ગયા વર્ષે લગભગ માર્ચ-એપ્રિલ, 2020 માં દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. એ સમયે પરિસ્થિતિ એ હતી કે, ઘરમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો, તે તો હોમ આઈસોલેટ હોય જ અને તેની સાથે-સાથે ઘરનાં બીજાં વ્યક્તિઓ પણ ઘરની બહાર નીકળી ન શકે. તેમાં પણ ઘરની મહિલાઓને કોરોના પોઝિટિવ આવે તો, પરિવારની સ્થિતિ કફોડી બની જાય છે. તે મહિલાના ભોજનની સાથે-સાથે પરિવારના અન્ય સભ્યોના ભોજનની પણ વિકટ સમસ્યા ઊભી થાય છે અને પોતાને તેનો ચેપ ન લાગી જાય એ બીકે, આજુ-બાજુવાળું કોઈ મદદ કરવા પણ તૈયાર નથી થતું. જેથી તેમની સ્થિતિ વધારે દયનિય બની જાય છે.

આવી જ પરિસ્થિતિમાં કેટલાક લોકો ખરેખર આશીર્વાદ સમાન સાબિત થાય છે. અમે આજે વાત કરી રહ્યા છીએ અમદાવાદના પલકભાઈ પટેલની. જેઓ મૂળ ફાર્માસ્યૂટિકલ બિઝનેસમેન છે અને તેમનાં પત્ની મમતાબેન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે. પલકભાઈ મણિનગરમાં છે. ગત વર્ષે ઑગષ્ટમાં તેમની બાજુમાં રહેતા એક પરિવારમાં રહેતી બંને મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો. સાસુ-વહુ બંનેને કોરોના થતાં તેમની અને પરિવારના અન્ય ચાર લોકોની સ્થિતિ ખૂબજ કફોડી બની ગઈ હતી. તેમની આ દયનિય સ્થિતિ જોઈ પલકભાઈનું હ્રદય દ્રવી ઊઠ્યુ. અને તેમણે નક્કી કરી દીધું કે આવા પરિવારોને તેઓ નિશુલ્ક ટિફિન આપશે અને એ પણ પૂરા 14 દિવસ સુધી. 3 ટિફિનથી શરૂ કરેલ આ સેવા અત્યારે 1177 સુધી પહોંચી ગઈ છે. જેમાં તેઓ લોકોને દાળ, ભાત, શાક, રોટલી અને કઠોળ સુધીનું બે લોકો આરામથી જમી શકે એટલું ટિફિન જાતે જ પહોંચાડે છે.

શરૂઆતમાં તો તેઓ જાતે જ ટિફિન બનાવતા હતા. પરંતુ તેમણે જોયું કે, તેમના ઘરે રસોઈ કરવા આવતાં બહેનની લૉકડાઉન સમયે આવક બંધ થઈ હતી હતી એટલે તેમણે એ બહેનને જ આમાં મદદ કરવા કહ્યું. પછી બીજી 11 મહિલાઓનો પણ સહકાર મળ્યો. આમ આ 12 મહિલાઓને રોજગાર મળે છે તો આ બનીને તૈયાર થયેલ ટિફિન પલકભાઈ, તેમનો પુત્ર, ભાઈ અને પરિવારના લોકો જાતે જ સુધી આ ટિફિન પહોંચાડે છે.

અત્યારે ગયા વર્ષ કરતાં પણ સ્થિતિ કથળી છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યારે તો પરિવારમાં એક વ્યક્તિને કોરોના થતાં આખા પરિવારને તેનો ચેપ લાગી જાય છે, જેથી પરિવારની સ્થિતિ બહુ ખરાબ થાય છે. એટલે પલકભાઈ અત્યારે આવા પરિવારો સાથે ઊભા છે. તેઓ અમદાવાદના મણિનગર, ઘોડાસર, ઈસનપુર, કાંકરિયા, સેટેલાઈટ, બોડકદેવ, આંબાવાડી, નારણપુરા, નવરંગપુરા વિસ્તારમાં કોરોના પેશન્ટ અને કૉરન્ટાઈન સભ્યોને ઘરે જઈને ટિફિન પહોંચાડે છે. તેઓ આ ટિફિનના પૈસા નથી માંગતા પરંતુ કેટલાક સદ્ધર લોકો સામેથી તેના પૈસા આપે છે, જેથી વધુમાં વધુ લોકો સુધી તેમની મદદ પહોંચી શકે. તો હવે ઓળખીતા અને જાણીતા લોકોએ પણ આ માટે મદદ કરવાનું શરૂ કર્યું. એટલે તેમણે ઘરના પાંચ સભ્યોનું ‘શરણમ ફાઉન્ડેશન’ શરૂ કર્યું. જેના અંતર્ગત તેઓ કોઈપણ જાતના નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર લોકોને ટિફિન પહોંચાડે છે.

આ ઉપરાંત લોકો દ્વારા મળેલ મદદથી કોરોનાના આ કપરા કાળમાં તેમણે વિધવા બહેનો અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટો પણ પહોંચાડી, જેથી તેમના ઘરે ચૂલો ચાલુ રહે, કોઈ ભૂખ્યું ન રહે.
જ્યાં પડોશીઓ, સંબંધીઓ કે સગાં પણ નજીક આવતાં ડરે છે, કોઈ મદદ કરવા તૈયાર નથી હોતું ત્યાં ઘરે-ઘરે જઈને મફતમાં ટિફિન પહોંચાડતા પલકભાઈને ધ બેટર ઈન્ડિયાની સલામ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે 98257 74094 નંબર પર પલકભાઈનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: 400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.