આજથી ત્રણ વર્ષ પહેલાં ઘર બનાવતી વખતે એક લીમડો કાપવો પડ્યો, એ વાતનું એટલું બધું દુ:ખ થયું કે, નક્કી કરી લીધું કે, હવે શક્ય એટલાં વધુ વૃક્ષો વાવીશ.
અમે આજે વાત કરી રહ્યા છીએ દાહોદ જિલ્લાની સીંગવડ તાલુકાની ધામણબારી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હરદેવસિંહ સિંધવની. જ્યારે તેમનું ઘર બોટાદ જિલ્લાના ઢસા ગામમાં છે. પહેલાં નળીયાવાળા ઘરમાં જ રહેતા હરદેવસિંહે વર્ષ 2017 માં નવું ઘર બનાવ્યું. તે સમયે બે ભાઈ, પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હરદેવસિંહે જરૂર પૂરતી જગ્યામાં જ ઘર બાંધ્યું અને બાકીની જગ્યામાં શક્ય એટલી વધારે હરિયાળી કરવાનું શરૂ કર્યું.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “પહેલાં અમે નળિયાવાળા ઘરમાં જ રહેતા હતા. ઘર માટે જગ્યા પણ વિશાળ હતી એટલે 2017 માં પાકુ ઘર બનાવવાનું નક્કી કર્યું. આમ તો અહીં ઘણાં ઝાડ છે. અહીં એક લગભગ 40 વર્ષ જૂનું બદામનું ઝાડ છે. પરંતુ એક લીમડો કાપવો પડ્યો એટલે તેની જગ્યાએ ઓછામાં ઓછામાં ઓછાં બીજાં 10 વૃક્ષો વાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ વૃક્ષોની સાથે-સાથે ઘર બની ગયા બાદ મેં હવાને શુદ્ધ કરતા એરિકા પાન, ફાયકસ સહિત છોડથી શરૂઆત કરી.”

અત્યારે તો તેમના ઘરની આસપાસની જગ્યામાં મીઠો લીમડો, તુલસી, ગુલાબ, બોટલ પામ, અનેક ઑક્સિજન પ્લાન્ટ, ફોનેક્ષ પામ, પરિજાત, ચંપો, કરેણ, મોગરો સહિત 200 કરતાં પણ વધારે ઝાડ-છોડ છે. તો મધુમાલતી, ત્રમપેટ, બોગનવેલ, પડદાવેલ, કૄષ્ણવેલ, એલો આલા મંડા, ફ્લેમિંગ ગ્લોરી, લસણિયા વેલ સહિત ઘણી વેલ છે. ઘરની બહાર છાંયડા માટે શેડની જગ્યાએ તેમણે વેલથી જ છજુ બની રહે એ પસંદ કર્યું અને આ માટે મધુમાલતી અને દ્રાક્ષનો માંડવો તૈયાર કર્યો.

જ્યારે ઘર બનાવ્યું ત્યારે છૂટાં-છવાયાં ઝાડ સિવાય બીજું કઈં નહોંતુ આસપાસ, તેની જગ્યાએ અત્યારે ચારેય બાજુ હરિયાળી છે. આ બધા છોડ અને વેલની સિવાય બદામડી, જાંબુડો, ચીકુડી, જામફળ, સીતાફળ અને શેતુરનું ઝાડ છે. બધાં ફળવાળાં ઝાડ હોવાથી રોજ અસંખ્ય પક્ષીઓ આવે છે અહીં અને તેમના કલબલાટની વચ્ચે આપણે જાણે નાનકડા જંગલમાં આવી ગયા હોઈએ તેવો જ અદભુત અનુભવ થાય આપણને.
આમ તો હરદેવસિંહ ખેડૂત છે એટલે ખેતી પણ કરે છે. ખેતરમાં પણ તેમણે ઘણાં વૃક્ષ વાવ્યાં છે જેથી અબોલ જીવોને ખોરાક અને વસવાટ મળી રહે. ખેતરમાં લગભગ 60 જેટલાં જામફળનાં ઝાડ, દાડમ છે. જેમાંથી તેઓ ક્યારેય ફળ ઉતારી બજારમાં વેચતા નથી. મોટાભાગનાં ફળ પક્ષીઓ જ ખાય છે. આ સિવાય ઉમરાનાં ઝાડ, પીપળા, સત્પપર્ણી, વડ છે, જેમાં અસંખ્ય પક્ષીઓનો વસવાટ છે. આ સિવાય તેઓ દર વર્ષે 100-150 ચકલીના માળા મંગાવી શાળામાં, ખેતરમાં અને ઘરમાં લગાવે છે અને ગામલોકોના ઘરમાં પણ લગાવી આપે છે. જેથી ઉનાળા અને ચોમાસામાં ચકલીઓને સુરક્ષિત ઘર મળી રહે. અને અત્યાર સુધીના તેમના અનુભવ અનુસાર, લગભગ દરેક માળામાં ચકલીઓ આવીને વસે પણ છે.

માત્ર પોતાના ઘર અને ખેતરમાં જ નહીં, પરંતુ શાળામાં પણ તેમને ખૂબજ સુંદર બગીચો બનાવ્યો છે. તેમના આખા તાલુકામાં આટલો સુંદર બગીચો કોઈ શાળામાં નથી.
હરદેવસિંહ પોતે પણ ખેડૂત હોવાથી ઘરે પશુપાલન પણ કરે છે. ઘરે જ ગાયો-ભેંસો છે. એટલે તેમના છાણમાંથી બનતા છાણીયા ખાતરનો જ તેઓ ખેતર અને ઘરના ગાર્ડનમાં ઉપયોગ કરે છે.
ઘરમાં બધી જ આધુનિક સુવિધાઓ છે. એસી, ફ્રિજ, ટીવી, પંખા બધુ જ છતાં લાઈટ બીલ નથી ભરવું પડતું. આ માટે તેમણે 3.30 KV ની સોલાર સિસ્ટમ નખાવી છે. જેમાં તેમને લાઈટ બીલ ભરવું તો નથી પડતું, પરંતુ જરૂર કરતાં વધારે ઉર્જા ઉત્પન્ન થવાથી સરકાર દ્વારા તેમને વધારાનું વળતર મળે છે.

આ સોલાર પેનલ તેમને સરકારની સબસિડી બાદ 90 હજારમાં પડ્યો હતો. જે રોજના 17-18 યુનિટ ઉત્પન્ન કરે છે. તો સામે તેના મેન્ટેનેન્સ માટે ખાસ કઈં કરવાની જરૂર નથી પડતી. દર થોડા દિવસે કપડાથી તેને સાફ કરતા રહેવાથી પૂરતી એનર્જી મળતી રહે છે.
આ સિવાય તેમણે ઘરમાં મોટી અંડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવી છે. એટલે આ વર્ષથી તેઓ તેમાં વરસાદનું પાણી ફિલ્ટર કરીને ભરવાનું વિચારે છે. જેથી આખા વર્ષ દરમિયાન રસોઈ અને પીવા માટે વરસાદનું પાણી પણ મળી રહે.

તો પેટ્રોલ બચાવવા અને પ્રદૂષણ ઘટાડવાની પહેલ અંતર્ગત દર શનિવારે તેઓ ગાડી કે બાઈકનો ઉપયોગ કરવાની જગ્યાએ સાઈકલ લઈને શાળાએ જાય છે. કઈં કામ માટે બજાર જવાનું થાય તો ત્યાં પણ સાઈકલ લઈને જ જાય છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હરદેવસિંહનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો, તેમનો 75676 33068 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.