Search Icon
Nav Arrow
Compost Making Business
Compost Making Business

એન્જીનિયર બનાવવા લાગી અળસિયાનું ખાતર, વાર્ષિક કમાણી થઈ 15 લાખ રૂપિયા

જીવનમાં એક રસ્તો બંધ થઈ જાય તો નિરાશ થવાની જરૂર નથી બીજો રસ્તો શોધી લો, જેમ પાયલે શોધ્યો અને હવે કરે છે લાખોની કમાણી

આ કહાની ઉત્તરપ્રદેશની એક છોકરીની છે, જેનું સપનું હતું સરકારી નોકરી કરવાનું પરંતુ સતત પ્રયત્નો કરવા છતાં તેને સફળતા ન મળી, આવી સ્થિતિમાં તે નિરાશ ન થઈ પરંતુ તે વ્યવસાય તરફ આગળ વધી અને આજે તે વર્મીકમ્પોસ્ટ ક્ષેત્રમાં અદ્ભુત કામ કરી રહી છે.

મેરઠની રહેવાસી પાયલ અગ્રવાલે કમ્પ્યૂટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કર્યું અને તે પછી તેણે સરકારી નોકરીની તૈયારી શરૂ કરી. પરંતુ જ્યારે તેને સરકારી નોકરીની પરીક્ષામાં સફળતા ન મળી ત્યારે નિરાશ થવાને બદલે તેણે પોતાનો માર્ગ બદલી નાખ્યો.

પાયલે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું હતું કે તેને પોતાનો કોઈ વ્યવસાય કરવો હતો. પરંતુ કોઈ એવો કે જેનો ખર્ચ ઓછો હોય કારણ કે તેમની પાસે કોઈ મોટું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પૂરતા સંસાધનો ન હતા.

તેના પિતા દુકાનમાં કામ કરે છે અને માતા બ્યુટિશિયન છે. તેના શિક્ષણની જવાબદારી નિભાવવા માટે તેના માતા -પિતાએ રાત -દિવસ મહેનત કરી હતી.

ઓછા ખર્ચનો વ્યવસાય

“હું ઇન્ટરનેટ પર એવા આઈડિયા શોધતી હતી જેમાં ઓછા ખર્ચે વ્યવસાય શરૂ કરી શકાય. ધીમે ધીમે મેં યુટ્યુબ વગેરે પર ઓર્ગેનિક ખેતી વિશે જોવાનું અને સાંભળવાનું શરૂ કર્યું. કેમ ખબર નહી પણ મને લાગ્યું કે હું આ ક્ષેત્રમાં કામ કરી શકું છું. સંશોધન કરતી વખતે, મારી શોધ વર્મીકમ્પોસ્ટિંગ પર આવીને પુરી થઈ,” તેણે કહ્યું.

Agriculture Products Startup

ત્યાર બાદ પાયલે એક જગ્યાએથી વર્મીકમ્પોસ્ટિંગ વિશે વાંચવાનું શરૂ કર્યું. આ સાથે, તેણે નજીકમાં જે પણ વર્કશોપની ખબર પડી, ત્યાં જઈને તાલીમ લીધી. તેણે એક જગ્યાએથી કેટલાક અળસિયા ખરીદીને પ્રયોગો શરૂ કર્યા. જ્યારે પાયલને ખાતરી થઈ કે તે આ કામ કરી શકે છે, ત્યારે તેણે 2017માં પોતાનું વર્મીકમ્પોસ્ટ યુનિટ શરૂ કર્યું અને તેને ‘ગ્રીન અર્થ ઓર્ગેનિક્સ’ નામ આપ્યું.

આ પણ વાંચો: કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી

પાયલનો રસ્તો સરળ નહોતો. તેણે શરૂઆતમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અગાઉ, અભ્યાસની સાથે સાથે તે બાળકોને ટ્યુશન પણ ભણાવતી હતી. તેણે જે પણ કમાણી કરી તે તેણે પોતાના નવા કામમાં લગાવી. આ સિવાય તેણે પોતાના એક સંબંધી પાસેથી કેટલાક પૈસા ઉધાર લીધા હતા.

પહેલા પાયલે સવા એકર જમીન ભાડે લીધી અને ત્યાં બેડ-સેટઅપ કરવાની શરૂઆત કરી.

તે કેવી રીતે કામ કરે છે:

તેણી કહે છે કે વર્મીકમ્પોસ્ટ બનાવવામાં અઢી મહિના જેટલો સમય લાગે છે અને તેના યુનિટમાં એકવારમાં લગભગ 200 બેડ લાગે છે. પાયલ જુદી જુદી જગ્યાએથી અળસિયા ખરીદે છે અને તે 15 દિવસ જૂનું ગાયનું છાણ લે છે.

Agriculture Products Startup

“આપણી પાસે ગાયના છાણની કોઈ અછત નથી અને કૃષિ માટે ગાયના છાણનો ઉપયોગ કરવો એ સૌથી સારી બાબત છે. તેનાથી સ્વચ્છતા પણ વધશે અને આપણે ઓર્ગેનિક ખેતી તરફ પણ આગળ વધીશું.” તેણે આગળ કહ્યુ.

પાયલ ગૌશાળામાંથી ગાયનું છાણ ખરીદે છે. 1 કિલો ગાયના છાણની કિંમત 35-40 પૈસાની આસપાસ આવે છે. એક મહિનામાં, તે 25 ટન અને ક્યારેક-ક્યારેક તેમાંથી વધારે ખાતર બને છે. તે ખાતર વેચવા માટે કોઈ એજન્ટ પર નિર્ભર નથી. તેણી તેના ગ્રાહકો સાથે સીધી રીતે જોડાયેલી છે. તેમની પાસેથી, ખેડૂતો તેમજ એવા લોકો પણ ખાતર લઈને જાય છે, જે તેને પોતાના બ્રાન્ડ નામ હેઠળ આગળ વેચે છે. પરંતુ પાયલ જથ્થામાં જ ખાતર વેચે છે. આ સિવાય, ઘણા લોકો તેમની પાસેથી અળસિયા પણ ખરીદે છે જેથી તેઓ તેમના વર્મીકમ્પોસ્ટિંગ એકમો સ્થાપી શકે.

“જે કોઈ અમારી પાસેથી અળસિયા ખરીદે છે, અમે તેમને વિનામૂલ્યે તાલીમ આપીએ છીએ અને તેમને સેટ-અપ કરવામાં મદદ કરીએ છીએ. એક મહિનામાં, આ તમામ ખર્ચ અને મજૂરો વગેરેની મજૂરી બાદ, એકથી દોઢ લાખ રૂપિયાની બચત થાય છે,” તેમણે કહ્યુ.

પાયલ પાસે 2 લોકો નિયમિત કામ કરે છે અને તે બાકીનાને દૈનિક વેતન પર રાખે છે. તેની આસપાસના કામદારોને સારી રોજગારી પણ પૂરી પાડે છે.

આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે

સૌથી સારી વાત એ છે કે તેમના ખાતરની માંગ છે અને તે તેમના ખાતરની ઉત્તમ ગુણવત્તાને કારણે છે. તે કહે છે, “ઘણા લોકો આ કામમાં ભેળસેળ પણ કરે છે. હું એવું કરતી નથી. હું જાણું છું કે તમે લોકોને એકવાર ખોટી વસ્તુઓ આપી શકો છો, વારંવાર નહીં.”

વર્મીકમ્પોસ્ટની સાચી ઓળખ

વર્મીકમ્પોસ્ટ ખાતર બન્યા પછી બરડ થઈ જાય છે અને તે કાળા રંગનું થઈ જાય છે. તે છાણનાં ખાતર કરતાં વધુ સારું છે કારણ કે તેમાં પાણી શોષવાની ક્ષમતા વધારે છે. અળસિયાં તેમાં એવા પદાર્થો છોડે છે જે પાણીને શોષી શકે છે અને પાકમાં ભેજ જાળવી રાખે છે. જ્યારે જો ગાયનું છાણ ઘણું જૂનું થઈ જાય, તો તેનો કોઈ ફાયદો નથી અને તેમાં જીવાતો પણ થઈ જાય છે.

Vermi Compost Making Business

“ઘણા લોકો વધુ ખાતર બનાવવા અને તેને સસ્તું વેચવા માટે તેમાં જૂના ગાયનું છાણ ભેળવે છે. અમે અમારું ખાતર 5-6 રૂપિયા કિલોનાં હિસાબથી વેચીએ છીએ કારણ કે અમને અમારા ખાતરની ગુણવત્તામાં વિશ્વાસ છે. ગ્રાહકો પણ એટલા માટે જ અમારી પાસે પાછા આવે છે કારણ કે તેમને અહીં કોઈ અપ્રમાણિકતા દેખાતી નથી,” તેમણે ઉમેર્યું.

પાયલ કહે છે કે તે દરરોજ કંઈક શીખે છે અને તેનો ઉદ્દેશ ખેડૂતો અને અહીં આવતા અન્ય લોકોને સારી પ્રોડક્ટ આપવાનો છે. જે ક્ષેત્રને પુરુષપ્રધાન ગણવામાં આવે છે, તેમાં દરેક પડકારને પાર પાડીને છોકરી માટે પોતાની ઓળખ બનાવવી સહેલી નહોતી. પરંતુ પાયલનો જુસ્સો અને આત્મવિશ્વાસે તેને આગળ વધવાની પ્રેરણા આપી અને આજે તે વર્મીકમ્પોસ્ટિંગ ક્ષેત્રે સારું નામ કમાઈ રહી છે.

સાથે જ, પાયલ આજની યુવા છોકરીઓ માટે એક ઉદાહરણ છેકે, જો એક રસ્તો બંધ થઈ જાય તો તમારે બીજો રસ્તો શોધવો જોઈએ. જો તમને પોતાના પર વિશ્વાસ હોય તો તમે બધુ જ મેળવી શકો છો.

ધ બેટર ઈન્ડિયા પાયલ અગ્રવાલનાં જુસ્સાને સલામ કરે છે અને આશા છેકે, તેની આ વાર્તાથી ઘણા યુવાનોને પ્રેરણા મળશે. પાયલની સાથે સંપર્ક કરવા માટે તમે તેમને 7248119336 પર કોલ અથવા earthg283@gmail.com પર ઈમેલ કરી શકો છો.

તેના વર્મીકંમ્પોસ્ટ યૂનિટનું એડ્રેસ છે: Green Earth Organics, Village Datanwali, Garh Road, Meerut, Uttar Pradesh

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Hydroponics Farming: માટી વગર ઘરે જ શાકભાજી વાવી શરૂ કરો પોતાનો વ્યવસાય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon