COVID-19 મહામારીએ ડિક્શનરીમાં કેટલાક નવા શબ્દો જોડ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ફ્લેટનિંગ ધ કર્વ, લોકડાઉન, ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટીન, સેલ્ફ ક્વોરન્ટીન સહિત અનેક નવા શબ્દ… તો બીજી બાજુ કેટલાક પોઝિટિવ શબ્દોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે ક્વોરન્ટીન-ક્લીનીંગ, ક્વોરન્ટીન બેકિંગ, ક્વોરન્ટીન કુકિંગ, જોકે, મારો તો મનપસંદ શબ્દ છે ક્વોરન્ટીન ગાર્ડનિંગ.
મારો મતલબ એ છે કે આ લોકડાઉનમાં ઉત્તમ ભવિષ્ય માટે ઘરને લીલું બનાવવાથી વધારે સારું બીજુ શું હોય શકે? નાગપુરની રહેવાસી બે મિત્રો મનીષા કુલકર્ણી અને અંકિતા મસુરકરનું આવું જ માનવું છે. ગ્રીન ગિફ્ટ નામથી સજાવટના છોડની નર્સરી ચલાવનાર આ મહિલાઓ લોકડાઉન દરમિયાન ઘરમાં જ હતી. બેકાર બેસવાના બદલે બન્નેએ પોતાના ખાલી સમયનો સદુપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના આંગણ, છત પર તાજા ફૂલ, ફળ અને શાકભાજીઓ ઉગાડી હતી અને એ પણ 100% ઓર્ગેનિક.
મનીષાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘હાલ તો ઘરની સામે અને પાછલા ભાગમાં ફળ અને શાકભાજીઓ સાથે જ ઝાડીઓ અને નાના-નાના અન્ય ફળ-ફૂલ રહ્યાં છે તો અંકિતાએ પોતાના એપાર્ટમેન્ટની અગાશીને અર્બન ગાર્ડનમાં બદલી છે.’

નવી પેઢીના લોકોમાં ગિફ્ટ આપવાની રીતમાં બદલાવ
મનીષા અને અંકિતા બન્નેને નાનપણથી જ છોડવાઓ પ્રત્યે ખૂબ લગાવ છે. મનીષાના પિતાની નર્સરીનો બિઝનેસ હતો અને તે ઝાડ-છોડ વચ્ચે જ મોટી થઈ છે. HR પ્રોફેશનલમાંથી તે ધીમે ધીમે ફુલ ટાઈમ ગાર્ડનર બની હતી.
કોર્પોરેટ જગતમાં કામ કરતા તેમણે પોતાના નાના બગીચામાં શાકભાજી ઉગાડવી હંમેશા સારુ લાગતું હતું. બે બાળકોની માતા હોવા છતાં પણ તે એક એવા બિઝનેસમાં આવવા ઈચ્છતી હતી જ્યાં તે પર્યાપ્ત સમય આપી શકે.
મજેદાર વાત એ છે કે મનિષા હંમેશાથી જ ખાસ તક હોય ત્યારે પોતાના દોસ્તો અને સંબંધીઓને સુંદર છોડ ગિફ્ટ કરતી હતી. મનિષાએ કહ્યું કે, ‘મારા દોસ્તો પોતાના ઘરની સજાવટ માટે સુંદર છોડ ગિફ્ટ તરીકે માગતા હતાં. આ કારણે મેં આ આદત એક વ્યવસાયમાં બદલવાનું વિચાર્યુ હતું.’
આ રીતે તેણે પોતાના બગીચામાં ગાર્ડનિંગ કરવાના શોખને એક પૂર્ણ વ્યવસાયમાં બદલવાનું વિચાર્યુ હતું. મનિષાએ પોતાની સહેલી અંકિતા સાથે ગાર્ડનિંગનો બિઝનેસ શરુ કર્યો હતો. બન્નેએ વર્ષ 2018માં ગ્રિન ગિફ્ટ લોન્ચ કરી હતી. તેમની દુકાન પર અનેક પ્રકારની ઈકો ફ્રેન્ડલી ગિફ્ટ મળે છે. જેમ કે ફેરી ગાર્ડન, મિનિએચર ગાર્ડન, ટેરારિયમ, બોન્સાઈ, બીસ્પોક ગ્રીન વગેરે….

લોકડાઉનમાં બાળકોને ગાર્ડનિંગ શીખવવું
ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાંથી એક છે. અને લોકડાઉનના કારણે આશરે દરેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મનિષા અને અંકિતાને પણ પોતાના બિઝનેસમાં રોક લગાવવી પડી હતી. લોકડાઉનમાં એક અઠવાડિયું પસાર કર્યા પછી તેમણે નિર્ણય લીધો કે હવે તેઓ પોતાના ઘરને જ લીલોતરીમાં ફેરવવાની દિશામાં કામ કરશે.
મારી પાસે પોતાનો એક બંગલો છે. જેમાં સામે અને પાછળના યાર્ડમાં આશરે 100 વર્ગ ફૂટનો બગીચો છે. જેમાં પહેલાથી જ હું કેટલાક શાકભાજી અને ફળ ઉગાડી રહી હતી. જોકે, લોકડાઉનમાં મેં આ જગ્યાને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો.
આમ તો બજારમાંથી બી ખરીદી લાવવું શક્ય નહોતું. આ માટે પોતાના રસોડામાંથી જ બીજ એકઠા કરવાનું શરુ કર્યુ હતું. તેમણે ભોજન બનાવવા માટે એકઠા કરેલા ટામેટા, રિંગણા અને શિમલા મરચું વગેરેના બી એકઠા કરીને તેને સૂકવ્યા અને માટીમાં વાવી દીધા હતાં. થોડા જ સમયમાં અંકુર ફૂટ્યા તો એ જોઈને તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તેણે કહ્યું કે, ‘મારુ લગાવેલું શિમલા મિર્ચ પણ હવે ઉગવા લાગ્યું છે.’
તે જ શહેરમાં જૈવિક ખેતી કરનાર મનિષાના એક દોસ્તે તેને જૈવિક બીજ અને છોડવાઓ ઉપલબ્ધ કરવામાં મદદ કરી હતી. ટૂંક સમયમાં જ તેમના બગીચામાં બ્રોકોલી, કોબી, શિમલા મિર્ચ, રિંગણા, ટામેટાં વગેરેના તાજા જ છોડ જોવા મળ્યા હતાં.
તેમણે પોતાના બાળકોને પણ ભોજન પછી કોઈ બીને ફેંકવાના બદલે માટીમાં લગાવવાનું કહ્યું હતું. ‘સફરજનને બાદ કરતા, મારા બાળકોએ લગાવેલા દરેક બી હવે છોડમાં વિકસિત થયા છે. નાગપુરના ઉષ્ણકટિબંધિત જળવાયુમાં પપૈયું, દાડમ, મોસંબી તેમજ નારંગી જેવા ફળ ઉગતા જોઈને તેઓ ખૂબ જ હરખાય છે.’

ઘરે જ જૈવિક ખાતર અને કીટનાશક તૈયાર કરવું
લોકડાઉન દરમિયાન કચરો લેવા પણ સફાઈ કર્મચારીઓ આવતા નહોતાં. આ પણ એક રીતે આશીર્વાદ બન્યાં. તેમણે પોતાના બગીચામાં પડેલા પાનને એકઠા કર્યા અને ભીના કચરા સાથે ભેળવી દીધા. જેનાથી ઉપજાઉ ખાતર તૈયાર થયું. તે પોતાની નર્સરીમાં સજાવટી છોડવાઓ સહિત દરેક છોડવાઓમાં ઘર બનેલા જૈવિક ખાતરનો જ ઉપયોગ કરે છે.
પોતાના છોડવાઓને કીટક તેમજ જીવડાઓથી સુરક્ષિત રાખવા માટે મનિષાએ ઓર્ગેનિક લિક્વીડ સોપ, બેકિંગ સોડા અને પાણીથી તૈયાર કીટનાશક બનાવ્યું.
મનિષાએ આ રીતે જૈવિક કીટનાશક તૈયાર કર્યુંઃ
2 મોટી ચમચી લિક્વિડ સાબુ
1 મોટી ચમચી બેકિંગ સોડા
1 લીટર પાણી

જો વારંવાર કીટકો આવતા હોય તોઃ
રાતભર પાણીમાં પલાળેલી કાચી તમાકુ
એક લીટર પાણીમાં ભેળવેલું પાતળું એક્સટ્રેક્ટ
અંકિતા પણ ઘરે જ ખાતર બનાવવા અને ઘરમાં જૈવિક કીટનાશક તૈયાર કરવાની આ પ્રક્રિયા અપનાવી રહી છે. તેમના ટેરેસ ગાર્ડનમાં ઈનડોર છોડવાઓ અને ફૂલોની ઝાડી બનાવી છે. તે ગ્રાફ્ટિંગ, લેયરિંગ, બડિંગ અને અન્ય વૃક્ષારોપણ વિધિઓ શીખવામાં મહેનત કરે છે.
આ જોડીએ મેના પહેલા અઠવાડિયામાં પોતાની નર્સરી સર્વિસને નાનાપાયે ફરીથી શરુ કરી છે અને નાગપુરમાં ઓર્ડર મળતાં જ છોડ પહોંચાડવા દરમિયાન દરેક સેનિટેશન પ્રોટોકોલનું પણ પાલન કરી રહ્યાં છે.
મનિષા અને અંકિતાની જેમ જ, અનેક ભારતીય આ લોકડાઉનમાં ક્વોરન્ટીન ગાર્ડનિંગ શરુ કરીને પોતાના ઘરને હર્યુભર્યુ બનાવી રહ્યાં છે. ભલે તે સ્ટૂડિયો એપાર્ટમેન્ટમાં અર્બન જંગલ હોય કે પછી મહાનગરમાં એક વિશાલ બગીચો, દરેક જૈવિક ઉદ્યાનની પોતાની જ અનોખી સુંદરતા છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બાળપણની હરિયાળીની યાદ સતાવતાં સુમિતાએ માત્ર 8 ફૂટની બાલ્કનીમાં વાવ્યા 300+ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.