ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના કિરતપુરની રહેવાસી અપ્રતી સોલંકીએ ગાર્ડનિંગ પ્રત્યે બહુ લાગણી છે. સ્થાનિક રૂહેલખંડ વિશ્વવિદ્યાલયમાં એમ.એ. (ઈતિહાસ) ના અંતિમ વર્ષની વિદ્યાર્થીની અપ્રતીને બાળપણથી જ ગાર્ડનિંગનો બહુ શોખ છે. જ્યારે તે પોતાના વાવેલ ઝાડ-છોડને મોટા થતા જુએ છે ત્યારે તેને સારા ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાય છે.
અપ્રતીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “પ્રકૃતિ સાથેનો મારો પ્રેમ સ્વાભાવિક છે, કારણકે મારા દાદા અને પિતાને પણ ગાર્ડનિંગનો બહુ શોખ હતો, અને મેં એ પરંપરાને જાળવી રાખી છે. મને લાગે છે કે ગાર્ડનિંગ માઈન્ડ થેરેપી માટે સૌથી સારો રસ્તો છે. તે નકારાત્મક વિચારોને આપણાથી દૂર રાખે છે.”
અપ્રતી પાસે બે બગીચા અને એક ટેરેસ ગાર્ડન છે, જ્યાં તે 100 કરતાં વધારે પ્રકારના ઝાડ-છોડની જૈવિક ખેતી કરે છે. અપ્રતી પોતાનાં ઉત્પાદનોને પોતાના ગામના લોકોને આપે છે અને બદલામાં કોઈ પાસેથી પૈસા નથી લેતી.
અપ્રતી જણાવે છે, “એક સમયે મારા ઘરની સામે એક તળાવ હતું, જેમાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારબાદ મારા પિતાએ તેમાં માટી ભરી ત્યાં ફળવાળાં ઝાડ વાવ્યાં, ધીરે-ધીરે આ સીલસીલો વધતો ગયો. આજે અમે કેરી, જામફળ, દાડમ જેવાં ફળવાળાં ઝાડની સાથે-સાથે ગળો, કાલાબાંસા, થોર જેવા ઘણા ઔષધીય છોડની ખેતી પણ કરીએ છીએ. અમારા ઘરના પ્રવેશ દ્વાર પર ડ્રેસિના, કાર્ડબોર્ડ પામ, બાસ્કેટ પ્લાન્ટ, એરોકેરિયા જેવા ઘણા સજાવટના છોડ વાવ્યા છે. આ સિવાય, ઘરના ધાબા પર 200 કરતાં વધારે કુંડાં છે, જેમાં ઘણા પ્રકારના નાના થડ વાળાં ઝાડ અને છોડ વાવેલ છે. બહુ જલદી અમે જૈવિક શાકભાજીની ખેતી પણ શરૂ કરશું.”

અપ્રતી પાસે સીમેન્ટ, સિરામિક અને પ્લાસ્ટિકનાં કેટલાંક કુંડાં છે, પરંતુ તે માટીનાં કુંડાંને વધારે મહત્વ આપે છે, કારણકે તે દરેક ૠતિમાં છોડ માટે ભેજ જાળવી રાખે છે. આ સિવાય, તે ટાયર, જૂની બોટલ, ચાની કુલડી, લોટના થેલા, ચાનાં પેકેટ જેવી ઘરની નકામી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. જ્યારે તે માટીના નકામા માટલામાં કિચન વેસ્ટ અને છાણ નાખીને ખાતર બનાવે છે, જેથી દુર્ગંધ નથી આવતી અને તેમાં કીડા પણ નથી પડતા.
અપ્રતી લોકોને ગાર્ડનિંગ સંબંધીત યોગ્ય માહિતી અને ટિપ્સ આપવા માટે યૂ-ટ્યૂબ વિડીયો પણ બનાવે છે, જેને દર મહિને 1.50 લાખ કરતાં પણ વધારે લોકો જુએ છે.
ધ બેટર ઈન્ડિયાએ અપ્રતી સાથે ખાસ વાતચીત કરી અને તેમની પાસેથી ગાર્ડનિંગને જાણ્યું અને સમજ્યું. તમે અહીં અમારી વાતચીતના અંશ વાંચી શકો છો.

- ગાર્ડનિંગની શરૂઆત કેવી રીતે કરવી?
અપ્રતી: ગાર્ડનિંગની શરૂઆત હંમેશાં ફુદીનો, વિનકા, પોર્ચુલૈકા, સ્પાઈડર પ્લાન્ટ જેવા નાના અને સરળતાથી ઊગતા છોડથી કરવી જોઈએ.
- જો કોઈ પહેલીવાર ગાર્ડનિંગ કરતું હોય તો, તેને કેવા પ્રકારના ઝાડ-છોડની ખેતી કરવી જોઈએ?
અપ્રતી: પહેલીવાર ખેતી કરતા હોવ તો છોડ ન ખરીદવા. ગાર્ડનિંગને ઝીણવટથી સમજવા માટે કટીંગમાંથી છોડ તૈયાર કરો. છો છોડ સૂકાઈ જાય તો તેનાથી તમને ઓછું નુકસાન થશે.

- ગાર્ડનિંગ માટે માટી કેવી રીતે તૈયાર કરવી?
અપ્રતી: ગાર્ડનિંગ માટે છાણ, સૂકાં પાન, કિચન વેસ્ટના કંપોસ્ટને મિક્સ કરી માટી તૈયાર કરો. જો માટી કડક હોય તો તેમાં થોડી રેત મિક્સ કરી લો, જેનાથી માળી પોચી બનશે અને છોડનાં મૂળ સરળતાથી ફેલાઈ સકશે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો.
- શું ધાબામાં ગાર્ડનિંગ કરવાથી નુકસાન થાય છે?
અપ્રતી: ધાબા પર ગાર્ડનિંગ કરતી વખતે બે વાતનું ધ્યાન રાખવું.
એક: ક્યાંય પણ પાણીનું લિકેજ ન હોય.
બીજી: ધાબામાં વધારે પડતું વજન ન થાય એ માટે કોકોપીટ, લાકડાનો વહેર, વગેરેનો ઉપયોગ કરવો.

- ગાર્ડનિંગ માટે ઓછા ખર્ચમાં સંસાધનો કેવી રીતે વસાવવાં?
અપ્રતી: આમ તો ગાર્ડનિંગ માટે ખાસ વધારે ખર્ચની જરૂર નથી પડતી, ઓછા ખર્ચ માટે ઘરમાં પડેલ નકામી વસ્તુઓ, જેમકે, જૂના ડબ્બા, ડોલ, માટલી, બોટલો, કાર્ટૂન વગેરેનો ઉપયોગ કરવો. જ્યારે ખાતર માટે કિચનવેસ્ટનો ઉપયોગ કરવો.
- સિંચાઈ માટે કઈ વિધિનો ઉપયોગ કરવો જોઈએ?
અપ્રતી: સિંચાઈ માટે ડ્રિપ ઈરિગેશન એટલે કે ટપક સિંચાઈ સિસ્ટમનો ઉપયોગ કરવો. તેનાથી પાણીની બચત થશે. તમે ડોલ અને ટબથી પણ સિંચાઈ કરી શકો છો.

- ગાર્ડનિંગ માટે યોગ્ય સમય કયો છે?
અપ્રતી: બહુ વધારે ગરમી અને બહુ વધારે ઠંડીમાં ગાર્ડનિંગ ન કરવું જોઈએ.
- ઝાડ-છોડની દેખભાળ કેવી રીતે કરવી? તેના માટે કેટલો તડકો જરૂરી છે?
અપ્રતી: દરરોજ 10 મિનિટનો સમય છોડને ચોક્કસથી આપો, જેથી તમને ખબર પડી જાય કે, તેમાં કીડા તો નથી પડ્યા. ગરમીમાં હંમેશાં સાંજના સમયે પાણી આપવું અને જરૂર લાગે તો સવારે પણ પાણી આપી શકાય છે. તો શિયાળામાં સવારે પાણી આપવું, કારણકે ઠંડીમાં સાંજે પાણી પાવાથી ફૂગ થઈ શકે છે. સાથે-સાથે શિયાળામાં છોડને 3-5 કલાકનો તડકો અને ગરમીમાં 2-3 કલાકનો તડકો આપવો.

- ઝાડ-છોડના પોષણ માટે ઘરેલુ નૂસખા કયા-કયા છે?
અપ્રતી: ઘરે દાળ-ચોખા કે શાક ધોયાબાદ આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવો. સૂકાં પાન, છાણ અને કિચન વેસ્ટમાંથી જૈવિક ખાત બનાવો અને તેમાં માંસાહાર, રાંધેલ શાક કે પલ્પ ન નાખવાં, નહીંતર ખાતરમાં કીડા પડી જશે. કીડા અને દુર્ગંધથી બચવા છોડ માટીના વાસણમાં વાવો. ખાતર જલદી બને એ માટે કંપોસ્ટ બનાવતી વખતે તેમાં થોડી છાસ કે દહીં મિક્સ કરો. આ સિવા કીડીઓથી બચવા તજ કે હળદરનો ઉપયોગ કરો.

- અમારા વાંચકો માટે કોઈ મહત્વની ટિપ્સ?
અપ્રતી: પર્યાવરણને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે એટલે આપણી બાલ્કની, ધાબા પર કે આંગણમાં જ્યાં પણ જગ્યા મળે ઝાડ-છોડ ચોક્કસથી વાવવા જોઈએ. છોડ વાવ્યા બાદ ધીરજ રાખવી અને નિરાશ જરા પણ ન થવું. જો છોડ સૂકાઈ જાય તો ફરીથી પ્રયત્ન કરવો અને ગાર્ડનિંગનો શોખ જાળવી રાખવો. યાદ રાખો, ઓછામાં ઓછી જગ્યામાં પણ ગાર્ડનિંગ કરી શકાય છે.
આ પણ વાંચો: તમારા રસોડામાં જ ખજાનો છે ફળદાર ઝાડ વાવવાનો ખજાનો, જાણો કેવી રીતે તૈયાર કરવાં બીજ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.