દુનિયામાં માનવતાને સૌથી મોટો ધર્મ કહેવામાં આવે છે. વડોદરામાં રહેતાં માસ્ટર મોહમ્મદ ખલીલ અને તેમના મિત્ર ઇમરાનભાઇ ખાનસાબે આ વાતનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. ખલીલભાઈ અને ઇમરાનભાઈ છેલ્લાં બે વર્ષથી સાથે મળીને મહેદવિયા યુનિટી રાહત નામનું દવાખાનું ચલાવે છે. તેમના આ દવાખાનામાં દરેક દર્દીને તપાસીને માત્ર 20 રૂપિયામાં જ દવા આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને બોટલ ચઢાવવાની જરૂર પડે તો માત્ર 100 થી 150 રૂપિયામાં જ સારવાર કરવામાં આવે છે. આ સેવાકિય પ્રવૃતિમાં તેમને મહિને ખોટ પણ આવે છે, છતાં બંને અંદાજે 20થી 25 હજાર રૂપિયાની ખોટ એક મહિને ભોગવી અવિરત સેવા કરી રહ્યાં છે. ખલીલભાઈએ પોતાની વ્યસ્તતા વચ્ચે થોડો સમય કાઢી અમારી સાથે તેમની સેવાકિય પ્રવૃતિ અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી.
મૂળ વ્યવસાયે ઇન્ટેરિટયર ડિઝાઇનર અને ફેકટરીના માલિક 33 વર્ષીય માસ્ટર મોહમ્મદ ખલીલભાઈએ વાત કરતાં જણાવ્યું કે, તેમણે અને તેમના મિત્ર ઈમરાનભાઇએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને તેઓ પહેલાંથી સેવાભાવી છે. અંદાજે ત્રણ વર્ષ પહેલાં તેમના બનેવીનું આકસ્મિક નિધન થયું. આ પછી ખલીલ ભાઇને લોક સેવા કરવાની તલપ જાગી અને તેમણે માનવસેવા કરી તેમના બનેવીને શ્રદ્ધાંજલિ આપવાનું વિચાર્યું. વિચાર કરતાં-કરતાં તેમને રાહત દરે દવાખાનું શરૂ કરવાનું સૂજ્યું અને તેમણે આ વાત તેમના 38 વર્ષીય અંગત મિત્ર ઇમરાન ખાનસાબને જણાવી, બસ પછી બંને મિત્રોએ મહેદવિયા વેલફેર ટ્રસ્ટ બનાવ્યું અને દવાખાનું શરૂ કર્યું.

ખલીલભાઈ અને ઇમરાનભાઈએ 70-70 હજાર એम કુલ 140000 રૂપિયા કાઢી મહેદવિયા યુનિટી રાહત દવાખાનું શરૂ કર્યું. દવાખાનનું શરૂ કર્યાં પછી ધીમે-ધીમે લોકો અને તેમનો સમાજ આ માનવસેવાની પ્રસંશા કરવા લાગ્યા. આ પછી સેવામાં સહભાગી થવા માટે અન્ય લોકો પણ આગળ આવ્યાં અને જોત-જોતામાં બે મિત્રએ શરૂ કરેલું મહેદરિયા ટ્રસ્ટ 10 થી 15 લોકોનું થઈ ગયું. આ ટ્રસ્ટમાં અત્યારે કેટલાક લોકો દર મહિને 500, 1000 કે 2000 રૂપિયા મહિને આપી સેવાના કાર્યમાં સહભાગી બને છે અને ડભોઈથી મેહદવિયા સમાજના દાતા થકી પણ રૂપિયાની મદદ થાય છે.
મહેદવિયા રાહત યુનિટીના દવાખાનામાં દર્દીને રાહત દરે દર્દીને તપાસવામાં આવે છે. આ દવાખાનામાં આપવામાં આવતી એન્ટિબાયોટિક દવાના પણ માત્ર 20 જ રૂપિયા લેવામાં આવે છે. ખલીલભાઈના જણાવ્યા મુજબ, કેટલાક દર્દી એવા પણ હોય છે કે, જેમના વિશે અમને ખબર પડે કે, તેમની પાસે રૂપિયા નથી તો હું અને મારા મિત્ર ઈમરાન ભાઇ તેમનો દરેક ખર્ચો ઉઠાવીને તેમની શ્રેષ્ઠ સારવાર કરીએ છીએ.
કોરોનાકાળમાં લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવાનો ભાવ ગમે તેમ લેવામાં આવે છે. આ વાત અમારા ધ્યાનમાં આવતાં દવાખાનાની ઉપર લેબોરેટરી કલેક્શન સેન્ટર બનાવ્યું છે. જેમાં અમે લોકોને નજીવા દરે તમામ લેબોરેટરી ટેસ્ટ દર્દીના ઘરે જઈ સેમ્પલ લઈને કરી આપીએ છીએ. અમે લેબોરેટરીના ટેસ્ટ માટે ત્રણ પેકેજ બનાવ્યા છે. જેમાં પહેલા પેકેજમાં CBC, CRP, LDDHP, DIMIRનાં ટેસ્ટ કરીએ છીએ. આ પેકેજનો ચાર્જ બહારની લેબોરેટરીમાં 2500થી 3000 થાય છે, પણ અમે આ દરેક ટેસ્ટ માત્ર 1300 રૂપિયામાં કરી આપીએ છીએ. બીજા પેકેજમાં CBC, CRPLDH સહિતના ટેસ્ટ પણ અમે કરી આપીએ છીએ. આ ટેસ્ટના બહારની લેબોરેટરીમાં 3700થી 4500 સુધીનો ભાવ હોય છે, પણ અમે આ ટેસ્ટ 1900 રૂપિયામાં કરી આપીએ છીએ. ત્રીજા પેકેજમાં અમે માત્ર 3400 રૂપિયામાં ટેસ્ટ કરી આપીએ છીએ. જેનો બહારની લેબોરેટરી 5900થી 6500 સુધીનો ચાર્જ વસૂલે છે. આમ આ રિપોર્ટ અમે બજાર કિંમત કરતાં ઓછામાં ઓછા 40 ટકામાં કરી આપીએ છીએ. જોકે, આ રિપોર્ટ કરવામાં જે ખોટ આવે છે તે અમે પોતાના રૂપિયે પુરી પાડીએ છીએ. લેબોરેટરીની આ ખાસ સેવામાં ટીમના મેમ્બર એવાં 22 વર્ષીય મોઈનભાઇ ખાનસાબની મુખ્ય ભૂમિકા છે.

ખલીલભાઈએ વધુમાં વાત કરતાં જણાવ્યું કે, અંદાજે બે વર્ષ પહેલાં વડોદરામાં પૂર આવ્યું હતું. જેને લીધે વડોદરાના કેટલાક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતાં નહોતાં. તે દરમિયાન અમારી 30 લોકોની ટીમ પાણીમાં ફસાયેલાં વિસ્તારમાં પહોંચી હતી અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે દૂધ, ફૂડ પેકેટ્સ સહિતની વસ્તુ પહોંચાડી હતી. કેટલાક લોકો આવાં મુશ્કેલીમાં મજબૂરીનો લાભ ઉઠાવી 25 રૂપિયાની દૂધની થેલીના 50 રૂપિયામાં વેચતાં હતાં, પણ અમે લોકો તે જ 25 રૂપિયાની દૂધની થેલી 20 રૂપિયામાં અંદાજે 3000થી 4000 હજાર લોકોને આપી હતી. અમે ખુદ નુકસાનની ચિંતા કર્યાં વગર લોકોની મદદ કરી હતી.
આ ઉપરાંત હમણાં થોડા સમય પહેલાં મહેદવિયા યુનિટી દવાખાના દ્વારા ફુલ બોડી ચૅકઅપનો કૅમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 300 રૂપિયાના દરે લોકોને ફુલ બોડી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. જોકે, બહાર આ બોડી ચેકઅપના 1200થી 1500 રૂપિયા વસૂલવામાં આવે છે. ખલીલભાઈએ અંતમાં તેમની આગામી કાર્ય વિશે પણ વાત કરતાં કહ્યું કે, થોડાક સમયમાં આંખ અને દાંતના ડૉક્ટરને બોલાવી ચૅકઅપ કેમ્પ કરવાના છે. આ ઉપરાંત જો થઈ શકે તો દવાખાનું મોટા પાયે કરવામાં અને અન્ય મેડિકલ સુવિધામાં પણ વધારો કરવો છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમદાવાદમાં લાખોની કમાણી છોડી ડૉક્ટરે વતનમાં ખોલી મફત કોવિડ હોસ્પિટલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.