યા બાદ જે-જે શાળામાં નોકરી મળી ત્યાં તેમણે વૃક્ષારોપણના કામને પ્રાધાન્ય આપ્યું.

શાળામાં વાવ્યા ઘણા ઔષધીઓ અને ફળોના છોડ
વિનોબા ભાવે સરકારી શાળામાં આવ્યા બાદ તેમણે અહીં આખો ઔષધીબાગ બનાવ્યો છે, જેમાં લગભગ 200 જેટલી ઔષધીઓ વાવવામાં આવી છે. તો સાથે-સાથે ચીકુ, દાડમ, ડ્રેગનફ્રુટ, સીતાફળ સહિત ઘણાં ફળોનાં ઝાડ-છોડ વાવવામાં આવ્યાં છે. શાળાના મેદાનમાં જેટલા ઝાડ-છોડ તેમણે વાવ્યા છે તેના કરતા ડબલ હેન્ગિંગ પ્લાન્ટ્સ પણ બનાવ્યા છે, જે નકામા પ્લાસ્ટિકના ડબ્બા, લીલા નારિયેળ, નવરાત્રીના ગરબાની માટલીઓ વગેરેમાં બનાવવામાં આવ્યા છે. જેના કારણે અત્યારે શાળાનાં બાળકો પણ વનિતાબેનના આ અભિયાનમાં જોડાયા છે. તેઓ પણ ઘરે કોઈપણ ફળ ખાય તો તેનાં બીજ લઈ આવે છે અને શાળામાં તેને વાવે છે. તેમના પીવા માટે જે પાણીની જે બોટલ લઈને આવે, તેમાંથી વધેલું પાણી આ બધા છોડને પાઈને જ ઘરે જાય.

Save trees

વનિતાબેન શિક્ષક હોવાની સાથે-સાથે નેચરોપેથી ડૉક્ટરનું પ્રશિક્ષણ પણ લઈ રહ્યાં છે. અત્યારે તેઓ નેચરોપેથી ડૉક્ટરના છેલ્લા વર્ષમાં છે, એટલે તેઓ શાળામાં વાવેલ ઔષધીઓ અંગે બાળકોને પણ પ્રશિક્ષિત કરતાં રહે છે. કોઈ બાળકને કઈંક વાગ્યું હોય, કબજિયાત હોય, પેટમાં કરમિયાં પડ્યાં હોય, ગેસ થયો હોય કે, બીજી જોઈ સમસ્યા હોય, શાળામાં વાવેલ આ જ ઔષધીઓનો જ ઉપયોગ કરે છે તેઓ.

ધીરે-ધીરે વનિતાબેનની આ ઝૂંબેશ એટલી પ્રચલિત બનવા લાગી છે કે, કોઈનો જન્મદિવસ હોય, કોઈના ઘરે કોઈ સારો-નરસો પ્રસંગ હોય તો, તો તેઓ વનિતાબેનને તેમના ઘરે વૃક્ષારોપણ કરવા બોલાવે છે. તો સામે વનિતાબેન પણ એવા લોકોના ઘરે જ ઝાડ વાવે છે કે તેમને રોપો આપે છે, જેઓ તેની સંભાળ રાખવા તૈયાર હોય. તેઓ જ્યાં-જ્યાં છોડ વાવે છે કે રોપા આપે છે, ત્યાંની તેઓ નોંધ રાખે છે. ત્યારબાદ દર ત્રણ મહિને ત્યાંના ફોટા મંગાવે છે, જેથી તેમને સંતોષ રહે છે, એ ઝાડ બરાબર વિકરી રહ્યાં છે. તો સમયાંતરે તેઓ જાતે પણ એ બધાં ઝાડની મુલાકાત લેતાં રહે છે. જો ક્યાંય પણ તેમને એમ લાગે કે, કોઈ છોડ સૂકાઈ રહ્યો છે, તો તેની જગ્યાએ ત્યાં બીજો છોડ વાવી દે છે.

Save Nature

વનિતાબેને વાવેલ આ બધાં વૃક્ષો અત્યારે હજારો પક્ષીઓ માટે રહેઠાણ અને ખોરાકનું સ્થળ બન્યાં છે. વૃક્ષોનું મહત્વ જણાવતાં વનિતાબેન જણાવે છે કે, વૃક્ષો આપણને શુદ્ધ ઑક્સિજન અને ખોરાક તો આપે જ છે સાથે-સાથે રોજિંદા જીવનના ઘણા કામમાં ખૂબજ ઉપયોગી છે.

આજની પરિસ્થિતિ અંગે વાત કરતાં વનિતાબેન જણાવે છે કે, આજકાલ બધાંના ઘરમાં જેટમાં સભ્યો હોય છે, એટલાં જ વાહનો હોય છે, જે બધાં જ હવાનું પ્રદૂષણ કરે છે. એટલે વધુ નહીં તો, દરેક વ્યક્તિએ પરિવારદીઠ એક વૃક્ષ તો ચોક્કસથી વાવવું જ જોઈએ, જેથી પ્રદૂષિત થતી હવાનું શુદ્ધિકરણ પણ થતું રહે.

વનિતાબેને અત્યારે તેમની શાળામાં 2 હજાર કરતાં વધારે વૃક્ષો વાવી દીધાં છે. તેમનું સપનું છે કે, તેઓ આખા રાજકોટને એવું હરિયાળુ બનાવી દે કે, કોઈ ડ્રોનથી ફોટો પાડે તો હરિયાળી જોઈને દિલ ખુશ થઈ જાય.

આ પણ વાંચો: જ્યાં એક ઝાડ પણ નહોંતું એ શાળામાં આજે છે 2000 વૃક્ષો સાથે આખુ નંદનવન, જોતાં જ મન મોહી જાય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon