માંડ સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ ભૂડીયાની આખી સફર ખૂબજ રસપ્રદ અને સંઘર્ષથી ભરેલ છે. આજે 67 વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ યુવાનને શરમાવે તેવી છે. સવારે સાત વાગે ખેતરે પહોંચી જાય. 12 વાગ્યા સુધી ખેતરનું કામ સંભાળી ઘરે આવે અને 3 વાગ્યા સુધીનો સમય પરિવાર સાથે પસાર કરે. ત્યારબાદ તેઓ કિસાન સંઘના પ્રમુખ હોવાથી બપોરે 3 થી 6 વાગ્યાનો સમય ખેડૂતોને આપે. ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવે અને તેમને યોગ્ય સલાહ આપે.
પહેલાં તેમના પિતાનો નૈરોબીમાં વ્યવસાય હોવાથી વેલજીભાઈ પણ ત્યાં જ રહેતા હતા, પરંતુ તેમની આંખો નબળી પડતાં ડૉક્ટરે તેમને હરિયાળીમાં રાખવાની સલાહ આપી અને તેઓ પાછા ભુજ આવી ગયા. પહેલાંથી ખેડૂત તો તેઓ હતા જ એટલે અહીં ખેતી શરૂ કરી. અહીં તેમણે શેરડીની ખેતી શરૂ કરી. વેલજીભાઈને પહેલાંથી ખેતીમાં વેલ્યુ એડિશનનો બહુ શોખ એટલે એક કારિગર પાસેથી શીખીને તેમણે જાતેજ શેરડીમાંથી ગોળ બનાવવાનો શરૂ કર્યો. ગોળ બનાવ્યા બાદ પણ તેને વ્યાપારીને વેચવાની જગ્યાએ તેઓ જાતે જ ગામડાઓમાં જતા અને જાતે જ વેચતા, આમ નાની ઉંમરે જ તેઓ ક્યારેય વચેટિયા કે વ્યાપારીઓ પર નિર્ભર નથી રહ્યા.

વેલજીભાઈને ત્રણ દીકરા છે. એ ત્રણ પણ વધુ ન ભણી શક્યા અને 10મું ધોરણ ભણી પિતા સાથે ખેતીમાં જોડાઈ ગયા. તેઓ પરંપરાગત રીતે શાકભાજીની ખેતી કરતા, પરંતુ હંમેશાં મનમાં એજ ખેદ રહેતો કે, આપણે ઢગલાબંધ રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરી શાકભાજી અને અનાજ ઉગાડીએ છીએ, એટલે એક રીતે આપણે માનવજાતના દુશ્મન જ કહેવાઈએ. આપણે લોકોને ઝેર જ પીરસીએ છીએ. વર્ષ 1995 થી જ તેમણે આમાં કઈંક પરિવર્તન કરવાનું વિચારી લીધું, પરંતુ હજી કેવી રીતે કરવું એ અંગે વધારે જાણકારી નહોંતી.
ત્યારબાદ તેઓ વલસાડના ઑ. અશોકભાઈ શાહના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી જ 10 એકર જમીનમાં આંબાનું ઑર્ગેનિક પદ્ધતિથી વાવેતર શરૂ કર્યું. એકવાર આંબા વાવ્યા બાદ તેની ફસલ તો 4 વર્ષ પછી મળવાની શરૂ થાય, એટલે આ દરમિયાન તેમણે આંબાની વચ્ચે જ શાકભાજીનું વાવેતર શરૂ કર્યું અને તેમાંથી તેમનું ઘર ચાલતું રહ્યું.

ધ બેટર ઈન્ડિયાને ઑર્ગેનિક ખેતી માટે તેમના અનુભવને શેર કરતાં વેલજીભાઈ કહે છે, “તે સમયે હું વર્ષ દરમિયાન 800 બોરી યુરીયા-ડીએપી વાપરતો, પરંતુ આ બધુ બંધ કરતાં લાખોની બચત શરૂ થઈ ગઈ. છેલ્લાં 20 વર્ષથી મેં એકપણ વખત યુરિયા, ડીએપી કે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી, જેથી મારે પૈસાની બચત તો થઈ જ છે, સાથે-સાથે છાણીયું ખાતર, ગૌમૂત્ર, ગાયના દૂધ વગેરેના વપરાશથી સારું અને રસાયણ રહિત ઉત્પાદન પણ મળે છે.”
વર્ષ 2001 માં જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ એકદમ નવી હતીં અહીંના વિસ્તારમાં. કચ્છ હોવાના કારણે અહીં પાણીની અછત તો હતી જ એટલે તેમણે તેમના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યોં. આખા વિસ્તારમાં આમ કરનાર તેઓ પહેલા ખેડૂત હોવાથી લોકો માટે હાસ્યાસ્પદ પણ બન્યા છતાં હાર્યા નહીં. 10 હજાર આંબા વાવતાં તો વાવી દીધા, પરંતુ પરંતુ તેની ફસલ ચાલું થતાં આટલી બધી ફસલ ખરીદે કોણ? તે સમયે લોકલ માર્કેટમાં તેમને એક કિલો કેસર કેરીના માંડ 5-6 રૂપિયા મળતા. એટલે હવે તેઓ આમાં પણ કઈંક નવું કરવા ઈચ્છતા હતા.

ત્યારબાદ વેલજીભાઈ 2005 માં કામથી હરિદ્વાર ગયા હતા અને તેમણે જોયું કે, દિલ્હીમાં કોઈને ખબર જ નહોંતી કે, કેસર કેરી કેવી હોય. એટલે તેમણે એક દીકરાને દિલ્હી મોકલી દીધો અને બીજો દીકરો ટ્રેનથી કેરીઓ દિલ્હી મોકલવા લાગ્યો. દિલ્હીમાં લારી ભાડે રાખી જે કેરી કચ્છમાં 5-6 રૂપિયે કિલો વેચતા એ જ કેરી તે સમયે દિલ્હીમાં 16-17 રૂપિયે કિલો વેચવા લાગ્યા. રોજની ચાર ટન કેરી તેઓ દિલ્હી પહોંચાડતા. ત્યારબાદ તેમણે બીજો પણ એક અખતરો શરૂ કર્યો. ઘરે જ કેરીનો રસ કાઢી તેને ફ્રોઝન કરવાનું શરૂ કર્યું. એક વર્ષ બાદ તેનો લેબમાં ટેસ્ટ કરાવ્યો તો તેની ગુણવત્તા એકદમ ઉત્તમ હતી. ત્યારબાદ તો તેમણે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવાનું વિચાર્યું અને 2006 માં તેમણે ફૂડ લાઈસન્સ મેળવી પણ લીધું અને ક્રમશ: બેતાળીસ પ્રોડક્સ બનાવી. વેલજીભાઈ પોતે તેમની પત્ની હંસાબેન સાથે ગામડે-ગામડે કેરીનો રસ વેચવા નીકળી પડતા. મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડતા વેલજીભાઈને પત્ની અને દીકરાઓનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો.

વર્ષ 2015 સુધી આ ક્ષેત્રમાં તેઓ ઘણું અવનવું શીખતા જ રહ્યા. ઘરના સભ્યોની મદદથી જ પોતાના જ ખેતરમાં ઊગતાં ફળો અને શાકભાજીની મદદથી તેઓ અવનવા જ્યૂસ બનાવવા લાગ્યા. જેમાં તેઓ કોઈપણ પ્રકારના રંગ અને પ્રોઝર્વેટિવનો ઉપયોગ નથી કરતા. રણોત્સવ દરમિયાન અહીં ફરવા આવતા પરિવારોને અલગ-અલગ ફળોના જ્યૂસ મિક્સ કરી મોકટેલ પણ પીવડાવ્યા. કદાચ તમે ચણીબોર તો ખાધાં હશે પરંતુ તેનો જ્યૂસ નહીં પીધો હોય, વેલજીભાઈના ત્યાં તમને ચણીબોરનો જ્યૂસ પણ મળી રહેશે. આજે તેમની પાસે 42 ફ્લેવરના જ્યૂસ છે. ત્યારબાદ તેમણે તેમાની બ્રાન્ડ પણ લઈ લીધી. ભૂડીયા બ્રાન્ડ અંતર્ગત FSSAI રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું. પહેલાં તો બે-ત્રણ વર્ષ તેમણે કેરીનો રસ અને અન્ય જ્યૂસનું ટીન પેકિંગ કરી તેમને બીજાં શહેરોમાં મોકલવાનો શરૂ કર્યો અને બે-ત્રણ વર્ષ સુધી વિદેશમાં પણ નિકાસ કરી, પરંતુ પછી એમ વિચાર્યું કે, આપણા જ દેશના લોકોને આની જરૂર છે, તેને નિકાસ ન કરવો જોઈએ અને તેમણે નિકાસ કરવાનું બંદ્ધ કરી દીધો. વેલજીભાઈ ગુજરાતના એવા પહેલા ખેડૂત છે, જેમણે ફ્રોઝન લાઈસન્સ લીધું અને તેમણે વિવિધ પ્રકારના જ્યૂસ, ટુકડા વગેરે ફ્રોઝન કરી લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. આ માટે તેમણે તેમના પોતાના કોલ્ડરૂમ બનાવ્યા.

આટલેથી નથી અટક્યા વેલજીકાકા. હંમેશાં અવનવું કરતા રહેવાના શોખીન વેલજીભાઈ હંમેશાંથી એમજ વિચારતા કે, ખજૂર આટલી ગળી હોય છે તો તેમાંથી પણ ગોળ કેમ ન બને? ઘણાં વર્ષોના વિચાર બાદ ગયા વર્ષે તેમણે ગોળ બનાવવાનું શરૂ કરી જ દીધું. કચ્છની દેશી ખારેકનો રંગ અલગ-અલગ હોવાથી તેના જ્યૂસમાં પણ અલગ-અલગ રંગ આવે અને તેની અસર ગોળ પણ થાય. આ દરમિયાન કચ્છમાં ઈઝરાયલની ખારેકનું વાવેતર ખૂબજ વધી ગયું. આ ખારેકમાં બધી જ ખારેકનો રંગ એકસરખો હોવાથી તેના રસનો રંગ પણ એકસરખો રહેવા લાગ્યો અને તેમાં ગળપણ પણ બહુ સરસ હોય છે, જેથી તેનો ગોળ પણ એકસરખો બને.

ગોળ બનાવવામાં તો વેલજીકાકાની માસ્ટરી હતી જ, એટલે ગયા વર્ષે તેમણે ખારેકમાંથી ગોળ બનાવવાનો શરૂ કર્યો અને તરત જ તેની પેટન્ટ લઈ લીધી. અત્યારે વેલજીકાકા ગુજરાતના પહેલા ખેડૂત છે, જેઓ ખારેકમાંથી લિક્વિડ ગોળ બનાવે છે.
આ અંગે વિસ્તૃતમાં જણાવતાં વેલજીભાઈ કહે છે, “40 કિલો ગોળમાંથી 18 કિલો રસ નીકળે છે. આ જ્યૂસને અમે ફ્રોઝન કરી દઈએ છીએ અને ધીરે-ધીરે જરૂર અનુસાર તેમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીએ છીએ. ખારેકમાંથી ગોળની સાથે-સાથે ત્રણ પ્રકારના અલગ-અલગ જ્યૂસ પણ બનાવીએ છીએ.”

વધુમાં રસપ્રદ વાત જણાવતાં વેલજીકાકા કહે છે, “મારા ખેતરમાં એકપણ ખારેક ઉગતી નથી, છતાં તેઓ ખારેકની આટલી વસ્તુઓ બનાવી દેશભરમાં વેચે છે. તેઓ અન્ય ખેડૂતો પાસેથી ખારેક ખરીદી તેમાંથી બધી વસ્તુઓ બનાવે છે અને દેશના લોકો સુધી કેમિકલ રહિત ગોળ અને જ્યૂસ પહોંચાડે છે. લોકો ભૂડીયા બ્રાન્ડના નામે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે અને બ્રાન્ડ સાથે વેલજીકાકાનો ફોટો પણ છે. લોકો તેમના પર આંખ બંધ કરી વિશ્વાસ મૂકે છે અને વેલજીકાકાએ આ વિશ્વાસને અત્યાર સુધી અકબંધ રાખ્યો છે.” ખજૂરનો ગોળ બનાવ્યા બાદ તેમણે જાતે તેનો વિવિધ રીતે ઉપયોગ કરી જોયો. તેઓ આ જ ગોળમાંથી, ચા, ઉકાળો તેમજ અનેકવિધ વસ્તુઓ બનાવે છે. જેમાં જરા પણ ગોળ કે ખાંડનો ઉપયોગ નથી થતો.
વેલજીભાઈ જેવા ખેડૂતો ગુજરાત અને દેશના લાખો-કરોડો ખેડૂતો માટે પ્રેરણાસમાન બન્યા છે. આજે તેમનો આખો પરિવાર તો તેમની સાથે મહેનત કરે જ છે, સાથે-સાથે અન્ય ત્રીસ પરિવારોને પણ તેઓ રોજગાર આપે છે. અત્યાર સુધીમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજયભાઇ રૂપાણી, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, સ્વ. કેશુભાઈ પટેલ સહિત ઘણા મોટા નેતાઓ કૃષિમેળાઓ અને અન્ય સમારંભોમાં તેમનું સન્માન કરી ચૂક્યા છે અને ઘણા ખેડૂતોને તેમના માર્ગે વધવા સલાહ પણ આપે છે.

અન્ય વ્યાપારીઓ અને વચેટિયાઓ પર નિર્ભર રહી પીસાતા ખેડૂતો માટે આજે તેઓ પ્રેરણા છે. જો તમને પણ આ લેખ ગમ્યો હોય તો તમે વેલજીભાઈ ભૂડીયાનો 9825052103 નંબર પર સંપર્ક કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.