ગુજરાતના પાલનપુરના 26 વર્ષના નિરલ પટેલને નાનપણથી જ કુદરતની પાસે રહેવાનો શોખ છે અને તે પ્રકૃતિપ્રેમી છે. તેણે પર્યાવરણ અને ઝાડને બચાવવા તેમજ તેના સંરક્ષણ માટે એક વિશેષ ‘બીજ બેંક’ (Seed Bank) શરુ કરી છે. તેણે માત્ર 6 જ મહિનામાં ગુજરાતના વિલુપ્ત થઈ રહેલા 350થી વધારે વનસ્પતીઓ, લતાઓ અને ઝાડના બીજ એકઠા કર્યા છે. તે પાલનપુરના નીલપુર મોડલ સ્કૂલમાં વર્ષ 2017થી 2020 સુધી કોન્ટ્રેક્ટ પર, શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતાં. ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીત કરતા નિરલે જણાવ્યું કે,’લોકડાઉન દરમિયાન જ્યારે મારી પાસે ખાલી સમય હતો ત્યારે જ મને બીજ એકઠા કરવાનો વિચાર આવ્યો હતો.’
તેણે જણાવ્યું કે, ‘પહેલા મેં ગુજરાતમાં મળતા ઝાડ-પાન અને વનસ્પતીઓ વિશે જાણકારી એકઠી કરવી શરુ કરી હતી. જે પછી સોશિયલ મીડિયા અને વનસ્પતિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતની દુર્લભ વનસ્પતીઓ અને ઝાડ વિશે જાણકારી મેળવવાનું શરુ કર્યું હતું.’
જંગલોમાં ફરીને એકઠા કર્યા બીજ
નિરલે જણાવ્યું કે, ‘હું ફેસબુક પર પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનાર અનેક ગ્રુપ સાથે જોડાયેલો છું. તો, મને લોકો પાસેથી ઝાડ વિશે ઘણું જ જાણવાનું મળ્યું છે. જેમ કે, કયું ઝાડ ક્યાં મળી આવે છે અને કયા ઝાડની પ્રજાતિ બિલકુલ લુપ્ત થતી જાય છે. વગેરે..’ કેટલાક મહિનાઓ પછી, બીજને અલગ અલગ જગ્યાએથી એકઠા કરવાનું શરુ કર્યું હતું. તેમણે ગુજરાતના અરવલી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના જંગલોમાંથી પણ અનેક બીજ જમા કર્યા છે.

નિરલે જણાવ્યું કે, ‘તે દિવસોમાં હું જંગલોમાંથી જ અનેક ઝાડના બીજ લઈ આવતો હતો. પછી તે દરેક બીજ વિશે જાણકારી મેળવતો હતો.’ તેમની પાસે વરુણ, પારસ પીપળો, કચનાર, ખીજડો અને શમી, બહેડા, અર્જુન, હરડ જેવી 350થી વધારે દુર્લભ ઝાડના બીજ ઉપલબ્ધ છે. તેણે પોતાની પાસે દરેક બીજનું એક સેમ્પલ સુરક્ષિત રાખ્યું છે. આ સાથે જ અન્ય બીજ તેણે લોકોને આપવા માટે રાખ્યા છે. તેણે ઓક્ટોબર 2020માં ‘પાલનપુર બીજ બેંક‘ નામથી એક ફેસબુક પેજ બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર પણ લોકોની સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે.
પર્યાવરણ સંરક્ષણનું લક્ષ્ય
નિરલ હાલ બીજોને વધારામાં વધારે લોકોને પહોંચાડવા ઈચ્છે છે. સોશિયલ મીડિયાથી તે અનેક પ્રકૃતિ પ્રેમીઓ સુધી આ બી પહોંચાડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે, ‘હું લોકોને આ બી મફતમાં આપું છું પરંતુ અનેક લોકો મને પોતાની ઈચ્છાથી જ આ બીના રુપિયા પણ આપે છે.’
તેણે જણાવ્યું કે, ‘ઉત્તરાખંડ, જમ્મુ અને હિમાચલ પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ લોકો બીજ માટે ફોન કરે છે. જોકે, આ રાજ્યોની જળવાયુ તેમજ વાતાવરણ અલગ હોવાના કારણે કેટલાક છોડ ત્યાં સરખી રીતે વિકસીત થતા નથી. જોકે, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું વાતાવરણ તેમજ પાણી પણ એકસરખું હોવાના કારણે છોડવાઓ સરખી રીતે અંકુરિત થઈ જાય છે.’

અત્યાર સુધીમાં તેણે પાર્સલ વડે 450 બીજ લોકો સુધી પહોંચાડ્યા છે. તેણે જણાવ્યું કે દરેક દિવસે તે આશરે 30-40 પાર્સલ મોકલું છું. નિરલે જણાવ્યું કે, ‘દેસી બીજોની લેવડ દેવડથી દુર્લભ વનસ્પતિઓનો પણ બચાવ થશે અને પર્યાવરણ સંરક્ષણ પણ થશે. તો હાઈબ્રિડ બિજ કુદરતી ન હોવાના કારણે જળવાયુને અનુકૂળ નથી હોતાં. આ કારણે તે રાજ્યોની અલગ અલગ જળવાયુમાં સરખી રીતે વિકસિત થઈ શકતા નથી.’

નિઃસ્વાર્થ સેવા
નિરલ પટેલની પર્યાવરણ પ્રત્યે આ સરાહનીય પહેલ વિશે, વડોદરાના ડોક્ટર હેમા મોદી જણાવે છે કે નિરલના બીજ બેંક (Free Seed Bank)માં રહેલા ઝાડ ખૂબ જ દુર્લભ છે. આ ઝાડ અને વનસ્પતીમાં અનેક ઔષધિય ગુણો હોવાની સાથે જ વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. ડોક્ટર હેમા મોદી ગત ત્રણ વર્ષથી વૈજયંતી ઘાસ, ઈશ્વરી, બહેડા, કપોક જેવા દુર્લભ બીજની શોધમાં હતાં.
તેમણે એ પણ કહ્યું કે, ‘હું વનવિભાગ તેમજ અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં હતી, આ લોકો વિશે બીજ અને છોડવાઓ વિશે પૂછતી રહેતી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા જ મને નિરલની બીજ બેંક વિશે જાણ થઈ હતી. જે પછી મને મારા મનગમતા ઝાડના બી મળી ગયા હતાં.’
નિરલ એવું ઈચ્છે છે કે, વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાયેલા રહે. તે સ્કૂલના બાળકો, આસપાસના યુવાનો તેમજ દોસ્તોને પણ બી આપે છે. જેથી તેઓ ઓછામાં ઓછું એક ઝાડ તો જરુર લગાવે. તેમણે દવાઓના ખાલી પેકેટનો ઉપયોગ કરીને પણ બાળકો માટે કેટલાક વિશેષ બીજ પેકેટ તૈયાર કર્યા છે. આશા છે કે નિરલ પટેલના આ ઉત્તમ પ્રયાસોથી પર્યાવરણમાં થોડો પરંતુ એક સકારાત્મક ફેરફાર તો આવશે જ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: MBA થયેલાં સરપંચે બદલી નાખી સૂરત, દર વર્ષે 25 લાખ લીટર વરસાદનું પાણી બચાવે છે આ ગામ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.