Search Icon
Nav Arrow
Recycle
Recycle

બોટલ, જૂતાં કે વૉશિંગ મશીન! દરેક નકામી વસ્તુમાં ઉગાડે છે છોડ, 1000+ છોડ છે ધાબામાં

મહારાષ્ટ્રના નાગપુર શહેરના રહેવાસી સંજય પુંડ છેલ્લા 10 વર્ષોથી દરેક નકામી ચીજવસ્તુઓમાં છોડ વાવી ટેરેસ ગાર્ડનિંગ કરી રહ્યા છે .

લોકોમાં છેલ્લા એક વર્ષમાં, ટેરેસ બાગકામ પ્રત્યેની જાગૃતિ વધી છે. આજકાલ મોટાભાગના લોકો ટેરેસ, બાલ્કની અથવા તેમના ઘરની કોઈ ખાલી જગ્યામાં બાગકામ કરી રહ્યા છે. આજે અમે તમને એવાજ એક શિક્ષક સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના ટેરેસને ડમ્પયાર્ડમાંથી એક સુંદર બગીચામાં બદલ્યું છે. તે સાથે જ તેઓ અન્ય લોકોને પણ બાગકામ કરવાની પ્રેરણા આપી રહ્યા છે.

આ કહાની મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતા 57 વર્ષીય સંજય મધુકર પુંડની છે. સંજય પુંડ, લાલ બહાદુર શાસ્ત્રી હાઇ સ્કૂલ, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના આચાર્ય છે. તે ઉપરાંત, છેલ્લા 10 વર્ષોથી ટેરેસ ગાર્ડનિંગ કરી રહ્યા છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું કે, “મોટાભાગનાં ઘરોમાં ટેરેસનો ઉપયોગ ‘ડમ્પયાર્ડ’ તરીકે થાય છે. આપણા ઘરમાં જે પણ વધારાનો સમાન તથા નકામી વસ્તુઓ હોય છે, તેને આપણે ટેરેસમાં રાખીયે છે. અગાઉ મારા ટેરેસની પણ આ જ હાલત હતી. ધાબામાં ઘણી બધી જૂની અને નકામી ચીજો રાખવામાં આવી હતી. પરંતુ બાગકામ કરવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે છત સંપૂર્ણપણે સાફ થઈ ગઈ, તેનું મૂળ કારણ- મેં ઘણી જૂની વસ્તુઓનો ગાર્ડનિંગ માટે ઉપયોગ કર્યો હતો.”

Gardening

અત્યાર સુધી 1000 થી વધુ વૃક્ષો વાવ્યા છે:
શ્રી.સંજયનું કહેવું છે કે, શરૂઆતમાં તેમણે કેટલાક કુંડામાં છોડ રોપ્યા, તો કેટલીક જૂની-વેસ્ટ વસ્તુઓમાંથી કુંડાં બનાવ્યાં. ધીરે ધીરે, ગાર્ડનિંગમાં તેમનો રસ સતત વધવા લાગ્યો, તેથી તેમણે વધુ વિવિધ જાતિના ઝાડ રોપવાનું શરૂ કર્યું. તેમના બગીચામાં શાકભાજીઓ, ફળોથી લઈને પર્ણસમૂહના છોડ, ફૂલો, કેક્ટસ અને રસદાર છોડ પણ છે. તેમણે છોડને રોપવા માટે જૂનું કુલર ટ્રે, જુના બુટ, સ્કૂલ બેગ, પ્લાસ્ટિકનાં ડબ્બા અને બોટલથી લઈને, ટાયર તથા વોશિંગ મશીન સુધીનો ઉપયોગ કર્યો છે. તેમનો બગીચો, જે 1500 ચોરસ ફૂટની જગ્યામાં ફેલાયેલ છે, તે ‘બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ’નું સમાજ માટે એક સરળ ને સુંદર ઉદાહરણ છે. એક સરસ મજાનું ઉદાહરણ છે.

તેમણે જણાવ્યું કે “અમારા ઘરનું જૂનું વોશિંગ મશીન બગડી ગયું ગયું હતું ને નકામું થઈ ગયું હતું તેને વેચવાને બદલે, મેં તેમાંથી એક મોટું કુંડુ બનાવવાનું વિચાર્યું. વોશિંગ મશીનની અંદર ફરતા કન્ટેનરને બહાર કાઢીને, મેં તેમાં સ્ટાર ફળોનું ઝાડ રોપ્યું. આ ઝાડમાંથી અમને સારા ફળ મળે છે. તે પછી, મશીનના વધેલા બહારના કન્ટેનરમાં પોટીંગ મિક્સ ભરી, તેમાં વિવિધ પ્રકારના વેલાઓ રોપ્યા, જે જોવામાં સુંદર લાગે છે, ”.

Gardening Tips

સંજયભાઈના બગીચામાં ફુદીનો, પાલક, ધાણા, રીંગણાં, કોબી, કાકડી જેવી મોસમી શાકભાજીઓના ઝાડની સાથે દાડમ, પેરુ, લીંબુ, મોસાંબી, સીતાફળ જેવા 10 પ્રકારના ફળના ઝાડ પણ છે. તેમણે નાગરવેલ પણ વાવી છે. વિવિધ પ્રકારના કેક્ટસ અને રસાળ છોડ સાથે, તેમના બગીચામાં 110 એડેનિયમ, 25 બોંસાઈ અને કેટલાક ઓક્સિજન ઉત્પન્ન કરતા છોડ પણ છે, જેમ કે સ્નેક પ્લાન્ટ અને પીપળો પણ છે. તે કહે છે કે, “તેમણે લગભગ 100 જેટલા એડેનિયમ પ્લાન્ટની કલમ બનાવવાનું કામ પણ કર્યું છે”. તે બોંસાઈને પણ પોતેજ તૈયાર કરે છે.

પ્રયોગના શોખીન સંજય પુંડે એલોવેરા પ્લાન્ટ સાથે એક અનોખો પ્રયોગ પણ કર્યો છે. તેમણે એલોવેરાના પ્લાન્ટ (કુંવારપાઠાના છોડ) ને ઊંધો લટકાવી વાવ્યો છે. તેમના પ્રયોગ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “મેં પ્લાસ્ટિકની બોટલ લીધી અને નીચેથી એકથી દોઢ ઇંચનું છિદ્ર બનાવ્યું, આ છિદ્રમાં મેં એલોવેરાના મૂળ રોપ્યા અને બોટલની ઉપરની બાજુથી માટી ભરી. જ્યારે બોટલ અડધી માટીથી ભરાઈ ગઈ ત્યારે તેમાં, પાણી ઉમેર્યું. તે પછી, તેને થોડા સમય માટે અલગથી બાજુ પર મૂકી દીધું. બોટલની માટી સુકાઈ ગઈ ત્યારે તેમાં વધુ માટી ઉમેરી અને ફરી પાછું પાણી ઉમેર્યું. આ પછી, તેને ફરીથી સૂકવવા મૂકી દીધું. આ કામ બે-ત્રણ વાર કર્યા પછી, એલોવેરાના મૂળ માટીમાં સ્થિર થઈ ગયા. તે પછી અમે આ બોટલ લટકાડી દીધી.”

આપણે બધા જાણીએ છીએ કે એલોવેરાને સૂર્યપ્રકાશ ગમે છે જેથી આ છોડને જે દિશામાં સૂર્યપ્રકાશ મળે છે, તે દિશામાં છોડ વધે છે. આને કારણે સંજયના બગીચામાં ઊંધું લટકાડેલું એલોવેરા ખૂબ સુંદર આકાર લઈ રહ્યું હતું.

Gujarati News

કાર્બનિક ખાતર પણ બનાવે છે
સંજય બગીચા માટે સ્વયં જૈવિક ખાતર બનાવે છે. આની માટે, તે તેમના રસોડા અને બગીચામાંથી જૈવિક કચરોનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત, તેમના ઘરની બહાર કેટલાક વૃક્ષો છે, જેમાંથી તે નીચે પડેલા પાંદડા જમા કરી તેમાંથી ‘પાંદડાનું ખાતર’ બનાવે છે.

“હું બે ફૂલવાળા પાસેથી બગડેલા અને સુકા ફૂલો પણ એકત્રિત કરું છું અને તેમાંથી ખાતર બનાવું છું. ફૂલોમાંથી ખાતર પણ ઝડપથી તૈયાર થઈ જાય છે. થોડા સમયથી મેં કેળા, ડુંગળી, બટાટા વગેરેની છાલમાંથી પ્રવાહી ખાતર બનાવવાનું પણ શરૂ કર્યું છે. એક સરળ પોટિંગ મિશ્રણ બનાવવા માટે, હું માટી, ચોખાની ભૂકી, પાનનું ખાતર અને કેટલીકવાર પથ્થરનો પાવડર પણ મિક્સ કરું છું.”

Positive News

તેમના મકાનમાં ટેરેસ ગાર્ડન બનાવવા ઉપરાંત, તેમણે તેમની શાળામાં એક કિચન ગાર્ડન પણ બનાવ્યું છે. તેમણે શાળાના બાળકો અને શિક્ષકોને બાગકામ સાથે પણ જોડ્યા છે. તેમણે કહ્યું કે શાળામાં ભણતરની સાથે બાળકોને પ્રકૃતિ સાથે પણ જોડવામાં આવે છે. તે પોતે શાળાના શિક્ષકોને વિવિધ શાકભાજીનાં બીજ આપે છે. શાળામાં પણ શિક્ષકો અને બાળકોની સાથે તેઓએ ઘણાં બધાં શાકભાજીના છોડ વાવ્યા છે. તે કહે છે, “પહેલા મેં કેટલાક શિક્ષકોને બીજ અને છોડ આપ્યાં અને તેમને તેમના ઘરોમાં રોપવાનું કહ્યું.

શાળામાં બાળકો માટેના બાહ્ય પ્રવૃત્તિઓમાં બાગકામ પણ ઉમેરવામાં આવ્યું છે . ધીરે ધીરે ઘણા બાળકો અને શિક્ષકો બાગકામમાં સામેલ થવા લાગ્યા છે.”

હાલમાં શાળાઓ બંધ છે અને આવી સ્થિતિમાં શાળાના સુરક્ષા ગાર્ડે શાળાના બગીચાની સંભાળ લેવાની જવાબદારી લીધી છે. સંજય કહે છે કે તે વોટ્સએપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જોડાયેલા છે. આ ગ્રુપમાં, તે તેમના બગીચાના ફોટા શેર કરે છે અને તેને જોઈને ગ્રુપના અન્ય લોકોને પણ ઝાડ- છોડ રોપવાની પ્રેરણા મળે છે. તેથી જ તે હંમેશાં લોકોને બીજ અને છોડનું વિતરણ કરે છે, જેથી લોકો નાના પાયે બાગકામ શરૂ કરી શકે. અંતમાં, તે કહે છે કે બધા પરિવારોએ તેમના ઘરે વૃક્ષો અને છોડ લગાવવાં જોઈએ, જેથી તમારી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે અને બધે હરિયાળી છવાયેલી રહે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon