Search Icon
Nav Arrow
Valsad
Valsad

વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત

રાજેશભાઈનો કેરીનો બગીચો 65 એકરમાં ફેલાયેલ છે, જેમાં મોટાભાગે હાપુસ અને કેસર કેરીના આંબા છે. શરૂઆતમાં તેમના દાદા મગનલાલ શાહે એક બગીચામાં સેંકડો ઝાડ વાવ્યાં હતાં. આ ઝાડમાં 100 ઝાડ એવાં છે, જે અત્યારે 125 વર્ષનાં અને 500 ઝાડ એવાં છે જે 80 વર્ષનાં થઈ ગયાં છે.

જ્યારે કોઈ બહુ જૂના આંબા પર કેરીઓ આવવાની બંધ થઈ જાય ત્યારે આપણે એમજ કહેતા હોઈએ છીએ કે, હવે ઝાડ ઘરડું થઈ ગયું. આ સ્થિતિમાં મોટાભાગના લોકો તેને કાપીને ત્યાં નવું ઝાડ વાવતા હોય છે. પરંતુ, આજે અમે તમને એક એવી વ્યક્તિ સાથે મળાવી રહ્યા છીએ, જેમણે તેમની અનોખી ટેક્નિકથી ઘણાં ઝાડ બચાવવાનું અને તેમને ફળદાર બનાવવાનું કામ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના વલસાડમાં રહેતા ખેડૂત અને એક બગીચાના માલિક રાજેશ શાહની. તે પોતાની ‘ગર્ડલિંગ’ ટેક્નિકથી ઘરડાં ઝાડ ફળદાર બચાવે છે.

ઝાડના થડ કે ડાળીઓની છાલને ચારેય તરફથી દૂર કરવાની પ્રક્રિયા, ગર્ડલિંગ (Girdling) કહેવાય છે. આ રીતને અપનાવી તમે તમારાં જૂનાં ઝાડને પણ ફરીથી ફળદાર બનાવે છે. સાથે-સાથે આ રીતથી ફળ વધારે મોટાં, રસદાર અને મીઠાં બની જાય છે.

આ ગર્ડલિંગની જ કમાલ છે, જે આજે 61 વર્ષીય રાજેશભાઈના 125 વર્ષ જૂના આંબાને પણ તાજાં અને રસદાર કેરીઓ આવે છે. વલસાડથી 45 કિમી દૂર ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં, તેમનાં ઝાડ અઢળક ફળ-ફૂલ આપી રહ્યાં છે. આ ઝાડની તાર જેવી પાતળી-પાતળી ડાળીઓ પર મોટી-મોટી રસદાર કેરીઓ ઝૂલે છે. નીચે ઝૂલતી કેરીઓને તડકાથી બચાવવા તેઓ તોડીને મૂકી દે છે. તેમણે કહ્યું, “હાપુસ કે Alphonso કેરીના આંબા ત્રીજા વર્ષથી કેરીઓ આપવા લાગે છે. 35 વર્ષ જૂનું હાપુસ કેરીનું ઝાડ બે વર્ષમાં એક વાર ફળ આપે અથવા તેમાં કેરીઓ લાગવાની ઓછી થઈ જાય ત્યારે ગર્ડલિંગ (Girdling) કરી શકાય છે.”

Rajeshbhai

રાજેશભાઈનો કેરીનો બગીચો 65 એકરમાં ફેલાયેલ છે, જેમાં મોટાભાગે હાપુસ અને કેસર કેરીના આંબા છે. શરૂઆતમાં તેમના દાદા મગનલાલ શાહે એક બગીચામાં સેંકડો ઝાડ વાવ્યાં હતાં. આ ઝાડમાં 100 ઝાડ એવાં છે, જે અત્યારે 125 વર્ષનાં અને 500 ઝાડ એવાં છે જે 80 વર્ષનાં થઈ ગયાં છે. રાજેશ મૂળ રાજસ્થાનના છે. પરંતુ તેમના પૂર્વજ લગભગ 180 વર્ષ પહેલાં વલસાડ આવીને વસી ગયા હતા. તેમનો પરિવાર આજે પણ રાજસ્થાનના બિલિયા ગામમાં પોતાના દોઢસો વર્ષ જૂના મકાનમાં જ રહે છે. તો રાજેશ પોતાની પત્ની સાથે ગુજરાતમાં રહે છે અને તેમનો દીકરો અને દીકરી બંને મુંબઈમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.

શાહ 10 મા ધોરણ બાદ આગળ નથી ભણ્યા, કારણકે તેમને ઈંગ્લિશ મીડિયમમાં ભણવું ગમતું નહોંતું. તેમનો બગીચો તેમના ઘરેથી 6 કિલોમીટર દૂર હતો. એટલે તેઓ રોજ તેમના ઘરેથી તેમની ઑલ્ટો ગાડીથી બગીચા સુધીની સફર કરે છે. તેમણે 15 વર્ષની ઉંમરે જ ખેતી કરવાની શરૂ કરી દીધી હતી. ફળો ઉતાર્યા બાદ ઝાડને પોષણ આપવા માટે તેઓ ઝાડની ચારેય તરફ ખાતર તરીકે ગાયનું સૂકું છાણ નાખે છે. તેમને હાપુસ કેરી ખૂબજ ગમે છે, એટલે તેમણે વર્ષ 1973 માં હાફુસના 300 છોડ વાવ્યા હતા. ત્યારબાદ છોડ વાવ્યા હતા. ત્યારબાદ તેમણે 2006 માં હાફુસના 900 અને 2009 માં 1700 છોડ અને પાયરી અને મલગોવા કેરીની કેટલીક જાતો પણ ઉગાડી.

