ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, ઘણા લોકોએ તેમના ફ્રી ટાઇમમાં ઘરોમાં બાગકામ શરૂ કર્યું હતું. આ લોકોમાં પંજાબના અવતારસિંહ સંધુ અને તેમની પત્ની મનિન્દરજિત કૌર પણ છે. આજે તેમની બાગાયતી અન્ય લોકો માટે એક ઉદાહરણ છે, કેમ કે તેમને લીલા શાકભાજી માટે બજારમાં જવું પડતું નથી.
કપૂરથલા જિલ્લાના તલવંડી ચૌધરિયા ગામના રહેવાસી અવતાર સિંઘ, એક સરકારી શાળામાં કમ્પ્યુટર શિક્ષક અને મનિન્દરજિત ગૃહિણી છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમણે કહ્યું, “કોરોના રોગચાળા અને લોકડાઉન દરમિયાન, અમે ઘરે રહેવાનું યોગ્ય માન્યું. આ દરમિયાન આખો પરિવાર એક સાથે સમય વિતાવતો હતો. અમે મારી માતાને પૂછીને ટેરેસ પર તંદૂર લગાવ્યું અને બસ તેમના હાથની તંદૂરી રોટલી અને પરાઠાનો આનંદ માણવાનું શરૂ કર્યું. મનિન્દરજી સારા-સારા શાક બનાવતા. પરંતુ પછી ધીમે ધીમે લાગ્યુ કે આપણા પોતાના મકાનમાં શાકભાજી ઉગાડીએ તો કેટલું સારું છે અને બહાર જવાની કોઈ ખાસ જરૂર નથી.”
આ વિચારને ધ્યાનમાં રાખીને, અવતાર અને મનિન્દરજિતે બાગકામની શરૂઆત કરી. તેઓ કહે છે કે તેઓએ તેમના છત પર કેટલાક ક્યારા બનાવ્યા અને કેટલાક કુંડાની વ્યવસ્થા કરી. આ સિવાય તેણે પ્લાસ્ટિકની બોટલો, કેન, ટબ અને ડોલ વગેરેનો પણ ભરપુર ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે બંનેએ નક્કી કર્યું હતું કે, તેમણે આ કરવાનું છે.

છત પર રોપ્યા 85 પ્રકારનાં ઝાડ-છોડ
અવતાર અને મનિન્દરજીએ પહેલા નાની શરૂઆત કરી અને પછી ધીમે ધીમે પોતાનું કામ વધાર્યું. તેમણે જણાવ્યું કે તેમણે પહેલા ટેરેસ પર ત્રણ મોટા ક્યારા બનાવ્યા અને તેમાં ફુદીનો, ધાણા, પાલક વગેરે લગાવવાની શરૂઆત કરી. પછી તેમની છત પર કુંડાની સંખ્યા વધવા માંડી. તેમણે જણાવ્યું હતું કે આજે તેમના ટેરેસ પર 256 કુંડા છે, જેમાં તે વિવિધ પ્રકારનાં વૃક્ષો અને છોડ વાવે છે. શાકભાજી, ફળો ઉપરાંત, તમને તેમના બગીચામાં ઔષધીય છોડ અને કેટલાક સુશોભન છોડ પણ મળશે.
“અમે ટેરેસ પર મોસમી શાકભાજી રોપીએ છીએ અને હાલમાં, લગભગ 13 શાકભાજી છે જેમ કે રીંગણા, ટામેટા, કેપ્સિકમ, કોળું, વગેરે. શાકભાજી ઉપરાંત અમે ટેરેસ પર કેરી, લીંબુ, જામફળ જેવા ફળોના 13 વૃક્ષો વાવ્યા છે. ટેરેસ પર 19 ઔષધીય છોડ પણ છે, જેમાં ઓડોમોસ, અશ્વગંધા, લેમન ગ્રાસ, કપૂર તુલસી, કપૂર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય 40 પ્રકારના સુશોભન છોડ પણ શામેલ છે,”તેમણે ઉમેર્યું. ઓડોમસ પ્લાન્ટ વિશે, તેઓ કહે છે કે આ છોડ હોવાને લીધે મચ્છર અને જીવાતો અમારા છોડને ખરાબ કરતા નથી.

અવતાર સિંઘ કહે છે કે લગભગ 95% તેમના રસોડાની જરૂરિયાત બગીચામાંથી પુરી થાય છે. આ સાથે, તેઓ તેમના પડોશીઓના ઘરે શાકભાજી પણ પહોંચાડે છે. “અમે અમારા બગીચા માટે જાતેજ જૈવિક ખાતર અને સ્પ્રે તૈયાર કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે અમારા ઘર અને બગીચામાંથી કોઈ પણ પ્રકારનો ઓર્ગેનિક કચરો બહાર ન જાય. અમે બધા પ્રકારની છાલો, સૂકા પાંદડા, ડાળીઓમાંથી ખાતર બનાવીએ છીએ.” તેમનો બગીચો સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. તેઓ તેમના બગીચામાં કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા નથી.
બાગકામ માટેની કેટલીક ટિપ્સ
તેમણે વધુમાં જણાવ્યું કે તેમનો મહત્તમ પ્રયાસ અન્ય લોકોને પણ બાગકામ કરવા પ્રેરણા આપવાનો છે. આ કાર્યમાં તેઓ અમુક અંશે સફળ પણ થાય છે. તેઓ કહે છે કે બધા લોકોએ તેમના ઘરોમાં ઉપલબ્ધ ખાલી જગ્યામાં કેટલાક વૃક્ષો અને છોડ લગાવવાનો વિચાર કરવો જોઇએ. શરૂઆતમાં નાનો પ્રારંભ કરો અને પછી ધીમે ધીમે આગળ વધો. બાગાયતી બાબતે સલાહ આપતા તેઓ કહે છે, “બાગકામની સૌથી મહત્વની વસ્તુ જમીન છે. તેથી, એવી જગ્યાએથી માટી લાવો જ્યાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય. જેમ કે અમે વ્યાસ નદીની નજીકથી માટી લાવ્યા અને ઇંટ ભઠ્ઠાની નજીકથી કેટલીક માટી લાવ્યા હતા. કેમ કે જો તમે એવી જમીનમાંથી માટી લેશો જ્યાં રાસાયણિક ખેતી થાય છે, તો તે સારું રહેશે નહીં.”
તે પછી વાત આવે છે બીજ અને છોડની. આના પર સંધુ દંપતી કહે છે કે તમે ભલે બીજ લો કે છોડ, પરંતુ હંમેશા તેને વિશ્વાસપાત્ર સ્થળેથી લો. કારણ કે છતની ઉપર બાગકામ માટે ઓછા બીજ અથવા છોડની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આપણા દ્વારા લાવેલા બધા બીજ અથવા છોડનો વિકાસ થાય. તેઓ વધુમાં કહે છે કે બાગકામ માટે પોર્ટિંગ મિક્સ બે રીતે તૈયાર કરી શકાય છે. ફૂલો અથવા શાકભાજી જેવા નાના છોડ માટે, તમે 40% માટીને 30% કોકોપેટ, 10% રેતી અને 20% ખાતર સાથે મિક્સ કરી શકો છો.

પરંતુ મોટા વૃક્ષો જેવાકે ફળોનાં ઝાડ માટે, તમારે વધુ માટી અને કોકોપેટની ઓછી માત્રા લેવી જોઈએ. ઉપરાંત, શરૂઆતમાં સીઝન મુજબ વૃક્ષો અને છોડ રોપાવા જોઈએ અને નિયમિતપણે પાણી આપવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેને બાગકામ કરવામાં સફળતા મળવા લાગી ત્યારે બાળકોએ તેમને સલાહ આપી કે તેણે તેની યાત્રાને યાદગાર બનાવવી જોઈએ. તેથી તેણે વિડીયો બનાવવાનું અને તેમને યુટ્યુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું.
મારી પોતાની બાગકામ યુટ્યુબ ચેનલ શરૂ કરી
પહેલા તેમણે પોતાની યુટ્યુબ ચેનલને ‘અવતારસિંહ સંધુ‘ નામથી પંજાબી ભાષામાં શરૂ કરી. પરંતુ પંજાબીમાં તેમને લોકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો નહી. આ પછી, તેમણે હિન્દીમાં ‘ગ્રીન લાઇફ ડાયરીઝ‘ નામની બીજી યુટ્યુબ બાગકામ ચેનલ શરૂ કરી. તેની ચેનલને શરૂઆતથી જ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
તેમની ચેનલ દ્વારા, તે લોકોને તેમના બગીચા અને બાગકામ સંબંધિત અન્ય માહિતી આપે છે. “હું માનું છું કે બધા લોકોએ તેમના ઘરે શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. આનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને બાગકામ કરીને તેઓ તેમના બાળકોને ઘણું શીખવી શકશે,” તેમણે અંતે કહ્યુ.
જો તમે તેમનો સંપર્ક કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.