ડૉક્ટર કૌશલ્યા સંતાનમ અને તેમના પતિ ડોક્ટર મુરલીધરા પાડિગરુ, બન્ને પ્રકૃતિ પ્રેમી છે. તેઓ બેંગલુરુમાં પોતાના ઘરની મોટાભાગની જગ્યા બગીચા માટે જ ઉપયોગ કરે છે. તેમણે ખૂબ ઝાડ અને છોડ લગાવીને પોતાના ઘરને ચારેબાજુથી હરિયાળી જ હરિયાળી બનાવી છે. ઘરના પહેલા અને બીજા ફ્લોર પર પણ, તેમણે ખૂબ જ વધારે પ્રમાણમાં સુંદર ઝાડ અને છોડ લગાવ્યા છે. આ ઉપરાંત ઘરની અંદર પણ ઈન્ડોર પ્લાન્ટ્સ છે.
કૌશલ્યા અને મુરલીધરા, બન્ને વૈજ્ઞાનિક છે અને ફાર્મા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. કૌશલ્યાએ જણાવ્યું કે, ‘વૈજ્ઞાનિક હોવાની સાથે જ તે પેટન્ટ એટોર્ની તરીકે પણ કામ કરે છે. પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવા છતાં પણ, આ દંપતિ ગાર્ડનિંગ માટે સમય નીકાળી જ લે છે.’ તેમનું કહેવું છે કે, ‘જો કોઈ વસ્તુને તમે દિલથી કરવા જ ઈચ્છો છો તો તેના માટે સમય કાઢવો જરાપણ મુશ્કેલ નથી.’ આ બન્નેને નાનપણથી જ, ગાર્ડનિંગનો શોખ છે અને સમય સાથે તેમનો લગાવ વધતો જ ગયો.
આશરે 10 વર્ષ અમેરિકામાં રહ્યા પછી વર્ષ 2005માં તેઓ ભારત પરત ફર્યા હતાં. તેમણે જણાવ્યું કે, ‘જ્યારે અમે અમેરિકામાં રહેતા હતા, તો ત્યાં પણ પોતાના ઘરમાં, કેટલાક છોડ લગાડવાની કોશિશ કરતા હતાં. જ્યારે અમે ભારત પરત ફર્યા, તો છ વર્ષ મુંબઈમાં રહ્યાં, અમેરિકાની જેમ જ મુંબઈમાં પણ જગ્યાની ખૂબ જ શોર્ટેજ રહેતી હતી. આ માટે જ અમે બેંગલુરુમાં પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો. વિચારી જ લીધું કે આ ઘરમાં અમે વધારે જગ્યા બગીચા માટે જ રાખીશું.’

લગાવ્યા આશરે 4000 ઝાડ અને છોડ
તેમણે પોતાના બેંગલુરુ સ્થિત ઘરમાં વર્ષ 2012માં શિફ્ટ થયા હતાં. એ વર્ષે તેમણે પોતાના ઘરમાં જ ગાર્ડનિંગ શરુ કર્યુ હતું. આઠ-નવ વર્ષમાં તેમના બગીચા (House Garden)માં ઝાડ-છોડ વધ્યા જ છે. ક્યારેય ઓછા નથી થયા. સૌથી પહેલા, તેમણે ગ્રાઉન્ડ ફ્લોરની ખાલી જમીનને હરિયાળી બનાવી. આ સાથે જ ઘરમાં નાનું તળાવ પણ બનાવ્યું. જેમાં વોટર લીલીના છોડ લગાવ્યા હતાં. તેમના તળાવમાં અઢળક રંગબેરંગી માછલીઓ પણ છે.
કૌશલ્યાએ કહ્યું કે, ‘આ તળાવ શરુઆતથી જ અમારા ઘરમાં છે અને હવે અમારે તેની વધુ દેખરેખ પણ કરવી પડતી નથી. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ઘરની આગળની તરફ, ફોલિએજ પ્લાન્ટ્સ અને ફૂલના અનેક સુંદર ઝાડ-છોડ છે. જ્યારે ઘરની પાછળની તરફ અમે ફળોના ઝાડ લગાવવાની કોશિશ કરી પરંતુ તડકાની ઉણપના કારણે કેટલાક ફળો જ સુરક્ષિત રહી શક્યા હતાં. જેમ કે, નારિયેળ, દાડમ, એવોકાડો વગેરે…’
ઘરની અંદર ઝાડ-છોડ લગાવવાની સાથે જ તેમણે ઘરની બહાર પણ બદામ, અંજીર અને આમળા જેવા ઝાડ લગાવ્યા છે. ઘરના પહેલા અને બીજા માળ પર પણ તેમણે અનેક રીતના છોડ લગાવ્યા છે તેમના ઘરમાં તમને ફોલિએજ, સક્યૂલેન્ટ અને ઈન્ડોર પ્લાન્ટથી લઈને ફળ, ફૂલ અને શાકભાજીઓના છોડ મળી જશે. તેઓ મોટાભાગે ટામેટા, મરચા, દૂધી, ટિંડા, પાલક, મેથી, કારેલા, રિંગણા વગેરે ઉગાડે છે. તેમના ઘરમાં 22 પ્રકારના જાસૂદ, નવ રીતની ચમેલી અને કેટલાય રીતના ગુલાબના છોડ પણ છે.

તેમણે જણાવ્યું કે, તેમના ઘરમાં 700થી વધારે પ્રકારની જાતના આશરે 2000 ઝાડ-છોડ છે. તેમના ઘરની અંદર-બહાર અને ઉપર-નીચે, તમને હરિયાળી જ હરિયાળી જોવા મળશે. છોડવા લગાવવા માટે તેઓ ટેરેકોટા, પ્લાસ્ટિક અને સિરામિકના કૂંડાનો ઉપયોગ કરવા ઉપરાંત કેટલીક, બેકાર પડેલી વસ્તુઓથી પણ કૂંડા બનાવે છે.
તેમણે જણાવ્યું કે, ‘થોડા સમય પહેલા, અમે પોતાના બગીચામાં એક ગ્રીનહાઉસ પણ લગાવ્યું હતું. જોકે, નારિયેળનું એક ઝાડ પડ્યું અને તે ખરાબ થઈ ગયું હતું. આ કારણે જ અમે તે જગ્યાને હવે ‘વર્ટિકલ ગાર્ડન’માં ફેરવી નાખી છે. અમારે ત્યાં હેંગીંગ છોડવાઓ પણ છે.’
ગાર્ડનિંગની સાથે જ, કૌશલ્યાને પેઈન્ટિંગ કરવાનો પણ શોખ છે. આ કારમે તે પોતાના ઘરની દિવાલો પર પણ સુંદર પેઈન્ટિંગ કરતી રહે છે. તેમની આ કળા તેમના બગીચાને સુંદર બનાવે છે.
પોતે જ બનાવે છે ખાતર
તેમણે જણાવ્યું કે ગત નવ વર્ષથી, તેઓ પોતાના ઘરના ભીના અને જૈવિક કચરાથી ખાતર બનાવી રહ્યા છે. તેમના ઘરમાંથી કોઈપણ રીતનો જૈવિક કચરો બહાર નથી જતો, શરુઆતમાં તેમણે કમ્પોસ્ટિંગ માટે પોતાના બગીચામાં જ બે ખાડા બનાવ્યા હતાં. જેમાં તેમની રસોઈથી નીકળતા કચરાથી જૈવિક ખાતર પણ બને છે.

જેમ જેમ તેમના ઘરમાં ઝાડ અને છોડ વધવા લાગ્યા તો ખૂબ જ વધારે માત્રામાં પાન અને ડાળીઓ વગેરે એકઠા થવા લાગ્યા. જે પછી તેમણે 3 કમ્પોસ્ટિંગ બિન તૈયાર કર્યા. જેમાંથી એક બિનને ઘરની બહાર રાખ્યું છે. કારણકે તેમના ઘરની બહાર પણ અનેક ઝાડ છે. રસ્તો સાફ કરનાર કર્મચારી, પાનને એકઠા કરીને ફેંકવા અથવા તો સળગાવવાની જગ્યાએ તે કમ્પોસ્ટિંગ બિનમાં નાખી દે છે.
દરેક છોડ માટે તેઓ જૈવિક ખાતરનો જ ઉપયોગ કરે છે. તેઓ ઘર પર જ આશરે 70% ખાતર બનાવી લે છે. આ ઉપરાંત, તેઓ બકરીની લીંડીનું ખાતર ખરીદે છે. તેમણે કહ્યું કે, બકરીની લીંડીની ખાતરથી તેમને સારા પરિણામો મળ્યા છે. અગાશી પર રાખેલા કૂંડામાં કોકોપીટનો વધારે ઉપયોગ કરે છે. જેથી છોડનું વજન ઓછું રહે છે અને છત પર વધારે ભાર પણ પડતો નથી. ઝાડ-છોડ પર કીટક ન થાય તે માટે તેઓ લીમડાના તેલનો છંટકાવ કરે છે.
ઘરમાં ઝાડ-છોડ હોવાના કારણે હવે તેમને ત્યાં અનેક રીતના પક્ષી અને જીવ-જંતુ પણ આવવા લાગ્યા છે. ચકલી, પતંગિયા, ભમરાથી લઈને હવે ખિસકોલી, દેડકા અને નાના સાપ પણ તેમના (House Garden)માં આવે છે. જોકે, કૌશલ્યા અને મુરલીધરા તો શું, તેમના બાળકો પણ આ જીવોને કશું નુકસાન નથી પહોંચાડતા. તેમણે કહ્યું કે, ‘અમને લાગે છે કે પ્રકૃતિ પર પહેલો હક આ જીવોનો જ છે. આ કારણે અમે કેટલાક જીવોને જો આશરો આપી શકતા હોય તો તેનાથી વધુ સારુ શું કહેવાય!’

રિસાયકલ્ડ પાણીથી કરે છે સિંચાઈ:
મુરલીધરાએ કહ્યું કે પ્રકૃતિથી જોડાયેલા હોવાના કારણે તેમની જીવનશૈલીમાં સકારાત્મક અસર પડી છે. જેમ કે તેઓ પાણીના સંરક્ષણ વિશે વધારે ધ્યાન આપે છે. તે સ્થાનિક ઉપયોગ માટે લેવાતા પાણીને હંમેશા સાચવીને અને જાળવી રાખે છે. તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂજળ સ્તર ઓછું હોવાના કારણે દરેક લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, અમે હંમેશા પ્રકૃતિ સામે સજાગ રહ્યા છીએ. આ કારણે અમે પહેલા ROથી નીકળતા ‘વેસ્ટ વોટર’ને ડ્રમ અથવા તો બાલટીમાં એકઠું કરતા હતા પરંતુ અમને લાગ્યું કે અમારે કશુંક કરવાની જરુર છે.’
વર્ષ 2019માં તેમણે પોતાના ઘરમાં ‘ગ્રેવોટર રિસાઈકલિંગ સિસ્ટમ’ લગાવી. જેથી તેઓ પોતાના ઘરના બાથરુમ અને રસોઈમાંથી નીકળતા બેકાર અને ગંદા પાણીને રિસાઈકલ કરીને, બગીચા માટે ઉપયોગમાં લેતા હતાં. છેલ્લા બે વર્ષોથી, તેમના બગીચા (House Garden)ની સિંચાઈ માટે તાજા પાણીનો ઉપયોગ નથી કર્યો.
તેમના ઘરમાં AC પણ નથી. તેઓ કહે છે કે, “અમે હંમેશાથી જાણીએ છીએ કે AC પર્યાવરણ અને સ્વાસ્થ્ય બન્ને માટે હાનિકારક છે. આ કારણે અમે ક્યારેય પણ AC નથી લગાવ્યું. ઉપરાંત અમારા ઘરમાં જ એટલા ઝાડ અને છોડ છે કે ઘર આપોઆપ ઠંડુ રહે છે. લોકોને લાગે છે કે ઘરમાં ઝાડ છોડ લગાવવાથી કોઈ ફરક નથી પડતો પરંતુ અમારો અનુભવ કહે છે કે, ઝાડ-છોડથી ઘરમાં સારી અસર પડે છે અને તાપમાન નીચું રહે છે. અમે હંમેશા કોશિશ કરીએ છીએ કે લોકોને પણ પ્રેરણા આપીએ કે તેઓ ઘરમાં વધુમાં વધુ ઝાડ-છોડ લગાવે.
પોતાના બગીચાની સુંદરતાને નિખારવા માટે, કૌશલ્યાએ વર્ષ 2017માં પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ‘heartingreens’ પણ શરુ કર્યું. જેના પર તે પોતાના બગીચાની (house garden) તસવીરો અને જાણકારી પણ મૂકતા રહે છે. જો તમે પણ તેમના બગીચા વિશે વધારે જાણવા ઈચ્છો છો અથવા તો તેનો સંપર્ક કરવા ઈચ્છો છો તો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.