Gujarat Farmer

2020 માં તેમણે કેરીના બગીચામાંથી 2,30,000 કિલો ઉપજ લીધી હતી. પરંતુ, ગત ચોમાસા બાદથી ત્યાં બહુ વરસાદ પડ્યો છે. જેને જોતાં, તેમને લાગે છે કે, આ વર્ષે કેરીની ફસલ બહુ ઓછી થશે.

ગર્ડલિંગ વિશે વાત કરતાં, રાજેશભાઈ કહે છે કે તે એક ગુર્જર લોકકથાથી પ્રેરિત હતા. આ કથામાં જૂનાં ઝાડના થડમાં કાણું પાણી તેને ફરીથી ફળદાર બનાવવાની રીત વિશે જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, ”મેં 1996 માં આ ટેક્નિકમાં પ્રયોગ કરવાનો શરૂ કર્યો અને સતત પ્રયત્નો કરવાના કારણે 2011 સુધી આ ટેક્નિકમાં મહારથ મેળવી લીધી. આ વર્ષે મેં 75 ઝાડની ડાળીઓને ગર્ડલ કરી છે.”

એક સ્વચ્છ ચપ્પાથી ઝાડની છાલને ચારેય તરફથી એક ઈંચ કાપી દેવામાં આવે છે. તેમાં કોઈપણ જાતનું ઈંફેક્શન ન થાય એ માટે ગેરૂ માટી અને કીટનાશકથી બનેલ પેસ્ટને આ કાપેલ ભાગમાં લગાવવામાં આવે છે. આ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ જાય પછી, ઝાડની અંદર જરૂરી શુગરનો પ્રવાહ ફરીથી થવા લાગે છે. સમય સાથે ઝાડ પર નવું પડ આવવા લાગે છે, જેથી કાપેલ ભાગ ઢંકાઈ જાય છે. રાજેશ દિવાળી આસપાસ ડાળીઓ પર ગર્ડલિંગ કરે છે, કારણકે એ દિવસોમાં હ્યુમિડિટીનું સ્તર લગભગ 70 ટકા રહે છે.

શાહના જણાવ્યા અનુસાર, 35 વર્ષ કે તેનાથી વધારે ઉંમરવાળાં ઝાડ પર અને જમીનથી ઓછામાં ઓછી 15 ફૂટ ઊંચી ડાળીઓ પર ગર્ડલિંગ કરવું જોઈએ. તેઓ કહે છે, “ડાળીઓનો ઘેરાવો ઓછામાં ઓછો 30 સેન્ટીમીટર હોવો જોઈએ.”

Krishi Ratna Award

ગર્ડલિંગના સાયંસ વિશે વધુ જાણવા માટે અમે ગુજરાત સરકારના પૂર્વ જૉઈન્ટ ડિરેક્ટર (કૃષિ), સુમન શંકર ગાવિત સાથે વાત કરી. તેઓ 90 ના દાયકાથી જ રાજેશભાઈની આ ગર્ડલિંગ ટેક્નિક વિશે જાણે છે. તેઓ કહે છે કે, આ એક સાઈન્ટિફિક ટેક્નિક છે અને રાજ્યના ઘણા બગીચાઓમાં આ રીતે ફળ ઉગાડવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું, “ગર્ડલિંગ ટેક્નિકથી ઝાડમાં રહેલ શુગર, કાપેલ ભાગથી ઉપરની ડાળીઓ મારફતે ફળો સુધી પહોંચે છે. એવું જોવા મળ્યું છે કે, આ ટેક્નિકથી ફળો વધારે મોટાં અને મીઠાં ઊગે છે.”

શાહના આ નવાચાર માટે, ગુજરાત સરકારે 2006 માં તેમને ‘કૃષિ ના ઋષિ’ ની ઉપાધીથી સન્માનિત કર્યા હતા. 2009 માં કેંદ્રીય કૃષિ મંત્રાલયે ‘સરદાર પટેલ કૃષિ અનુસંધાન પુરસ્કાર’ અને 2018 માં ‘ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા’ (IARI) એ તેમને ‘ઈનોવેટિવ ફાર્મર પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા.

અંતે રાજેશભાઈ કહે છે, “આમ તો આ ટેક્નિક બહુ સરળ લાગે છે, પરંતુ તેનો ઉપયોગ ખૂબજ સાવધાનીથી કરવો જોઈએ. તમારું એક ખોટું પગલું, તમારા હર્યા-ભર્યા ઝાડને બરબાદ કરી શકે છે.”

મૂળ લેખ: હિરેન કુમાર બોસ

આ પણ વાંચો: ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon