કચ્છી કેસર કેરીનું નામ પડતાં જ ભલભલાના મોંમાં પાણી આવી જાય, પરંતુ તે મળે માંડ બે મહિના. અત્યારે તો સિઝન પણ જતી રહી, એટલે તમને લાગતું હશે કે, હવે આ લેખ વાંચીને કેરી યાદ કરી જીવ જ બળવાનો ને! પણ અહીં જ તમારી ધારણા ખોટી ઠરે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ કચ્છના એક એવા ખેડૂતની, જે કેરી રસિયાઓને આખુ વર્ષ કેસર કેરીનો રસ તો ખવડાવે જ છે સાથે-સાથે 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો જ્યૂસ, મિલ્ક શેક, મેન્ગો કેન્ડી સહિત ઘણી અવનવી ઑર્ગેનિક પ્રોડક્ટ્સ ખવડાવે છે. સંપૂર્ણ ઑર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલ ઓર્ગેનિક કેરીમાં કોઈપણ જાતનાં કેમિકલ નાખ્યા વગરની પ્રોડક્ટ્સ મળવી આજકાલ બહુ મુશ્કેલ છે, પરંતુ આ કચ્છી ખેડૂત લોકોના આ સપનાને પણ સાકાર કરે છે.

મૂળ કચ્છના ગાંધીધામના હરિસિંહ જાડેજાની કોટડા (રોહા) માં લગભગ 13 એકર જમીન છે. જેમાં તેઓ છેલ્લા 4 વર્ષથી કેસર કેરી, દેશી કેરી, નારિયેળી, સિતાફળ, બીજોરા, રાયણ, ચીકુ, મોસંબી વગેરેની સંપૂર્ણ દેશી પદ્ધતિથી ખેતી કરે છે. રાસાયણિક ખેતીથી વધી રહેલ નુકસાનો અંગે જાણવા મળતાં જ હરિસિંહે જૈવિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કી કર્યું અને તેઓ સંપૂર્ણ રીતે પોતાની દેખરેખમાં જ જૈવિક ખેતી કરે છે. ત્યારબાદ થોડા સમય બાદ તેમને લાગ્યું કે, આ બધાં ઉત્પાદનો ગંજ બજારમાં કે વ્યાપારીઓને આપવાથી બધો નફો વ્યાપારીઓ લઈ જાય છે. ગ્રાહકોને તો આ ઉત્પાદનો મોંઘાં જ મળે છે, તો સામે ખેડૂતોને બહુ ઓછા ભાવ મળે છે. એટલે જો ગ્રાહકો સુધી સારાં ઉત્પાદનો યોગ્ય ભાવમાં પહોંચાડવાં હોય અને ખેડૂતોએ પણ પોતાની કમાણી વધારવી હોય તો, ખેડૂતોએ જાતે જ વ્યાપારી બનવું જ પડશે.

તો બીજી તરફ માર્કેટમાં ઑર્ગેનિકના નામે ઘણી પ્રોડક્ટ્સ મળે છે, જેના ભાવ પણ બહુ ઊંચા હોય છે, તો સામે તેની ગુણવત્તા સામે હંમેશાં પ્રશ્નાર્થ હોય છે, એટલે તેમણે પોતાના ખેતરમાં પાકતી ફસલમાંથી જાતે જ વિવિધ ઉત્પાદનો બનાવી ગ્રાહકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.
ઘરે જ બનાવવાની શરૂ કરી કેરીની ઑર્ગેનિક પ્રોડક્ટ્સ
હરિસિંહ અત્યારે પત્ની અને બાળકોની મદદથી ઘરેજ સીલ પેક કેરીનો રસ બનાવે છે, 10 પ્રકારના આમ પાપડ, બે પ્રકારના મેન્ગો જ્યૂસ, બે પ્રકારના મેન્ગો મિલ્કશેક, આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા અને મેન્ગો કુલ્ફી બનાવે છે.

આમ પાપડ:
સામાન્ય રીતે મુખવાસ અને ફ્રુટ ડીશમાં વપરાતા આમ પાપડ હરિસિંહ ઘરે જ બનાવે છે. જેમાં સાદા આમ પાપડ, સૂંટ ફ્લેવર, કાળા મરી પાવડર, ગોળમાં મરી-સૂંઠ ફ્લેવર, ઈલાઈચી આમ પાપડ, દેશી ગોળ આમ પાપડ, ખડી સાકરવાળા આમ પાપડ સહિત 10 ફ્લેવરના આમ પાપડ બનાવે છે. જેમાં કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પાપડની કિંમત 100 રૂપિયામાં 100 ગ્રામ છે.

મેન્ગો પલ્પ (કેરીનો રસ):
કેરી રસિયાઓ માટે આ મનગમતી પ્રોડક્ટ છે. વર્ષ દરમિયાન જ્યારે પણ કેરીના રસની યાદ આવે ત્યારે આ સીલ પેક ડબ્બાને તોડી મજા માણી શકાય છે. સામાન્ય રીતે માર્કેટમાં મળતા અન્ય મેન્ગો પલ્પમાં પ્રોઝર્વેટિવ તરીકે રસાયણો ઉમેરવામાં આવે છે, પરંતુ હરિસિંહ સંપૂર્ણ રીતે જૈવિક પ્રક્રિયાને જ અનુસરે છે. ઉત્તમ ગુણવત્તાની કેસર કેરીના પલ્પને બે વાર ગરમ કર્યા બાદ ઠંડો કરવામાં આવે છે, જેથી તેમાં બેક્ટેરિયાનો વિકાસ અટકી જાય છે અને ત્યારબાદ તેને સીલપેક ડબ્બામાં ભરવામાં આવે છે, જેથી તેનો બહારની હવા સાથેનો સંપર્ક તૂટી જાય છે. એટલે આ રસ આખુ વર્ષ બહાર સામાન્ય વાતાવરણમાં રાખવામાં આવે તો પણ બગડતો નથી. આ એક લિટર રસનો ભાવ લગભગ 300 હોય છે.
હરિસિંહના ઘરે બનતા આમ પાપડ, કેરીનો રસ, મિલ્કશેક, આઈસ્ક્રિમ, પેંડા, કેન્ડી બધી જ સંપૂર્ણપણે ઑર્ગેનિક અને ફરાળી હોય છે. તેમનાં બધાં જ ઉત્પાદનો ‘માં આશાપુરા ઑર્ગેનિક કેસર ફાર્મ’ ના નામે મળે છે. અહીં આસપાસના વિસ્તારમાં વ્યાપારીઓ તેમનો આ સિલપેક કેરીઓ રસ લઈ જાય છે આખા વર્ષ દરમિયાન વેચે છે. જ્યારે અન્ય પ્રોડક્ટ્સ હરિસિંહ તેમના ઘરેથી જ વેચે છે.

આ સિવાય આજના આ પ્રગતિશીલ ખેડૂત રાજ્યમાં જ્યાં ખેડૂત હાટ ભરાય ત્યાં પણ તેમનાં ઉત્પાદનો વેચવા જાય છે અને ફેસબુકના માધ્યમથી પોતાનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. અત્યારસુધીમાં હરિસિંહ તેમનાં ઉત્પાદનો આખા ગુજરાત સહિત બેંગાલુરુ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિત અનેક જગ્યાઓએ મોકલી રહ્યા છે અને જેઓ પણ એકવાર તેમની પ્રોડક્ટ લે, તે તેમના કાયમી ગ્રાહક બની જાય છે.
સ્વચ્છતા અને ગુણવત્તા જ સર્વોપરી
આ બધાં ઉત્પાદનો અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હરિસિંહે કહ્યું, “અમે સ્વચ્છતા અને ગુણવત્તાની બાબતે જરા પણ બાંધછોડ કરવા નથી માંગતા. ગ્રાહકો ભાવ ચૂકવવા તૈયાર હોય છે પરંતુ તેમને સામે યોગ્ય ગુણવત્તા મળી રહે તે ખૂબજ જરૂરી છે. એટલે જ બધાં ઉત્પાદનો હું, મારી પત્ની, બે દીકરીઓ અને એક દીકરો સાથે મળીને જ અમારા ઘરમાં જ બનાવીએ છે. આ ઉપરાંત ખેતરની પણ સંભાળ હું જાતે રાખુ છું. સાથે-સાથે ખેતરના કામમાં મદદ માટે મેં ત્રણ માણસો રાખ્યા છે, જેથી તેમને રોજગારી મળી રહે.”
લગભગ બે વર્ષ અવનવા અખતરા કર્યા બાદ હરિસિંહને આજે સફળતા મળી છે. તેમનાં બનાવેલ ઉત્પાદનો જેવાં ઉત્પાદનો તમને ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. ભવિષ્યમાં તેઓ જ્યૂસ અને મિલ્કશેકને કાચની બોટલમાં પેક કરી વેચવાની યોજના બનાવે છે, જેથી પર્યાવરણને અનુરૂપ થઈ તેઓ ગ્રાહકો સુધી સારાં ઉત્પાદનો પહોંચાડી શકે. તો ભવિષ્યમાં તેઓ તેમની પોતાની વેબસાઈટ પણ બનાવવાની યોજના બનાવી રહ્યા છે, જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.

હરિસિંહ પાસે ઉત્પાદનોની પ્રોસિસિંગ અને વેચાણ માટે સરકારનું સર્ટિફિકેટ પણ છે અને સાથે-સાથે ગુજરાત સરકાર અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા તેમને પ્રગતિશીલ ખેડૂતનો અવોર્ડ અને સન્માનપત્રો પણ આપવામાં આવ્યાં છે.
આ ઉપરાંત હરિસિંહના ખેતરમાં કેસૂડો, ગળો, ગોખરૂ વગેરેનું પણ વાવેતર કરવામાં આવે છે. ગળો તો તેઓ લોકોને મફતમાં જ સેવા અર્થે આપે છે. તો ગોખરૂને સુકવીને પાવડર બનાવી તેનું પણ વેચાણ કરે છે. તો કેસૂડાના ફૂલનું પણ વેચાણ કરે છે. આ ઉપરાંત ખૂબજ પૌષ્ટિક એવાં બિલીનાં ફળનો શરબત પણ બનાવે છે.

આજે અન્ય ખેડૂતોને સલાહ આપતાં હરિસિંહ જણાવે છે કે, “ખેડૂતોએ જો આગળ આવવું હશે તો, પોતાનાં ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેલ્યુ એડિશન જાતે જ કરવું પડશે. શરૂઆતમાં થોડો સંઘર્ષ ચોક્કસથી કરવો પડશે, પરંતુ તેમાં લાંબા ગાળાનો ફાયદો છે, ખેડૂતો સીધા ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડશે તો, વચ્ચેની કમિશનની કડી નાબૂદ થશે, જેનો ફાયદો ખેડૂતો અને ગ્રાહકો બંનેને થશે.”
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હરિસિંહ જાડેજાનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને +91 98254 96996 કૉલ કે વૉટ્સએપ કરી શકો છો.
આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.