Search Icon
Nav Arrow
Free Tiffin
Free Tiffin

કેનેડામાં ભણતી દીકરી બચતના પૈસા મોકલે છે વડોદરા, પિતાએ 20,000+ ટિફિન પહોંચાડ્યાં કોરોનાગ્રસ્ત લોકોને

વડોદરાના પિતા-પુત્રીનો સેવાયજ્ઞ, કોરોનાગ્રસ્ત પરિવારને નિઃશુલ્ક પહોંચાડે છે ટિફિન, પિતા કોરોનાના મૃતકના અસ્થિ પણ કરે છે વિસર્જન

કોરોનાની બીજી લહેરમાં દર્દી અને તેમના પરિજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અત્યારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે પણ, ગંભીર સ્થિતિ યથાવત જ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને મોટેભાગે ભોજનની સમસ્યા પણ રહે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે વડોદરામાં રહેતાં નારાયણ રાજપૂત અને વિદેશમાં રહેતી તેમની દીકરી નીરાલીએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતી નીરાલીએ તેને બચત કરેલાં 3 લાખ રૂપિયા તેના પિતાને મોકલાવી 20 હજાર કરતાં વધુ કોરોનાગ્રસ્ત લોકોને ટિફિન સેવા આપી છે. નીરાલી અને તેના પિતા નારાયણ રાજપૂતે કોરોના સંક્રમણ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ અનોખા સેવાયજ્ઞની વ્યસ્તતા વચ્ચે નારાયણ રાજપૂતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરી હતી.

નારાયણ રાજપૂતે જણાવ્યું કે, ‘‘કોરોનાકાળમાં લોકોની સેવા કરવા માટે મારી દીકરીએ કેનેડાથી 3 લાખ રૂપિયા મોકલાવ્યા હતાં અને બીજા મારા મિત્રો આપેલાં રૂપિયાની મદદથી અમે દરરોજ વડોદરામાં કોરોનાગ્રસ્ત લોકોના 800થી પરિવારોને ટિફીન સેવા પૂરી પાડી રહ્યા છે. જોકે, અત્યારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે એટલે અમે 300થી 400 પરિવારને ટિફિન આપીએ છીએ.’’

Humanity

દીકરીએ 3 લાખથી વધુ રૂપિયા ટિફિન સેવા માટે મોકલ્યા
તેમની દીકરી નીરાલીએ મોકલાવેલાં રૂપિયા અંગે નારાયણ રાજપૂતે વાત કરતાં જણાવ્યું કે, ‘‘કોરોનાની બીજી લહેરમાં વડોદરામાં ખૂબ જ કેસ વધ્યા હતાં. આ વાત જાણ્યા પછી કેનેડામાં ભણતી મારી દીકરી નિરાલી રાજપૂતે લોકોની સેવા કરવા માટે વિચાર્યું હતું. નીરાલીએ મને કોરોનાગ્રસ્ત લોકોના ઘરે બે ટાઇમ ટીફિન પહોંચાડવાની વાત કરી અને તેણે બચત કરીને મને રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. આમ મારી દીકરીએ ત્રણ લાખ રૂપિયા મોકલાવ્યા હતાં.’’

‘‘મારી દીકરી નીરાલી રાજપૂતે વડોદરામાં B.E. ઈલેક્ટ્રીકલ પુરું કર્યાં પછી અમે તેને હાયર સ્ટડી માટે કેનેડા મોકલી છે. તેણે કેનેડાના મોન્ટ્રીયલમાં રહીને કોનકોર્ડિયા યુનિવર્સિટીમાં માસ્ટર પુરું કર્યું. આ સ્ટડી દરમિયાન નીરાલી એક મોલમાં કેશિયર તરીકેની નોકરી કરતી હતી. જેની સેલેરીમાંથી બચત કરી તે કોરોનાગ્રસ્ત લોકોને ટીફિન સેવા કરવામાં રૂપિયા મોકલી હતી.’’

નારાયણભાઈ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, ‘‘શરૂઆતમાં અમારી ટીમ દ્વારા 400થી વધુ કોરોનાગ્રસ્ત પરિવારના લોકોને ટિફિન પહોંચાડતા હતા. આ પછી 500 યુવકોનું ગ્રુપ બનાવ્યું હતું અને અમે 800 પરિવારના લોકોને ટિફીન સેવા પહોંચાડી હતાં. જોકે, કોરોના કેસમાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ આ ટિફીન સેવા ચાલુ છે. અમે ટીફિન બનાવવા માટે વડોદરાના સંપતરાવ કોલોની, ભાયલી, મનીષા ચોકડી, સનફાર્મા રોડ, દિવાળીપુરામાં રસોડા ચાલું કર્યા છે. અમે કોરોનાગ્રસ્ત પરિવારના લોકો માટે ગુજરાતી થાળી ઉપરાંત તેમની ઈચ્છા પ્રમાણે જૈન અને સ્વામિનારાયણ થાળી બનાવીને આપીએ છીએ.”

Covid 19

કોરોનાના મૃતકના અસ્થિ વિસર્જન પણ કરે છે.
નારાયણ રાજપૂત અને તેમની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવે છે. નારાયણભાઈ અને તેમની ટીમ દ્વારા પોતાના ખરચે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના અસ્થિનું વિર્સજન હિન્દુ રીતિ રિવાજ મુજબ કરવામાં આવે છે. આ માટે સ્મશાનમાંથી કુંભમાં ભરીને લાવવામાં આવેલી અસ્થિને ચાણોદ સ્થિત ત્રિવેણી સંગમે વ્યવસ્થિત શાસ્ત્રોક્ત વિધિ બાદ વિસર્જિત કરે છે.

Gujarati News

કોરોનાગ્રસ્ત લોકોના ઘરને પણ નિઃશુલ્ક સેનેટાઇઝ કરે છે.
નારાયણભાઈ અને તેમની ટીમ દ્વારા જે કોરોનાગ્રસ્ત લોકોના ઘરને પણ ફ્રીમાં સેનેટાઇઝ કરવામાં આવે છે. આ અંગે નારાયણભાઈએ જણાવ્યું કે, ‘‘અમને કોરોનાગ્રસ્ત લોકો વિશે જાણ થયાં પછી અમારી ટીમ ટેન્કર લઈને તેમના ઘરે પહોંચે છે અને અમે તેમનું આખું ઘર વ્યવસ્થિત રીતે સેનેટાઇઝ કરી દઈએ છીએ. આ માટે અમે કોઈ પાસે એક પણ રૂપિયા લેતાં નથી.’’

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:અમદાવાદના આ વ્યાપારી રોજના 1200 કોરોનાગ્રસ્ત લોકોને ઘરે જઈને પહોંચાડે છે નિશુલ્ક ટિફિન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon