Placeholder canvas

MBA બાદ નોકરી છોડી ગુણવત્તાયુક્ત મધ જાતે બનાવી દેશ-વિદેશના ગ્રાહકોને પહોંચાડે છે સૌરાષ્ટ્રનો આ યુવાન, કમાણી લાખોમાં

MBA બાદ નોકરી છોડી ગુણવત્તાયુક્ત મધ જાતે બનાવી દેશ-વિદેશના ગ્રાહકોને પહોંચાડે છે સૌરાષ્ટ્રનો આ યુવાન, કમાણી લાખોમાં

સૌરાષ્ટ્રના આ યુવાનને ગ્રાહકો સુધી પહોંચાડવાં છે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, એટલે જ 6 વર્ષથી ગ્રાહકોમાં થઈ રહ્યો છે સતત વધારો

આપણા દેશમાં ખેડૂતને પાંગળો, બિચારો, બાપડો ગણવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રનો આ યુવાન જરા હટકે જ છે. જામનગરના કાલાવડ તાલુકાના ખરેડી ગામનો યુવાન દર્શન ભાલારા આમ તો એમબીએ થયેલ છે અને એમબીએ કર્યા બાદ આજથી 7 વર્ષ પહેલાં મહિને 40 હજાર પગારની નોકરી પણ કરેલ છે, પરંતુ એમ કહીએ તો પણ ચાલે કે, દર્શનભાઈએ એમબીએ નોકરી કરવા માટે નહીં પરંતુ પોતાનું સપનું પૂરું કરવા માટે જ કર્યું હતું. તેઓ સમજતા થયા ત્યારથી એપી કલ્ચરમાં કઈંક કરવા ઈચ્છતા હતા. એટલે પોતાની સારી પ્રોડક્ટ્સને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી, પોતાની વાત કેવી રીતે લોકો સુધી પહોંચાડવી એ બધુ સમજવા જ તેમણે એમબીએ કરી થોડો સમય નોકરી કરી અને પછી ત્યાંથી પ્રેક્ટિકલ સમજણ મેળવ્યા બાદ તેઓ પોતાનાં સપનાં સાકાર કરવા આગળ વધ્યા.

દર્શનભાઈનો પરિવાર ખેતી સાથે જોડાયેલ છે અને ગામમાં તેમની 90 વીઘા ઉપજાઉ જમીન પણ છે. દર્શનભાઈને બાળપણથી જ ખેતીનો બહુ શોખ હતો અને તેઓ ખેતીમાં કઈંક હટકે કરવા ઈચ્છતા હતા. તેમના ઘરે પશુપાલન તો થતું હતું અને તેમને બાળપણથી જ સજીવ ખેતી કરવાની બહુ ઈચ્છા હતી. નાનપણથી જ ખેતરે મધમાખીના પૂડા પાડતા એટલે તેમને રસ તો હતો અને તે રસ ધીરે-ધીરે એટલો વધતો ગયો કે, પછી તેમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.

Raw Honey

દર્શનભાઈને તેમના બાપ-દાદા તરફથી જ સંસ્કાર મળ્યા હતા કે, લોકોને જે પણ આપો તેની ગુણવત્તા 100% હોય, વ્યક્તિને સંતોષનો ઓડકાર આવવો જોઈએ. અને બસ આ જ વાતને પોતાનો મુખ્ય ધ્યેય માનીને તેઓ આગળ વધ્યા.

આ માટે દર્શનભાઈ દુબઈ, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં પણ ફર્યા અને વિવિધ જગ્યાની અલગ-અલગ ટેક્નોલૉજીની તપાસ કરી. ત્યારબાદ તેમણે ન્યૂઝીલેન્ડની ટેક્નોલૉજી પસંદ કરી. આ મોડર્ન ટેક્નિકમાં મધ અલગ જગ્યાએ એકઠું થાય અને મધમાખી  અલગ જગ્યાએ હોય. જેથી જ્યારે પણ મધ કાઢવામાં આવે ત્યારે મધની સાથે મધમાખી, તેનાં ઈંડાં (લાળવાં) અને બચ્ચાં ન આવે, તેમને જરા પણ નુકસાન ન થાય. સામાન્ય રીતે દેશી પદ્ધતિથી મધ પાડવામાં આવે ત્યારે ધુમાડો કરવામાં આવે છે, જેમાં અસંખ્ય મધમાખીઓના જીવ જાય છે, પરંતુ આ રીતે મધ લેવાથી એકપણ મધમાખીને નુકસાન થતું નથી. આમ એકદમ શુદ્ધ મધ અહિંસક રીતે મળે છે.

Organic Honey

મધમાખી મધને પૂડામાં ભેગુ કરે ત્યારબાદ પૂડામાં જ પકવે છે. આ મધ પાકીને તૈયાર થાય ત્યારબાદ જ તેને કાઢવામાં આવે છે, જેથી યોગ્ય ગુણવત્તા પણ મળી રહે. આ જ મધને કાઢ્યા બાદ તેને કપડાથી ગાળ્યા બાદ કોઈપણ પ્રકારની પ્રોસેસ વગર તેના કુદરતી સ્વરૂપમાં જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

હવે સવાલ એ થાય કે, અત્યારે બજારમાં ઢગલાબંધ બ્રાન્ડનાં મધ મળે છે, ત્યાં દર્શનભાઈના આ મધમાં અલગ શું છે? સામાન્ય રીતે તમે બજારમાં મધ જુઓ તો બધાં  મધનો રંગ અલગ-અલગ હોય છે, પરંતુ દર્શનભાઈ પાસે તમને અલગ-અલગ રંગનાં મધ મળી રહેશે. કયું મધ કયા ફૂલનું છે તે પ્રમાણે તેનો રંગ હોય છે, તેનો સ્વાદ હોય છે અને તેના ગુણધર્મો હોય છે.

Madhudhara

ગંગા-યમુનાના તટ વિસ્તારમાં, જમ્મૂ કશ્મીરમાં, પંજાબમાં, ગુજરાત-રાજસ્થામાં અલગ-અલગ સમયે અલગ-અલગ ફ્લાવરિંગ થાય છે. એ મુજબ તેઓ મધની પેટીઓ લઈને ત્યાં જાય છે. પોતાના ખેતરમાં તો મધનું ઉત્પાદન કરે જ છે, સાથે-સાથે આ બધા વિસ્તારોમાં પણ આખા બગીચાઓ ભાડેથી લઈને ત્યાં અલગ-અલગ ફૂલના મધનું ઉત્પાદન કરે છે. જેમાં અજમાના ફૂલનું મધ, લીચીના ફૂલનું મધ, જાંબુડીના ફૂલનું મધ, કેરીના ફૂલનું મધ, વરિયાળીના ફૂલનું મધ, બાવળના ફૂલનું મધ, સિસમના ફૂલનું મધ, બેરીના ફૂલનું મધ વગેરે. આ બધાના રંગ, સ્વાદ, સુગંધ અને ગુણ વધુ જ અલગ-અલગ હોય છે.

સામાન્ય રીતે ખેડૂતો જે મધ પકવે તે તેમની પાસેથી મોટી મોટી નેશનલ કંપનીઓ માંડ 150 રૂપિયે કિલોના ભાવે જ ખરીદે છે. એટલે આ પ્રક્રિયામાં પડવાની જગ્યાએ દર્શનભાઈએ તેમની પોતાની બ્રાન્ડ બનાવી ‘મધુધારા‘. આ બ્રાન્ડના બેનર નીચે આખા ભારતમાં અને ભારતની બહાર પણ મલેશિયા, દુબઈ, યુકે, કેનેડા, ઑસ્ટ્રેલિયા વગેરે જગ્યાઓએ મોકલવામાં આવે છે. ગમે ત્યાંથી મધ મંગાવવામાં આવે, વચ્ચે કોઈ જ ડિસ્ટ્રીબ્યૂટર નથી હોતા, તેઓ જાતે જ મધને ગાળીને કાચની બોટલમાં પેક કરી વ્યવસ્થિત પેક કરી કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા ગ્રાહક સુધી સીધું જ મોકલવામાં આવે છે.

Modern Farming

તો મધના ભાવની વાત કરવામાં આવે તો તે કયા ફૂલનું છે અને ક્યાંથી લેવામાં આવ્યું છે એ પ્રમાણે તેનો ભાવ નક્કી થાય છે. પર્વતિય વિસ્તારો કે જંગલોમાંથી લેવામાં આવેલ મધ પાછળ ખર્ચ વધુ થાય છે, એટલે તે મોંઘુ હોય છે તો ખેતરોમાંથી લેવાયેલ મધ પ્રમાણમાં થોડું સસ્તુ પડે છે.

મધના આ સંવર્ધન અને વેચાણની આ આખી પ્રક્રિયા એપી કલ્ચર કહેવામાં આવે છે. જેમાં અલગ-અલગ જગ્યાની માખી લાવવામાં આવે છે. જેમાં દર્શનભાઈ ઈટાલિયન મેલિફોરીયા મધમાખીનો ઉપયોગ કરે છે. જેનાં ઈંડાં મળી રહે છે. ત્યારબાદ તેનું સંવર્ધન કરવામાં આવે છે. અત્યારે દર્શનભાઈ 450 પેટીઓ છે. જેમાં એક પેટીમાં વર્ષે અંદાજે તેઓ 20-25 કિલો મધનું ઉત્પાદન મેળવે છે. તો દર્શનભાઈ 12-15 લોકોને રોજગારી પણ આપે છે. લગભગ 2014 માં થરૂ થયેલ તેમના આ કામથી અત્યારે તેમનું વાર્ષિક ટર્નઓવર 35-40 લાખ રૂપિયા પહોંચ્યું છે. જેમાં તેમને વર્ષનું 8-10 હજાર કિલો મધ મળી રહે છે.

આ સિવાય વેલ્યુ એડિશનની વાત કરવામાં આવે તો તેઓ હની ગુલકંદ પણ બનાવે છે. જેના માટે તેઓ તેમના પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક રીતે ગુલાબ વાવે છે. પછી આ ગુલાબની પાંદડીઓ, મધ અને ખડી સાકરમાંથી સૂર્ય પ્રકાશમાં સંપૂર્ણ કુદરતી પ્રક્રિયાથી ગુલકંદ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે, ગુલકંદને પાનમાં નાખીને ખાવામાં આવે, પરંતુ તેમણે લોકોના મનની આ પરિભાષા પણ બદલી. લોકોને તેનું આયુર્વેદિક મહત્વ સમજાવી તેના અલગ-અલગ ઉપયોગો પણ સમજાવ્યા, કે તેનો મિલ્ક શેક બનાવી શકાય, આઈસ્ક્રિમમાં તેનો ઉપયોગ થઈ શકે, વગેરે રીતે તેનો ઉપયોગ થઈ શકે છે.

Organic Farming

આ માટે રાજકોટમાં તેમણે આખો યુનિટ બનાવ્યો છે. જ્યાં ઓછામાં ઓછો હ્યુમન ટચ થાય એ રીતે ટેનોલૉજી વિકસાવવામાં આવી છે. અને અહીં તેમના ભાઈ અને પત્નીના ખાસ નિરિક્ષણમાં બધુ કામ કરવામાં આવે છે. તો દર્શનભાઈ અને બીજા એક ભાઈ ફિલ્ડ પર મધમાખી સંવર્ધન અને કલેક્ટિંગનું કામ સંભાળે છે.

આ સિવાય દર્શનભાઈના ઘરે 12 ગીર ગાયો પણ છે. જેમના દૂધમાંથી વલોણાની દેશી પદ્ધતિથી ઘી બનાવવામાં આવે છે અને તેને પણ ગ્રાહકો સુધી આ જ રીતે સરસ પેકિંગ કરી મોકલવામાં આવે છે. અને આ દરમિયાન નીકળતી છાસને તેઓ મફતમાં જ ગામમાં વિતરણ કરે છે. તેઓ રોજની લગભગ 100 લિટર છાસનું આ રીતે વિતરણ કરે છે.

અત્યારે તેઓ અલગ-અલગ પ્રકારનાં ફૂલોના મધનું કલેક્શન કરે છે. હવે તેઓ અલગ-અલગ પ્રકારની માખીના મધનું કલેક્શન કરવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે. તો અલગ-અલગ જંગલોમાંથી પણ મધ ભેગુ કરવા ઈચ્છે છે. આ સિવાય તેઓ તેમની વેબસાઈટમાં એક બીજો પણ મોટો બદલાવ લાવવાનો પ્લાન કરી રહ્યા છે, જેના અંતર્ગત ભવિષ્યમાં જ્યારે પણ કોઈ જગ્યાએ મધનું કલેક્શન થતું હશે તો તેને ગ્રાહકો જાતે જોઈ શકશે. કેટલું મધ ભેગું થયું એ જાણી સકશે અને એ મધનો ઓર્ડર પણ આપી સકશે. તેમને એ જ મધ મળશે, જે તેમણે લાઈવમાં જોયું હોય.

Raw Honey

દર્શનભાઈના ખેતરમાં પણ અજમો, ધાણા, વરિયાળીનું ઉત્પાદન થાય છે. અને તેમાં જ મધનું ઉત્પાદન પણ થાય છે. આ સિવાય વેલ્યુ એડિશનની વાત કરવામાં આવે તો, તેમાંથી નીકળતા વેક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કેન્ડલ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ સ્મોક થેરેપીમાં કરવામાં આવે છે. આ સિવાય તેનો લીપ બામ પણ કરવામાં આવે છે. જેથી તેમાંથી નીકળતી કોઈ પણ વસ્તુ બગડે નહીં.

તેમનાં ઉત્પાદનો અંગે વાત કરતાં દર્શનભાઈ કહે છે, “લોકો સૌથી વધુ લીચી અને અજમાનું મધ પસંદ કરે છે. જેમાં લીચીના મધનો સ્વાદ બાળકોને બહુ ભાવે છે. લીચીનું મધ સામાન્ય રીતે બિહાર આસપાસના વિસ્તારમાંથી મળી રહે છે તો અજમાનું મધ ગુજરાત અને રાજસ્થાનમાંથી મળી રહે છે. તો સૌથી મોંઘા મધની વાત કરવામાં આવે તો એ જમ્મૂ કશ્મીરનું કીકરનું મધ છે.”

તો ગ્રાહકોના સંતોષની વાત કરવામાં આવે તો આ બાબતે દર્શનભાઈ જણાવે છે કે, “રાજકોટમાં વોકાટ હોસ્પિટલના ડૉ. ચિરાગ પહેલાં વિદેશનાં મધ જ વાપરતા હતા, પરંતુ એકવાર દર્શનભાઈનું મધ ચાખ્યા બાદ તેમને બહુ આશ્ચર્ય થયું કે, ભારતમાં પણ આવું મધ મળે છે! અને ત્યારથી તેઓ હવે દર્શનભાઈનું મધ જ વાપરે છે.”

શરૂઆતમાં દર્શનભાઈ જાતે બગીચાઓમાં જઈને જાતે લોકોને મધ ચખાડતા. અને તેમાંના એવા ઘણા ગ્રાહકો છે, જેઓ છેલ્લાં 6
 વર્ષથી દર્શનભાઈનું જ મધ ખરીદે  છે. દર્શનભાઈ આ બાબતે જણાવે છે કે, “મારા દાદા-દાદીએ હંમેશાં મને એ જ સંસ્કાર આપ્યા છે કે, ક્યારેય ગુણવત્તામાં બાંધછોડ ન કરવી. અને આજે એ જ કારણે ગ્રાહકોનો તેમના પર આટલો વિશ્વાસ છે.”

Gujarat

તેમના મધની બોટલ પર જોઈએ તો આપણે સ્ટિકર પર કોથળાની ડિઝાઇન જોવા મળે છે. આ બાબતે તેઓ કહે છે, “વર્ષોથી ખેડૂતો કોથળાની ગુલામી કરતા આવ્યા છે, જેના કારણે તેઓ લાચાર બની રહ્યા છે, તેઓ એપીએમસી પર અને તેના ભાવ પર નિર્ભર રહ્યા છે. એટલે તેમણે આધુનિક કોથળાને અપનાવ્યો છે, તેમની કાચની બોટલ પર કોથળાની ડિઝાઇન. જાતે જ ઉત્પાદન, જાતેજ પેક કરવાનું અને કોઈપણ વચેટિયા વગર સુધી લોકો સુધી પહોંચાડવું. જેથી તેમને પણ પૂરતા ભાવ મળી રહે અને લોકોને પણ સારી ગુણવત્તા મળી રહે. અને આજે લોકો પણ તેને ખુલ્લા મને આવકારે છે.”

આ બાબતે ખેડૂતોને ખાસ સલાહ આપતાં દર્શનભાઈ કહે છે, “તમે કોઈપણ વસ્તુ ઉગાડો, તેને સીધી ગંજ કે એપીએમસીમાં વેચવા જશો તો તમે સદ્ધર નહીં બની શકો. પરંતુ તેની જગ્યાએ વેલ્યુ એડિશન કરવામાં આવે, તમારી પેદાશને પેક કરી સીધી ગ્રાહકો સુધી પહોંચાડશો, તમારા ઉત્પાદનમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી ગ્રાહકો સુધી પહોંચાડો. જેથી ખેડૂતો જાતે સદ્ધર બને અને ગ્રાહકોને પણ ભેળસેળીયા માલની જગ્યાએ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળી રહે.”

જો તમને આ લેખ ગમ્યો હોય તો  96621 66770 વૉટ્સએપ નંબર પર તમે દર્શનભાઈનો સંપર્ક કરી શકો છો. અને જો તમે તેમનાં ઉત્પાદનો જોવા કે ખરીદવા ઈચ્છતા હોય તો મધુધારા પર ક્લિક કરી શકો છો.

આ પણ વાંચો: જાણો કેવી રીતે બે ગૃહિણીએ પોતાના સ્વદેશી ઓવનથી અમદાવાદીઓને કર્યા પિઝાના દિવાના

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X