Search Icon
Nav Arrow
Sana Khan
Sana Khan

એન્જિનિયરિંગ દરમિયાન શરૂ કર્યો અળસિયાંના ખાતરનો વ્યવસાય, 5 વર્ષમાં કરોડપતિ બની ગઈ સના

ઘરમાં કોઈને ખેતીનો અનુભવ નહોંતો છતાં સનાના આ વ્યવસાયનું ટર્નઓવર પહોંચ્યું એક કરોડ પર

બિઝનેસ શબ્દ સાંભળતાં જ, મોટાભાગે આપણા મગજમાં કોઈ પુરૂષ બિઝનેસમેનની છબી ઊભરી આવે છે. પરંતુ, આજે અમે તમને એક એવી બિઝનેસ વૂમન સાથે મળાવી રહ્યા છીએ, જેના કામનાં વખાણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના શો ‘મન કી બાત’ માં કર્યાં છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતી, સના ખાનની ‘એસજે ઑર્ગેનિક્સ‘ કંપનીમાં પ્રાચીન રીતે વર્મીકમ્પોસ્ટ (અળસિયાંનું ખાતર) બનાવવામાં આવે છે. સના ત્યારે બી.ટેકના ચોથા વર્ષમાં હતી, જ્યારે તેણે પોતાની કૉલેજમાં જ વર્મીકમ્પોસ્ટ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. ત્યાંથી જ તેને તેમાં રસ પડવા લાગ્યો. ત્યારબાદ તેણે વર્મી કમ્પોસ્ટ માટે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

વાસ્તવમાં સના બાળપણથી ડૉક્ટર બનવા ઈચ્છતી હતી. પરંતુ તેમનું ભવિષ્ય તેમને કોઈ બીજી જ દિશામાં લઈ જવા તૈયાર હતું. મેડિકલ એન્ટ્રેન્સ પરીક્ષામાં તેને સફળતા ન મળી. ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આઈએમએસ એન્જીનિયસિંગ કૉલેજમાં એડમિશન લીધિં. બી.ટેકમાં ભણતર દરમિયાન તેમણે એક વર્મીકમ્પોસ્ટિંગ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ કેવી રીતે કરવું એ અંગે તેને પહેલાંથી માહિતી નહોંતી.

જેમ-જેમ સના આ પદ્ધતિથી મળતા ફાયદા વિશે જાણતી ગઈ, તેમ-તેમ તેને તેમાં વધારે રસ પડવા લાગ્યો. તેને લાગ્યું કે, ખેડૂતો તેનો ઉપયોગ ખૂબજ મર્યાદિત સ્તરે કરે છે. તેણે નિર્ણય કર્યો કે, તે તેના પ્રોજેક્ટમાં ફીલ્ડનો સમાવેશ કરશે. સના જણાવે છે કે, પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તેણે વિચાર્યું કે, આ પ્રોજેક્ટને મોટા પાયે કરવો જોઈએ. તે કહે છે, “મેં અળસિયાં પાળવાનાં શરૂ કર્યાં અને તેમાંથી બનેલ ખાતરનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું.”

વર્મી કમ્પોસ્ટિંગ, અળસિયાંના ઉપયોગથી સારું ખાતર બનાવવાની એક પ્રક્રિયા છે, બાયોમાસ અળસિયાંનું ભોજન છે અને તેમના દ્વારા કાઢવામાં આવેલ માટીને ‘વૉર્મ કાસ્ટ’ કહેવામાં આવે છે, જેમાં ભરપૂર પોષકતત્વો હોય છે અને આ જ કારણે તેને ‘કાળુ સોનુ’ કહેવામાં આવે છે. અળસિયાં ત્રણ વર્ષ સુધી જીવે છે અને બહુ ઝડપથી પ્રજનન કરે છે. જેથી આ પ્રક્રિયા બિઝનેસ માટે સસ્તી અને ટકાઉ છે. જૈવિક ખેતી પ્રણાલીના એક મુખ્ય અંગ તરીકે તેના વધતા જતા મહત્વ સિવાય, વર્મીકમ્પોસ્ટિંગને સ્વચ્છ, ટકાઉ અને ઝીરો વેસ્ટ રીત અપનાવવામાં આવે છે. કારણકે કચરાને નષ્ટ કરવામાં રોગાણુ, અળસિયાં બહુ મદદ કરે છે.

સના કહે છે, “અમે કેમિકલ ઉર્વરકો અને કીટનાશકોનો ઉપયોગ કરી, પ્રાકૃતિક પ્રણાલીમાં હસ્તક્ષેપ કર્યો છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જૈવિક ઉત્પાદન વસ્તુઓની પ્રાકૃતિક ગુણવત્તાને જાળવી રાખે છે અને ખરાબ નથી થવા દેતું. આ આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, સાથે-સાથે તેનાથી જમીનની ઉર્વરતા પણ વધે છે.”

ડેરી ખાતર

શરૂઆતમાં, સનાએ જ્યારે વર્મીકમ્પોસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધી ત્યારે તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. સનાએ પોતાના પરિવારને આ યોજના વિશે જણાવ્યું. પરિવારના લોકો સનાની વાતથી સહમત નહોંતા, કારણકે પરિવારમાં કોઈપણ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલ નહોંતુ અને સનાએ પણ આ માટે કોઈ સીધી ટ્રેનિંગ લીધી નહોંતી. સનાની માએ તેને બહુ સમજાવી કે તેને કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરવી જોઈએ. પરંતુ સના પોતાનો નિર્ણય લઈ ચૂકી છે. અંતે સનાને તેના પિતા, જે વ્યવસાયે દરજી હતા, તેમનું અને ભાઈનું સમર્થન મળ્યું.

સના જણાવે છે, “મારા પિતાએ મને જણાવ્યું કે, જો હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતી હોઉં તો, મારે પ્રયત્ન કરવો જોઈએ અને જોવું જોઈએ કે, એક-બે વર્ષમાં શું પરિણામ મળી શકે છે. મારા પિતા હંમેશાં ઈચ્છતા હતા કે, હું એવું કામ કરું જે મને ગમતું હોય, પછી ભલે તે કોઈપણ કામ હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો. “

વર્ષ 2014 માં 23 વર્ષની સનાએ તેના ભાઈ ઝુનૈદ ખાનની મદદથી ‘એસજે ઑર્ગેનિક્સ’ ની શરૂઆત કરી. ઝુનૈદે તેના બિઝનેસમાં પૈસા રોક્યા. શરૂઆતમાં સનાએ આ વ્યવસાય શરૂ કર્યો તો, ડેરીના માલીકો સાથે સીધો કૉન્ટ્રાક્ટ કર્યો. જેથી ડેરીમાંથી મળતા કચરાનો સીધો ઉપયોગ કરી શકાય. એ બિઝનેસ મોડેલ નિષ્ફળ ગયું. ત્યારબાદ સનાએ વચેટિયાઓ નક્કી કર્યા, જે ગાઝિયાબાદ અને મેરઠથી ડેરી અને બાયોડિગ્રેડેબલ ઘરેલુ કચરાને ગવર્નમેન્ટ ઈન્ટર્ન કૉલેજ (જ્યાં તે એક વર્મીકમ્પોસ્ટિંગ સાઈટ ચલાવે છે), સુધી પહોંચાડે છે. આ કચરાને તરત જ લાલ અળસિયાંને ખવડાવવામાં આવે છે. આ ખાસ પ્રકારનાં અળસિયાં હોય છે, જે ખૂબજ કુશળ હોય છે અને સના વર્મીકમ્પોસ્ટિંગ માટે તેનો ઉપયોગ કરે છે. જૈવિક પદાર્થોને વર્મીકમ્પોસ્ટમાં બદલવાની આખી પ્રક્રિયામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગે છે.

Vermicomposting

ત્યારબાદ કમ્પોસ્ટને ચાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ગૌમૂત્ર મિક્સ કરવામાં આવે છે, જે પ્રાકૃતિક કીટનાશક અને ઉર્વરકનું કામ કરે છે. પ્રમાણિત માનકોને પૂર્ણ કર્યા બાદ વર્મીકમ્પોસ્ટની દરેક બેચનો લેબ ટેસ્ટ કરવામાં આવે છે અને પછી તેને પેક કરવામાં આવે છે.

2015 સુધીમાં સનાએ નફો કરવાનો શરૂ કરી દીધો અને તેને વધારવા મહેનત કરવાની શરૂ કરી દીધી. 2020 સુધીમાં કંપનીએ 500 ટન કચરો ભેગો કર્યો અને વાર્ષિક 1 કરોડના વ્યવસાય સાથે દર મહિને 150 ટન વર્મીકમ્પોસ્ટનું ઉત્પાદન કર્યું. આજે સના ઉત્પાદનનું કામ સંભાળે છે, જ્યારે તેનો ભાઈ જુનૈદ અને પતિ સૈયદ રઝા બિઝનેસનું માર્કેટિંગ કરે છે.

વર્મીકમ્પોસ્ટને ભારતના અન્ય ભાગો સુધી પહોંચાડવું

શરૂઆતના પડકારો વિશે વાત કરતાં સના જણાવે છે, “મને જૈવિક ખેતી બાબતે જણાવવા માટે અને ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે ગામડાંમાં ફરવું પડતું. પરંતુ લોકો તે સમયે મને ગંભીરતાથી લેતા નહોંતા.”

વર્ષ 2018 માં ખેડૂતોની મદદથી સ્થાયી પહેલ કરનાર મહિલા ઉધ્યમી તરીકે, સનાના કામનો ઉલ્લેખ વડાપ્રધાન, નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં કર્યો.

How to make vermicomposting

સના કહે છે, “મનની બાતના 41 મા એપિસોડમાં પીએમએ એક વિડીયો બતાવ્યો, જેમાં મારા અને ‘એસજે ઑર્ગેનિક્સ’ માં વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, એ બાબતે બતાવવામાં આવ્યું, હવે ખેડૂતો મને ગંભીરતાથી લે છે અને જૈવિક ખેતીમાં રસ લે છે.”

એસજે ઑર્ગેનિક્સમાં વર્મીકમ્પોસ્ટિંગ માટે ઓછા ખર્ચમાં બુનિયાદી ઢાંચાની સ્થાપના માટે ટ્રેનિંગ અને સલાહની સેવાઓ આપવામાં આવે છે. સનાએ રોજગારના અવસરોની શ્રૃંખલા પણ ઊભી કરી છે. કંપનીમાં 10 સ્થાયી કર્મચારીઓ છે અને અન્ય દિહાડી મજૂરો છે. કુલ મળીને સનાની કંપનીમાં 30 લોકોને રોજગારી મળે છે.

સના જણાવે છે, “અમે રોજગાર વધારવામાં મદદ કરીએ છીએ. કારણકે વચેટિયાઓને કામ પર રાખીએ છીએ, જેઓ કચરો ભેગો કરવામાં અને પરિવહનમાં મદદ માટે મજૂરો રાખે છે. આ સિવાય, અમારા ટ્રેનિંગ પ્રોગ્રામ, ઉદ્યમીઓને તેમનો ઉદ્યમ શરૂ કરવામાં મદદ કરે છે. જેનાથી દેશભરમાં લોકો માટે રોજગારની તકો ઊભી થશે.”

રોજગારની તકો ઊભી કર્યા સિવાય એસજે ઑર્ગેનિક્સે વર્મીકમ્પોસ્ટિંગને લોકપ્રિય કરવામાં પણ મદદ કરી છે. મેરઠની 104 સ્કૂલોએ એસજે ઑર્ગેનિક્સની સલાહથી વર્મીકમ્પોસ્ટિંગ સાઈટ્સ બનાવી છે, સનાને આશા છે કે, વર્મીકમ્પોસ્ટિંગ વિશે જ્ઞાન વહેંચી, તેઓ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં તે જૈવિક ખેતીના ઉપાયોને લોકપ્રિય બનાવવામાં મદદ કરી શકે છે.

ભવિષ્ય વિશે પોતાની આર્થિક યોજનાઓ વિશે વાત કરતાં સના કહે છે કે, તેમણે તાજેતરમાં જ મેરઠના બહારના વિસ્તાર અબ્દુલ્લાપુરમાં એક એકર જમીન ખરીદી છે, જ્યાં તે ઉત્પાદન વધારવા અને વર્મી વૉશ જેવાં ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની યોજના બનાવે છે.

અંતે મહિલા ઉદ્યોગીઓને એક સંદેશ આપતાં સના કહે છે, “આ એક મિથ્ય જ છે કે, મહિલાઓ માત્ર ઘરકામ જ કરી શકે છે. મહિલાઓએ કૃષિ ઉદ્યોગમાં પ્રવેશવામાં જરા પણ સંકોચ ન કરવો જોઈએ. આ ક્ષેત્રમાં બહુ તકો છે. માહિલાઓને મનગમતી સફળતા મળી શકે છે. જો આપણી મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં સક્રિય રૂપે પ્રવેશે તો, તે આપણી અર્થવ્યવસ્થા માટે પણ વરદાનરૂપ સાબિત થઈ શકે છે.”

મૂળ લેખ: ઉર્ષિતા પંડિત

આ પણ વાંચો: માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon