મધર ટેરેસાની કહાની તો આપણા બધા માટે પ્રેરણા છે જ. બીજાંની ભલાઈ માટે તેમનાં કરેલ કામને આખી દુનિયા દ્વારા વખાણવામાં આવ્યું છે. આજે આપણી આસપાસ પણ એવા ઘણા લોકો છે, જેઓ બીજાંના માટે જીવે છે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ.
આ કહાની છે કોલકાતામાં રહેતા અરૂણ સેનગુપ્તાની. ખૂબજ મુશ્કેલીઓ સામે લડ્યા બાદ અરૂપને નવજીવન મળ્યું અને પછી તેમણે નક્કી કરી દીધું કે, તેઓ તેમનું જીવન લોકો માટે સમર્પિત કરી દેશે. આજે તેઓ જ્યાં પણ જાય છે, તેમની સાથે તેમનો ઑક્સિઝન સિલિન્ડર હોય છે. લગભગ સાત વર્ષ પહેલાં તેમને ખબર પડી કે, તેમને ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) નામની બીમારી છે. પરંતુ આ બીમારી તેમને તેમનું અભિયાન પૂરું કરવામાં ન અટકાવી શકી. આ પહેલાં અરૂપ ટ્યૂબરક્લોસિસના દરદી પણ રહી ચૂક્યા છે અને બહુ મુશ્કેલીઓ બાદ તેમણે આ બીમારીને હરાવી છે અને સતત આગળ વધી રહ્યા છે.
તેમણે સેક્સ વર્કર્સ અને તેમનાં બાળકોના સારા જીવન માટે ‘નોતૂન જીબોન’ નામનો એનજીઓ ચલાવે છે. જેનો અર્થ છે નવું જીવન. અરૂપ જણાવે છે, “હું મારા છેલ્લા શ્વાસ સુધી જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો રહીશ. મારા જીવનનો એક જ ઉદ્દેશ્ય છે કે, જરૂરિયાતમંદોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવો. હું સતત તેના માટે પ્રયત્નશીલ છું.”
તેમણે સંગઠનની શરૂઆત લગભગ 4 વર્ષ પહેલાં કરી હતી. આજે આ સંગઠન 40 કરતાં પણ વધારે સેક્સ વર્કર્સનાં બાળકોના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યું છે અને આ સિવાય તેમણે ઘણી મહિલાઓને ઘરેલું હિંસાથી પણ બચાવી છે.

મુશ્કેલીથી થઈ શરૂઆત
1952 માં અરૂપનો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. પરંતુ કેટલાંક વર્ષો બાદ તીમના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. 1968 માં તેમણે પિતાની છત્રછાયા ગુમાવી અને તેના સદમામાં માં પણ નશાની આદી બની ગઈ. ઘર ચલાવવા માટે તેમની મોટી બહેનને ડાન્સ બારમાં કામ કરવું પડ્યું. આ બધુ ચાલી જ રહ્યું હતું ત્યાં અરૂપને ટ્યૂબરક્લોસિસ એટલે કે ટીબીની બીમારી થઈ ગઈ.
આ અંગે તેમણે કહ્યું, “વર્ષ 1968 માં જ્યારે અમારા પડોશીઓને મારી ટીબીની બીમારી અંગે ખબર પડી ત્યારે તેમણે અમને એ જગ્યા ખાલી કરવા મજબૂર કર્યા. આજે જે રીતે લોકો કોવિડ-19 ના દરદીઓને જોઈને મોં ફેરવી લે છે, એ જોઈને મને મારો સમય યાદ આવી ગયો.”
અરૂપને ક્યાંય સહારો ન મળતાં તેમને એક શેલ્ટર હોમમાં જગ્યા મળી. તેઓ જણાવે છે કે, તે સમયે ટીબીના કારણે ઘણા લોકોના જીવ ગયા હતા. તેમણે જણાવ્યું, “મને યાદ છે કે, કેવી રીતે ટીબીના દરદીઓને અલગ રૂમમાં રાખવામાં આવતા હતા, જ્યાં અમે લોકોના મૄત્યુને બહુ નજીકથી જોયું. જ્યારે પણ મશીન પર બીપ અવાજ આવે એટલે અમને ખબર પડી જતી કે, અમે પાછું કોઈને ખોયું છે.”

એ કમનસિબ ઓરડામાંથી માત્ર બે જ લોકો જીવતા પાછા ફર્યા, જેમાંના એક અરૂપ હતા. સતત બે વર્ષની સારવાર બાદ તેઓ ફરીથી સામાન્ય જીવન જીવવા લાગ્યા.
નોતૂન જીબોન – નવું જીવન
અરૂપ બધુ જ ખોઈ ચૂક્યા હતા. છતાં તેમને જીવને બીજી તક આપી. તેમણે લગ્ન અને અન્ય પ્રસંગોમાં ગિટાર અને ડ્રમ વગાડવા સુધીનું કામ કર્યું, જેથી તેઓ આગળ ભણી શકે. કૉલેજ સુધી ભણ્યા બાદ તેમણે મુંબઈ, દિલ્હી, બેંગલુરૂમાં 45 કરતાં વધુ વર્ષ સુધી એફએમજીસી અને માનવ કેપિટલ મેનેજમેન્ટ વિસ્તારોમાં કૉર્પોરેટ દુનિયામાં કામ કર્યું.
ચાર વર્ષ પહેલાં જ્યારે તેમણે કૉર્પોરેટ દુનિયામાંથી રિટાયરમેન્ટ લીધું ત્યારે કોલકાતામાં વસવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, “હું 20 વર્ષ બાદ મારા શહેર, મારા ઘરે પાછો ફર્યો હતો. “
પરંતુ અહીં આવીને તેમણે જોયું કે, આખુ કોલકાતા બદલાઈ ગયું હતું.

તેમણે કહ્યું, “એક યુવાન તરીકે મેં જે શહેર છોડ્યું હતું, તે આખેઆખુ બદલાઈ ગયું હતું. મેં અહીં ગરીબી અને ઉદાસીનતા જોઈ. ક્યારેય કોઈ રાત્રે ભૂખ્યું સૂવું ન જોઈએ. જેથી જ્યારે પણ હું ઉપરવાળાને મળું ત્યારે મારી પાસે જવાબ હોય. હું તેમને કહી શકું કે, દુનિયામાં બદલાવ માટે મેં શું કર્યું.”
31 ડિસેમ્બર, 2016 ના રોજ તેમણે 10,000 રૂપિયાના ધાબળા ખરિધ્યા, જેથી જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી શકે. અને બસ અહીંથી શરૂઆત થઈ ‘નોતૂન જીબોન’ની.
2016 માં તેમણે તેની ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવી. આ સંગઠનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનો છે અને હવે તેમણે મહિલાઓ અને સેક્સ વર્કર્સ માટે એક સ્વયં સહાયતા ગૃપ પણ બનાવ્યું છે.

ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની સાથે મહિલાઓ માટે કામ:
સંગઠનમાં આઠ મહિલાઓ કામ કરે છે, જેમને નારી શક્તિ ટીમ તરીકે ઓળખવામાં આવે છે, આ બધી વંચિત સમાજમાંથી આવે છે અને તેમાંની કેટલીક તો પહેલાં સેક્સ વર્કર્સ હતી. તેઓ નોતૂન જીબોનનું સંચાલન કરે છે અને શિક્ષકો, વ્યવસ્થાપકો અને ફંડરાઈઝર જેવી વિવિધ ભૂમિકાઓમાં કામ કરે છે. નોતૂન જીબોનની સચિવ ઝમકી બેનર્જી જણાવે છે, “અરૂપ દાએ મને ખરાબ લગ્નમાંથી બચાવી. હું તેમને ચાર વર્ષ કરતાં વધારે સમયથી ઓળખું છું. તેઓ સતત કામ કરી રહ્યા છે.” ઝમકી બધાં જ ફિલ્ડવર્ક જુએ છે અને સંગઠનની ટ્રસ્ટી પણ છે.
અરૂપને નારી શક્તિ ટીમ પર વિશ્વાસ છે અને તેમની પાસે બાળકો અને અન્ય બહેનો સાથે કામ કરવાની તાકાત છે. તેઓ કહે છે કે, તેમના માટે આ ખૂબજ સંતોષની વાત છે કે, જો તેઓ કાલે ન પણ હોય તો પણ તેમનું કામ કુશળ હાથોથી આગળ વધશે. આ મહિલાઓ સિવાય, નવ પુરૂષ પણ છે, જેઓ સંગઠન સાથે પોતાની ઈચ્છાથી કામ કરે છે.
સેક્સ વર્કર્સનાં જે બાળકોને તેમણે બચાવ્યાં છે, તેમના માટે તેમણે નોતૂન જીબોનની એક સબ યૂનિટ, સહજ પથની શરૂઆત પણ કરી છે. 3 થી 12 વર્ષનાં બાળકો રોજ સાંજે ભણવા આવે છે અને તેમને દૂધ અને એક કેળુ આપવામાં આવે છે. સ્વયંસેવકો આ બાળકોને બુનિયાદી શિક્ષણ પ્રદાન કરે છે, જેમ કે, લખતાં-વાંચતાં શીખવાડવું, ગણિત શીખવાડવું વગેરે.

સંક્રમણકાળમાં કામ:
કોરોનાના સંક્રમણકાળ દરમિયાન જે પણ બાળકો ભણવા આવી શકતાં નહોંતાં તેમને સંગઠન દ્વારા અઠવાડિયાના કરિયાણાનું પેકેજ આપવ્વામાં આવતું હતું. જેમાં ત્રણ કિલો ચોખા, બે કિલો બટાકાં, અડધો કિલો દાળ અને સરસોના તેલનો સમાવેશ થાય છે. દરરોજ સાંજે અરૂપ, ઝમકી અને અવ્ય સ્વયંસેવકો ગાડીમાં સામાન સાથે માસ્ક વહેંચવા નીકળી પડતાં. કોવિડ-19 ના કારણે ગામડાંમાં જીવન તો ચાલી રહ્યું હતું, પરંતુ ખાવા-પીવાની વસ્તુઓની અછત પડવા લાગી હતી અને અરૂપની ટીમે આ અછતને પૂરી કરી. સાથે-સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે, તેમના એનજીઓના બધા જ કર્મચારીઓ અને વૉલેન્ટિયર્સને સેલરી મળતી રહે.
અત્યાર સુધી તેમણે 400 સેક્સ વર્કર્સને કરિયાણુ અને ખાવા-પીવાની વસ્તુઓની અછત પડવા નથી દીધી. ઝમકી કહે છે, “અરૂપ દા એવા વ્યક્તિ છે, જે બીજા સમયના ભોજનની ચિંતા નથી કરતા. જો તેમના ખિસ્સામાં 20 રૂપિયા પણ હોય અને કોઈ તેમની મદદ માંગે તો તેઓ પોતાના માટે 5 રૂપિયા રાખી બાકીના બીજાંની મદદમાં આપી દે છે.”
ફંડિંગ બાબતે અરૂપ કહે છે, “અત્યાર સુધીમાં ઘણા લોકોની મદદ મળી રહી. સોશિયલ મીડિયામાં માત્ર એક પોસ્ટથી ઘણા લોકો મદદ માટે આગળ આવે છે. મેં મારા 45 વર્ષની બચત પણ આ સંસ્થાને જ સમર્પિત કરી દીધી છે.”
અંતે તેઓ માત્ર એટલું જ કહે છે કે, તેમના જીવનમાં જેટલાં પણ વર્ષ બચ્યાં છે તેમને તેઓ બીજાંની મદદ માટે સમર્પિત કરે છે.
જો તમને અમારી આ કહાની ગમી હોય અને તમે અરૂપ સેનગુપ્તાનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, તેમની સંસ્થાની વેબસાઇટ પર જઈ શકો છો.
આ પણ વાંચો: રાજકોટની આ મહિલાને લાગ્યું છે સેવાનું ગાંડપણ, માનસિક અસ્થિર લોકોની સેવાને બનાવ્યું પોતાનું જીવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.