Search Icon
Nav Arrow
Expert advice on Third Wave of Covid
Expert advice on Third Wave of Covid

COVID ની ત્રીજી લહેરથી કેવી રીતે બચવું, શ્વસનતંત્રના નિષ્ણાત જણાવે છે ઉપાય

શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડૉ.ગિરીશ અગ્રવાલ કહે છે કે શક્ય ત્રીજી લહર પર સૌથી અગત્યની બાબત સાવચેતી અને જાગૃતિ છે. નવું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે ચોક્કસપણે જીવલેણ છે, વાયરસમાં નિયમિત આનુવંશિક ફેરફારો થઈ રહ્યા છે, જેનાથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દેશભરમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થતાં જ ઘણી લોકોની બેદરકારી સામે આવતી જણાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આપણે દેશના વિવિધ ભાગોમાંથી કેટલીક સારી અને કેટલીક પરેશાન કરતી તસવીરો જોઈ. એક તરફ, કોવિડની ત્રીજી લહેરનું જોખમ ધીમે ધીમે વધી રહ્યું છે. તો બીજી તરફ બીજી લહેર નબળી પડ્યા બાદ મળેલ છૂટનો લોકો ગેરલાભ લેતા જોવા મળે છે.

મનાલીના ભીડભરેલા વાયરલ ફોટાથી વહીવટીતંત્ર, સામાન્ય લોકો અને કોરોના ચેપને મટાડવા માટે દિવસ-રાત મહેનત કરતા ડોકટરોની ચિંતા વધી છે. તો હિમાચલ પ્રદેશની ધર્મશાળાના એક વાયરલ વીડિયોએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. જેમાં 7 વર્ષના બાળક હાથમાં લાકડી પકડીને લોકોને માસ્ક લગાવવાની સૂચના આપે છે.

તકેદારી એ આપણા બધાની જવાબદારી છે

જો એક નાના બાળકમાં એટલી સમજણ હોય અને તે ફક્ત પોતાના માટે જ નહીં, પણ અન્યની પણ કાળજી રાખતું હોય. તો આવી સ્થિતિમાં દેશના દરેક નાગરિકે આગળ આવીને કોરોનાને પરાસ્ત કરવાની જવાબદારી લેવી જોઈએ. ડોકટરોના જણાવ્યા પ્રમાણે હવે ત્રીજી લહેરની અસર પણ ક્યાંક દેખાઈ રહી છે. જો કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ધ્યાનમાં રાખીને, ધ બેટર ઈન્ડિયાએ શ્વસનતંત્રના રોગોના નિષ્ણાંત ડો.ગિરીશ અગ્રવાલ સાથે વાત કરી.

છત્તીસગઢના જાણીતા શ્વસનતંત્રના રોગોના નિષ્ણાંત ડૉ.ગિરીશ અગ્રવાલ કહે છે, “શક્ય ત્રીજી લહેર પર સૌથી અગત્યની બાબત સાવચેતી અને જાગૃતિ છે. નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની વાત કરવામાં આવી રહી છે તે ચોક્કસપણે ઘાતક છે. વાયરસમાં નિયમિત આનુવંશિક ફેરફારો થઈ રહ્યા છે, જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને, લોકોને વિનંતી કરવામાં આવે છે કે ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન કરો. થોડીક બેદરકારી પણ ગંભીર સ્વરૂપ લઈ શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ”

બિનજરૂરી રીતે હાઈ પાવરની દવા ન લો

ડૉ.ગિરીશે કહ્યું, “કોરોનાનાં કેસો ચોક્કસપણે ઘટ્યા છે, પરંતુ કોરોના હજી પૂરી રીતે ગયો નથી. મહત્વનું છે કે આપણે ગીચ સ્થળોએ જવાનું ટાળીએ અને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળીએ. રસી લેવાનો અર્થ એ નથી કે તમને કોરોના થશે નહીં. આ રસી વાહનના સીટ બેલ્ટ અથવા હેલ્મેટ જેવું કામ આપે છે. તેનો ઉપયોગ કર્યા પછી પણ અકસ્માત થઈ શકે છે. હા, ફક્ત નુકશાન થોડું ઓછું થશે.” તેમણે અપીલ કરી કે રસી લીધા પછી પણ નિયમોનું કડકરીતે પાલન કરો.

તેમણે કહ્યું કે કોવિડની બીજી લહેરમાં તે જોવા મળ્યું હતું કે મોટાભાગના દર્દીઓ અથવા તેમના સંબંધીઓ ડૉકટરોને કોરોના સારવાર દરમિયાન હાઈ પાવરની દવા આપવા માટે કહેતા હતા. લોકોએ સમજવું પડશે કે તમારે જાતે નિષ્ણાત ન થવું જોઈએ અને તમારા ડૉક્ટર અને નિષ્ણાતની વાતનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. જો તમને હાઈ પાવરવાળી દવાની જરૂર ન હોય, તો તેને આપવાનું દબાણ ન કરો. કારણ કે, ભવિષ્યમાં તેના જીવલેણ પરિણામો પણ આવી શકે છે.

આ બાબતોનું ધ્યાન રાખો

ડૉ.ગિરીશ અગ્રવાલે આ વિશેષ બાબતોની નિયમિત કાળજી લેવાની સલાહ પણ આપી હતી:
-આહારમાં વધુને વધુ પૌષ્ટિક વસ્તુઓ શામેલ કરો, લીલી અને રેશાદાર શાકભાજી ખાઓ.
-સમયસર સૂઈ જાઓ, સવારે નિયમિત કસરત કરો અને તમારી જાતને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહો.
-ઘરના સભ્યો સાથે સકારાત્મક બાબતોની ચર્ચા કરી ખુશીનું વાતાવરણ જાળવો.
-કોરોનાની ત્રીજી લહેરનું આવવું અથવા ન આવવું એ આપણી ટેવ અને સાવચેતી પર આધારિત છે. આપણે સાવચેત અને જાગૃત રહેવું પડશે, ત્રીજી લહેર સંબંધિત અફવાઓથી દૂર રહેવું જોઈએ.

અંતે ગિરીશ અગ્રવાલે કહ્યું, “કોવિડથી સંક્રમિત દરેક દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. જ્યારે લક્ષણો દેખાય ત્યારે તમારા ડૉક્ટરની સલાહ લો અને કાળજીપૂર્વક તેમના દ્વારા સૂચવવામાં આવેલી સાવચેતીનું પાલન કરો અને દવાઓ લેતા રહો. ઑક્સિજન લેવલ ચેક કરતા રહો અને જો લેવલ નીચે જોય તો જ હોસ્પિટલમાં જાઓ. બિનજરૂરી રીતે દર્દીઓ અને તેમના પરિવારોએ હોસ્પિટલો અને દવાઓ પાછળ ભાગવું જોઈએ નહીં. તમારી સાવધાની અને સમજ ઘણા લોકોના જીવ બચાવી શકે છે.

મૂળ લેખ: જિનેન્દ્ર પારખ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: અમદાવાદમાં લાખોની કમાણી છોડી ડૉક્ટરે વતનમાં ખોલી મફત કોવિડ હોસ્પિટલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon