Search Icon
Nav Arrow
Alpanaben
Alpanaben

કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી

જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.

નવસારી જિલ્લાના નાનકડા ગામ અમરસાવાસણમાં રહેતા અલ્પનાબેન પાસે માંડ દોઢથી બે વિઘા જ જમીન છે. અલ્પનાબેન સંપૂર્ણ રીતે જૈવિક ખેતી કરે છે. જેમાં તેમાં માત્ર અળશિયાનું ખાતર અને છાણીયા ખાતરનો જ ઉપયોગ કરે છે. આટલી ઓછી જમીનમાં કોઈના ઘરનું ભરણપોષણ કેવી રીતે કરતા હશે એ ખરેખર વિચારવાલાયક વિષય છે.

પરંતુ કહેવાય છે ને કે, હારે તે ગુજરાતી નહીં. અલ્પનાબેન અને તેમના પતિ મહેશભાઈએ મળીને એવા ઘણા રસ્તા શોધી કાઢ્યા છે, જેનાથી તેમને તો પૂરતી આવક મળે જ છે, સાથે-સાથે ઓમ સાંઈ સ્વ-સહાય ગૃપ બનાવ્યું છે, તેની 10 થી વધુ મહિલાઓને પણ રોજગાર આપે છે.

આખુ વર્ષ કેરીના રસની મજા
કેરી તો ફળનો રાજા ગણાય અને કેરીનો રસ કોને ન ભાવે? પરંતુ માત્ર ઉનાળામાં મળતી કેરી વર્ષના બાકીના સમયમાં નથી મળતી અને કેરીના રસિયાઓને આખુ વર્ષ કેરીનો રસ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી છે અલ્પનાબેન. અલ્પાનાબેન ઉનાળા દરમિયાન ગામમાં કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પાસેથી કેરી ખરીદે છે, અને તેનો રસ કાઢી તેને ઉકાળીને પ્રોસેસ કરે છે. આ રસને પછી કાચની સીલપેક બોટલમાં ભરવામાં આવે છે. આ રસને આખા વર્ષ દરમિયાન સાચવી શકાય છે, અને એ પણ ફ્રિજમાં રાખ્યા વગર. અલ્પનાબેનનો આ રસ આખુ વર્ષ સાચવી શકાય છે પરંતુ, કેરીના રસિયાઓ તેઓ બનાવે કે તરત જ તેમના ઘરેથી ખરીદી જાય છે. એક લીટર કેરીના રસની બોટલ અલ્પનાબેન 200 રૂપિયામાં વેચે છે.

Lady Farmer

ચીભડાનું અથાણું
આમ તો ખેતરોમાં ચીભડાં ગાય-ભેંસ ખાઈ જતાં હોય છે, તો ખેડૂતો કેટલીકવાર તેનું શાક બનાવે છે. આમાંથી પણ અલ્પનાબેને કમાવાનો રસ્તો શોધી કાઢ્યો. શિયાળામાં માત્ર થોડા સમય માટે મળતાં આ ચીભડાંમાંથી અલ્પનાબેન સંપૂર્ણ દેશી પદ્ધતિથી અથાણું બનાવે છે. તેમનું આ અથાણું આસપાસના વિસ્તારમાં બહુ લોકપ્રિય છે. તેઓ 300 રૂપિયા કિલોના ભાવે વેચે છે અને બનાવે એટલે હાથોહાથ વેચાઈ પણ જાય છે.

Gujarati News

આ સિવાય તેઓ બહેનોની મદદથી રાગીનાં વિવિધ ઉત્પાદનો, આમળાંની ચિપ્સ, રક્ષા બંધન પહેલાં રાખડી, દિવાળી પહેલાં રંગબેરંગી સુંદર કોડિયાં, તેમજ સજાવટની વસ્તુઓ બનાવે છે. જેથી લૉકડાઉન હોય કે, ખેતીમાં કામ ન હોય ત્યારે તેઓ સિઝન પ્રમાણે કામ કરતાં રહે છે. તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે, સાથે-સાથે અન્ય મહિલાઓને પણ રોજગાર આપેછે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અલ્પનાબેન કહે છે, “થોડી-ઘણી આવડત તો પહેલાંથી હતી જ અને તેમાં કામ પણ કરતાં હતાં, પરંતુ આમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો પણ સાથ અને સહયોગ મળતાં ઘણી મદદ મળી. કૃષિ યુનિવર્સિટી દ્વારા અમારા જેવી ઘણી મહિલાઓને ખેતીમાં વધારાની આવક માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. ખેત ઉત્પાદનમાંથી વેલ્યુ એડિશન તરીકે વિવિધ વસ્તુઓ બનાવતાં શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત તેનું માર્કેટિંગ કરવાનું પણ શીખવાડવામાં આવે છે. અને અહીંથી જ મને પણ આગળ વધવાની રાહ અને જુસ્સો પણ મળ્યો અને ભરપૂર મદદ પણ મળી.”

AP Culture

અલગ-અલગ જગ્યાએ ભરાતા કૃષિ મેળા, ખેડૂત હાટ વગેરેમાં અલ્પનાબેન તેમનાં આ બધાં ઉત્પાદનો લઈને જાય છે અને લોકોને તેમનાં આ ઑર્ગેનિક ઉત્પાદનો ગમે પણ છે અને હાથો-હાથ વેચાઈ પણ જાય છે.

દિવાળી પહેલાં અલ્પનાબેનના પતિ કાચની ખાલી બોટલો અને માટલીઓ પર કલરકામ કરી એટલી સુંદર-સુંદર બનાવે છે કે, કોઈને વિશ્વાસ ન આવે કે, આ ગામડાના સામાન્ય માણસની અદભુત કલાકારી છે. તેઓ ગૃપની બહેનોને દિવડાં પર અલગ-અલગ રીતે રંગ અને ડિઝાઇન કરતાં શીખવાડે છે અને બધાં મળીને સુંદર-સુંદર દિવડા અને સજાવટની વસ્તુઓ બનાવે છે અને શહેરોમાં સ્ટોલ લાગે ત્યારે તેને વેચે છે. જેથી આ નાનકડા ગામની બહેનોને પણ સારી એવી રોજગારી મળી રહે છે.

Gujarati News

અંતે પોતાની વાત પૂર્ણ કરતાં અલ્પનાબેન કહે છે, “આટલી ઓછી જમીનમાં ઘર ચલાવવું ખરેખર બહુ મુશ્કેલ છે, પરંતુ અવનવું શીખવાનો ઉત્સાહ, કૃષિ યુનિવર્સિટીનો સાથ અને ગ્રાહકોના સાથના કારણે અમે અલગ-અલગ સિઝનમાં અવનવી વસ્તુઓ બનાવતા રહીએ છીએ અને તેનાથી અમને તો સારી આવક મળે જ છે અને ગામની અન્ય મહિલાઓને પણ આવક મળી રહે છે.”

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે અલ્પનાબેનનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને 9408188115 પર સંપર્ક કરી શકો છો.

નાનકડા ગામનાં અલ્પનાબેન બીજી ઘણી મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે. ધ બેટર ઈન્ડિયા ગુજરાતી સલામ કરે છે તેમના હુન્નર, કળા અને મહેનતને. જો તમે પણ આવું કઈંક કરતા હોવ તો અમને ઈમેલ કરો gujarati@thebetterindia.com પર અથવા ફેસબુક કે ટ્વિટર પર અમને મેસેજ કરો.

આ પણ વાંચો. દરજી પાસેથી નકામા ગાભા ભેગા કરી શરૂ કર્યું ફેશન હાઉસ, 16 લોકોને આપી રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon