જ્યારે પણ આપણે આપણી આજુબાજુ હરિયાળી જોઇએ છે, ત્યારે આપણને તાજગી અને ખુશીનો અનુભવ થાય છે. શહેરથી દૂર જંગલો, પર્વતો અથવા ગામડાઓમાં આપણે આવી જ તાજગી માટે જતા હોઇએ છીએ. પણ જ્યાં આપણે રહીએ છીએ, એ જગ્યાનું શું? કેટલું સારું હોય જો દરેક રસ્તા કિનારે ઊંચા અને ભરાવદાર ઝાડ લાગેલા હોય? આપણા શહેરો અને ગામોના સ્કૂલ, કોલેજ, આપણા ઘર અથવા બધી જ જાહેર જગ્યાઓ પર પણ હરિયાળી હોય.
“આવા સુંદર વાતાવરણની કલ્પના કરવી ખુબ જ સરળ છે, પરંતુ છોડ લગાવવા અને તેની દેખરેખ કરવી મોટાભાગના લોકોને મુશ્કેલ લાગે છે. મારો વિશ્વાસ કરો, જેટલું આપણે વિચારીએ છીએ તેટલું પણ મુશ્કેલ નથી.” આ માનવું છે ધાર (મધ્યપ્રદેશ) જિલ્લાના ગજનોદ ગામના રહેવાસી ડૉ. અમૃત પાટીદારનું. તે વર્ષ 1985 થી પોતાના જિલ્લામાં અલગ-અલગ સાર્વજનિક જગ્યાઓ પર છોડ વાવવાનું કામ કરી રહ્યા છે. તેમને ધ બેટર ઇન્ડિયા ને કહ્યું કે અત્યાર સુધી તેમણે પોતાના ખર્ચે 6 લાખથી વધારે છોડ વાવ્યા છે.

કેવી રીતે થઈ શરૂઆત?
60 વર્ષીય અમૃતભાઈ એક ખેડૂત પુત્ર છે. તે બાળપણમાં પોતાના ઘરેથી પાંચ કિલોમીટર દૂર સ્કૂલ ભણવા જતા હતા. અમૃત કહે છે,”શાળાએ જતી વખતે જ્યારે પણ મને ભૂખ લાગતી, હું અને મારા મિત્રો કોઈ ઝાડ નીચે અથવા બગીચામાં બેસીને પોતાનું લંચ કરતા હતા. ત્યારે હું હંમેશા વિચારતો, આ ઝાડ ના હોત તો અમારે ધોમ-ધખતા તડકામાં બેસવું પડ્યું હોત. આ જ કારણ છે કે બાળપણથી ઝાડ-છોડ પ્રત્યે તેમનો વિશેષ લગાવ હતો. તે હંમેશા વિચારતા કે કઈ રીતે વધારેમાં વધારે છોડ લગાવી શકાય.
આજ વિચાર સાથે તેમને 1984માં છોડની નર્સરીનું કામ શરૂ કર્યું. લોકો પોતાના ઘરો અને ખેતરો માટે તો છોડ લઈ જતા પણ જાહેર સ્થળો પર કોઈ ઝાડ નહોતું વાવતું. આ ચિંતા સાથે, અમૃતે 1985થી સાર્વજનિક જગ્યા ઉપર છોડ વાવવાની શરૂઆત કરીએ અને સૌથી પહેલું ઝાડ પોતાની સ્કૂલમાં વાવ્યું. બસ ત્યારથી જ તેમને હોસ્પિટલ, સરકારી ઓફિસ, જેલ અને રસ્તાના કિનારે જેવી ઘણી જગ્યાઓ પર રોપાઓ રોપવાનું કામ શરૂ કરી દીધું.

ઘણી સમસ્યાઓનો કર્યો સામનો
તે કહે છે, “શરૂઆતના દિવસોમાં લોકો મારી મજાક ઉડાવતા. ઘણા લોકો મારા રોપેલા છોડને જડમૂળથી કાઢી ફેંકી પણ દેતા હતા. જેના કારણે ઘણી વાર હું લોકો સાથે ઝઘડી પડતો.” તે સમયે, તેમની પાસે છોડને આપવા માટે પાણીનો પણ અભાવ હતો, જેના માટે તેમને ગામના ગટરનું પાણી ફિલ્ટર કરી, તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમને ગટરનાં પાણીને ફિલ્ટર કરવા માટે ત્રણ અલગ-અલગ ખાડા બનાવ્યા, જે પાણીને ફિલ્ટર કરે અને પછી તે પાણી છોડને આપવા માટે વપરાય.
અમૃતભાઈ કહે છે, “જેમ-જેમ મારા વાવેલા છોડની સંખ્યા વધતી ગઈ, મારા કામ વિશે સ્થાનિક અખબારોમાં લેખો આવવા લાગ્યા. 2004 પછી, ગામના લોકોએ મને ટેકો આપવાનું શરૂ કર્યું.” જે પછી અમૃતભાઈ તેમના ગામના ‘છોડ વાળા ભાઇ’ બની ગયા. અમૃતભાઈ કોઈપણ ઉત્સવ, સમારોહ વગેરેમાં ફૂલો કે અન્ય કોઈ ભેંટ આપવાને બદલે છોડ આપવાનું પસંદ કરે છે.
તે પોતાના ગામમાં જેના પણ લગ્નમાં જાય, ત્યાં ચોક્કસપણે એક છોડ લેતાં જાય અને નવા દંપતીને ભેટ તરીકે છોડ આપે છે. તે તેમના ઘરે અથવા આજુબાજુના ગામોમાં આવેલા દરેક મહેમાન અને દરેક નવા સરકારી અધિકારીને છોડ ભેંટ આપીને આવકારે છે. અત્યાર સુધીમાં તેમને 32,000 થી વધુ રોપા ભેંટ કર્યા છે. આ ઉપરાંત, અમૃત પરિવારજનોનો જન્મદિવસ કેકને બદલે ફળો કાપીને ઉજવે છે.

બદલાઈ ગયા આજુબાજુના ગામોના રંગ-રૂપ
અમૃતભાઈનું આ અભિયાન ફક્ત તેમના જ નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ ઘણા પરિવર્તન લાવ્યું છે. તેમના ગામના એક યુવાન ખેડૂત મનોજ પાટીદાર કહે છે, “પહેલા અમારા ગામના લોકો રોપાઓ અને તેના વાવેતર વિશે આટલી જાગૃતિ ધરાવતા ન હતા. પરંતુ અમૃતભાઈએ જે રીતે ગામમાં જુદા જુદા સ્થળોએ છોડ રોપ્યા, તેનાથી ગામનો દેખાવ બદલાઈ ગયો. અમારા ગામનો દરેક રસ્તો આજે લીલોતરી બની ગયો છે. આ ઉપરાંત, મારા જેવા ગામના ઘણા લોકો રોપાઓ રોપવા અને તેની સંભાળ લેવા માટે વધુ જવાબદાર બન્યા છે. ”
મનોજ કહે છે કે અમૃતભાઈ ના વાવેલા છોડ માણસોની સાથે પ્રાણીઓને પણ ઠંડક આપવાનું કામ કરે છે. તેમના ગામ પાસે એક પશુ હાટ છે, જ્યાં લોકો પ્રાણીઓની ખરીદી અને વેચાણ કરવા જાય છે. આ પાશુ હાટમાં પહેલાં એક પણ વૃક્ષ નહોતા, જેના કારણે બધા પ્રાણીઓને તડકામાં રાખવામાં આવતા હતા. પરંતુ હવે ત્યાં અમૃતભાઈએ એટલા બધા વૃક્ષો વાવ્યા છે કે તે પશુઓ માટે એક ઠંડો શેડ બની ગયો છે. આ ઉપરાંત તેમને ગામના સ્મશાન, મુક્તિધામને પણ લીલાંછમ કરી દીધા છે.

અમૃતભાઈ લીમડો, પીપળ અને વડ, ત્રણ વૃક્ષો એક સાથે વાવે છે, જેને તે ‘ત્રિવેણી’ ઝાડ કહે છે. તેમનું કહેવું છે કે લોકો ‘ત્રિવેણી ઝાડ’ કાપવાનું ટાળે છે. આ ઉપરાંત, આ વૃક્ષોની વધારે કાળજી લેવાની જરૂર નથી પડતી અને આ વૃક્ષો ઑક્સિજનનો સારો સ્રોત પણ છે. આ સિવાય તે ફળોના ઝાડ પણ વાવે છે.
અમૃતભાઈએને, 2014માં જૈવિક ખેતી અને પર્યાવરણીય સંરક્ષણની તાલીમ માટે રાજ્ય સરકાર દ્વારા ફિલિપાઇન્સ અને તાઇવાન મોકલવામાં આવ્યા હતા. આ સાથે, 2017 માં દિલ્હીમાં યોજાયેલ વિશ્વ સ્વચ્છ પર્યાવરણ શિખર સંમેલન’ માં તેમને’ ‘રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ, તેમને વર્ષ 2017 માં મુંબઇમાં વર્લ્ડ એગ્રિકલ્ચર એક્સેલન્સ એવોર્ડ સમારોહમાં પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમૃતભાઈને જૂન 2017 માં તેમના કામ બદલ કોલકાતા યુનિવર્સિટીમાંથી ડૉકટરેટની માનક ઉપાધિ પણ આપવામાં આવી છે.
અમૃતભાઈ અંતમાં કહે છે કે આવનારા સમયમાં કોઈપણ કુદરતી સમસ્યાનો સામનો કરવા માટે વૃક્ષારોપણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આશા છે કે, અમૃત પાટીદારનો આ લેખ વાંચી તમને પણ પ્રેરણા મળી હશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.