ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવો કોઈ પરિવાર હશે જે સવારે અને બપોરે નાસ્તામાં ખાખરા ખાતો નહીં હોય! એમાય ખાખરાનું નામ આવે એટલે સૌને ઇન્દુબેન ખાખરાવાળા એટલે કે, ઇન્દુબેન ઝવેરીના નામથી અને તેમણે બનાવેલાં અલગ-અલગ વેરાઇટીના ટેસ્ટી ખાખરાના સ્વાદથી આજે દરેક લોકો વાકેફ છે. આજથી અંદાજે 55 વર્ષ પહેલાં ઇન્દુબેને એક અનોખી પહેલ શરૂ કરી દરેક મહિલા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આજે દેશ અને વિદેશમાં લોકોને દાઢે વળગેલાં ખાખરા અને તેની બ્રાન્ડ એટલે કે ‘ઇન્દુબેન ખાખરાવાળા’ની સફળતા પાછળ પાછળ તેમનો ઇન્દુબેનની અથાક મહેનત અને સંઘર્ષ રહેલો છે. આ અંગે ઇન્દુબેન ખાખરાવાળા (IKC)ના સત્યેન શાહે તેમના વ્યસ્ત સમય વચ્ચે ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરી હતી.

ધ બેટર ઈન્ડિયા સાથે ઇન્દુબેનના સંઘર્ષ વિશે વાત કરતાં એમણે જણાવ્યું કે, ‘આજથી છ દાયકા પહેલાં વર્ષ 1960 માં ઇન્દુબેનના ઘરની સામાજિક સ્થિતિ સરખી નહોતી અને તેમના પતિ મીલમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં, જેથી તેમણે પોતાના ફ્રી સમયનો સદઉપયોગ કરી પરિવારને મદદરૂપ થવા નક્કી કર્યું. તે સમયે ઓશવાલ કોમ્યુનિટીએ પોતાના મેમ્બર્સને ખાખરા મળી રહે તે માટે જૂના અમદાવાદમાં ફતેહસિંહની વાડી ખાતે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં ઇન્દુબેન ઝવેરી જોડાઇ ગયા અને ખાખરા વેચવાની શરૂઆત કરી હતી.
થોડા સમય પછી ઇન્દુબેને વિચાર્યું કે, પોતે જ ખાખરા બનાવીને વેચે તો સારું. આ પછી ઇન્દુબેન કોટ વિસ્તારમાંથી મીઠાખળીમાં રહેવા આવ્યા. અહીં તેમણે પોતાના નાનકડાં ઘરમાં જાતે કાચો માલ ખરીદીને માંગરોળી ખાખરા બનાવવાનું શરૂ કર્યું. ઇન્દુબેન પરિવારનું કામકાજ કરવાં ઉપરાંત એકલા હાથે દરરોજ 2 થી 5 કિલો ખાખરા બનાવીને વેચતા હતાં. આ સાથે જ તેઓ ખાખરા બનાવતી વખતે ખૂબ જ ચોખ્ખાઇ અને ગુણવત્તા જળવાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખતાં હતાં. તેમણે ધીમે-ધીમે સાદા ખાખરા ઉપરાંત વેરાઇટીવાળા ખાખરા બનાવવાનું શરૂ કર્યું અને જોતજોતામાં ઇન્દુબેને બનાવેલાં ખાખરા લોકોને દાઢે વળગી ગયાં. આ પછી સતત ઇન્દુબેનના ખાખરાની લોકપ્રિયતા વધતી રહી.

‘‘હવે ઇન્દુબેને બનાવેલાં ખાખરાનો બિઝનેસ પ્રગતિના પંથે હતો. વર્ષ 1981માં ઇન્દુબેનનું અવસાન થયું. આ પછી જેને આગળ વધારવાની જવાબદારી ઇન્દુબેનના પુત્ર હિરેનભાઈ અને પુત્રવધુ સ્મિતાબેને સંભાળી..’’
ઇન્દુબેનની તનતોડ મહેનત રંગ લાવી અને ‘ઇન્દુબેન ખાખરાવાળા’નું નામ મહેનતું પરિવાર માટે એક આદર્શ ઉદાહરણ બની ગયું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના એક પ્રવચન માં ઇન્દુબેનને ‘ગરવી ગુજરાતણ’ તરીકે બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમની ફેરવેલ સ્પીચમાં પણ ઇન્દુબેનના ખાખરા યાદ કર્યાં હતાં!

‘‘એક મહિલાની મહેનતે હવે કંપનીનું સ્વરૂપ લીધું છે, જેને અમે નામ આપ્યું છે “ઇન્દુબેન ખાખરાવાળા કંપની” (IKC).
આજે નિશિતભાઈ, અંકિતભાઈ અને સત્યેનભાઈના અથાગ પરિશ્રમ અને આપ સૌના સહયોગથી આ કંપની 30,000 સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં, 200થી વધુ જેટલાં કર્મચારીઓની મદદથી 100થી વધુ પ્રકારના ખાખરા અને અન્ય નમકીન વસ્તુઓ બનાવી રહ્યા છે . આ ઉપરાંત આજની જનરેશનને પસંદ પડે એવા ખાખરા શોટ્સ પણ અમે બનાવીએ છીએ. અત્યારના સમય મુજબ અમારા દ્વારા રેડી-ટુ-ઇટ વ્હીટ બેઝ્ડ ભાખરી-પિઝા, સોસીઝ સાથે સ્પેશિયલ પેકમાં બનાવવામાં આવે છે, જે ટ્રાવેલર્સમાં અત્યંત લોકપ્રિય છે.’’

ઇન્દુબેનના ખાખરા અને અન્ય નમકીન વસ્તુઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અમદાવાદમાં નવરંગપુરા(ઇન્દુબેન હાઉસ), મીઠાખળી, સેટેલાઇટ, ચાંદખેડા, સાઉથ બોપલ, મણિનગર, ગુરુકુલ, ગોતા, સાયન્સ સિટી અને એરપોર્ટ માં એમ થઈ IKC ના 10 આઉટલેટ્સ છે. તથા મુંબઈ, પુના, ઉદયપુર, બંગ્લોરે, છત્તીસગઢ વિગિરે મોટા શહેરોમાં પણ આઉટલેટ છે. આ ઉપરાંત યુએસએ, યુકે, યુરોપ, કેનેડા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ , થાઈલેન્ડ અને સિંગાપોર જેવા દેશોમાં વિવિધ ફ્લેવરના ખાખરા અને અન્ય નમકિન એક્સપોર્ટ થાય છે.
અંતે સત્યેનભાઈ કહે છે, ‘‘આપનાં આશીર્વાદથી ઇન્દુબેન ખાખરાવાળા એટલે કે IKC પરિવારની મહેનતને અમે હજી વધુ ઉંચાઈ આપી શકીશું એવો અમને દ્રઠ વિશ્વાસ છે.’’
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.